૧૯૨૧ સુભાષચંદ્ર બોઝનું સ્વદેશાગમન

સ્પેશિયલ ફિચર્સ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે દેશને મળેલી સ્વતંત્રતામાં યોગદાન આપનારાઓની એક ઝલકનું (૧૮૫૭થી ૧૯૨૦) સ્મરણ ગઈ કાલના ’મુંબઈ સમાચાર’ની વિશેષ પૂર્તિમાં કર્યા પછી આજે ૧૯૨૧થી ૧૯૪૭ દરમિયાન સ્વાતંત્ર્ય મેળવવામાં નિમિત્ત બનેલી ઘટના પ્રસ્તુત છે

– રાજ ગોસ્વામી

મારા જેવા મિજાજવાળા માણસને સિવિલ સર્વિસ માફક ના આવે, ૧૯૨૦ના દાયકામાં ૨૪ વર્ષના સુભાષ બાબુએ લંડનથી તેમના પિતાને એક પત્રમાં આવું લખ્યું હતું. પિતાના આગ્રહથી તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા આપવા ગયા હતા. જીવ ઘરઆંગણે ચાલતી મહાત્મા ગાંધીની અસહકારની ચળવળમાં હતો. એપ્રિલ ૧૯૨૧ના રોજ તેમણે નક્કી કર્યું કે અંગ્રેજોની નોકરી નથી કરવી. ૧૬ જુલાઈ ૧૯૨૧ના રોજ એ મુંબઈ ઉતર્યા. તેઓ સીધા જ ગાંધીજીને મળ્યા, જે ત્યારે મુંબઈમાં હતા. તેમની માતા એનાથી બહુ ખુશ થઇ હતી. એ મિટિંગમાં જ બોઝને ગાંધીજીના વિચારોથી પરિચય થયો હતો, અને ત્યાંથી જ તેમનો રસ્તો ફંટાયો. ગાંધીજી અહિંસક આંદોલનમાં માનતા હતા, બોઝે કહ્યું હતું ગુલામીના અંત માટે તમામ રસ્તાઓ જાયઝ છે. ગાંધીજીએ જ બોઝને કૉંગ્રેસના નેતા સી. આર. બરુઆની નિશ્રામાં મૂક્યા હતા અને એ રીતે બોઝનું ભારતીય રાજનીતિમાં પદાર્પણ થયું હતું. લગભગ ૧૫ વર્ષ સુધી બોઝ કૉંગ્રેસમાં કામ કરતા રહ્યા, પણ અંગે્રજોનું ભૂત લાતો વગર નહીં માને તેવા તેમના આક્રમક અભિગમથી, ૧૯૩૮ પછી તેમણે પોતાનો આગવો રસ્તો અપનાવ્યો. પછીનાં સાત વર્ષ સુધી તેઓ દેશ બહારથી સમર્થન માટે કામ કરતા રહ્યા. એમાં ખાસ તો હિટલરના નાઝી જર્મની અને સામ્રાજ્યવાદી સાથે તેમણે ગઠબંધન કર્યું, તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક અનોખું પ્રકરણ છે. આજે ૬૫ વર્ષ પછી પણ બોઝ એક મોટા વર્ગનો હીરો છે તેનું કારણ તેમની અપ્રતિમ દેશભક્તિ અને સાહસ છે.
——-
૧૯૨૩ સ્વરાજ પાર્ટીની સ્થાપના
૪થી ફેબ્રુઆરી ૧૯૨૨ના રોજ (આજના ઉત્તર પ્રદેશના) ગોરખપુર જીલ્લાના ચૌરી ચૌરા નગરમાં, અસહકાર આંદોલન કરી રહેલા લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. તેનાથી ભડકેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કરીને તેને સળગાવી દીધું. ઘટનામાં ત્રણ નાગરિકો અને બાવીસ પોલીસકર્મીઓ માર્યા ગયા. આ હિંસાથી વ્યથિત થયેલાં મહાત્મા ગાંધીએ પૂરા દેશમાં અસહકાર અંદોલન સ્થગિત કરી દીધું. મહાત્માને બીક હતી આનાથી આખું અંદોલન હિંસક બની જશે. તેઓ નાગરિક અસહકારને રોકવા માટે આમરણ ઉપવાસ પર પણ ઉતરી ગયા હતા. કૉંગ્રેસના નેતાઓને એ મંજૂર નહોતું કે એક છૂટક ઘટનાના પગલે આખા દેશમાં આંદોલન સ્થગિત કરી દેવામાં આવે. દેશવાસીઓ પણ એવી લાગણી હતી કે અસહકારનું અંદોલન અંગ્રેજોની કમ્મર તોડી નાખવા સક્ષમ હતું એટલે તેને સ્થગિત કરવાનો નિર્ણય ઉચિત નહોતો. એટલા માટે કૉંગ્રેસના નેતાઓ બ્રિટિશ રાજમાં રાજકીય સ્વતંત્રતા અને સ્વ-શાસનમાં ભાગ પડાવવા માટે, ૧ જાન્યુઆરી ૧૯૨૩ના રોજ, કૉંગ્રેસ-ખિલાફત સ્વરાજ પાર્ટીની રચના કરી હતી. તેનો હેતુ વિધાનપરિષદો
અને કેન્દ્રીય ધારાસભામાં ચૂંટાઈને અંગ્રેજ
સરકારનો વિરોધ કરવાનો હતો. ૧૯૩૫ સુધી આ પાર્ટી રહી, પછી તેનું ભારતીય કૉંગ્રેસમાં વિલીનીકરણ થઇ ગયું.
——-
અલીપોર: બંગાળ ક્રાંતિકારીઓ વિરુદ્ધ ખટલો

સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ એક રાજ્યનો સિંહફાળો હોય તો તે બંગાળ છે. બંગાળ રાજકીય અને સામાજિક ઉત્થાનનું કેન્દ્ર રહ્યું છે. દેશમાં અને ખાસ તો બંગાળમાં આઝાદીની લડાઈમાં આક્રમકતા આવી તેનું એક કારણ ૧૯૦૫માં બંગાળનું વિભાજન હતું. અંગ્રેજોએ મુસ્લિમ અને હિંદુ વસ્તી પ્રમાણે બંગાળનું પુનર્ગઠન કર્યું હતું. તેના એવા હિંસક પડઘા પડ્યાં કે માત્ર છ વર્ષમાં અંગ્રેજોએ એ યોજના અભરાઈએ ચઢાવી દીધી. એમાંથી મહાત્મા ગાંધીના સ્વદેશી અંદોલનનો જન્મ થયો હતો. અંગ્રેજોએ આ આંદોલનને કચડવા માટે જે કડક પગલાં ભર્યા તેની પ્રતિક્રિયા રૂપે બંગાળમાં લડાયક રાષ્ટ્રવાદી નેતાઓનો જન્મ થયો. એમાં જે એક મહત્ત્વનું નામ ઊભર્યું તે અરવિંદ ઘોષ, જેને આજે આપણે મહર્ષિ અરવિંદ તરીકે ઓળખીએ છીએ. ૧૯૦૭મા લેફ્ટનન્ટ-ગવર્નર સર એન્ડ્ર્યુ ફ્રાસરને લઈ જતી ટ્રેનને ઊથલાવવાનો અને ૧૯૦૮મા બંગાળના મુઝફ્ફરપુરના પ્રેસીડેન્સી મેજિસ્ટ્રેટ ડગ્લાસ કિંગ્સફોર્ડની હત્યા કરવાનો પ્રયાસ થયો હતો. બ્રિટિશ પોલીસે તેના માટે બંગાળી રાષ્ટ્રવાદીઓની અનુશીલન સમિતિના ૩૮ લોકોને ગિરફતાર કર્યા હતા અને ખટલો ચલાવ્યો હતો. એમાં અરવિંદ ઘોષ અને તેમના ભાઈ બરિન ઘોષ પણ હતા. તે સૌને અલીપોર જેલમાં રાખવામાં આવ્યાં હતા. ત્યાં જેલમાં જ સરકારી સાક્ષી બનેલા નરેન્દ્રનાથ ગોસ્વામીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમાં ઘોષના ભાઈ અને અન્યો દોષિત ઠર્યા. ઘોષને અગાઉના કેસમાં સજા કરવામાં આવી અને તેમણે સજા પૂરી કર્યા પછી સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લઇ લીધો અને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો હતો. બંગાળના ક્રાંતિકારીઓ સામેનો આ કેસ તત્કાલીન બ્રિટિશ રાજનો સૌથી મોટો ખટલો હતો. એ જેટલો કોર્ટમાં લડાતો હતો એટલો જ બંગાળી અખબારોમાં લડાતો હતો. તેના પરથી જ બ્રિટિશ સરકાર ઇન્ડિયન પ્રેસ એક્ટ-૧૯૧૦ લાવી હતી, જે અન્વયે સરકારની ટીકા કરતાં અખબારોને દંડ કરવામાં આવતો હતો.
——
૧૯૨૪ કાનપુર કેસ: શ્રીપાદ ડાંગે, એમ. એન. રોય

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામ્યવાદીઓનું નામ પહેલીવાર ૧૯૨૩મા ‘કાનપુર ષડ્યંત્ર કેસ’ મારફતે સામે આવ્યું હતું. ભારતની સૌથી જૂની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાનો જન્મ આ ઘટના સાથે જોડાયેલો છે. સામ્યવાદીઓ હિંસક ક્રાંતિ મારફતે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને ઉથલાવા માંગે છે એવા આરોપ હેઠળ બ્રિટીશ પોલીસે નવા નવા સામ્યવાદી બનેલા એમ. એન. રોય, મુઝફ્ફર અહેમદ, શ્રીપાદ ડાંગે, શૌકત ઉસ્માની, નલિની ગુપ્તા, સિંગારવેલુ ચેટ્ટીયાર અને ગુલામ હુસેનને સરકારે પકડ્યા હતા અને તેમની સામે કેસ ચલાવ્યો હતો. બ્રિટિશ સરકારને એ લોકોને બોલ્શેવિક’ કહેતી હતી. અખબારોમાં આ કેસ બહુ ઉછળ્યો હતો અને પહેલીવાર ભારતના લોકોને સામ્યવાદી વિચારધારાની ખબર પડી હતી. એમ. એન. રોય ભાગેડુ હતા અને એટલે તેમની ગેરહાજરીમાં ધરપકડ બતાવામાં આવી હતી, જયારે ગુલામ સરકાર પક્ષે થઇ ગયો હતો એટલે તેને માફ કરી દેવામાં આવ્યો હતો. બાકીનાઓને ચાર વર્ષની જેલ કરવામાં આવી હતી. આ કેસનો ફેંસલો આવ્યો ત્યારે બ્રિટિશ સરકારે બહુ શાનથી જાહેરાત કરી હતી કે તેણે ભારતમાંથી સામ્યવાદીઓનો સફાયો કરી નાખ્યો છે, પરંતુ એક વર્ષ પછી કાનપુરમાં અલગ-અલગ સામ્યવાદીઓનાં જૂથ ભેગાં થયાં હતાં અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા નામના એક રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. એ પાર્ટીનું વડું મથક ત્યારના બોમ્બેમાં રાખવાનું નક્કી થયું હતું. આજે ભલે સામ્યવાદીઓ રાજકીય રીતે મજબૂત નથી, પરંતુ ભારતના રાજકીય વિચારોમાં તેમનો પ્રભાવ એટલો જ તાકાતવર છે.
——-
૧૯૨૫ કાકોરી ટ્રેન લૂંટ: ચંદ્રશેખર આઝાદ

તમે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (એચઆરએ)નું નામ સાંભળ્યું નહીં હોય, પણ ચંદ્રશેખર આઝાદનું જરૂર સાંભળ્યું હશે. ભારતના જે જવાંમર્દ ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાનીઓનાં આજે પણ ગૌરવથી નામ લેવાય છે તેમાં ચંદ્રશેખર આઝાદ સૌથી મોખરે છે. તે આ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન ચલાવતા હતા અને ૧૯૩૧માં તેમના મૃત્યુ સુધી એ પાર્ટી સક્રિય રહી હતી.
એ પાર્ટી અને આઝાદ કાકોરી ટ્રેન લૂંટ’ નામના કેસમાંથી આઝાદીના જંગમાં
પ્રકાશમાં આવ્યાં હતા. ગાંધીજીએ હિંસાની આશંકાથી ૧૯૨૨માં અસહકાર આંદોલન સ્થગિત કરી દીધું તે પછી આઝાદ એચઆરએમાં જોડાયા હતા.
લખનૌથી ૧૪ કિલોમીટર દૂર કાકોરી નામનું ગામ છે. તે વખતે રામ પ્રસાદ બિસ્મિલ અને અશ્ફાકુલ્લાહ ખાન હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના નામે બ્રિટિશ સરકાર સામે સશસ્ત્ર અંદોલન ચલાવતા હતા.
તેમને તેના માટે પૈસાની જરૂર હતી. એ માટે તેમણે ૧૯૨૫માં કાકોરી ખાતે એક ટ્રેન લૂંટવાની યોજના બનાવી હતી. એ યોજના બિસ્મિલ, ખાન, રાજેન્દ્ર લાહિરી, ચંદ્રશેખર આઝાદ, સચિન્દ્ર બક્ષી, કેશબ ચક્રવર્તી, મનમંથન ગુપ્તા, મુકુલ લાલ, મુરારી લાલ ગુપ્તા અને બનવારી લાલે અમલમાં મૂકી હતી. એમાં, ટ્રેનમાં સવાર અહેમદ અલી નામનો એક વકીલ પેસેન્જર માર્યો ગયો હતો.
બ્રિટિશ પોલીસ આ સંદર્ભમાં અલગ-અલગ ક્ષેત્રોમાંથી ૪૦ કાર્યકરોની ધરપકડ કરી હતી. તેમાં આઝાદને ઝાંસીની જેલમાં પુરવામાં આવ્યા હતા, પણ ત્યાંથી છટકી જઈને અમુક વર્ષો સુધી નામ-વેશ બદલીને છુપાતા રહ્યાં હતા. ત્યાં ભગત સિંહ અને સુખદેવની મદદથી તેમણે એચઆરએને હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન નામથી પુનર્ગઠન કર્યું હતું.
——-
ચિત્તરંજનદાસનું અવસાન

‘દેશબંધુ’ તરીકે જાણીતા બંગાળના પીઢ રાષ્ટ્રીય નેતા ચિત્તરંજનદાસ ઉર્ફે દેશબંધુ કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં પૂરો કરીને આઇ.સી.એસ.ની પરીક્ષા માટે ઇંગ્લેન્ડ ગયા, પરંતુ તેમાં પાસ ન થયા એટલે બેરિસ્ટર થયા (૧૮૯૪). તેમના પિતા ભુવનમોહન દાસ કોલકાતા હાઈ કોર્ટમાં સોલિસિટર હતા. તેઓ બ્રહ્મોસમાજના સભ્ય હતા અને પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા હતા.
ચિત્તરંજન દાસના માનસપટ પર તેમના પિતાનો પ્રભાવ ખૂબ હતો. બ્રહ્મોસમાજી હોવા છતાં ચિત્તરંજનદાસ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને બંકિમચંદ્રથી પ્રભાવિત થયા હતા.
ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરતી વખતે બ્રિટિશ પાર્લામેન્ટ માટે ઉમેદવારી કરતા દાદાભાઈ નવરોજીની ચૂંટણી સભામાં તેમણે ભાષણો કર્યાં હતાં.
૧૮૯૪માં તેમણે કોલકાતા હાઈ કોર્ટમાં વકીલાત શરૂ કરી. પરંતુ શરૂઆતમાં સફળતા ન મળતાં નીચલી અદાલતોમાં વકીલાત શરૂ કરીને ફોજદારી બાબતોના વકીલ તરીકે નામના મેળવી. અલીપોર બોમ્બકેસમાં વકીલ તરીકે તેમણે અરવિંદ ઘોષને નિર્દોષ પુરવાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી. ‘ઢાકા કોન્સ્પિરસી કેસ’માં પણ તેઓ ક્રાંતિકારીઓના વકીલ તરીકે હતા. ૧૯૦૧માં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી દ્વારા ચાલતી લડતને નાણાકીય મદદ કરી. તેઓ અનુશીલન સમિતિ જેવી ક્રાંતિકારી સંસ્થાઓ સાથે અને સુરેન્દ્રનાથ બેનરજી, બિપિનચંદ્ર પાલ તથા અરવિંદ ઘોષની રાષ્ટ્રીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા; તેમ છતાં, રાષ્ટ્રીય રાજકારણમાં ૧૯૧૭ સુધી તેઓ ખુલ્લી રીતે ભાગ લેતા ન હતા. તેમણે એક વકીલ, રાજનેતા અને પત્રકાર તરીકે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવામાં જે ભૂમિકા ભજવી હતી, તેની કોઈ બરોબરી નથી.
એટલા માટે જ નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમને પોતાના રાજકીય ગુરુ અને ગાંધીજી તેમને ‘મહાત્મા’ માનતા હતા. ૧૯૨૫માં વ્યસ્ત જીવન વચ્ચે તેમની તબિયત બગડી હતી અને તેઓ આરામ કરવા દાર્જિલિંગ ગયા હતાં. ગાંધીજી તેમને મળવા ગયા હતા પણ તે પહેલાં ૧૬ જૂન ૧૯૨૫ના રોજ તેમણે અંતિમ શ્ર્વાસ લીધો હતો.
——
૧૯૨૬ કુમાઉ પરિષદનું કૉંગ્રેસમાં વિલીનીકરણ

ભારતીય સ્વતંત્રતા સંગ્રામની એક વિશેષતા એ હતી કે આમ તો તે અખિલ ભારતીય ચળવળ હતી અને કેન્દ્રીય નેતૃત્વમાં લડાતી હતી, પરંતુ તેની સાથે-સાથે દેશમાં અનેક પ્રાદેશિક સંગઠનોએ પણ તેમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એ બાબતમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ એક એવું વિશાળ વૃક્ષ હતું જેણે તેની છત્રછાયામાં અનેક છોડવાઓનું પાલનપોષણ કર્યું હતું. એવું જ એક સંગઠન હતું કુમાઉ પરિષદ. સ્વતંત્રતાની લડાઈમાં ખૂણે-ખૂણેથી લોકોને જાગૃત કરવાના આશયથી ૧૯૧૩માં કૉંગ્રેસનું એક અધિવેશન ઉત્તર પ્રદેશના ઉત્તરાખંડ પ્રાંતમાં યોજવામાં આવ્યું હતું. એ જ વર્ષે, એ વિસ્તારના પછાત અને દમિત લોકોના ઉદ્ધાર માટે શિલ્પકાર મહાસભા નામથી સ્થાનિક આગેવાનોની બેઠક મળી હતી. આ બે સભાઓનું પરિણામ એ આવ્યું કે ૧૯૧૬ પંડિત હરગોવિંદ પંત, ગોવિંદ વલ્લભ પંત, બદરી દત્ત પાંડે, ઇન્દ્રલાલ શાહ, મોહન સિંહ ધામવાલ વગેરેએ ભેગા થઇને કુમાઉ પરિષદની સ્થાપના કરી હતી. તેનો મુખ્ય ઉદેશ્ય આ પર્વતીય ક્ષેત્રના સામાજિક અને આર્થિક પ્રશ્ર્નો ઉકેલવાનો હતો. પાછળથી તેમાં રાજકીય ઉદેશ્યો પણ સામેલ કરવામાં આવ્યાં હતા. ૧૯૨૩ અને ૧૯૨૬ની પ્રાંતીય ચુંટણીઓમાં પરિષદના ૪ ઉમેદવારોએ તેમના હરીફોને હરાવ્યા હતા, એટલું એ તાકાતવર બની ગયું હતું. એમાંથી જ કૉંગ્રેસનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું અને ઉત્તરાખંડના પ્રતિનિધિ તરીકે તેને રાષ્ટ્રીય સ્તરે સ્થાન આપવા માટે ૧૯૨૬મા તેનું કૉંગ્ંરસમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. તેનો ફાયદો એ થયો કે ઉત્તરાખંડની એક અલગ જ ચળવળને બળ મળ્યું અને ૧૯૩૮મા ગઢવાલમાં મળેલા કૉંગ્રેસના અધિવેશનમાં પંડિત નહેરુએ આ પર્વતીય ક્ષેત્રના લોકોને તેમના રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક નિર્ણયો લેવાની સત્તા હોવી જોઈએ તેનું સમર્થન કર્યું હતું. ત્યાંથી ઉત્તરાખંડ રાજ્યની માંગણી બળવત્તર બની હતી. આજે ભારતના નકશા પર આપણે સ્વતંત્ર ઉત્તરાખંડ રાજ્ય જોઈએ છીએ, તેના પાયામાં કુમાઉ પરિષદ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.