૧૯૩૦ પૂર્ણ સ્વરાજની માગણી

સ્પેશિયલ ફિચર્સ

– અનિલ રાવલ

૧૯૨૯માં એ વખતના ભારત ખાતેના વાઇસરોય લોર્ડ ઇરવિને એક ઘોષણાપત્રમાં સંદિગ્ધ ઘોષણા કરેલી કે ભારતને ભવિષ્યમાં સાર્વભૌમત્વનો દરજ્જો અપાશે. જેને ‘ઇરવિન ઘોષણાપત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય નેતાઓ તો ખુશ થઇ ગયા કેમ કે ઘણાં લાંબા સમયથી તેઓ આ માગણી કરી રહ્યા હતા. સ્વાભાવિક રીતે જ તેઓ હવે ભારતના આ દરજ્જાને વિધિવત રીતે હાંસલ કરવા- પાર પાડવા માટે ચર્ચાવિચારણા ઇચ્છતા હતા, પણ ઇંગ્લેન્ડમાં ઇરવિનના આ ઘોષણાપત્રએ હોબાળો મચાવ્યો. ત્યાંના રાજકીય નેતાઓ અને સામાન્ય પ્રજા ભારતને આવો કોઇ દરજ્જો મળે એવું બિલકુલ ઇચ્છતા ન હતા. લોર્ડ ઇરવિને દબાણ હેઠળ આવીને જવાહરલાલ નેહરૂ, મોહમ્મદઅલી ઝીણા, ગાંધીજી અને અન્ય નેતાઓ સાથેની મિટિંગમાં નજીકના ભવિષ્યમાં આ દરજ્જો આપવાનું વચન ન આપી શકું એવું કહ્યું. આથી ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ ભડકી અને તેણે હવે અમને સંપૂર્ણ સ્વતંત્રતા ખપે છે એવો ઠરાવ લાહોરમાં ૧૯૨૯માં યોજાયેલા સેશનમાં પસાર કર્યો. ૭૫૦ પાનાંના આ ઠરાવને અંગ્રેજ હકૂમત સામેની સબળ રાજકીય ચળવળની શરૂઆત તરીકે જોવામાં આવે છે. આ દસ્તાવેજનું કોઇ બંધારણીય કે લીગલ સ્ટેટસ ન હતું. એટલે ૧૯૪૬-૧૯૫૦ દરમિયાન બંધારણ ઘડવાની પ્રક્રિયા વખતે બંધારણ સમિતિના સભ્યોએ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસને બંધારણીય દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું જેને પરિણામે આપણે ૨૬મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. જ્યારે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત બ્રિટિશરોની ગુલામીથી આઝાદ થયું હતું તેથી આ દિવસને આપણે આઝાદી દિન તરીકે મનાવીએ છીએ.
——-
દાંડીકૂચ
દાંડીકૂચ. આ શબ્દથી ભાગ્યે જ કોઇ અજાણ્યું હશે, પણ દાંડીકૂચ શું હતી અને શા માટે કરવી પડી એની ઘણાને ખબર નહીં હોય, સિવાય કે રાજકીય અને આઝાદીના ઇતિહાસના રસિયાઓ અને અભ્યાસુઓને. અંગ્રેજી હકૂમત દરમિયાન અંગ્રેજોને ૧૮૮૨માં કાયદો ઘડીને મીઠા એટલે કે નમકના ઉત્પાદન અને વેચાણ પર ભારે કર ઝીંક્યો. ગાંધીજીએ આને રાષ્ટ્રીય મુદ્દો બનાવીને અંગ્રેજ શાસકો સામે લડવાનો નિર્ણય કર્યો. એ પણ કોઇપણ જાતના શસ્ત્રો વિના માત્ર સવિનય કાનૂન ભંગ કરીને. આમ, બાપુએ સાબરમતી આશ્રમથી નવસારી નજીકના દાંડી સુધી ૧૨મી માર્ચથી છઠ્ઠી એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૬ દિવસ દાંડી યાત્રા કાઢી. જેને આપણે મીઠાના સત્યાગ્રહ તરીકે પણ જાણીએ છીએ. અંગ્રેજ હકૂમત સામે અસહકારના આંદોલન બાદ આ જનઆંદોલને ઇતિહાસ રચ્યો હતો અને આઝાદીની લડતમાં આ એક સૌથી કામિયાબ શસ્ત્ર અને વણાંક બની રહ્યું હતું. દાંડીકૂચની શરૂઆતમાં ગાંધીજીની સાથે એમના લગભગ ૭૮ અનુયાયીઓ જોડાયા. પણ જેમજેમ યાત્રા આગળ વધતી ગઇ તેમ આમજનતા જોડાતી ગઇ. અંગ્રેજ પોલીસે દમન આચરવામાં કોઇ કચાશ ન રાખી, પણ ગાંધીબાપુના આદેશને માથે ચડાવીને લોકો લાઠીમાર સહન કરતા રહ્યા. લોહીલુહાણ થયા છતાં ચાલતા રહ્યા. દાંડીકૂચ કવર કરવા આવેલા દેશવિદેશના પત્રકારો-ફોટોગ્રાફરોએ અંગ્રેજ સરકારને હચમચાવી મૂકતા સમાચારો-ફોટાઓ વહેતા મૂક્યા. અંતે ગાંધીજી અને લોર્ડ ઇરવિન વચ્ચેની સમજૂતીથી સવિનય જનઆંદોલન શમ્યું હતું. ગાંધીબાપુએ આપણને સવિનય વિરોધ કરતા શીખવ્યું. આ શસ્ત્રનો ઉપયોગ આપણા રાજકીય નેતાઓ-કાર્યકર્તાઓ કરતા થયા છે. વિરોધી મોરચા કાઢવા-યાત્રાઓનું આયોજન કરવું કે આમરણાંત ઉપવાસ પર ઊતરવું. બધું ગાંધીના શાંતિના સંદેશાનું પરિણામ છેને?
——
પહેલી ગોળમેજી પરિષદ
કેટલાક બ્રિટિશ રાજકારણીઓમાં ભારતને સાર્વભૌમત્વ આપવાની માગણીઓ વધી હતી. અને ભારતમાં પણ સ્વરાજ માટેની આઝાદીની ચળવળનું પ્રમાણ વધ્યું હતું. પહેલી ગોળમેજી પરિષદ લોર્ડ ઇરવિન અને એ વખતના વડા પ્રધાન જેમ્સ રામસે મેકડોનાલ્ડને ઝીણાએ કરેલી ભલામણ તેમ જ સાઇમન કમિશનના રિપોર્ટને આધારે યોજાઇ હતી. ૧૨મી નવેમ્બર ૧૯૩૦થી ૧૯મી જાન્યુઆરી ૧૯૩૧ સુધી ચાલેલી પહેલી ગોળમેજી પરિષદમાં પહેલીવાર ભારતીયો અને બ્રિટિશરો એકસમાન’ હોય એ રીતે મળ્યા હતા. પરિષદમાં બ્રિટિશ ઇન્ડિયાના ૫૮ નેતાઓ, ૧૬ રજવાડાના રાજવીઓ, ત્રણ બ્રિટિશ રાજકીય પક્ષોના ૧૬ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, પણ ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસે ભાગ નહીં રહેવાનો નિર્ણય લીધો હતો કારણ કે જન અસહકાર આંદોલનમાં ભાગ લેવા બદલ તેના સંખ્યાબંધ નેતાઓ જેલમાં હતા. જોકે મુસ્લિમ લીગ, હિન્દુઓ, પારસીઓ, ખ્રિસ્તીઓ, શીખ, લિબરલો, એન્ગલો ઇન્ડિયનો, યુરોપિયનો, મહિલાઓ, શ્રમિકો, સહિતના સંખ્યાબંધ પ્રતિનિધિઓ હાજર હતી. આ પરિષદમાં સમવાયી તંત્ર, પ્રાંતીય બંધારણ, સિંધ અને એનડબલ્યુએફપીના પ્રાંતો, લઘુમતીઓ, સંરક્ષણ સેવાઓ સહિતના મુદ્દાઓ હતા. આંબેડકરે ‘અસ્પૃશ્યો’ માટે અલગ મતદારમંડળની માગણી કરી હતી. જોકે આ પરિષદમાં કેટલાક સુધારાઓના સિદ્ધાંતો અંગે સમજૂતીઓ થઇ હતી, પણ એનો અમલ થયો નહતો અને કૉંગ્રેસ પક્ષે તેનું અસહકાર આંદોલન ચાલુ રા્ખ્યું હતું. પહેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઇ હતી, પણ બ્રિટિશ સરકારને એક વાત સમજાઇ ચુકી હતી કે ભારતના રાજકીય ભવિષ્ય અંગે નિર્ણય કરવાનો સમય પાકી ગયો છે.
ગોળમેજી પરિષદનું કદાચ કોઇ સુખદ પરિણામ ન આવ્યું પણ એક વાત સાબિત થઇ ગઇ કે કોઇપણ પ્રશ્ર્નના ઉકેલ માટે ચર્ચાવિચારણા એ પહેલી આવશ્યકતા છે.
——–
૧૯૩૧ ચટગાંવ શસ્ત્રાગાર પર છાપો

આઝાદીની ચળવળમાં ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડાઇ લડાતી હતી ત્યારે કેટલાક ક્રાંતિકારીઓ શસ્ત્રોથી અંગ્રેજોને ભગાડવા માગતા હતા અને હિંસાનો માર્ગ અપનાવી રહ્યા હતા. ચટગાંવ શસ્ત્રાગાર પરનો છાપો જેને ચિત્તાગોંગ આર્મરી અટેક તરીકે પણ ઓળખવામાં આવે છે. માસ્તરદા તરીકે ઓળખાતા ક્રાંતિવીર સૂર્યા સેને જાંબાઝ યુવાનોનું જૂથ રચ્યું હતું અને બ્રિટિશ સિપાહીઓ સામે લડવા ૧૮મી એપ્રિલ ૧૯૩૦ના રાતે ચિત્તાગોંગના બ્રિટિશ શસ્ત્રાગાર પર છાપો માર્યો હતો. છાપો મારતા પહેલા એમણે ટેલિફોન લાઇનો અને ટેલિગ્રાફ સિસ્ટમ કાપી નાખી હતી એટલું જ નહીં રેલવે લાઇન તોડીને શહેરને બંગાળના અન્ય વિસ્તારોથી છુટ્ટું પાડી નાખ્યું હતું. સૂર્ય સેનના એક ક્રાંતિવીર ગણેશ ઘોષની આગેવાની હેઠળ છ જણે પોલીસ શસ્ત્રાગાર પર છાપો માર્યો હતો અને લોકનાથ પૌલની આગેવાની હઠળના ૧૦ જણના જૂથે ઓક્ઝીલરી ફોર્સ આર્મરી કબજે કરી હતી. જેમા લ્યુઇસ બંદુકો અને ૩૦૩ રાઇફલો હતી. આ બંને શસ્ત્રાગારો છાપો માર્યો, પણ એમાંથી એમને દારૂગોળો મળ્યો નહીં અને દારૂગોળા વિનાં શસ્ત્રો નકામાં થઇ ગયાં. બળવાના માઠા પરિણામથી બચવા તેઓ ચિત્તાગોંગની પહાડીઓમાં છૂપાઇ ગયા. બ્રિટિશ આર્મી પાસે તેઓ પહાડીઓમાં છુપાયા હોવાની બાતમી મળી. જલાલાબાદની પહાડીમાં છુપાયેલા ક્રાંતિકારીઓ અને આર્મી વચ્ચેના જંગમાં ૧૨ ક્રાંતિકારી શહીદ થયા અને ૮૦ બ્રિટિશ સિપાહીઓએ જીવ ગુમાવ્યા. સૂર્ય સેન અને અન્યો નાની ટુકડીઓમાં વહેંચાઇ ગયા અને નજીકના અંતરિયાળ ગામોમાં વસીને ગેરિલા પદ્ધતિએ અંગ્રેજો પર ત્રાટકવા લાગ્યા. વિફરેલી બ્રિટિશ આર્મીએ ચપ્પાચપ્પા છાન મારા અને એક દિવસ સૂર્યા સેનના જ એક સાથી નેત્ર સેને જ સૂર્ય સેનની બાતમી આપી દીધી. ૧૬મી ફેબ્રુઆરી ૧૯૩૩ના રોજ સૂર્ય સેનને પકડી લેવાયો. જોકે દગાખોરી માટે નેત્ર સેનનો શિરચ્છેદ કરવામાં આવ્યો. ૧૨મી જાન્યુઆરી ૧૯૩૪ના રોજ ફાંસી આપતા પહેલાં સૂર્ય સેન પર બેહિસાબ જુલ્મો આચરવામાં આવ્યા હતા. આજે મોટા ભાગના લોકો હિંસક રણનીતિમાં માને છે, પણ એ તો અપનીઅપની સોચ હૈ.
——-
મેરા રંગ દે બસંતી ચોલા: ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસી

આઝાદીની લડતના ત્રણ મુખ્ય હીરો હતા. ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુ. આ ક્રાંતિકારી ત્રિપુટીએ ૧૯૨૮માં લાહોરમાં એક અંગ્રેજ પોલીસ ઓફિસર જોન સોન્ડર્સની ગોળી મારીને હત્યા કરી હતી. હકીકતમાં તેમણે લાલ-બાલ-પાલના નામે જાણીતી ક્રાંતિકારી લીડરોની ત્રિપુટીમાંના એક લાલા લજપત રાયની હત્યાનો બદલો લેવા માટે અંગ્રેજ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ જેમ્સ સ્કોટની હત્યાનું કાવતરૂં ઘડ્યું હતું. પણ ઓળખમાં થયેલી ગરબડને લીધે જુનિયર ઓફિસર જોનને ઉડાવ્યો હતો. ધરપકડ ટાળવા ભગત સિંહ દાઢી-મૂછ-માથું મુંડાવીને કોલકત્તા ભાગી ગયા હતા. ત્યાર પછી ભગત સિંહ અને બી. કે. દત્તે ૮મી એપ્રીલ ૧૯૨૯ના રોજ સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા. કોઇપણ જાતનો ખૌફ રાખ્યા વિના બોમ્બ ફેંકતી વેળા તેઓ ‘ઇન્કિલાબ ઝીંદાબાદ’ બોલતા હતા. ભગત સિંહ અને તેમના સાથીઓના આ ક્રાંતિકારી બે કારનામાએ અંગ્રેજ હકૂમતને હચમચાવી દીધી હતી. ધરપકડ વહોરી લેતી વખતે પણ તેમના મોંમાં ઇન્કિલાબ ઝીંદાબાદ’નો નારો નીકળતો હતો. ઝડપી લેવાયેલી આ ત્રિપુટીને અંતે લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીને માચડે લટકાવીને અંગ્રેજ સરકારને ટાઢક થઇ હતી. એમની ફાંસીની તારીખ વિશે પણ વિવાદ રહ્યો છે. અંગ્રેજોએ ફાંસીની તારીખ ૨૪મી માર્ચ ૧૯૩૧ના ઘોષિત કરી હતી, પણ ઠેરઠેર દંગા અને તોફાનોની દહેશતથી ફફડી ઉઠેલી અંગ્રેજ સરકારે તેમને ૨૩મીએ જ ફાંસી આપી દીધી હતી. ફાંસીએ ચડતી વખતે તેઓ ‘મેરા રંગ દે બસંતી ચોલા’ ગાતાં ગાતાં હસતે મોઢે શહીદ થઇ ગયા હતા. શહાદતની આ પરાકાષ્ઠા હતી. ખુદ અંગ્રેજો પણ પામી ગયા હતા.
શહીદ ભગત સિંહ પર સૌથી વધુ સંખ્યામાં હિન્દી ફિલ્મો બની છે. આ તો મનોરંજનની વાત થઇ, પણ હવે રખેને ભારતે-આજના યુગમાં ગુલામીમાંથી મુક્ત થવાનો સમય આવે તો કેટલા ભગત સિંહ, સુખદેવ અને રાજગરુ આવી શહાદત વહોરી લે. જરા વિચારો.
——-
બીજી ગોળમેજી પરિષદ: ગાંધી-ઇરવિન કરાર
મીઠાના સત્યાગ્રહ વખતના સવિનય કાનૂની ભંગ બદલ બ્રિટિશરોએ આચરેલા અત્યાર અને પહેલી ગોળમેજી પરિષદ પાછી ખેંચી લેવાના પગલાં બાંદ ગાંધીજી અને લોર્ડ ઇરવિન વચ્ચે કરાર થયા હતા. કરાર મુજબ ગાંધીજી બીજી ગોળમેજી પરિષમાં હાજર રહેવા સંમત થયા હતા. અને ઇરવિન હિંસક ક્રાંતિકારીઓ સિવાયના ક્રાંતિવીરોને છોડવા સંમત થયા હતા. ગાંધીજી પણ એમાં સંમતી દર્શાવી હતી. ૭મી સપ્ટેમ્બર ૧૯૩૧થી ડિસેમ્બરના અંત સુધીની બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી તથા સરોજીની નાયડુએ ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના પ્રતિતિનિધિ તરીકે હાજરી આપી હતી. પરિષદમાં બાપુની પરિસ્થિતિ કફોડી હતી કેમ કે સરકારે એવો દાવો કર્યો હતો કે ગાંધીજી સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા, જ્યારે ગાંધીજીએ એવો દાવો કર્યો કે તેઓ ભારત વતી આવ્યા છે.
બીજી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઇ કેમ કે પહેલી ગોળમેજીમાં આંબેડકરે અસ્પૃશ્યો માટે અલગ મતદાર ક્ષેત્રની માગણી કરી હતી. એ જ રીતે મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ પણ આ જ માગણી ઉઠાવી હતી. ગાંધીજીની રજૂઆત હતી કે આ ભારતીયો છે. પરિષદની નિષ્ફળતા પામી ગયેલા વડા પ્રધાન મેકડોનાલ્ડે પોતાની યોજના મૂકી જે સ્વીકાર્ય ન હતી. ગાંધીજી પાછા ફર્યા ત્યાં સુધીમાં નેહરૂ, ખાન અબ્દુલ ગફાર ખાન, પરૂષોત્તમદાસ ટંડન સહિતના નેતાઓને ગિરફ્તાર કરી લેવાયા હતા. બાપુએ આંદોલન ચાલુ રાખવાની ધમકી ઉચ્ચારી. પરિણામે એમની પણ ધરપકડ થઇ. કૉંગ્રેસને ગેરકાનૂની ઘોષિત કરાઇ. અંગ્રેજ ફૌજના જુલમોસિતમ વધ્યા. પ્રેસ પર પાબંધીઓ આવી. કોઇપણ જાતના પૂર્વગ્રહ વિનાની ચર્ચા વિચારણા સુખદ પરિણામ લાવી શકે છે. બીજી ગોળમેજી પરિષદમાંથી બોધપાઠ લેવા જવો આ મુદ્દો છે.
——-
૧૯૩૨ ત્રીજી ગોળમેજી પરિષદ-કૉંગ્રેસ દૂર રહી

ત્રીજી ગોળમેજી પરિષદ ૧૭મી નવેમ્બર ૧૯૩૨થી ૨૪ ડિસેમ્બર-૧૯૩૨ સુધી ચાલી હતી જેમાં કૉંગ્રેસ ફરી ગેરહાજર રહી હતી. એની સાથે લેબર પાર્ટીએ પણ ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. કૉંગ્રેસ વિના કોઇપણ પ્રકારના નિર્ણય પર આવવું મુશ્કેલ હતું. કૉંગ્રેસની ગેરહાજરીનું મુખ્ય કારણ એના નેતાઓની ફરીવાર થયેલી ધરપકડ હતી.
જોકે પરિષદમાં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩૫ ઘડાયો હતો. પરિષદમાં ૪૬ સભ્યો હાજર હતા અને સરકાર દ્વારા ઇશ્યુ કરાયેલો શ્ર્વેતપત્ર આ પરિષદની ફળશ્રુતિ હતી. જેને આધારે નવા ભારતીય બંધારણનો મુસદ્દો ઘડાયો અને સંસંદના બંને ગૃહોએ બહાલી આપી હતી. અને આ શ્ર્વેતપત્રને આધારે જ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩૫ને આખરી સ્વરૂપ આપવાનું હતું. પરિષદમાં ઝીણા ઉપરાંત આગા ખાન, ફઝલુલ હક પણ હાજર હતા. હકીકતમાં ત્રીજી ગોળમેજી પરિષદમાં ખાસકાંઇ ઉકાળી શકાયું ન હતું કેમ કે મહત્ત્વના રાજકીય પક્ષો અને મહારાજાઓ ગેરહાજર હતા. નવા બંધારણ બાબતે કેટલીક વિગતો ઘડી કઢાઇ હતી.
ભારતીય પ્રતિનિધિઓએ પ્રગતિશીલ જોગવાઇઓનો આગ્રહ રાખ્યો હતો, પણ તરત જ પાછી ખેંચી લીધી હતી. એ જ રીતે નાગરિકો માટેના બિલ ઓફ રાઈટસનો પણ વિચિત્ર કારણોસર સમાવેશ કરાયો નહતો.
સંવાદ એટલે કે ડાયલોગ કે વાટાઘાટો કોઇપણ જટિલ પ્રશ્ર્નના નિવેડા માટે અનિવાર્ય છે. આજે પણ ચર્ચાવિચારણાનો આશરો લેવાય છે, પણ એ ચર્ચા તંદુરસ્ત નથી હોતી. એક તંદુરસ્ત લોકશાહી માટે મુક્ત સંવાદ અનિવાર્ય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.