‘મુંબઈ સમાચાર’ માટે ૨૦૦ વર્ષની સફરને ખૂબ ખૂબ અભિનંદન: વડા પ્રધાન મોદી

દેશ વિદેશ

ભારત ભાગ્ય વિધાતા હું નહીં, જનતા જનાર્દન છે…

‘મુંબઈ સમાચાર’ એ ફક્ત એક સમાચારનું માધ્યમ નથી, પરંતુ ધરોહર છે. ‘મુંબઈ સમાચાર’ ભારતનું દર્શન છે. ભારતની અભિવ્યક્તિ છે. ભારત કઈ રીતે અનેક ઝંઝાવાતો વચ્ચે પણ અડીખમ રહ્યું તેની ઝલક આપણને ‘મુંબઈ સમાચાર’માં મળે છે: મોદી
——-
‘મુંબઈ સમાચાર’ના દ્વિશતાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચારની દ્વિશતાબ્દી નિમિત્તે ‘મુંબઈ સમાચાર’ના માલિક, તંત્રી અને આખી ટીમને અઢળક શુભેચ્છાઓ આપી હતી. બીકેસી સ્થિત કાર્યક્રમમાં જનતાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સૌથી પહેલા ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશભાઈએ જે કહ્યું તેની સામે હું મારો વિરોધ નોંધાવું છું. નીલેશભાઈએ કહ્યું ભારત ભાગ્ય વિધાતા, પણ ભારત ભાગ્ય વિધાતા જનતા જનાર્દન છે ૧૩૦ કરોડ દેશવાસી અને હું તો સેવક છું.
મને એમ થાય કે હું આજે ના આવ્યો હોત તો? કામા સાહેબ? તો મેં ઘણું બધું ગુમાવ્યું હોત. કેમ કે આમથી જોવાનું શરૂ કરું તો લગભગ બધા જાણીતા ચહેરાઓ જોવા મળે છે. આટલા બધા લોકોના એકસાથે દર્શન કરવાનો મોકો મળ્યો એનાથી વિશેષ આનંદ શું હોય?
‘મુંબઈ સમાચાર’ના તમામ વાચકો, પત્રકારો અને કર્મચારીઓને આ ઐતિહાસિક સમાચાર પત્રની ૨૦૧મી વર્ષગાંઠની હાર્દિક શુભકામના પાઠવું છું. આ બે સદીઓમાં અનેક પેઢીઓના જીવનને અને તેમની સમસ્યાઓને ‘મુંબઈ સમાચારે’ અવાજ આપ્યો હતો. ‘મુંબઈ સમાચારે આઝાદીના આંદોલનોને અવાજ આપ્યો હતો અને ફરી આઝાદ ભારતના ૭૫ વર્ષને પણ દરેક વર્ગના લોકો સુધી પહોંચાડ્યો છે. ભાષાનું માધ્યમ જરૂર ગુજરાતી રહ્યું પણ તેનો સંબંધ રાષ્ટ્રીય હતો. વિદેશીઓના પ્રભાવમાં જ્યારે શહેર બોમ્બે થયું, બમ્બઈ થયું ત્યારે પણ આ અખબારે પોતાનું ‘લોકલ કનેક્શન’ છોડ્યું નહીં. પોતાના મૂળ સાથે લગાવ છોડ્યો નહોતો. એ વખતે પણ સામાન્ય મુંબઈગરાનું અખબાર હતું અને આજે પણ ‘મુંબઈ સમાચાર’ છે. ‘મુંબઈ સમાચાર’ના પહેલા તંત્રી મહેરજીભાઈના લેખ તો એ સમયગાળામાં બહુ વંચાતા હતા. આ અખબારમાં છપાતા સમાચારની પ્રામાણિકતા વિશ્ર્વસનીય રહી હતી. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ મુંબઈ સમાચારનો હવાલો આપતા હતા. આજે અહીં જે પોસ્ટલ સ્ટેમ્પ જારી કરી છે, બુક-કવર જારી કરાયું છે, જે ડોક્યુમેન્ટરી બતાવી છે એના માધ્યમથી ‘મુંબઈ સમાચાર’ની અદ્ભુત સફર દેશ અને દુનિયામાં પહોંચવાની છે.
સાથીઓ, આજના સમયમાં આપણે જ્યારે એ સાંભળીએ છીએ કે કોઈ ન્યૂઝ પેપર ૨૦૦ વર્ષથી ચાલે છે ત્યારે આશ્ર્ચર્ય થવાનું સ્વાભાવિક છે. તમે જુઓ, આ અખબાર જ્યારે ચાલુ થયું હતું ત્યારે રેડિયોની શોધ થઈ નહોતી. ટીવીનો તો સવાલ જ નથી. વીતેલા બે વર્ષમાં આપણે ૧૦૦ વર્ષ પહેલા ફેલાયેલા સ્પેનિશ ફ્લૂની ચર્ચા કરી હતી, પણ આ અખબાર તો એ વૈશ્ર્વિક મહામારીના ૧૦૦ વર્ષ પહેલા ચાલુ થયું હતું. ઝડપથી બદલાતા સમયમાં જ્યારે આવા તથ્યો જાણવા મળે છે કે ત્યારે આપણને ‘મુંબઈ સમાચાર’ના ૨૦૦ વર્ષનું મહત્ત્વ વધુ સમજમાં આવે છે અને એ સુખદ વાત છે કે ‘મુંબઈ સમાચાર’ના ૨૦૦ વર્ષ અને ભારતની આઝાદીના ૭૫ વર્ષનો સંયોગ આ વર્ષમાં આવી રહ્યો છે, તેથી આજના અહીંના અવસરે ભારતના ફક્ત પત્રકારત્વ જ નહીં, રાષ્ટ્રભક્તિ સાથે પત્રકારત્વનો આ ઉત્સવ નથી, પરંતુ આ કાર્યક્રમ આઝાદીના ૭૫ વર્ષના અમૃતમહોત્સવની શોભા વધારે છે. જે સંસ્કારો અને સંકલ્પોથી લઈને તમે ચાલ્યા છો તેનો મને વિશ્ર્વાસ છે કે રાષ્ટ્રને જાગૃત કરવાનો આ તમારો આ મહાયજ્ઞ આવી જ રીતે ચાલુ રહેશે.
સાથીઓ, ‘મુંબઈ સમાચાર’ એ ફક્ત એક સમાચારનું માધ્યમ નથી, પરંતુ ધરોહર છે. ‘મુંબઈ સમાચાર’ ભારતનું દર્શન છે. ભારતની અભિવ્યક્તિ છે. ભારત કઈ રીતે અનેક ઝંઝાવાતો વચ્ચે પણ અડીખમ રહ્યો તેની ઝલક આપણને ‘મુંબઈ સમાચાર’માં મળે છે. સમય, કાળ અને પરિસ્થિતિના દરેક બદલાવની સાથે ભારતે ખૂદને બદલ્યું છે પણ પોતાના મૂળ સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવ્યા છે. ‘મુંબઈ સમાચાર’એ પણ દરેક નવા બદલાવને ધારણ કર્યા છે. અઠવાડિયામાં એક વખતથી લઈને બે વખત, પછી દૈનિક અને હવે ડિજિટલ. દરેક સમયના દરેક પડકારોને આ સમાચારપત્રએ બખૂબી અપનાવ્યું છે. પોતાના મૂળો સાથે જોડાઈને અને પોતાના મૂળ પર ગૌરવ કરતા કઈ રીતે બદલાવ અને તેનો અંગીકાર કરી શકાય છે ’મુંબઈ સમાચાર’ એનું પ્રમાણ છે.

<>

‘મુંબઈ સમાચાર’ જ્યારે શરૂ થયું હતું ત્યારે આપણે ગુલામ હતા. આવા સમયમાં ગુજરાતી ભાષામાં અખબાર કાઢવાનું એટલું સરળ નહોતું. ‘મુંબઈ સમાચારે’ એ સમયગાળામાં ભાષાકીય પત્રકારત્વનો વિસ્તાર કર્યો. એની સફળતાએ અન્ય ભાષી અખબારોને પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાતમાં અમદાવાદ, સુરત, નડિયાદ અને રાજકોટમાં પણ પત્રકારત્વનો વિસ્તાર થયો. ભાષાકીય પત્રકારત્વ અને ભારતીય ભાષાઓના સાહિત્યએ આઝાદીના આંદોલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. લોકો સુધી તેની વાતોને પહોંચાડવા માટે પૂજ્ય બાપુએ પત્રકારત્વને મુખ્ય સ્તંભ બનાવ્યો, નેતાજી સુભાષ ચંદ્ર બોઝે રેડિયોને માધ્યમ બનાવ્યું, લોકમાન્ય ટિળકજીએ ‘કેસરી’ અને ‘મરાઠા’ સાપ્તાહિક પત્રોના માધ્યમથી આઝાદીના આંદોલનને જોમ આપ્યું હતું. સુબ્રમણ્યમ ભારતીની કવિતા અને એમના લેખો મારફત વિદેશી સરકાર પર પ્રહારો કર્યા. અને ગુજરાતી પત્રકારિતા પણ આઝાદીની લડાઈ માટેનું અસરકારક માધ્યમ બન્યું હતું.
ફરદુનજીએ ગુજરાતી પત્રકારત્વનો સશક્ત પાયો નાખ્યો હતો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પોતાનું પહેલું અખબાર ‘ઈન્ડિયન ઓપિનિયન’ શરૂ કર્યું હતું અને એના સંપાદક જૂનાગઢના મનસુખલાલ નાગર હતા. એના પછી પૂજ્ય બાપુએ પહેલી વાર તંત્રી તરીકે ગુજરાતી અખબાર ‘નવજીવન’ની કમાન સંભાળી હતી અને એની કમાન ઈન્દુલાલ યાજ્ઞિકે બાપુને સોંપી હતી. એક સમયમાં એડી ગૌરવાલાનું ઓપિનિયન દિલ્હીના સત્તાના ગલિયારામાં સૌથી લોકપ્રિય હતા. ઈમર્જન્સી દરમિયાન સેન્સરશિપમાં પ્રતિબંધ લાગ્યો ત્યારે તેના સાઈક્લોસ્ટાઈલમાં લેખો પ્રકાશિત થવા લાગ્યા હતા. આઝાદીની લડત હોય કે લોકતંત્રની પુન:સ્થાપના, પત્રકારત્વની એક મહત્ત્વની ભૂમિકા રહી. અને તેમાં પણ ગુજરાતી પત્રકારત્વની ભૂમિકા પણ ઉચ્ચ કોટીની રહી.
આઝાદીના અમૃતકાળમાં પણ ભારતીય ભાષાઓની એક મહત્ત્વની ભૂમિકા રહેવાની છે, જે ભાષામાં આપણે જીવીએ છીએ, જેમાં આપણે વિચારીએ છીએ એના માધ્યમથી આપણે રાષ્ટ્રીય સર્જનાત્મકતાને નિખારવા માગીએ છીએ.
એ જ વિચાર સાથે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મેડિકલનો અભ્યાસ હોય, સાયન્સ કે ટેક્નોલોજીનો અભ્યાસ હોય, તેને સ્થાનિક ભાષામાં કરાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો. ગામડાના ગરીબ માનો દીકરો કે દીકરી ગુજરાતીમાં બારમું ધોરણ ભણીને ડૉક્ટર બની શકશે. એ જ વિચાર સાથે ભારતીય ભાષાઓમાં દુનિયાના બેસ્ટ ક્ધટેન્ટના નિર્માણને જોર આપવામાં આવી રહ્યું છે.
આજે હું વધુ એક પાસા અંગે વાત કરીશ કે આ અખબારને ફરદુનજી મર્જબાને ચાલુ કર્યું અને જ્યારે તેના પર સંકટ આવ્યું તો તેને સંભાળ્યું કામા પરિવારે. આ પરિવારે આ સમાચારપત્રને એક નવી ઊંચાઈ આપી, જે લક્ષથી ચાલુ કરવામાં આવ્યું હતું એને મજબૂતાઈ આપી.

<>

સાથીઓ, ભારતના હજારો વર્ષોનો ઈતિહાસ આપણને ઘણું બધું શીખવાડે છે. અહીં જે કોઈ પણ આવ્યું. નાનું હોય કે મોટું. નબળું હોય કે બળવાન, તમામને મા ભારતીએ વિકાસ-પ્રગતિ સાધવા માટે ભરપૂર અવસર આપ્યા. પારસી સમુદાયથી બહેતર તેનું અન્ય કોઈ ઉદાહરણ હોઈ જ શકે નહીં. જેઓ એક સમયે ભારત આવ્યા હતા અને આજે પોતાના દેશને સશક્ત કરી રહ્યા છે. આઝાદીના આંદોલનથી લઈને ભારતના નવનિર્માણ સુધી પારસી બહેન-ભાઈઓનું યોગદાન બહુ મોટું રહ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ આ સમુદાય દેશના સૌથી નાના સમુદાય પૈકીનો એક છે. એક રીતે માઈક્રો માઈનોરિટી છે, પરંતુ સામર્થ અને સેવાની દૃષ્ટિએ ઘણો વિશાળ છે. ભારતીય ઉદ્યોગ, રાજનીતિ, સમાજસેવા, ન્યાયતંત્ર, રમતગમત, પત્રકારત્વ અને લશ્કરમાં પણ. દરેક ક્ષેત્રમાં પારસી સમુદાયની છાપ જોવા મળે છે.
હું ગુજરાતમાં તો જરૂર કહેતો હોઉં છું કે અમને ગુજરાતના લોકોને જો કોઈએ હસતા શીખવાડ્યું હોય તો એ પારસીઓએ શીખવાડ્યું છે. પારસી થિયેટર એટલે તમે પેટ પકડીને હસાવે. તમે પારસી પરિવાર સાથે સંબંધમાં આવ્યા હોય તો તમને કાયમ તે લોકો ખુશમીજાજ જોવા મળે. એમના પરિવારમાં તમે જાઓ તો હસ્યા વિના રહી જ ના શકો. ગમે તેવી મુશ્કેલમાં મુશ્કેલ વાત હળવાશથી કરે એનું નામ પારસી.
સાથીઓ, ભારતની આવી જ પરંપરા છે આ જ મૂલ્ય છે, જે શ્રેષ્ઠ બનાવે છે. લોકતંત્રમાં ચાહે જનપ્રતિનિધિ હોય, રાજકીય પક્ષ હોય સંસદ હોય કે ન્યાયપાલિકા હોય દરેક ઘટકનો પોતાનો અલગ અલગ રોલ અને નિશ્ર્ચિત ભૂમિકા છે. આ ભૂમિકાનું સતત નિર્વહન કરવાનું આવશ્યક છે. ગુજરાતીમાં કહેવત છે ‘જેહનું કામ જેહ કરે અને બીજા કરે તે ગોથા ખાય.’ એટલે કે જેનું જે કામ છે તે તેણે જ કરવું જોઈએ. રાજનીતિ હોય કે પછી મિડિયા ક્ષેત્ર હોય પણ બધા માટે આ કહેવત પ્રાસંગિક છે. સમાચાર પત્રો-મીડિયાનું કામ સમાચાર પહોંચાડવાનું છે અને લોકશિક્ષાનું છે. સમાજ અને સરકારમાં જો કોઈ ખામીઓ હોય તો સામે લાવવાનો છે. મીડિયાનો જેટલો અધિકાર ટીકાનો છે એટલી જ જવાબદારી સકારાત્મક ખબરોને સામે લાવવાની પણ છે.

<>

વીતેલાં વર્ષોમાં મીડિયાના એક મોટા વર્ગે રાષ્ટ્રહિત સાથે જોડાયેલા, સામાજિક હિતો સાથે જોડાયેલા અભિયાનોને આગળ વધીને પ્રોત્સાહન આપ્યું છે અને એનો સકારાત્મક પ્રભાવ આજે દેશ અનુભવી રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનથી જો દેશના ગામડાઓમાં અને ગરીબોનું જીવન, આરોગ્ય સારું થઈ રહ્યું છે તો તેમાં મીડિયાના અમુક લોકોએ મોટી ભૂમિકા ભજવી છે. પ્રશંસનીય કામગીરી કરી છે. આજે ભારત જો ડિજિટલ પેમેન્ટના મામલે દુનિયામાં અગ્રણી છે તો લોક શિક્ષાનું અભિયાન મીડિયાએ ચલાવ્યું તેનાથી દેશને મદદ મળી છે.
તમને એ વાતની ખુશી થશે કે ડિજિટલ લેણદેણમાં દુનિયાનો ૪૦ ટકા કારોબાર એકલા ભારતનો છે. વીતેલાં બે વર્ષમાં કોરોનાકાળ વખતે જે પ્રકારે પત્રકારોએ રાષ્ટ્રહિતમાં કર્મયોગીના માફક કામ કર્યું એને પણ યાદ રાખવામાં આવશે. ભારતના મીડિયાની સકારાત્મક યોગદાનથી ભારતના ૧૦૦ વર્ષના સૌથી મોટા સંકટમાંથી ઉગારવામાંથી બહુ મોટી મદદ મળી. મને વિશ્ર્વાસ છે કે આઝાદીના અમૃતકાળમાં દેશનું મીડિયા પોતાની સકારાત્મક ભૂમિકાને વધારે વિસ્તારશે.
ભારત ‘ડીબેટ’ અને ‘ડિસ્કશન’ના માધ્યમથી આગળ વધનારી સમૃદ્ધ પરંપરાનો દેશ છે. હજારો વર્ષોથી સ્વચ્થ બહસ, સ્વચ્થ ટીકાને અને સાચા તર્કને સામાજિક વ્યવસ્થાનો હિસ્સો બનાવ્યો છે. અમે બહુ સામાજિક મુશ્કેલ વિષયોમાં પણ સ્વચ્થ ચર્ચા કરી હતી. આ જ ભારતની પરંપરા રહી છે જેને આપણે સશક્ત બનાવવાની છે.
સાથીઓ આજે હું ‘મુંબઈ સમાચાર’ના મેનેજમેન્ટ, પત્રકારોને ખાસ કરીને આગ્રહ કરીશ કે તમારી પાસે ૨૦૦ વર્ષની આર્કાઈવ્સ છે, જેમાં ભારતના ઈતિહાસના અનેક ટર્નિંગ પોઈન્ટ રહેલા છે, તે દેશ-દુનિયા સામે રજૂ કરવો ખૂબ જરૂરી છે. મારું સૂચન છે કે ‘મુંબઈ સમાચાર’ પોતાના પત્રકારત્વના ખજાનાને અલગ અલગ ભાષામાં પુસ્તકના રૂપે દેશ સામે લાવવાનો પ્રયાસ કરે. તમે મહાત્મા ગાંધીજી અંગે જે રિપોર્ટ આપ્યો, સ્વામી વિવેકાનંદજીનો રિપોર્ટ આપ્યો હતો કે પછી ભારતની અર્થવ્યવસ્થાના ઉતાર-ચઢાવને સમજાવ્યા હોય. આ બધા હવે એક માત્ર અહેવાલ નથી. આ એ પળ છે જેણે ભારતના ભાગ્યને બદલવામાં ભૂમિકા નિભાવી હતી. આથી આગામી પેઢીઓને પ્રેરિત કરવા માટે આ મોટું માધ્યમ છે અને મોટો ખજાનો છે. કામા સાહેબ, તમારી પાસે છે અને દેશ એની રાહ જોઈ રહ્યો છે. ભવિષ્યમાં પત્રકારત્વ માટે પણ એક મોટું શિક્ષણ આપના ઈતિહાસમાં છુપાયેલું છે. આ દિશામાં તમામ પ્રયાસ કરવામાં આવે. આજે ૨૦૦ વર્ષ મેં અગાઉ પણ કહ્યું હતું કે આ પેપરે કેટલા ઉતારચઢાઉ જોયા છે. અને ૨૦૦ વર્ષ સુધી નિયમિત ચાલે તે પણ પોતાનામાં એક મોટી મોટી તાકાત છે. આ મહત્ત્વપૂર્ણ અવસરે મને આમંત્રણ આપ્યું એના માટે મને બધાની વચ્ચે આવવાની તક મળી. આટલા મોટા સમુદાયને મળવાની તક મળી. મુંબઈમાં અગાઉ એક કાર્યક્રમ હતો ત્યારે મેં કહ્યું હતું કે મુંબઈ અને મહારાષ્ટ્ર ગુજરાતી ભાષાનું મોસાળ છે. ફરી એકવાર ‘મુંબઈ સમાચાર’ને થયેલા ૨૦૦ વર્ષના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કામા પરિવારને ખાસ તમે રાષ્ટ્રની સેવા કરી છે. પૂરો પરિવાર અભિનંદનને પાત્ર છે અને હું ‘મુંબઈ સમાચાર’ના વાચકોને પણ હૃદયથી અભિનંદન આપું છું.
કામા સાહેબ જે કહ્યું એ શબ્દો નહોતા. ૨૦૦ વર્ષ સુધી પેઢી દર પેઢી એક અખબાર નિયમિત આવે, વાંચવામાં આવે, જોવામાં આવે, સાંભળવામાં આવે તે પોતાનામાં આ અખબારની એક મોટી તાકાત છે અને એ શક્તિ આપનારા તમે લોકો છો અને તેથી જ હું ગુજરાતીઓના સામર્થ્યને અભિનંદન આપું છું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.