કાબુલમાં રશિયન દૂતાવાસ પર આત્મઘાતી હુમલામાં બે રશઇયન રાજદ્વારી સહિત 20ના મોત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રશિયાના દૂતાવાસની બહાર સોમવારે થયેલા વિસ્ફોટમાં રશિયન દૂતાવાસના બે કર્મચારીઓ સહિત 15થી 20 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે તે આત્મઘાતી વિસ્ફોટ હતો. આ બ્લાસ્ટના કારણે અફરાતફરી મચી ગઈ હતી. વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. વિસ્ફોટ સમયે અફઘાની લોકો વિઝા માટે લાઈનમાં ઉભા હતા. આ ધમાકો થયા બાદ અધિકારીઓ તરફથી કોઈ નિવેદન સામે આવ્યા નથી.
શુક્રવારે પણ અફઘાનિસ્તાનમાં ભીડ ભરેલી મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા હતા જ્યારે 23 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. 72 કલાકની અંદર બ્લાસ્ટની આ બીજી ઘટના છે. બપોરની નમાઝ વખતે આ વિસ્ફોટ થયો જ્યાં ઘણી ભીડ હતી. ઘટના સ્થળના વીડિયોમાં મસ્જિદ પ્રાંગણમાં મૃતદેહ વિખરાયેલા પડ્યા હતા. જમીન પર ખૂનના ડાઘ હતા. ડર અને આઘાતમાં લોકો ચીસો પાડી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટના મધ્યમાં તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તે પછી આ દેશ એક પછી એક બોમ્બ વિસ્ફોટોનો સાક્ષી રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના શાસનકાળ દરમિયાન દેશમાં મૃત્યુની સંખ્યા વધુ હતી પરંતુ તેમના શાસનમાં વિસ્ફોટોની સંખ્યા ઓછી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટ તાલિબાન શાસનમાં આમ ઘટના બની ગઇ છે.
નોંધનીય છે કે રશિયા એવા કેટલાક દેશોમાંથી એક છે જેણે અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો કર્યા પછી પણ કાબુલમાં પોતાની દૂતાવાસ ચાલુ રાખ્યો છે. જોકે, મોસ્કોએ તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.