(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય મુંબઈના દાદર, પરેલ અને શિવડી વિસ્તારમાં આવેલી હૉટેલમાંથી પ્રતિદિન નીકળતા ભીના કચરાને ભેગો કરીને તેના પર પ્રક્રિયા કરીને વીજળીનું ઉત્પાદન કરવામાં આવવાનું છે. આ વીજળીનો શિવડીમાં આવેલી ટીબી હૉસ્પિટલની કેન્ટીનમાં બળતર તરીકે તથા રસ્તા પરની સ્ટ્રીટ લાઈટ માટે કરવાની મુંબઈ મનપાની યોજના છે.
મહાનગરપાલિકાના એફ-દક્ષિણ વોર્ડમાં શિવડીમાં પાલિકાના એસ્ટેટ ડિપાર્ટમેન્ટની જગ્યામાં આ પ્લાન્ટ ઊભો કરવામાં આવવાનો છે, જેમાં ૩૦૦ કિલોગ્રામ સુધીના ભીના કચરા પર પ્રક્રિયા કરી શકાશે. આ યોજનાથી કચરાને ડપિંગ ગ્રાઉન્ડ સુધી લઈ જવાના પરિવહન ખર્ચની તો બચત થશે, એ સાથે જ બાયો ગૅસ અને વીજળી પણ ઉપલબ્ધ થશે.
મુંબઈમાં નીકળતા કચરાનો નિકાલ કરવો પાલિકા માટે એક પડકાર છે. હાલ પ્રતિદિન મુંબઈમાં સરેરાશ ૬,૩૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ, ૨૦૧૬ મુજબ ડપિંગ ગ્રાઉન્ડની ક્ષમતા ઘટી રહી હોવાથી ત્યાં નિકાલ કરવામાં આવતા કચરાનું પ્રમાણ ઘટાડવું આવશ્યક છે. તેથી પાલિકાએ ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતી હાઉસિંગ સોસાયટીઓ અથવા દરરોજ ૧૦૦ કિલોથી વધુ કચરાનું ઉત્પાદન કરનારા એસ્ટાબ્લિશમેન્ટ અને હાઉસિંગ સોસાયટી માટે ભીના કચરા પ્રક્રિયા કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ એફ-દક્ષિણ વોર્ડમાં આવેલી હૉટેલોમાં દરરોજ અંદાજે પાંચ ટન કચરાનું ઉત્પાદન થાય છે. અહીંથી ભેગો કરવામાં આવેલો ભીનો કચરો બાયો-મિથેનાઈઝેશન પ્લાન્ટ માટે વાપરી શકાશે. દરરોજ રાતના એક વેન આ હૉટેલોમાંથી કચરો ભેગો કરશે. તે માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવી છે. કૉન્ટ્રેક્ટર નીમવામાં આવશે, જે શિવડીની હૉસ્પિટલમાં પ્લાન્ટ બનાવશે. તથા ત્યાં ૨.૫ ટન ભીના કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે. બીજો ૨.૫ ટનનો પ્લાન્ટ પરેલની કે.ઈ.એમ. હૉસ્પિટલમાં બનાવવાની યોજના છે. તે માટે નો-ઓબ્જેકશન સર્ટિફિકેટની રાહ જોવાઈ રહી છે.
ગયા મહિને પાલિકાએ શિવડી ખાતે આર.એ. કિડવાઈ માર્ગ પર પાલિકાની મિલકતમાં આવી જ યોજના ચાલુ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. તે મુજબ બાયો ગૅસ અને વીજ ઉત્પાદન માટે ૩૦૦ કિલો કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે. વોર્ડમાં જ્યાં આવશ્યક્તા હશે ત્યાં ત્યાં વીજળીનો ઉપયોગ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટને કારણે ગૅસની પાછળ ખર્ચાતા ૩૦ લાખ રૂપિયા બચશે. એ સાથે ૧૫ લાખની વીજળીના બિલની રકમમાં પણ બચત થશે એવો દાવો પાલિકાએ કર્યો છે.
નોંધનીય છે કે શહેરનો પહેલો મિની વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ગયા વર્ષે હાજી અલી ખાતે શરૂ થયો હતો. તે દરરોજ બે મેટ્રિક ટન ભીના કચરા પર પ્રક્રિયા કરીને ૩૦૦ યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે.