ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાંથી ગમખ્વાર સમાચાર સામે આવી રહ્યા છે. બુધવારે સાંજે અફઘાનિસ્તાનના પાટનગર કાબુલની એક મસ્જિદમાં નમાઝ દરમિયાન થયેલા શક્તિશાળી બૉમ્બ વિસ્ફોટમાં આશરે 20 લોકોના મૃત્યુ થયા છે અને 40થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને કાબુલની ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ હુમલો કાબુલના સર-એ-કોટલ ખૈર ખાનામાં થયો હતો. આ ઘટના સ્થળે તાલિબાનની સેના પણ પહોંચી હતી. વિસ્ફોટની ભયાનકતા જોતા મૃતકોની સંખ્યા હજી પણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાબુલ શહેરની મસ્જિદમાં થયેલા આ હુમલામાં મસ્જિદના મૌલવી અમીર મોહમ્મદ કાબુલીનું પણ મૃત્યુ થયું છે. જો કે, સુરક્ષા અધિકારીઓએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યુ નથી. તાલિબાને તાજેતરના અનેક વિસ્ફોટો માટે આતંકવાદી સંગઠન ISISને જવાબદાર ઠેરવ્યું છે. ગયા મહિને પણ અફઘાનિસ્તાનમાં એક ગુરુદ્વારામાં આવો જ એક હુમલો થયો હતો, જેમાં બે જણ માર્યા ગયા હતા. આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટે ગુરુદ્વારા પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

Google search engine