– હેન્રી શાસ્ત્રી

૧૯૩૨ની ત્રીજી ગોળમેજી પરિષદથી કૉંગ્રેસ દૂર રહ્યા પછી બ્રિટિશ વડા પ્રધાન આર. મેકડોનાલ્ડે કોમ્યુનલ ઍવોર્ડની ઘોષણા કરી. બ્રિટિશ ભારતમાં ઉચ્ચવર્ગ, નિમ્નવર્ગ, મુસ્લિમ, બૌદ્ધ, શીખ, ભારતીય ખ્રિસ્તી, એંગ્લો ઈન્ડિયન્સ, યુરોપિયન્સ અને દલિત વગેરે માટે અલગ ચુનાવ ક્ષેત્રની જાહેરાત કરી. ભારતીય એકતા – અખંડતાને તોડવા બ્રિટિશરોએ ડિવાઈડ એન્ડ રુલની કૂટ નીતિ અપનાવી. અલબત્ત ગાંધીજીના આમરણાંત ઉપવાસને પગલે એ જાતિ આધારિત ચુનાવ ક્ષેત્ર રદ્ થઈ ગયા. મુસ્લિમ લીગનું નેતૃત્વ મોહમ્મદ અલી ઝીણા પાસે આવ્યા પછી સ્વતંત્ર પાકિસ્તાનની માગણીની પૂર્વ તૈયારી શરૂ થઈ.
૧૯૩૦માં મુસ્લિમ લીગના અગ્રણી નેતા ડૉ. ઇકબાલે મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રના વિચારને પ્રથમવાર જાહેરમાં વ્યક્ત કર્યો હતો. ૧૯૩૫માં મુસ્લિમ લીગે કૉંગ્રેસ સાથે મળીને સરકાર રચવાના મુદ્દાનો વિરોધ કર્યો અને મુસ્લિમ લીગ એક સાંપ્રદાયિક સંસ્થા તરીકે વિકસતી ગઈ. લીગના મંચ પરથી ઝીણાએ જાહેર કર્યું કે, રાષ્ટ્રવાદ એક દંભ છે.
કૉંગ્રેસ હિંદુસ્તાનના નવ કરોડ મુસલમાનોને કચડી નાખી તેમને માનસિકરીતે ગુલામ બનાવી હિંદુ રાજ્ય સ્થાપવા માંગે છે.’ ૨૨થી ૨૪ માર્ચ, ૧૯૪૦ દરમિયાન લાહોર મુકામે મળેલ મુસ્લિમ લીગના અધિવેશનમાં સૌપ્રથમવાર મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માગણી કરતો ઠરાવ પસાર થયો. જોકે, એ સમયે મોટાભાગના કૉંગ્રેસ નેતાઓ, ગાંધીજી અને મુસ્લિમોના અન્ય રાજકીય પક્ષ ધાર્મિકતાના ધોરણે ભારતના વિભાજનની તરફેણમાં નહોતા.
——-
ઑગસ્ટ પ્રસ્તાવ

સ્વાતંત્ર્ય લડતમાં ઑગસ્ટ ઘોષણા – ૧૯૧૯, ઑગસ્ટ સંકલ્પ – ૧૯૩૦ અને ઑગસ્ટ ક્રાંતિ – ૧૯૪૨ સાથે ૧૯૪૦ના ઑગસ્ટ પ્રસ્તાવનું પણ વિશેષ મહત્ત્વ છે. ભારતના વાઈસરોય લોર્ડ લિન્લિથગોએ ૮ ઑગસ્ટ, ૧૯૪૦ના દિવસે કરેલી ઘોષણા ઑગસ્ટ પ્રસ્તાવ તરીકે જાણીતી છે. ૧૯૪૦ના મે મહિનામાં વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના વડા પ્રધાન બન્યા. બ્રિટન સભ્ય હતું એ મિત્ર રાષ્ટ્રો માટે બીજું વિશ્ર્વ યુદ્ધ જોખમી વળાંક લઈ રહ્યું હતું. આ વાતાવરણમાં યુદ્ધ પૂરું થયા પછી વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું વિસ્તરણ કરી વધુ ભારતીયને સમાવી લેવાની તેમજ ભારતીય નાગરિકો જ પોતાનું બંધારણ ઘડશે એ માગણી માન્ય રાખી લઘુમતીના અભિપ્રાયને મહત્ત્વ આપવાની ઘોષણા થઈ.
બદલામાં ભારતના બધા રાજકીય પક્ષો અને જનતા વિશ્ર્વ યુદ્ધમાં બ્રિટનને મદદરૂપ થશે એ અપેક્ષા રાખવામાં આવી હતી. જોકે, કૉંગ્રેસ દ્વારા આ પ્રસ્તાવનો વિરોધ કરવામાં આવ્યો, કારણ કે એમાં મુસ્લિમ લીગની સંમતિ વિના કોઈ બંધારણીય યોજના સરકાર નહીં સ્વીકારે એવી વાત હતી.
એક રીતે તો મુસ્લિમ લીગને વિટો પાવર મળવા જેવું હતું. બીજી તરફ મુસ્લિમ લીગ દ્વારા પણ આ ઓફરનો અસ્વીકાર કરવામાં આવ્યો, કારણ કે એનાથી પાકિસ્તાનની માગણીને સમર્થન નહોતું મળી રહ્યું.
આ સંદર્ભમાં એ સમયના ભારતના રાજ્ય સચિવ લિયો એમરીનું વિધાન ‘બ્રિટિશ સરકાર અને સ્વાતંત્ર્ય માગતા તત્ત્વો વચ્ચે વિવાદ નથી બલકે ભારતના રાષ્ટ્રીય જીવનમાં રહેલા ભિન્ન ભિન્ન તત્ત્વોમાં છે’ ઘણું કહી જાય છે. કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે વધતું અંતર ભાગલા નીતિ અપનાવનાર બ્રિટિશ હકૂમત માટે ભાવતું’તું અને વૈદે કીધું જેવું હતું.
——-
૧૯૪૨ ક્રિપ્સ મિશન

ઑગસ્ટ પ્રસ્તાવને પગલે ભારત યુદ્ધસ્ત દેશ જાહેર થતા અનેક કૉંગ્રેસીઓ અને ભારતની જનતામાં નારાજગી ફેલાઈ હતી. બીજા વિશ્ર્વ યુદ્ધમાં એશિયામાં જાપાની સેનાને આગળ વધતી રોકવા બ્રિટિશ સૈન્યમાં વધુ ભારતીય સૈનિક સામેલ થાય એ માટે અંગ્રેજ સરકારને ભારતીય રાજનેતાઓનો ટેકો મળે એ જરૂરી હતું. જોકે, યુદ્ધમાં પ્રવેશના મુદ્દે હિન્દી રાષ્ટ્રીય મહાસભા (ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ) વિભાજીત હતી. ગાંધીજી અને કેટલાક નેતા અહિંસાના આદર્શને કારણે યુદ્ધમાં સંડોવણીના વિરોધમાં હતા જ્યારે આફતના સમયે અંગ્રેજોને મદદ કરવાથી યુદ્ધ સમાપ્તિ પછી બ્રિટિશ સરકાર ભારતને સ્વતંત્રતા આપી ઋણ ફેડશે એવું પણ કેટલાકનું માનવું હતું. આ પરિસ્થિતિમાં ચર્ચિલના પ્રધાનમંડળના વરિષ્ઠ નેતા સ્ટેફર્ડ ક્રિપ્સને ૧૯૪૨માં ભારત મોકલવામાં આવ્યા. તેમની સાથેની વાટાઘાટમાં ભારતને વહેલામાં વહેલી તકે સ્વતંત્રતા આપવાનું, નવા બંધારણ માટે બંધારણસભા રચવાનું, દેશી રાજ્યો અને પ્રાંતોનો હિંદ સંઘ રચવાનું તથા વચગાળાની યોજના તરીકે વાઇસરોયની કાઉન્સિલમાં વધારે ભારતીય સભ્ય લેવાનું અને સંરક્ષણ સિવાયનાં બધાં જ ખાતાં તેમને સોંપી દેવાનું વચન આપવામાં આવ્યું હતું. જોકે, ગાંધીજીએ સંરક્ષણ ખાતું પણ ભારતીય સભ્યને સોંપવું જોઈએ તેવો આગ્રહ રાખ્યો, જે માન્ય ન રખાયો. મહાસભાએ ક્રીપ્સ સાથે વાટાઘાટો કરવાની બંધ કરી અને ગાંધીજીની આગેવાનીમાં યુદ્ધમાં સહાયને બદલે તરત પૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરી. ગાંધીજીએ કહ્યું કે ‘ક્રીપ્સની સ્વાયત્તતાની રજૂઆત એક ડૂબતી બૅંકના આગલી તારીખના ચેક જેવી છે.’ અંતે મિશન નિષ્ફળ સાબિત થયું.
——-
ભારત છોડો આંદોલન

ક્રિપ્સ મિશનની નિષ્ફળતા, દક્ષિણ – પૂર્વ એશિયામાં જાપાનની ઝડપી આગેકૂચ અને ભારતમાં બ્રિટિશરો માટે વધતો અસંતોષ જોઈને ગાંધીજીએ બ્રિટિશરો સ્વેચ્છાએ ભારત છોડે એવી માંગણી કરી. ૧૪ જુલાઈ, ૧૯૪૨ના દિવસે કૉંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક વર્ધામાં મળી અને વિશાળ ફલક પર અહિંસક આંદોલન ગાંધીજીના નેતૃત્વ હેઠળ કરવાનો નિર્ણય લેવાયો. ૮ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ મુંબઈમાં ગોવાલિયા ટેન્ક (નવું નામ ઑગસ્ટ ક્રાંતિ મેદાન) પર મળેલી કૉંગ્રેસ મહાસમિતિએ ‘હિંદ છોડો’ આંદોલન શરૂ કરતો ઠરાવ કર્યો. બીજે દિવસે, નવમી ઑગસ્ટે દેશભરમાં અંગ્રેજ શાસન વિરુદ્ધ જુવાળ ફેલાયો. આ પ્રસ્તાવને કારણે કૉંગ્રેસમાં મતભેદ થયા, રાજગોપાલાચારીએ કૉંગ્રેસને રામ રામ કર્યા. મોટાભાગના જોકે ગાંધીજીની પડખે ઊભા રહ્યા અને આંદોલનની ચિનગારી મશાલ બની દરેક દેશવાસીના હાથમાં પહોંચી ગઈ. આ આંદોલન વખતે જ ગાંધીજીએ ‘કરો યા મરો’નો નારો આપ્યો. અંગ્રેજોને હાંકી જ કાઢવા છે આ ઉદ્દેશ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ગાંધીજી સહિત અનેક નેતાઓ અને ક્રાંતિકારીઓને જેલમાં નાખી દેવાયા, પણ લોકો ગભરાયા નહીં, વધુ આક્રમક બન્યા. સ્વાતંત્ર્યસેનાનીઓ સામે ચાલીને જેલમાં ગયા. ગુજરાતમાં લડતને વેગ આપવા છૂપી પત્રિકાઓનું પ્રકાશન પણ કરાયું હતું. આ લડતની અમદાવાદ, ખેડા, ભરુચ અને સુરતમાં વિશેષ અસર હતી. અંગ્રેજોના અત્યાચારમાં અનેક અજ્ઞાત યોદ્ધાઓએ ‘ભારત છોડો’ આંદોલનમાં બલિદાન આપ્યા છે. એ સમયે કામગાર, કિસાન, વિદ્યાર્થી, પત્રકાર, કલાકાર સહિત અનેક સાહસિકો એમાં સહભાગી હતા. આ આંદોલનને કારણે બ્રિટિશ શાસનના વિરોધમાં સમગ્ર ભારતની જનતા એક થઈ ગઈ. ‘ભારત છોડો’ એ માત્ર બ્રિટિશરો વિરુદ્ધનું આંદોલન નહોતું, પણ ભારતની જનતામાં નવીન ચેતનાનો સંચાર હતો જેને કારણે બ્રિટિશરોએ ભારત છોડવું પડ્યું.
———
૧૯૪૩ આઝાદ હિંદ ફોજ

ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલનનો પાયો નાખ્યો તો તેમના કરતાં અલગ વિચારસરણી ધરાવતા સુભાષચંદ્ર બોઝે ૨૫ જુલાઈ, ૧૯૪૩માં ‘ચલો દિલ્હી’નો લલકાર કર્યો. કાર્યપ્રણાલીને કારણે ગાંધીજી સાથે મતભેદ થતા સુભાષબાબુએ ૧૯૩૯માં કૉંગ્રેસ છોડી દીધી હતી. ત્યારબાદ અઠવાડિયાની અંદર તેમણે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કરી. રાસબિહારી બોઝ નામના ક્રાંતિકારીએ સ્થાપેલી આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ સુભાષબાબુને સોંપવામાં આવ્યું. અંગ્રેજ શાસનને તગેડી મુકવા માટે સ્વતંત્ર સંગ્રામ જરૂરી છે એવું માનનારા સુભાષબાબુના નેતૃત્વમાં ૨૧ ઑગસ્ટ,૧૯૪૩ના દિવસે આઝાદ હિંદ સરકારની રચના કરવામાં આવી હતી. તેમના નેતૃત્વ નીચે ૧૯૪૩માં આઝાદ હિંદ ફોજે મ્યાનમારમાં થઈને ભારતની સીમા ઉપર ધસારો કર્યો હતો. આને કારણે હચમચી ઊઠેલી બ્રિટિશ સરકારે હિંદને મનાવી લેવા માટે ફરી એક પ્રયત્ન કર્યો. આઝાદ હિંદ ફોજ જાપાની લશ્કર સાથે બીજા વિશ્ર્વ યુદ્ધમાં સામેલ થઈ. ૧૯૪૩ના ડિસેમ્બરમાં આંદામાન ટાપુ પર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ૧૯૪૪ના મે સુધી લડાઈ ચાલુ રહી. હિન્દુસ્તાની સરહદે કોહિમા અને મોડોક સર કરવામાં સફળતા મળી, પણ અણુબોમ્બના વપરાશ પછી જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. ૧૮ ઑગસ્ટ, ૧૯૪૫ના દિવસે વિમાન અકસ્માતમાં સુભાષબાબુનું અવસાન થયું. ૧૯૪૫ના નવેમ્બર મહિનાથી લશ્કરી ન્યાયાલયમાં આઝાદ હિન્દ સેનાના ત્રણ અધિકારી પર દિલ્હીમાં ખટલો ચલાવવામાં આવ્યો. જોકે, એની સામે દેશભરમાં આક્રોશ વ્યક્ત થતા સરકારે બોધપાઠ લઈ ત્રણેને શિક્ષા નહીં કરવાનો નિર્ણય લીધો. આઝાદીની ચળવળનું એક પ્રકરણ વિવાદાસ્પદ બની ભૂલાઈ ગયું.
——-
૧૯૪૫ વેવેલ પ્લાન – શિમલા કોન્ફરન્સ

૧૯૪૩માં વાઇસરોય તરીકે ભારત આવેલા લોર્ડ વેવેલ તત્કાલિન બ્રિટિશ પીએમ વિન્સ્ટન ચર્ચિલના શાસન દરમિયાન બ્રિટિશ આર્મીમાં સિનિયર ઑફિસર હતા. ક્રિપ્સ મિશનની નિષ્ફળતા અને તીવ્ર બની ગયેલા ‘ભારત છોડો’ આંદોલનના વાતાવરણમાં વેવેલ ભારત આવ્યા ત્યારે વિશ્ર્વ યુદ્ધમાં બ્રિટનનું પલડું ભારે બની રહ્યું હતું.
બ્રિટનના દ્રષ્ટિકોણથી ‘ડામાડોળ રાજકીય પરિસ્થિતિ’નો ઉકેલ લાવવા કંઈક કરવું જોઈએ એવું તેમનું માનવું હતું. તેમણે ચર્ચિલ સમક્ષ રજૂ કરેલી દરખાસ્તમાં બંધારણ અનુસાર ‘વચગાળાની સરકાર’ રચવાની વાત હતી. એ સરકારમાં હિંદી લોકોને પ્રધાન તરીકે લેવાની તૈયારી દર્શાવી; પરંતુ તેમાંના મુસ્લિમ સભ્યો અંગે કૉંગ્રેસને ઝીણા સાથે મતભેદ પડતાં આ યોજના પડતી મૂકવામાં આવી.
આઝાદીની ચળવળમાં જેમ ઑગસ્ટ મહિનાની ઘટના મહત્ત્વ ધરાવે છે એ જ રીતે શિમલાનું પણ વિશિષ્ટ સ્થાન છે. વેવેલે નવો મસૂદો તૈયાર કર્યો અને ૨૫ જૂન, ૧૯૪૫ના દિવસે શિમલામાં રાષ્ટ્રીય નેતાઓની બેઠકનું આયોજન કર્યું. પહેલી બેઠક નિષ્ફળ રહ્યા પછી ૧૪ જુલાઈ, ૧૯૪૫ના દિવસે બીજી
બેઠક બોલાવવામાં આવી. અલબત્ત એમાં પણ હંગામી સરકારના સ્વરૂપ વિશે એકમત ન થઈ શક્યો.
કારણ હતા મોહમ્મદ અલી ઝીણા. ભારતીય મુસ્લિમના પોતે જ ઠેકેદાર છે અને મુસ્લિમ ઉમેદવારોના નામ કૉંગ્રેસ નહીં પણ મુસ્લિમ લીગ જ સૂચવે એવો હઠાગ્રહ ઝીણાએ રાખતા બીજી બેઠક પણ નિષ્ફ્ળ રહી. પરિણામે ક્રિપ્સ યોજનાની જેમ વેવેલ પ્લાન પણ ફ્લોપ થયો. આમ પાછળથી શિમલા કોન્ફરન્સ તરીકે જાણીતો બનેલો વેવેલ પ્લાન એનો હેતુ સિદ્ધ કરવામાં નિષ્ફ્ળ રહ્યો. ઝીણા અને મુસ્લિમ લીગ પાકિસ્તાનની માગણીને વધુ ને વધુ પ્રબળ બનાવી રહ્યા હતા.
——-
વિશ્ર્વયુદ્ધમાં બ્રિટન વિજયી

જાપાનની શરણાગતિ અને જર્મનીના પરાજય સાથે બીજું વિશ્ર્વયુદ્ધ ૧૯૪૫ના ઑગસ્ટમાં સમાપ્ત થયું. વિશ્ર્વયુદ્ધમાં અનેક દેશોની પાયમાલી થઈ અને કાગળ પર મિત્ર રાષ્ટ્રો સફળ સાબિત થયા પણ ખરો વિજય તો અહ્મનો થયો. વિશ્ર્વયુદ્ધની સમાપ્તિ પછી સૌથી વધુ ધ્યાન ખેંચે એવી બાબત એ બની કે દુનિયાભરમાં સામ્રાજ્યવાદ સંકેલાઈ જવાની શરૂઆત થઈ. અલબત્ત બીજું વિશ્ર્વયુદ્ધ શરૂ થવા પહેલા જ ભારતમાં શાસન ટકાવી રાખવું મુશ્કેલ છે એ વાતનો ખ્યાલ બ્રિટનને આવી ગયો હતો. મહાત્મા ગાંધી બ્રિટિશરો વિરુદ્ધ ભારતીય જનતાને સંગઠિત કરી રહ્યા હતા. બીજા વિશ્ર્વયુદ્ધનો બ્રિટનને ભારે ફટકો પડ્યો હતો. સદીઓથી બ્રિટન જે કરી રહ્યું હતું એ જ રીતે સામ્રાજ્યવાદ ફેલાવતો હિટલરને રોકવા આ વિશ્ર્વયુદ્ધ થયું હતું. પરિણામે આ યુદ્ધ પછી વિશ્ર્વભરના લોકો બ્રિટિશ સામ્રાજ્યવાદ અને બ્રિટનની હકૂમતનો વિરોધ કરવા લાગ્યા. આ વાતાવરણમાં બ્રિટનમાં નવી ચૂંટણી થઈ અને સૌના આશ્ર્ચર્ય વચ્ચે યુદ્ધ જીતાડનાર રુઢિચુસ્ત પક્ષના – ક્ધઝર્વેટિવ પાર્ટીના – વિન્સ્ટન ચર્ચિલનો પરાજય થયો. મજૂર પક્ષને – લેબર પાર્ટીને – સત્તા મળી. બ્રિટિશ સામ્રાજ્યવાદ અસ્ત થવાના ભણકારા વાગવા લાગ્યા હતા. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં બ્રિટનની પકડ ઢીલી પડી રહી હતી. આ સમયગાળામાં ઠેર ઠેર રાષ્ટ્રવાદનો પ્રસરી રહેલો જુવાળ પણ ગુલામી હેઠળની જનતાને સંગઠિત કરી રહ્યો હતો. બ્રિટનમાં શાસનસ્થ થયેલી નવી સરકાર સત્તા સોંપણીની દિશામાં આગળ વધવાની શરૂઆત થઈ ગઈ હતી. હવે માત્ર સત્તાવાર જાહેરાતની રાહ હતી.

Google search engine