૧૯૨૮ સાયમન પાછો જા

સ્પેશિયલ ફિચર્સ

– પ્રફુલ્લ શાહ

એડવિન મોન્ટેગુ અને લોર્ડ ચેમ્સફોર્ડે બ્રિટિશ હેઠળના ભારતમાં બંધારણીય સુધારા સૂચવ્યા હતા, જેનો ભારતમાં વિરોધ થયો હતો. આ પ્રસ્તાવની સમીક્ષા કરવા માટે સર જોહન સાયમનની આગેવાની હેઠળ બ્રિટિશ સાંસદોની સમિતિ રચાઈ હતી, પરંતુ આમાંય એકેય ભારતીય પ્રતિનિધિનો સમાવેશ ન કરાયો એની સામે મુખ્ય વાંધો હતો. બ્રિટિશરોના ભારત માટેના સૂચન- પ્રસ્તાવની સમીક્ષા બ્રિટિશરો જ કરે એ કેવી રીતે સ્વીકારાય? અગાઉની ચૌરી ચૌરી ઘટના બાદનું અસહકાર આંદોલન પાછું ખેંચાવાથી સ્વાતંત્ર્ય સંગ્રામ થોડે ઘણે અંશે નરમ પડી ગયો હતો. એને સાયમન કમિશનની રચનાએ ફરી જોશમાં લાવી દીધો. ૧૯૨૭માં કૉંગ્રેસના મદ્રાસ અધિવેશનમાં સાયમન કમિશનનો સર્વાનુમતે વિરોધ કરાયો હતો. આ કમિશનના બહિષ્કારના એલાનમાં ગાંધીજી અને પંડિત નહેરુ સામેલ હતા, જેને મુસ્લિમ લીગનો ટેકો હતો.
બંધારણ અને બંધારણીય સુધારામાં સર્વાનુમત, ચર્ચા અને વિચારણાની જરૂરિયાત ત્યારે સમજાઈ હતી. એ આજે દેખાય છે ખરી?
———
૧૯૨૮ લાલા લજપતરાયનું અવસાન

પંજાબના અગ્રવાલ જૈન પરિવારના સ્વાતંત્ર્ય સૈનિક, વકીલ અને લેખક લાલા લજપતરાય થકી સ્વાતંત્ર્ય સંગ્રામને નિર્ણાયક દિશા મળી. કોલકાતા, લખનઊ, પુણે અને વિજયવાડામાં સાયમન કમિશનની મુલાકાતને ‘સાયમન ગો બેક’ના બુલંદ નારાથી જાકારો અપાયો. પંજાબમાં આંદોલનની આગેવાની પંજાબ-એ-કેસરી લાલાજીને માથે હતી. કમિશને લાહોરમાં પગ મૂકતા જ સૂત્રોચ્ચાર અને કાળા ઝંડાના વિરોધનું વાવાઝોડું ત્રાટકયું. પોલીસ વડા સાર્જન્ટ સેન્ડર્સે અહિંસક દેખાવકારી આંદોલનકારીઓને રોકવામાં નિષ્ફળતા મળવાથી ધૂઆપૂંઆ થઈને લાઠીમારનો આદેશ આપ્યો. લાઠીમારમાં લાલાજીને ગંભીર ઈજા થઈ. હૉસ્પિટલના બિછાનેથી તેઓ બોલ્યા કે મારા શરીર પરની એક-એક લાઠી બ્રિટિશ શાસનના કૉફિનના આખરી ખિલ્લા બની રહેશે. હૉસ્પિટલમાં ૧૮ દિવસ બાદ ૧૯૨૮ની ૧૭ નવેમ્બરે તેમણે પ્રાણ છોડયો ને સ્વાતંત્ર્ય સંગ્રામને અકલપ્ય પ્રાણવાયુ પૂરો પાડયો.
કોઈ આંદોલન વિરોધ કે શહાદત એળે જતા નથી એ શાસકોને સમજાય ત્યારે મોડું થઈ ગયું હોય છે. લાલાજીની ચિરવિદાયના બે દાયકાની અંદર સાયમને જ નહિ, અંગ્રેજોએ ભારત છોડવું પડયું. આ શહાદતથી આઝાદીના નંગની કલાઈમેક્સના શ્રીગણેશ થયા હતા.
——–
હિંદુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન આર્મીની સ્થાપના

હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન આર્મીનું મૂળ નામ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન. આ સંગઠનની સ્થાના ૧૯૨૪ના ઑકટોબરમાં ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, યોગેશચંદ્ર ચેટર્જી અને શચીન્દ્રનાથ ચેટર્જી વગેરેએ કાનપુરમાં કરી હતી. આનો ધ્યેય બ્રિટિશ શોષણખોર સરકારને તગેટી મૂકવી અને સ્વદેશી સંધીય લોકતાંત્રિક રાજ્ય ભારતની સ્થાપના કરવી, પરંતુ કાકોરી ટ્રેન રોબરી બાદ આ એસોસિયેશનના ચાર મહત્ત્વના ક્રાંતિકારીઓને ફાંસીની સજા અપાઈ અને અન્ય સોળને જેલ ભેગા કરી દેવાયા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંસ્થાની ભૂમિકા માટે કટોકટીભર્યો સમય જોઈને ચંદ્રશેખર આઝાદે ભગતસિંહ સહિતના આગેવાનોનો સંપર્ક સાધ્યો. આમાંથી નવા સંગઠનનો વિચાર સ્ફૂર્યો.
હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન આર્મીનો ભૌગોલિક વ્યાપ વધારાયો. ૧૯૨૮ની આઠ અને નવ સપ્ટેમ્બરે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં એક ગુપ્ત બેઠકમાં ભગતસિંહની સંસ્થા ભારત નૌજવાન સભાનું વિલય હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનમાં કરાયું અને લાંબી ચર્ચા-મંત્રણા બાદ નવું નામ નક્કી કરાયું. હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન આર્મી નામાંતર છતાં ધ્યેય એ જ રહ્યો અંગ્રેજો સામે સશસ્ત્ર સંઘર્ષ.
દેશહિત ખાતર સંસ્થા અને પદનું વિચાર્યા વગર સમય સાથે ચાલીને સર્વહિતાયની દિશામાં જઈ શકાય, પણ એના માટે નિ:સ્વાર્થ ભાવના, દૃષ્ટિ, ઈચ્છા અને સમજ જોઈએ હો?
——-
પોલીસ કમિશનર સેન્ડર્સનો વધ
૬૩ વર્ષના લાલા લજપતરાયની મૃત્યુની ગૂંજ બ્રિટિશ સંસદ સુધી ગાજી, જેમાં પોતાનો હાથ ન હોવાનો દાવો સરકારે કરવો પડયો, પરંતુ આ શહાદતથી ક્રાંતિકારીઓના મન-મગજમાં આગ લાગી ચૂકી હતી. આખા દેશના યુવાનો આ મોતનો બદલો ઈચ્છતા હતા, જેને પૂરું કરવાનું બીડું ઝડપ્યું ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ થાપા અને ચંદ્રશેખર આઝાદે. અહિંસક આંદોલન દરમિયાન લાલાજીનો જીવ લેનારા લાઠીચાર્જનો આદેશ આપનારો જોહન સેન્ડર્સ લાહોરમાં રહેતો હતો એટલે ક્રાંતિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા. ૧૯૨૮ની ૨૭મી ડિસેમ્બરે ૩૨ એમએમની સેમિ-ઑટોમેટિક પિસ્તોલ કોલ્ટથી સેન્ડર્સનો વધ કરાયો. એવી ય નોંધ છે કે ક્રાંતિકારીઓનું મુખ્ય નિશાન સેન્ડર્સ નહીં પણ લાઠીમાર માટે ગ્રીન સિગ્નલ આપનારો પોલીસ સુપરિન્ટેન્ડન્ટ જેમ્સ સ્કૉટ હતો. જેમ્સએ સ્કૉટ સમજીને જોહન પી. સેન્ડર્સ પર ગોળી છોડાયાનું પણ બહાર આવ્યું હતું. વાઈસરૉયના પી.એ.ના થનારા જમાઈ સેન્ડર્સની હત્યાને બ્રિટિશરો ખૂબ ક્રોધિત કરી મૂકયા. હકીકતમાં તો આમાં રોષ કરતા વધુ ડર હતો. બેફામ તત્ત્વો પર અંકુશ મૂકવા માટે ૧૯૩૧ની ૨૩મી માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોરની જેલમાં ફાંસીએ લટકાવીને બ્રિટિશ શાસને પોતાની ઘોર વધુ ઊંડી ખોદી. પરંતુ સત્તાના મદમાં માતેલા થયેલા શાસકો આવી ફાંસીને પોતાનો કાયમી વિજય સમજવાની મૂર્ખામી કરતા જ રહે છે.
———
૧૯૨૯ બારડોલી સત્યાગ્રહ

ગુજરાતનો બારડોલી સત્યાગ્રહ એટલે ભારતીય સ્વાધીનતા સંગ્રામનું ઝળહળતું પ્રકરણ. સાયમન કમિશનની ભારતમાં હાજરી વખતે જ ૧૯૨૮ની ૧૨ ફેબ્રુઆરીએ ગાંધીજીએ આ સત્યાગ્રહની જાહેરાત કરી હતી. ખેડૂતો પરના લગાન (કરવેરા)માં અચાનક ૨૨થી ૩૦ ટકાની વૃદ્ધિ સામે આ અવાજ હતો. વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં આ સત્યાગ્રહનો આરંભ ૧૯૨૮ના જૂનમાં થયો.
સૂરતના ૬૦૦ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલા તાલુકાના ૧૩૦ ગામોના ખેડૂતોએ બ્રિટિશરોના દમન વચ્ચે ચાર-ચાર મહિના અવિરત આંદોલન ચલાવતા રહ્યા. તાપી નદીના વિસ્તારમાં રેલવે લાઈન નાખવાથી ખેડૂતો વધુ સમૃદ્ધિ માણી રહ્યા છે એવા વાહિયાત બેબુનિયાદી તર્કને આધારે એક પ્રાંતિય સિવિલ સેવા અધિકારીની ભલામણ પર આ વધારો કરાયો હતો, જ્યારે હકીકત સાવ અલગ વિરોધાભાસી હતી. બહુ રજૂઆત છતાં કંઈ ન થયું. ખેડૂતોની કર ચુકવણીનો પહેલો હપ્તો ચુકવવાની આખરી તારીખ ૧૫મી ફેબ્રુઆરી હતી. પછી જમીન અને પશુઓની જપ્તી કરવાનો આદેશ હતો. ૧૨મીએ બારડોલીમાં ધરાર કર ન ચુકવવાની ઘોષણા સાથે સરકાર નવેસરથી મુલ્યાંકન કરાવે કાં જૂના કરવેરા લે એવી સ્પષ્ટ માગણી કરાઈ. આના સમર્થનમાં રામાયણ અને પુરાણોના અંશ વંચાયા. ઈશ્ર્વર અને ખુદાના નામે સત્યાગ્રહમાં અડગ રહેવા સમ ખાધા. કબીરના દોહા સાથે સત્યાગ્રહની શરૂઆત થઈ.
વલ્લભભાઈએ સૈન્યની માફક સત્યાગ્રહીઓના જૂથ બનાવ્યા હતા. પ્રચાર વિભાગ પણ રચાયો હતો. અનોખા સત્યાગ્રહે બ્રિટિશ અખબારોને પણ આકર્ષિત કર્યા. ખેડૂતોની મક્કમતા સામે બ્રિટિશ રાજે ઝુકવું પડયું અને ૫.૧૭ ટકા કરવેરો ઉઘરાવવાનું જાહેર થયું, જેની ચુકવણી બાદ જપ્ત કરાયેલ જમીન પાછી આપી દેવાઈ.
આ બિન-સાંપ્રદાયિક સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરૂદ મળ્યુ અને અહિંસક મીઠા આંદોલનના બીજ રોપાયા.
આમ જનતા અને ખેડૂતોના આંદોલન વિશે મોટાભાગની સરકારોને જલદી સમજ આવતી નથી. એનો સાક્ષી ઇતિહાસ પુરાવે છે.
——
દિલ્હી વિધાનસભામાં વિસ્ફોટ

૧૯૨૯ની આઠમી એપ્રિલે દિલ્હી સેન્ટ્રલ એસેમ્બલી અર્થાત સંસદમાં આવી ક્રાંતિકારી ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્તે બૉમ્બ ફેંકયા હતા. સાથો સાથ તેમણે ગેલેરીમાંથી ચોપાનિયા ફેંકયા જેમાં સ્પષ્ટપણે લખાયેલું હતું કે ‘બધિરોને સંભળાવવા માટે આ ધમાકો કરાયો છે.’
આ બૉમ્બ ધડાકા વખતે ભારતભરમાં વિરોધનો કારણ બનેલા સાયમન કમિશનનો પ્રમુખ જોહન સાયમન સંસદમાં મોજૂદ હતો. હકીકતમાં ક્રાંતિકારીઓ કોઈનો જીવ લેવા માગતા નહોતા પણ પોતાનો અવાજ યોગ્ય લોકો સુધી પહોંચાડવા માગતા હતા. આ કારણસર જ ઓછી તીવ્રતાવાળા બૉમ્બ વપરાયા હતા. બૉમ્બ ધડાકા બાદ ક્રાંતિકારીઓએ હવામાં ગોળી છોડયા બાદ અદાલતમાં સમર્પણ કરી દીધું હતું.
સાયમન કમિશનનો દેશભરમાં દરેક સ્વાતંત્ર્ય સેનાની અને પ્રજાજનોએ યથાસમજ, યથાશક્તિ અને યથાવિચાર વિરોધ કર્યો પણ ન કોઈ ચૂપ રહ્યાં, ન કોઈએ અવગણના કરી. કલ્પના કરી જુઓ કે બ્રિટિશરાજમાં ભરબપોરે ૧૨.૩૦ કલાકે બન્ને ક્રાંતિકારીઓ કેવી હિમ્મતભેર ગયા હશે? હિન્દુસ્તાની સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના આ બન્ને સભ્યો સામે મે મહિનામાં ખટલો શરૂ થયો અને જૂનમાં આજીન કેદની સજા થઈ. બન્ને ક્રાંતિકારી યુવાન હતા. ગજબની હિમ્મતવાળા હતા છતાં આયોજન એવું થયું કે કોઈનો જીવ ન જાય. કેવો ગજબનો સંયમ અને ૫૬ની અસલી છાતી?
આ એક-એક ઘટના ભારતમાં કદી ન આથમતા સૂર્ય ગણાતા બ્રિટિશ રાજની એક પછી એક ઇંટ તોડી રહી હતી. આમાં દુનિયાભરના દરેક શાસક માટે મોટો અને મહત્ત્વપૂર્ણ બોધ છે, જે સમજવો કે સ્વીકારવો હોય તો.
——–
જતીન દાસની ભૂખ હડતાળ

લાહોર કોન્સ્પીરસી કેસ તરીકે પણ જાણીતા જે. પી. સેન્ડર્સ હત્યા કેસમાં જતીન્દ્રનાથ દાસ ઉર્ફે જતીન દાસની ૧૯૨૯ની ૧૪મી જૂને ધરપકડ થઈ હતી. આ કેસમાં ૨૯૧ને પકડયા હતા. જેમાં ૪૨ને ફાંસી, ૧૧૪ને જન્મટીપ, ૯૩ને નાની-મોટી સજા થઈ અને ૪૨ને નિર્દોષ છૂટકારો થયો હતો. જેલમાં જતીન દાસે માગણી કરી કે ભારતીય રાજકીય કેદીઓ પણ યુરોપિયન કેદી સમકક્ષ ગણવામાં આવે. ભારતીય કેદીઓની જેલ ગંધાતી હોય, કપડાં દિવસોના દિવસો ધોવાય નહી, રસોડામાં ઉંદરો અને વાંદાઓ રખડતા હોય. ભારતીય કેદીઓને ન વાચવા અખબાર મળે કે ન લખવા કાગળ. જ્યારે બ્રિટિશ કેદીઓ સાહ્યબીથી રહે. પોતાની માગણી ન સ્વીકારાતા જતીન દાસ ૧૯૨૯ની ૧૩મી જુલાઈથી ભૂખ હડતાળ પર ઊતરી ગયા. દિવસો વીતતા ગયા એમ જેલના સત્તાધીશોએ બળજબરીપૂર્વક ખવડાવવા-પીવડાવવામાં કોઈ કચાશ ન રાખી. અંતે જેલના સત્તાધીશોએ એમની બિનશરતી મુક્તિની ભલામણ કરી પણ સરકારે એ ફગાવી દીધી. ૬૩-૬૩ દિવસની ભૂખ હડતાળ બાદ જતીન દાસે ૧૩ સપ્ટેમ્બરે દેહ છોડી દીધો. એમના પાર્થિવ દેહને લાહોરથી કલકત્તા લઈ જવાયો, ત્યાં હજારો માણસો સ્ટેશને દોડી ગયા હતા. બબ્બે માઈલ લાંબી માણસોની કતાર અંતિમ યાત્રામાં દેખાઈ. દાસના આમરણ આંદોલન જેલમાં ગેરકાયદે અટકાયત અને માનવીય હક માટે લડતમાં સીમાચિહ્ન પ્રકરણ બની રહ્યું. સાથો સાથ બ્રિટિશ રાજને માનસિક અને રાજકીય રીતે નબળું પાડવામાં અને દેશી બાંધવોને જોશ ચડાવવામાં પરિણામલક્ષી સાબિત થયું. આ બધુ તેમણે સિદ્ધ કર્યું માત્ર ૨૪ વર્ષની ઉંમરે!
દાસબાબુએ યુવાનોને પ્રેરણા આપી કે મક્કમ ઈરાદા સામે કોઈ અત્યાચાર ટકતો નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.