– ડૉ. ધર્મેશ ભટ્ટ

બીજા વિશ્ર્વયુદ્ધમાં બ્રિટનનો વિજય અને બ્રિટનમાં શાસનસ્થ થયેલી નવી સરકાર દ્વારા ભારતને સત્તા સોંપણી દિશામાં ચક્રો ગતિમાન થઈ રહ્યા હતા એ વાતાવરણમાં લાલ કિલ્લાનો મુકદ્દમો ચર્ચાનો વિષય બન્યો. પાંચ નવેમ્બર, ૧૯૪૫ના દિવસે બ્રિટિશ આર્મીએ સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળની આઝાદ હિંદ ફોજના ધરપકડ કરેલા સભ્યો વિરુદ્ધ ખટલો દાખલ કર્યો હતો. બ્રિટને તાકાત દેખાડવા કરેલા આ મુકદ્દમાએ સંપૂર્ણ સ્વરાજ મેળવવા દેશની જનતામાં જુવાળ ફેલાવી દીધો. કેસ કરવા સામે બ્રિટિશ સરકારને ચેતવવામાં આવી હતી, પણ કેસ ચલાવવાથી મોટાભાગના ભારતીયો ફોજના સભ્યોને દેશદ્રોહી માની લેશે એવી બ્રિટિશ શાસનની ગણતરી હતી. શાહનવાઝ ખાન, પ્રેમ સહગલ અને ગુરૂબક્ષ ઢિલ્લોં પર સંયુક્તપણે દેશ સામે જંગ છેડવાનો તેમ જ વૈયક્તિક સ્વરૂપે હત્યા અને હત્યાની ઉશ્કેરણી કરવાના વાહિયાત આરોપ મૂકવામાં આવ્યા હતા. જોકે, ગણતરી અવળી પડી અને સ્વાતંત્ર્ય માટે પોતાની રીતે લડત ચલાવી રહેલી આઝાદ હિન્દ ફોજથી અનેક દેશવાસીઓ વાકેફ થયા અને જનતામાં ફોજ માટે સહાનુભૂતિ પ્રગટી. ધરપકડ કરવામાં આવેલા સભ્યોના સમર્થનમાં વિવિધ સ્થળે દેખાવો યોજવામાં આવ્યા. આ ઘટનાની નોંધ કૉંગ્રેસે પણ લીધી અને જનતામાં સ્વાતંત્ર્યની તાત્કાલિક જરૂરિયાત અને ઉત્સાહ વધારવા એનો ઉપયોગ કરી શકાય એવી માન્યતા બંધાઈ. કાયદાના નિષ્ણાત નહેરુ, ભુલાભાઈ દેસાઈ અને તેજ બહાદુર સપ્રુએ ફોજના સભ્યો વતી કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. જોકે, આઝાદ હિંદ ફોજના સભ્યો યુદ્ધની ઉશ્કેરણી બાબતે દોષી સાબિત થયા. જોકે, તેમને મૃત્યુદંડ ન મળ્યો અને કેદમાંથી મુક્ત થયા પછી દેશના હીરો જેવો આવકાર તેમને મળ્યો. આ મુકદ્દમાને પગલે મહત્ત્વની વાત એ બની કે દેશદાઝ વધતા ભારતીય લશ્કરના જવાનોની વફાદારીનો ઝુકાવ દેશ પ્રતિ વધ્યો અને બ્રિટિશરો માટે નારાજગી વધી. આનું પરિણામ ૧૯૪૬ના ફેબ્રુઆરીમાં રોયલ નેવી સ્ટ્રાઈકમાં આવ્યું.
——-
બ્રિટનમાં મજૂર પક્ષના ક્લેમેન્ટ એટલી વડા પ્રધાન બન્યા

બીજું વિશ્ર્વયુદ્ધ પૂરું થયું એટલે ઇંગ્લેન્ડમાં ચૂંટણીઓ યોજાઇ હતી. તેમાં મજૂર પક્ષના નેતા કલેમેન્ટ એટલી વડા પ્રધાન બન્યા. તેઓ ભારતને સ્વતંત્રતા આપવા તૈયાર હતા. તેમના આદેશથી ભારતના રાજકીય સંઘર્ષનો ઉકેલ લાવવા માટે વાઇસરૉય વેવેલને વચગાળાની વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. વેવેલ યોજના ઉપર વિચારણા કરવા ભારતના બધા પક્ષોના રાજકીય આગેવાનોની એક પરિષદ સિમલામાં યોજવામાં આવી હતી. પરંતુ મોહમ્મદઅલી ઝીણાએ વાઇસરૉયની કારોબારી સમિતિમાં મુસ્લિમોની બેઠકો રાખવા માટે મુસ્લિમ લીગ જેે નેતાઓના નામ સૂચવે એવી માગણી કરી હતી.
અગાઉ, વર્ષ ૧૯૪૨માં બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન ભારતને બ્રિટનની સાથે યુદ્ધમાં જોડવા માટે બ્રિટિશ સરકારે મોકલેલું ક્રિપ્સ મિશન પણ નિષ્ફળ ગયું હતું. ક્રિપ્સ મિશનના વડા અને બ્રિટિશ પ્રધાન સ્ટ્રેફર્ડ ક્રિપ્સની એ મુલાકાતને ગાંધીજીએ નિરર્થક ગણાવી હતી.
ગાંધીજીએ ક્રિપ્સને સહી વગરના ચેક જેવા ગણાવ્યા હતા. લગભગ વર્ષ ૧૯૩૫થી ભારતની સ્વતંત્રતાની દિશામાં એક પછી એક પગલાં લેવાતા ગયા હતા.
વર્ષ ૧૯૩૫માં પસાર કરવામાં આવેલા ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એકટમાં બે ગૃહો ધરાવતી સંસદ (બાયકેમેટલ લેજીસ્લેચર) સહિત લોકતાંત્રિક શાસન પદ્ધતિનું માળખું સર જહોન સાયમનની ભલામણોને આધારે સૂચવવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૪૦ના ઑગસ્ટ પ્રસ્તાવમાં ભારતનું બંધારણ ઘડવા માટે એક વર્ષ ૧૯૪૬ની ૧૬ ડિસેમ્બરે પંડિત જવાહરલાલ નેહરુએ બંધારણસભામાં ઉદ્દેેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વર્ષ ૧૯૪૭ની બાવીસમી જાન્યુઆરીએ બંધારણીય સલાહકાર તરીકે બી. એન. રાવને પસંદ કરાયા.
વચગાળાની સરકાર!
બંધારણસભાની રચના બાદ વાઇસ રૉયે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગની વચગાળાની સરકાર રચવાનું આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ મુસ્લિમ લીગે એ આમંત્રણ ન સ્વીકાર્યુ અને કૉંગ્રેસે સ્વીકાર્યું હતું. વર્ષ ૧૯૪૬ની બીજી સપ્ટેમ્બરે જવાહરલાલ નહેરુ વચગાળાની સરકારના વડા પ્રધાન બન્યા. એ વચગાળાની સરકારમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી જૈન અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) સમુદાયોના પ્રતિનિધિઓનો સમાવેશ હતો. મુસ્લિમ લીગના પાંચ સભ્યો પણ સામેલ થયા. જોકે મુસ્લિમ લીગે બંધારણસભાનો વિરોધ શરૂ કર્યો હતો.
બ્રિટિશ સરકારે કાયદો પસાર કર્યો
માઉન્ટ બેટન યોજનાને આધારે બ્રિટિશ સરકારે વર્ષ ૧૯૪૭ના જુલાઇ મહિનામાં પસાર કરેલા ‘હિંદ સ્વાતંત્ર્ય ધારા’ હેઠળ ૧૪ ઑગસ્ટે પાકિસ્તાનને અને ૧૫ ઑગસ્ટે ભારતને આઝાદી અપાતાં બે નવાં રાષ્ટ્રોનુ નિર્માણ થયું.
સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને નિયુક્ત કરવામાં આવ્યા હતા. સમિતિ રચવાની જાહેરાત કરવામાં આવી હતી. વાઇસ રૉયે બીજા વિશ્ર્વયુદ્ધના અંત પછી બંધારણસભાની રચનાનો નિર્ણય લીધો હતો.
કૅબિનેટ મિશન
ઇંગ્લેન્ડના નવા વડા પ્રધાન કલેમેન્ટ એટલીએ ભારતને પૂર્ણ સ્વતંત્રતા આપવાની વાટાઘાટો માટે કૅબિનેટ કક્ષાના ત્રણ પ્રધાનો (૧) પેથિક લોરેન્સ (અધ્યક્ષ) (૨) એ. વી. એલેકઝાન્ડર (૩) સર સ્ટેફર્ડ ક્રિપ્સને ભારત મોકલવાની જાહેરાત
કરવામાં આવી હતી. એ ત્રણ સભ્યોના કેબિનેટ મિશન દેશના ભાગલા સહિત આઝાદીની ભૂમિકા ઘડી હતી.
તેમણે ભારતનો ભૌગોલિક પ્રદેશોને (૧) હિન્દુ બહુમતવાળા (૨) મુસ્લિમ બહુમતીવાળા અને (૩) મિશ્ર વસતીવાળા એમ ત્રણ જૂથોમાં વહેંચ્યા હતા. એ ત્રણેય જૂથોને કેન્દ્ર સરકાર સાથે સ્વેચ્છાએ જોડાણની સત્તા આપી. જોકે કૅબિનેટ મિશને કૉંગ્રેસ અને મુસ્લિમલીગની માંગણીઓ સંતોષવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
વચગાળાની યોજના પ્રમાણે તત્કાળ વચગાળાની સરકાર રચવામાં આવી. તેમાં હિન્દુ અને મુસ્લિમોના પ્રતિનિધિત્ત્વનું પ્રભુત્ત્વ સરખું રાખીને અન્ય ધર્મોના લોકોને વસતી પ્રમાણે પ્રતિનિધિત્ત્વ આપવાનું હતું અને બ્રિટિશ સરકારે એ યોજના સ્વીકારવાની ના પાડી હતી.
બંધારણસભાની રચના
બંધારણસભાની રચના કૅબિનેટ મિશન પ્લાન-૧૯૪૬ હેઠળ પરોક્ષ મતદાન દ્વારા થઇ, વર્ષ ૧૯૪૬ના જુલાઇ મહિનામાં બંધારણસભાની ચૂંટણીમાં કુલ ૩૮૯ સભ્યો પૈકી ૨૯૬ સભ્યોની ચૂંટણી કરાઇ હતી.
કૉંગ્રેસે ૨૧૦ બેઠકોમાંથી ૨૦૧ બેઠકો અને મુસ્લિમ લીગે ૭૮ બેઠકોમાંથી ૭૩ બેઠકો મેળવી હતી.
આથી કૉંગ્રેસે રાષ્ટ્રીય સંસ્થા અને મુસ્લિમલીગે ધર્મસમુદાયોનું ઉચિત પ્રતિનિધિત્ત્વ હોવાનું સાબિતી કર્યું. પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.
——
૧૯૪૬ નૌકાદળના સૈનિકોનો બળવો

વર્ષ ૧૯૪૬ની ૧૮ ફેબ્રુઆરીએ મુંબઇના કોલાબાસ્થિત નૌકાદળના મથક રૂપ જહાજ એચએમઆઇએસ તલવાર તેમ જ રૉયલ ઇન્ડિયન નેવી સિગ્નલ સ્કૂલમાં ફરજ બજાવતા ૧૧૦૦ ખલાસી ભૂખ હડતાળ પર ઉતર્યાં. બીજી વિશ્ર્વ યુદ્ધના ગાળામાં એચએમઆઇએસ તલવારની કામગીરી મહત્ત્વપૂર્ણ હતી.
નૌકાદળમાં ભારતીય સૈનિકો સાથે ગેરવર્તનના વિરોધમાં ૧૧૦૦ ખલાસીઓના વિરોધ પ્રદર્શનની માહિતી મળ્યા પછી કરાચી, મદ્રાસ (ચેન્નઇ), કલકત્તા, મંડપમ, વિશાખા પટ્ટનમ અને આંદામાન ટાપુઓના દરિયાકાંઠા પરના નૌકાદળના મથકો અને જહાજો પર કામગીરી બજાવતા સૈનિકો પણ તેમાં જોડાયા.
ચોવીસ કલાકમાં મુંબઇના કોલાબા સ્થિત નૌકાદળના જવાનોને લગભગ ૨૦,૦૦૦થી વધુ જવાનો ખલાસીઓનું સમર્થન
મળ્યું.
એ વખતમાં એચએમઆઇએસ તલવાર જહાજ પર અંગ્રેજોની હકાલપટ્ટીનું સૂત્ર ‘ભારત છોડો’- ‘ક્વિટ ઇન્ડિયા’ લખનારા જવાબ બી. સી. દત્તની ધરપકડ કરવામાં આવી હતી. ખલાસીઓની ભૂખ હડતાળ શરૂ થયા પછી નૌકાદળના જવાનો ટ્રકોમાં મુંબઇના માર્ગો પર વિરોધ પ્રદર્શન કરતા હતા. હાથમાં કૉંગ્રેસનો ધ્વજ લહેરાવતા અને સૂત્રોચ્ચાર કરતા આંદોલનકારીઓના યુરોપિયનો અને પોલીસમેનો સાથે અથડામણની ઘટનાઓ પણ બની હતી. એ આંદોનલકારીઓની મુખ્ય માગણીઓ સારા ખોરાક અને અન્ય સગવડોમાં સુધારાની હતી.
જોકે, ટૂંક સમયમાં આંદોલનકારીઓની મુખ્ય માગણી ભારતને ‘બ્રિટિશ શાસનથી આઝાદી’ની થઇ ગઇ. આંદોલનકારી જવાનો ‘આઝાદ હિંદ ફોજ’ના સેનાપતિ નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિત તમામ રાજકીય કેદીઓને છોડવાની માગણી કરતા હતા. સૈનિકો સાથે અપમાનજનક વર્તન કરનારા કમાન્ડર સામે પગલાં લેવાની માગણી કરી હતી. તે ઉપરાંત રોયલ ઇન્ડિયન નેવીના ભારતીય કર્મચારીઓ અને સૈનિકોના પગાર ભથ્થાં, ઇંગ્લેન્ડસ્થિત કર્મચારીઓ અને સૈનિકોના પગાર-ભથ્થાંને સમકક્ષ કરવાની માગણી કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયામાં રોકી રાખવામાં આવેલા ભારતીય દળોને સ્વદેશ પાછા મોકલવાની માગણી પણ કરવામાં આવી હતી.
બ્રિટિશ નૌકાદળના ભારતીય સૈનિકોના બળવા અને વિરોધ પ્રદર્શન સાથે અંગ્રજોની હકાલપટ્ટી માટેના ‘ભારત છોડો’ આંદોલનને ઘણો વેગ મળ્યો હતો. એ આંદોલનને મુંબઇ અને કલકત્તાના સામાન્ય નાગરિકોનું સમર્થન મળ્યું હતું.
મુંબઇમાં સામ્યવાદી પક્ષ, મજૂર સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોએ પણ નૌકાદળના સૈનિકોના આંદોલનને સમર્થન આપ્યું હતું.
વિરોધ પ્રદર્શકો પર પોલીસના ગોળીબારમાં ૨૨૦ જણ માર્યા ગયા હતા અને ૧૦૦૦થી વધુ લોકો ઇજા પામ્યા હતા. નૌકાદળના મુંબઇ સ્થિત સૈનિકોનું આંદોલન રાષ્ટ્રવ્યાપી બનશે, તેનો અંગ્રેજ શાસકોને અંદાજ નહોતો.
પહેલી વખત બ્રિટિશ સૈન્યમાં કાર્યરત ભારતીય સૈનિકોના ઉગ્ર રોષનો પરિચય મળ્યો હતો. એ બળવો શાંત પાડવા માટે અંગ્રેજોએ સરદાર પટેલના અને મોહમ્મદ અલીઝીણાને અનુરોધ કર્યો. તેમની અપીલથી સૈનિકો શાંત થયા હતા.
——-
૧૯૪૬ બંધારણીય સભાનું ગઠન

સ્વતંત્રતાનો સૂરજ ઊગવાને હવે ઝાઝીવાર નથી એ લાગણી સાર્વત્રિક બની ગઈ હતી. દેશ સ્વાતંત્ર્ય મેળવે એ પછી આપણું પોતાનું બંધારણ હોય એ જરૂરી હતું. આ વાતાવરણમાં ૯ નવેમ્બર, ૧૯૪૬ના દિવસે બંધારણીય સભાની બેઠક સૌપ્રથમ વાર કોન્સ્ટિટ્યુશનલ હોલમાં મળી હતી. આજે સંસદના સેન્ટ્રલ હોલ તરીકે ઓળખાતો એ હોલ દિવાબત્તીથી દેદીપ્યમાન લાગી ગુલામીના અંધકારમાંથી સ્વાતંત્ર્યના ઉજાસનો સંકેત આપી રહ્યો હતો. સ્વતંત્રતાની સૌરભના મઘમઘાટથી તરબતર થઈ ગયેલા બંધારણીય સભાના સભ્યો અર્ધ વર્તુળાકારે બેઠા હતા. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. રાજેન્દ્ર પ્રસાદ, ડો. બાબાસાહેબ આંબેડકર સહિત ૨૦૭ પ્રતિનિધિઓ હાજર હતા જેમાં ૯ મહિલાઓનો સમાવેશ હતો. પ્રથમ સત્રની શરૂઆત સભાના હંગામી અધ્યક્ષ ડો. સચ્ચિદાનંદ સિંહાના પરિચયથી થઈ હતી. આચાર્ય કૃપલાણીના શબ્દો હતા, ‘દિવ્ય શક્તિના આશીર્વાદથી આપણા કામનો પ્રારંભ કરીએ છીએ ત્યારે એ આશીર્વાદ આપણા કામને પણ મળે એવી પ્રાર્થના.’ તાળીઓના ગડગડાટ વચ્ચે અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરી ડો. સિંહાએ વિવિધ દેશોમાંથી આવેલા શુભેચ્છા સંદેશા વાંચી સંભળાવ્યા. ૨૦૭ સભ્યોએ પોતાના ઓળખપત્ર રજૂ કરી રજિસ્ટર સાઈન કરી એ સાથે પ્રથમ દિવસની બેઠક પૂરી થઈ. આ ઐતિહાસિક ઘટનાની નોંધ લેવા અખબાર જગતના પ્રતિનિધિઓ હાજર હતા અને ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા આ સમગ્ર ગતિવિધિનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર ભારતનું બંધારણ તૈયાર કરવાની ઐતિહાસિક જવાબદારી પૂરી કરતા બંધારણીય સભાને બે વર્ષ, ૧૧ મહિના અને ૧૭ દિવસનો સમય લાગ્યો. આ સમય દરમિયાન ૧૬૫ દિવસમાં ૧૧ બેઠકનું આયોજન થયું હતું. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે ભારતના બંધારણને સ્વીકૃતિ મળી અને ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે સભ્યોએ એના પર હસ્તાક્ષર કર્યા. હસ્તાક્ષર થઈ રહ્યા હતા ત્યારે ઝરમર વરસાદ થઈ રહ્યો હતો જેને શુભ સંકેત માનવામાં આવ્યો હતો. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના
દિવસે બંધારણ અમલમાં આવ્યું અને બંધારણીય સભાનું અસ્તિત્વ
સમાપ્ત થયું.
——–
૧૯૪૭ ભારત આઝાદ

૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે સૂરજ ઉગ્યો નિયત દિશામાં અને નિયત સમયે, પણ એ દિવસે એનાં કિરણો સોનેરી લાગી રહ્યાં હતાં. વાતાવરણમાં ગજબની ચમક હતી. ૨૦૦ વર્ષની ગુલામી પછી બ્રિટિશ શાસકોને તગેડી એમના ઘરભેગા કરી દેતા ભારતીય ચહેરા પર લાલી પથરાઈ ગઈ હતી. જોકે એક આંખ હરખથી હસી રહી હતી તો બીજી આંખમાં વેદનાનાં આંસુ હતાં. ગુલામીની બેડીઓ ફગાવી સ્વતંત્રતા મેળવવાનો આનંદ હતો તો સાથે અખંડ ભારતનું વિભાજન થયું એની પીડા પણ હતી. ૧૯૪૭માં The Indian Independence Act (૧૮ જુલાઈ, ૧૯૪૭) પસાર થયો જેને કારણે બે સાર્વભૌમત્વ રાષ્ટ્ર ભારત અને પાકિસ્તાન (પશ્ર્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન જે પછી બાંગ્લાદેશ બન્યું) અસ્તિત્વમાં આવ્યા. આ નવી રચનાને કારણે હિંદુ, શીખ અને મુસ્લિમ પ્રજા વિભાજીત થઈ અને મોટાપાયે સ્થળાંતર થયું.
આ એક્ટને પગલે Emperor of India ટાઈટલનો અંત આવ્યો અને રજવાડા સાથેના બધા કરારનો અંત આવી ગયો. પંડિત જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતના પહેલા વડા પ્રધાન બન્યા અને મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના ગવર્નર જનરલ બન્યા. પ્રત્યેક રજવાડાને પોતાની મરજીના દેશ સાથે જોડાવાનો વિકલ્પ અપાયો હતો.
સ્વાતંત્ર્યની તારીખ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ નક્કી થયા પછી બ્રિટિશ સિપાહીઓ પોતાની બરાકમાં પાછા ફર્યા અને કાયદો – વ્યવસ્થા જાળવવાની જવાબદારી ભારતીય લશ્કરને સોંપવામાં આવી હતી. ભાગલાને પગલે હિંદુ અને શીખ લોકોએ મુખ્યત્વે ભારતમાં રહેવાનું પસંદ કર્યું જ્યારે મુસ્લિમો પાકિસ્તાન ગયા. જોકે જનતાની અવરજવર દરમિયાન સરહદ પર થયેલા જાતીય હિંસાચારમાં ખૂબ લોહી રેડાયું અનેક લોકોએ જાન ગુમાવ્યા. સૌથી કાળો કેર પંજાબમાં વર્તાયો હતો. આઝાદી મળ્યા પછી ભારતીય ઉપખંડમાંથી બ્રિટિશ લશ્કરી ટુકડીઓ ખસેડી બ્રિટન ભેગી કરવામાં આવી રહી હતી. ભારતમાંથી વિદાય લેનાર અંતિમ બ્રિટિશ ટુકડી હતી ફર્સ્ટ બટાલિયન, સોમરસેટ લાઈટ ઈન્ફન્ટ્રી. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૪૮ના દિવસે આ ટુકડી જહાજ માર્ગે બ્રિટન જવા રવાના થઈ હતી.

Google search engine