૭૦ જાતનાં ટમેટાં ઊગે છે બેંગલુરુની આ છત પર

લાડકી

ફોકસ-નિધિ ભટ્ટ

બેંગલૂરુની પ્રતીમા આદિગા વ્યવસાયે શેફ છે અને તેને જ્યારે ખબર પડી કે બહારથી આવતાં શાકભાજી કેમિકલયુક્ત હોય છે ત્યારથી તેણે ઘરે જ શાકભાજી ઉગાડવાનું શરૂ કરી દીધું. આજે તે ઘરે શાકભાજી ઉગાડે છે અને સાથે શહેરના ૧૭૦ જણને શીખવાડે છે.
પ્રતીમાના ઘરની છત પર ટમેટાની અલગ અલગ ૭૦ જાત, સક્કરિયાની આઠ, દૂધીની ૨૯, આદુંની પાંચ અને હળદરની આઠ જાત સહિત સેંકડો જાતના શાક ઊગે છે. તેમની પોતાના ઘરની શાકભાજીની ૯૦ ટકા જરૂરિયાત ઘરના ગાર્ડનથી પૂરી થઈ જાય છે. તેમણે પરિવારના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ૧૩ વર્ષથી ઘરમાં જ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે અને હવે કાંદા બટેટાં જેવી વસ્તુઓ સિવાય તેમણે કોઈ શાક બહારથી લાવવું પડતું નથી. તેમના ગાર્ડનમાં દરરોજ ૧૪થી ૧૫ પ્રકારનાં શાકભાજી ઊગે છે. જેને તે ફ્રીજમાં સ્ટોર કર્યા બાદ લાંબા સમય સુધી ચાલે છે. તેમની પાસે આ બધા માટે મોટું ગાર્ડન નથી. તે પોતાના ઘરની ૯૦૦ સ્કવેયર ફૂટ અગાસીમાં ઉગાડે છે.
પ્રતીમા કહે છે: સમય અને જગ્યાની અછત આજકાલ શહેરમાં રહેનારા દરેકની સમસ્યા છે, પણ આપણે પ્લાનિંગ કરીએ તો આ કામ મુશ્કેલ પણ નથી. લોકોને લાગે છે આવા અલગ અલગ પ્રકારના છોડ હું કઈ રીતે ઉગાડું છું. જ્યારે હું છોડની પસંદગી અને સમય પર ધ્યાન આપું છું.
વ્યવસાયે શેફ પ્રતીમા ઘણા ટીવી શોમાં ફ્રીલાંસ શેફ તરીકે કામ કરે છે, પરંતુ પોતાના પતિના ખરાબ સ્વાસ્થ્યને કારણે તેેણે નવ વર્ષ પહેલા શાકભાજી ઉગાડવા પર બહુ ધ્યાન આપ્યું. તેમણે વર્ષ ૨૦૧૬માં ડો. રાજેન્દ્ર હેગડે અને ડો. વિશ્ર્વનાથની ગાર્ડનિંગ વર્કશોપમાં પણ ભાગ લીધો હતો.
જેનાથી તેમને ઘણા વિષયો પર જાણકારી મળી. સમય સાથે તેમણે ગાર્ડનિંગમાં મહારત મેળવી છે. ગાર્ડનિંગની શરૂઆતની વાત કરીએ તો તે કહે છે, હું બાળપણમાં માતા પિતાને ગાર્ડનિંગ કરતાં જોતી હતી. મારા પિતા શાકભાજી ઉગાડ્યા કરતા હતા, પણ લગ્ન બાદ મારા સાસુ સજાવટના છોડવાઓ જ ઉગાડતાં હતા. ૧૬ વર્ષ પહેલા જ્યારે અમે રાજાજી નગરમાં બનાવેલા અમારાં નવાં ઘરમાં શિફ્ટ થયા, ત્યારે મેં અમુક ઓર્નામેન્ટલ છોડવા લગાવવાનું શરૂ કરી દીધું, પરંતુ મારા પતિના કહેવાથી મેં અમુક પત્તેદાર શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે.
તેમના પતિને હૃદયસંબંધી બીમારી હતી. આ એક મુખ્ય કારણ હતું કે તેમણે ઘરમાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનુ શરૂ કયુર્ં. પણ તેમનું કહેવાનું છે કે આ શકભાજી ખાતાં ખાતાં પિતા સાથે તેમના ઘરના તમામનું સ્વાસ્થ્ય સુધરી ગયું. તે પોતાના ઘરના ત્રીજા અને ચોથા ફલોર પર ગાર્ડનિંગ કરે છે અને રિસાઈકલ ક્ધટેનર્સ સહિત મોટા ગ્રો બેગ્સનો ઉપયોગ કરી મોટાભાગે શાકભાજી ઉગાડે છે. પ્રતીમાના અમુક મિત્રો તેને ઘણી વિદેશી વસ્તુઓ પણ લાવી આપે છે. આ રીતે તેમના ગાર્ડનમાં તમને ઘણી એક્ઝોટિક શાકભાજી મળી જશે. પાછલાં વર્ષે તેમણે પોતાના ગાર્ડનમાંથી ૨૩ કિલો હળદર અને ૩૦ કિલો દૂધીનું ઉત્પાદન કર્યું હતું.
હંમેશાં લોકોને લાગે છે કે ગાર્ડનિંગ કરવું એક મોંઘો શોખ છે, પરંતુ પ્રતીમાના કહેવા અનુસાર કિચનમાં મળતી વસ્તુઓથી ગાર્ડનિંગ થઈ શકે છે. પ્રતીમા પાછલાં દસ વર્ષમાં ઘર પર કમ્પોસ્ટ બનાવે છે. જોકે શરૂઆતમાં તેને આ કામમાં ઘણી સમસ્યા નડી હતી, પરંતુ સમયની સાથે પ્રયોગ કરી તેમમે સફળતા મેળવી. હવે તે ઘરના કિચન વેસ્ટમાંથી જ ખાતર બનાવે છે. તે ગૌશાળામાંથી ગૌમૂત્ર લાવે છે, જેનો ઉપયોગ તે કિટનાશક તરીકે કરે છે. તે કહે છે, ઘરની ખાટી છાશ વગેરેનો ઉપયોગ કિટનાશકના રૂપમાં કરવામાં આવે છે. આ દેશી નુસખાઓ અજમાવવાથી ગાર્ડનિંગમાં ક્યારેય વધારે સમસ્યાઓ આવતી નથી.
ગાર્ડનિંગ કરવાના પોતાના અનુભવ અને લોકો સુધી પહોંચવા માટે તે હંમેશાં પ્રયાસ કરતી રહે છે. પ્રતીમા ૧૭૦ લોકોના ગ્રુપની મેંટર પણ છે. જેને તે કિચન ગાર્ડનિંગ શીખવાડે છે. તે કહે છે કે આ ગ્રુપમાં આવનારા તમામને સૌથી પહેલા તે કમ્પોસ્ટ બનાવવા કહે છે.
તે બાદ છોડ ઉગાડવા અને બીજ વાવવાનું શીખવાડવામાં આવે છે. હાલમાં આ તમામ ૧૭૦ લોકો સારી રીતે ઘરમાં ખાતર પણ બનાવે છે અને શાકભાજી પણ ઉગાડે છે. પ્રતીમાના કહેવા અનુસાર જો તમે પહેલીવાર ગાર્ડનિંગ કરો ત્યારે તમારે પત્તેદાર શાકભાજીથી શરૂઆત કરવી જોઈએ. તે બાદ અમુક સહેલી શાકભાજી જેમ કે મૂળા, મરચાં, ટમેટા વગેરે ઉગાડવાં જોઈએ. એક સાથે ઘણાં શાકભાજી ઉગાડવાને લીધે લોકો પરેશાન થઈ જાય છે.
એટલે સમય સાથે ધીમે ધીમે ગાર્ડનિંગમાં લોકો માહિર થઈ જાય છે. પ્રતીમા ઘણી ઓફિસ અને કોલેજમાં ગાર્ડનિંગના વર્કશોપ લેવા જાય છે. પોતોના સરસ ગાર્ડનિંગ મોડેલ માટે તેમને ઘણીવાર બેસ્ટ અર્બન ગાર્ડનરનો એવોર્ડ મળી ચૂક્યો છે. જે રીતે તેમણે પોતાના પરિવાર માટે ગાર્ડનિંગના શોખને અપનાવ્યો છે, તેનાથી એ સાબિત થાય છે કે પ્રતીમા સાચા અર્થમાં અર્બન ફાર્મર છે. જેનાથી આપણે બધાએ પ્રેરણા લેવી જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.