નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણ આજે કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. આજે રજૂ કરવામાં આવેલા આ બજેટની મધ્યમ વર્ગના લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. નાણા પ્રધાને 7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં આપવાની જાહેરાત કરતાં જ ટેક્સપેયર્સ ગેલમાં આવી ગયા હતા અને એની સાથે જ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર આવી ગયું હતું.
સોશિયલ મીડિયા પર જાત જાતના મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે અને આ બધા વચ્ચે એક તસવીર એવી છે કે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીર છે 1992ના ઈન્કમ ટેક્સ સ્લેબની છે. આ ટેક્સ સ્લેબ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ વાતો કરી રહ્યા છે.
1992 :: New Income Tax Slabs In Budget
Up to Rs 28000 – Nil
Rs 28001 to 50000 – 20%
Rs 50001 to Rs 100000 – 30%
Above 1 Lac – 40% Income Tax
( Photo – Indian Express ) pic.twitter.com/nd8h7czxyF
— indianhistorypics (@IndiaHistorypic) February 1, 2023
જણાવી દઈએ કે 1992માં નરસિંહા રાવની સરકાર હતી અને એ સમયે મનમોહન સિંહ નાણા પ્રધાન હતા. તેમણે ટેક્સ સ્લેબને ત્રણ ભાગમાં વહેંચી દીધો હતો. 1992ના ઈન્કમ ટેક્સ સ્લેબની આ તસવીર ટ્વિટર પર @IndiaHistorypic હેન્ડલથી શેર કરવામાં આવી છે.
કેપ્શન મુજબ એ સમયે 28,000 રૂપિયાની આવક પર કોઈ ટેક્સ લાગતો ન હતો, પરંતુ એથી વધુ 50,000 રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ લાગતો હતો. એ જ રીતે 50,001થી 1,00,000 રૂપિયા સુધીની આવક પર 30 ટકા અને 1 લાખથી વધુની આવક પર 40 ટકા ટેક્સ લાગતો હતો. આ પોસ્ટને અત્યાર સુધીમાં સેંકડો લાઈક્સ મળી ચૂક્યા છે અને અનેક વખત તેને રીટ્વીટ કરવામાં આવી છે.
નાણા પ્રધાન નિર્મલા સિતારમણની નવી જાહેરાત મુજબ હવે 7 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જોકે, દેશમાં જૂની અને નવી બંને પ્રકારની ટેક્સ સિસ્ટમ લાગુ રહેશે. નાણા પ્રધાનનું કહેવું છે કે સરકાર નવી ટેક્સ સિસ્ટમને ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ તરીકે વિકસાવી રહી છે, પરંતુ લોકો હજુ પણ જૂની ટેક્સ સિસ્ટમનો લાભ લઈ શકશે.
દેશમાં અત્યાર સુધીમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, જ્યારે 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5%ના દરે ટેક્સ લાગે છે. જો કે, સરકાર 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ રિબેટ પણ આપે છે.