અમદાવદમાં વેપારીનું નકલી સીમકાર્ડ બનાવી માત્ર ત્રણ કલાકમાં રૂ.2.39 કરોડની ઓનલાઈન ચોરી

આપણું ગુજરાત

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ચલણ વધવાની સાથે સાઈબર ક્રાઈમની ઘટનાઓ પણ વધી રહી છે. સરકાર કે બેન્કના અનેક પ્રયત્નો છતાં સાઈબર ગઠિયાઓ ઓનલાઈન ઠગાઈના અવનવા રસ્તાઓ શોધી કાઢે છે. ત્યારે અમદાવદ શહેરની એક વેપારી પેઢીના ખાતામાંથી કુલ રૂ.2.39 કરોડની ઓનલાઈન ઉઠાંતરીની ઘટના બની છે. માત્ર ત્રણ કલાકમાં જ કંપનીના ઓફિશિયલ મોબાઈલ નંબર વાળું જ બીજું સીમકાર્ડ કાઢવી બેંક અકાઉન્ટમાંથી ગઠિયાઓએ કુલ રૂ.2.39 કરોડ અન્ય અકાઉન્ટમાં ટ્રાંસફર કરી દીધા હતા. આ અંગે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં અવી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવદના મકરબા વિસ્તારમાં રહેતા અલ્કેશભાઈ ગાંગાણી ભાગીદારીમાં બોડકદેવ વિસ્તારમાં રૂ અને દોરાનું એક્સપોર્ટ કરતી કંપની ચાલવે છે. નાણાંકીય વ્યવહારમાં સરળતા ખાતર તેમણે કંપનીના બેંક અકાઉન્ટમાં નેટ બેન્કિંગ એક્ટીવ કરાવ્યું હતું. નાણાંકીય લેવડદેવડ કરવા માટે અલ્કેશભાઈએ પોતાનો મોબાઈલ નંબર અને પોતાનું ઈ-મેઈલ આઈડી રજીસ્ટર્ડ કરાવ્યાં હતાં.
રવિવારના રોજ સાંજના 5:45 વાગ્યાના અરસામાં અલ્કેશભાઈના મોબાઈલમાં અચાનક સિગ્નલ જતું રહ્યું. તેમણે તુરંત જ સર્વિસ પ્રોવાઈડર કંપનીના કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. સામેથી જવાબ મળ્યો કે તમારો કૉલ આવ્યો હોવાથી અમે તમારું સીમ લોક કરી દીધું છે. જોકે તેમણે સર્વિસ પ્રોવાઈડર કંપનીમાં આવી વાત કરી જ ન હતી. ત્યારબાદ તેમણે હાલનું સીમ બંધ કરાવી નવું સીમ કાર્ડ કઢાવ્યું હતું.
ત્યાર બાદ બીજા દિવસે અલ્કેશભાઈને તેમના ભાગીદારનો ફોન આવ્યો અને જાણ કરી કે ગઈ રાતે કંપનીના બેંક એકાઉન્ટમાંથી ઘણા બધા ટ્રાન્ઝેક્શન થયા છે. જયારે અલ્કેશભાઈએ કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું ન હોવાનું જણાવ્યું હતું. બેંકમાં તપાસ કરતા બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર થયેલા ઈમેઈલ આઈડી દ્વારા લોગઇન કરી ઘણા બધા ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જાણવા મળ્યું હતું. બેંક એકાઉન્ટમાંથી આરટીજીએસ મારફતે જુદાં જુદાં એકાઉન્ટમાં કુલ રૂપિયા 2.29 કરોડ ટ્રાન્સફર કરાયા હતા.
અલ્કેશભાઈ એક ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરાવી શક્યા હતા જેથી ખાતામાં 10 લાખ રૂપિયા પરત મળ્યા હતા. આ અંગે અલ્કેશભાઈએ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઈમ પોલીસે IPC હેઠળ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધ્યો છે. હજુ છેતરપિંડીનો કરનારની કોઈ ખબર મળી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.