૧૯૧૯ જલિયાંવાલા બાગ હત્યાકાંડ

સ્પેશિયલ ફિચર્સ

અભિમન્યુ મોદી

અંગ્રેજોએ રોલેટ એક્ટ લાગુ કર્યો હતો, જેનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો હતો, પણ તેના સૌથી ગંભીર પ્રત્યાઘાતો પંજાબમાં પડ્યા. પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરે લોકોને ધારા સામેના કોઈ પણ પ્રકારના આંદોલનથી દૂર રહેવા સખત ચેતવણી આપતાં પરિસ્થિતિ વધારે બગડી. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં છઠ્ઠી એપ્રિલ, ૧૯૧૯થી લોકોએ વિશાળ સભાઓ, સરઘસો, દેખાવો તથા હડતાળો દ્વારા ધારાનો ઉગ્ર વિરોધ કર્યો. આના અનુસંધાનમાં માઇકલ ઓડવાયરે પંજાબના લોક-આગેવાનો ડો. કિચલુ તથા ડો. સત્યપાલની ૮મી એપ્રિલે ધરપકડ કરીને પંજાબની સરહદ બહાર અજાણ્યા સ્થળે મોકલી દીધા. લોકોએ આના ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં બેંકો, સરકારી મકાનો, સ્ટેશનો વગેરે લૂંટવામાં આવ્યાં. બે-ચાર અંગ્રેજોની પણ હત્યા કરવામાં આવી. પોલીસ ગોળીબારમાં થોડા માર્યા ગયા તથા અમુક ઘવાયા. અમૃતસરની પરિસ્થિતિ કાબૂ બહાર જતાં માઇકલ ઓડવાયરે ૧૨મી એપ્રિલના રોજ શહેર લશ્કરને હવાલે કરી દીધું.
લશ્કરી અધિકારી જનરલ ડાયરે તુરત જાહેર સભાઓ, સરઘસો, દેખાવો પર પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પાડ્યો; પરંતુ હંટર કમિટીના અહેવાલ મુજબ આ આદેશની યોગ્ય જાહેરાત થઈ ન હોવાથી મોટા ભાગના લોકોને તેની જાણ થઈ નહિ, તેથી અન્યાયી રોલેટ કાયદા તથા સરકારી દમન નીતિ સામે વિરોધ વ્યક્ત કરવા અમૃતસરના જલિયાંવાલા બાગમાં ૧૩-૦૪-૧૯૧૯ના રોજ સાંજે ચાર વાગ્યે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ત્રી, પુરુષો તથા બાળકો મળીને આશરે દસ હજાર લોકો એકત્રિત થયાં. જલિયાંવાલા બાગ તે ખરેખર બાગ નથી; પરંતુ ચારે તરફ ફરતી આશરે પાંચેક ફૂટ ઊંચી દીવાલ સહિતની વિશાળ ખુલ્લી જગ્યા છે. તેને ફક્ત એક જ પ્રવેશદ્વાર છે અને એક સાંકડી ગલીમાંથી તેમાં પ્રવેશી શકાય છે.
સભા શરૂ થતાં જ જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે બાગના પ્રવેશદ્વારે આવી પહોંચ્યા. નિયમ અનુસાર લોકોને વીખરાઈ જવાની તેમણે કોઈ ચેતવણી આપી નહિ અને પોતાના સૈનિકોને લોકો પર ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. એકાએક ગોળીઓ છૂટતાં લોકોમાં નાસભાગ થઈ. કેટલાક યુવાનોએ દીવાલો કૂદીને પોતાના જાન બચાવ્યા. આજુબાજુનાં મકાનોમાં રહેતા લોકોએ દોરડા નાખીને અમુકને બચાવી લીધા; પરંતુ નાસવા અશક્ત એવાં મોટા ભાગનાં વૃદ્ધો, બાળકો તથા સ્ત્રીઓ ગોળીબારનો ભોગ બન્યાં. ગોળીઓના કુલ ૧૬૫૦ રાઉન્ડ છોડવામાં આવ્યા. સરકારી આંકડા પ્રમાણે માર્યા ગયેલા લોકોની સંખ્યા ૩૭૬ તથા ઘવાયેલાઓની સંખ્યા ૧૨૦૦ની હતી. સરકાર નિયુક્ત હંટર સમિતિની બહુમતીનો અહેવાલ પણ એકપક્ષીય હતો; પરંતુ કૉન્ગ્રેસે નિયુક્ત કરેલી સમિતિએ સ્થળની મુલાકાત લઈને, આજુબાજુના ૧૭૦૦ જેટલા લોકોનાં નિવેદનો લઈને આધારભૂત રીતે તપાસ કર્યા બાદ જાહેર કર્યું કે મૃત્યુ પામેલાની સંખ્યા આશરે ૧૨૦૦ની હતી તથા ઘવાયેલાઓની સંખ્યા લગભગ ૩૬૦૦ જેટલી હતી. ઘવાયેલાઓ માટે સારવારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.જલિયાંવાલા બાગની અમાનુષી કતલના પ્રત્યાઘાત રૂપે પંજાબનાં શહેરો – લાહોર, શેખપુરા, ગુજરાનવાલા, કસુર – વગેરેમાં મોટા પાયે તોફાનો ફાટી નીકળ્યાં. સરકારી કચેરીઓ, સરકારી શાળાઓ, પોસ્ટ ઑફિસો, તારઘરો, રેલવે વગેરેને ટોળાંએ ભારે નુકસાન પહોંચાડ્યું. સરકારે માર્શલ લો જાહેર કર્યો, આકાશમાંથી બોમ્બવર્ષા કરી, અનેકને ભારે ચાબખાની સજા કરી. વિશેષત: યુવાનો તથા વિદ્યાર્થીઓ પર ભારે દમન ગુજારવામાં આવ્યું. આવા કૃત્ય બદલ જનરલ ડાયરને હિન્દના અંગ્રેજોએ ફંડ એકત્ર કરીને ૨૦,૦૦૦ પાઉન્ડ તથા તલવારની ભેટ આપી હતી. અમાનુષી જલિયાંવાલા બાગની કતલના પ્રત્યાઘાત રૂપે બ્રિટિશ સરકારની ન્યાયબુદ્ધિમાંથી ગાંધીજીની શ્રદ્ધા ચલિત થઈ ગઈ અને તેમને અસહકારનું આંદોલન શરૂ કરવાની ફરજ પડી. લોકોની રાજકીય જાગૃતિ તથા રાષ્ટ્રીય ચેતનાને વેગ મળ્યો.
———
ખિલાફત આંદોલનની શરૂઆત
૧૯૧૯થી ૧૯૨૪ સુધી ચાલેલી ખિલાફત ચળવળને ભારતીય મુસ્લિમોની ચળવળ કહેવામાં આવે છે. ખિલાફત ચળવળ બ્રિટિશ ઇન્ડિયાના મુસલમાનોએ શૌકતઅલી, મોહમ્મદ અલી જૌહર અને અબુલ કલામ આઝાદની આગેવાનીમાં શરૂ કરલી ચળવળ હતી. એનો મુખ્ય ઉદ્દેશ ભાંગી પડેલા ઓટોમન સામ્રાજ્યના ખલીફાની ખિલાફતને બચાવવાનો, પુન: સ્થાપિત કરવાનો હતો. ખલિફા સુન્ની મુસલમાનોના એકમાત્ર ધાર્મિક વડા કહેવાતા હતા. ધર્મ ક્યારેક દેશ કરતાં મોટા સમૂહનું પ્રતિનિધત્વ કરતો હોય છે એનું આ ઉદાહરણ છે. ક્યાં ભારત અને ક્યાં તુર્કસ્તાન?
ખિલાફત ચળવળનાં મૂળિયાં તો ઓટોમન સુલતાન અબ્દુલ હમીદ બીજાએ ૧૯મી સદીના અંતમાં જમાલુદ્દીન અફઘાનીને ભારત મોકલીને નાખી દીધેલાં. પશ્ર્ચિમી લોકતાંત્રિક આધુનિક સભ્યતાના આક્રમણ સામે એમને એમની રૂઢિચુસ્ત ખિલાફત બચાવવી હતી. ખાસ તો બ્રિટનનો ખોફ વધતો જતો હતો. હવે ભારતમાં બ્રિટિશરાજ હતું અને ભારતીયોને એમાંથી મુક્ત થવું હતું તો ભારતના મુસ્લિમોની બ્રિટિશરાજ વિરુદ્ધની લાગણીનો ઉપયોગ પણ કરી શકાય. વળી ખલીફા પોતાને દુનિયાના તમામ સુન્ની મુસ્લિમોના ધાર્મિક વડા માનતા હતા. લોકશાહી ઈચ્છતા યુવાન તુર્કોની આગેવાની મુસ્તફા કમાલ પાશાએ લીધી હતી તેમને પણ દબાવવા હતા. આમ ઓટોમન સુલતાનના જાસામાં ભારતના મુસ્લિમો આવી ગયા અને બ્રિટિશ ભારતમાં તુર્કસ્તાનના ખલીફાની ખિલાફત બચાવવા ચળવળ શરૂ થઈ. ઓક્સફર્ડમાં ભણેલા મુસ્લિમ જર્નાલિસ્ટ મૌલાના મોહમ્મદ અલી એમાં તો ચાર વર્ષ જેલમાં રહેલા અને તેમની સાથે ઘણા હિન્દુઓ પણ જોડાયા.
બ્રિટિશ ગુલામીમાંથી મુક્ત થવાના પ્રયાસોમાં ખિલાફત ચળવળ એક મહત્ત્વપૂર્ણ ચળવળ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની દેખરેખ હેઠળ ખિલાફત ચળવળને આધારે હિંદુ-મુસ્લિમો બ્રિટિશ શાસનવિરોધી સંયુક્ત પ્રયત્નો જોવા મળ્યા. વસાહતવાદીઓ વિરુદ્ધના સંયુક્ત અસંતોષને વાચા આપવા માટે ખિલાફત ચળવળને મહાત્મા ગાંધીએ તેમના અસહકાર આંદોલનનું પીઠબળ આપ્યું ત્યારે તો યશ અધિક જ શક્તિમાન બન્યો. ખિલાફત ચળવળને શોષણ કરનારી અને વર્ચસ્વ ગજવનારી એક સમાન શક્તિ વિરુદ્ધ હિંદુ-મુસ્લિમોને અને પોતપોતાના હિતસંબંધોને એકઠા કરવાની ઉત્તમ તક તરીકે મહાત્મા ગાંધીએ ઓળખી લીધી. ‘સ્વરાજ્ય’ તરીકે પ્રસિદ્ધ આ સ્વશાસનના પ્રસ્તાવને ખિલાફત આંદોલનની ચિંતાઓ અને માગણીઓનો ટેકો મહાત્મા ગાંધીએ આપ્યો અને આ બેવડા હેતુઓ સિદ્ધ કરવા માટે અસહકારની યોજના સ્વીકારી. હિંદુ-મુસ્લિમ ઐક્યના સંદર્ભમાં ખિલાફત ચળવળે ભરતના સ્વાતંત્ર્ય આંદોલનમાં અત્યંત મહત્ત્વનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું. આમ જોઈએ તો ભારતના વિભાજન પહેલાં આ એવી છેલ્લી ઘટના હતી, જ્યાં હિન્દુ અને મુસ્લિમ સાથે રહ્યા હતા.
———–
ઈન્ડિયન ગવર્નમેન્ટ એક્ટ: મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા
અંગ્રેજી હુકૂમતનું દમનકારી વલણ ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતાસંગ્રામ બાદ શરૂ થઈ ચૂક્યું હતું. દેશઆખાએ તેનો અનુભવ કર્યો હતો. જોકે તેમ છતાં ભારતે પ્રથમ વિશ્ર્વયુદ્ધમાં બ્રિટિશ હુકૂમતનો ખૂલીને સાથ આપ્યો હતો. પ્રથમ વિશ્ર્વયુદ્ધની સમાપ્તિએ આશા હતી કે ભારત સાથે બ્રિટિશ શાસન નરમાશથી વર્તશે, પરંતુ લોકોની ભાવનાથી વિપરીત બ્રિટિશ સરકારે મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા લાગુ કરી દીધા. પ્રથમ વિશ્ર્વયુદ્ધ વખતે પંજાબનાં ક્ષેત્રોમાં બ્રિટિશરો સામે વિરોધ કંઈક વધારે પ્રમાણમાં સપાટી પર આવ્યો હતો. તેને દબાવવા માટે ભારત પ્રતિરક્ષા કાયદો લાગુ કરીને વિરોધને કચડી નાખ્યો હતો. ત્યાર બાદ ૧૯૧૮માં બ્રિટિશ જજ સિડની રોલેટની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિની જવાબદારી ભારતમાં, ખાસ કરીને પંજાબ અને બંગાળમાં બ્રિટિશરોનો વિરોધ કઈ વિદેશી શક્તિઓની સહાયતાથી થઈ રહ્યો હતો, તેનું અધ્યયન કરવાની હતી. આ સમિતિનાં સૂચનો પ્રમાણે, ભારતમાં સંસદીય પ્રણાલીની શરૂઆત કરવાની વિચારણા કરવામાં આવી હતી, જેને પગલે વર્ષ ૧૯૧૯માં ઈન્ડિયન ગવર્નમેન્ટ એક્ટની રચના કરવામાં આવી.
આ સુધારાને બ્રિટિશરોએ ભારતની પ્રથમ સંસદીય પ્રણાલી તરીકે રજૂ કર્યા હતા, જેમાં ભારતમાં સચિવ તરીકે મોન્ટેગ્યુ ફ્રેન્ડસીસ અને વાઈસરોય તરીકે ચેમ્સફર્ડ ગુવેવા નામના અંગ્રેજ અમલદારની નિમણૂક કરવામાં આવી હતી. આ બન્ને અધિકારીઓએ આખી સંસદીય પ્રણાલીની ભૂમિકા ઘડી કાઢી, જેની મુખ્ય જોગવાઈ અનુસાર દેશમાં સૌપ્રથમ પ્રત્યક્ષ ચૂંટણીવ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. પ્રાંતીય પરિષદોની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં આવી, જેમાં ૭૦% સભ્યો ચૂંટાયેલા હતા, સંપત્તિ, કર અથવા શિક્ષણના આધારે સીમિત સંખ્યામાં લોકોને મતાધિકાર મળ્યો. સાંપ્રદાયિક આધાર પર મુસ્લિમ, શીખ, ભારતીય ઈસાઈઓ અને એન્ગ્લો ઇન્ડિયન્સ માટે અલગ મતદાર મંડળ પદ્ધતિનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા અંગ્રેજોનું ષડ્યંત્ર હતું. આ ચૂંટણીના ઓઠા હેઠળ અંગ્રેજો ભારતમાં સંસદીય પ્રણાલીથી શાસન કરવા માગતા હતા અને એવું સાબિત કરવા માગતા હતા. ભારતીયો ખુદ અંગ્રેજોને મત આપીને તેને પોતાના નેતા બનાવે છે. ગાંધીજીના નેતાઓ અને તેનાં સંગઠનોએ આ કાયદાને સમર્થન આપ્યું હતું, પરંતુ જહાલવાદીઓએ તેનો સખત વિરોધ કર્યો હતો. આ વિરોધને પગલે બ્રિટિશ જજ સિડની રોલેટે સ્વાતંત્ર્યસેનાનીઓની ધરપકડ કરવા માટે રોલેટ એક્ટની રચના કરી હતી.
———-
૧૯૧૯ રોલેટ એક્ટ
સરકારે વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને હણી લેતો દમનકારી રોલેટ કાયદો પસાર કર્યો. લગભગ તમામ બિનસરકારી સભ્યો તથા મોટા ભાગના રાજકીય પક્ષોના સખત વિરોધ છતાં સરકારે પોતાની બહુમતીથી કેન્દ્રીય ધારાસભામાં અન્યાયી રોલેટ કાયદો માર્ચ, ૧૯૧૯માં પસાર કરાવ્યો. આ કાયદા પ્રમાણે અપરાધીઓ સામે દાવો ચલાવવા ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશોની બનેલી અદાલતની જોગવાઈ કરવામાં આવી. આ અદાલતે ફરમાવેલી સજા સામે અપરાધીને અપીલ કરવાની છૂટ નહોતી. આ ધારા મુજબ પ્રાંતિક સરકાર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકતી તથા આ માટે કારણો આપ્યા વગર તેને યોગ્ય લાગે તેટલો સમય કારાવાસમાં રાખી શકતી. આવી વ્યક્તિને અપીલ કરવાનો કોઈ હક નહોતો.આ ધારાના અમલ સામે મહાસભા તથા મુસ્લિમ લીગ સહિતના મોટા ભાગના પક્ષોએ પ્રચંડ વિરોધ વ્યક્ત કર્યો. મહાસભા તથા ગાંધીજીના આદેશ મુજબ આ જુલમી ધારા સામે છઠ્ઠી એપ્રિલ, ૧૯૧૯ના રોજ દેશભરમાં સભાઓ, સરઘસો, દેખાવો તથા હડતાળોનું આયોજન કરવામાં આવ્યું. દિલ્હી, અમૃતસર, મુંબઈ, અમદાવાદ તથા અન્ય સ્થળોએ તોફાનો ફાટી નીકળ્યાં. કેટલાક લોકોએ જાન ગુમાવ્યા તથા લાખોની મિલકતને નુકસાન કરવામાં આવ્યું.ભારત પ્રતિરક્ષા કાયદાનો વિસ્તાર કરીને રોલેટ એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો હતો. રોલેટ એક્ટનો હેતુ આઝાદી માટે ચાલી રહેલા આંદોલન પર રોક લગાવવાનો હતો. રોલેટ એક્ટના કાળા કાયદા પ્રમાણે, સરકારને વધારે અધિકાર આપવામાં આવ્યા હતા. તેમાં તેઓ પ્રેસ પર સેન્સરશિપ લગાવી શકે, નેતાઓને કેસ વગર જેલમાં રાખી શકે, લોકોને વોરંટ વગર પકડી શકે, તેમના પર વિશેષ ટ્રિબ્યુનલો અને બંધ કમરામાં જવાબદેહી વગર ચુકાદા ચલાવી શકતા હતા.રોલેટ એક્ટ તે સમયે બ્રિટિશ હુકૂમતની દમનકારી નીતિઓનો વાહક બની ગયો હોવાથી તેની સામે વિરોધનું વાતાવરણ બની ગયું હતું. તેને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવતો હતો અને લોકો તેના વિરોધમાં ધરપકડ વહોરી રહ્યા હતા. ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવી ચૂક્યા હતા અને ધીમે ધીમે તેમની લોકપ્રિયતા વધી રહી હતી. તેમણે રોલેટ એક્ટના વિરોધનું આહ્વાન કર્યું હતું. તેને કચડવા માટે બ્રિટિશ સરકારે વધુ નેતાઓ અને લોકોની ધરપકડ કરી હતી, જેનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો અને લોકોએ રેલવે તથા તાર-ટપાલ સેવાઓને બાધિત કરી હતી. આંદોલન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેના ચરમ પર પહોંચ્યું હતું. આ એક્ટના વિરોધને પગલે જલિયાંવાલા હત્યાકાંડ સર્જાયો હતો.
———-
૧૯૨૦ ચૌરી ચૌરાની ઘટના
૧૦ ફેબ્રુઆરી, ૧૯૨૨ના રોજ ગુજરાતના બારડોલી તાલુકામાં મહાત્મા ગાંધી તેમની સવારની પ્રાર્થના પછી ખૂણામાં શાંતિથી બેઠા હતા. નેહરુ જેલમાં હતા અને પટેલ સહિત બાકીના કાર્યકર્તાઓમાં ચર્ચાનો એક જ મુદ્દો હતો, ‘ચૌરી ચૌરાની ઘટના.’
૪ ફેબ્રુઆરી, ૧૯૨૨ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરના જિલ્લામાં આવેલા ચોરી ચૌરા ગામે નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી અને ૨૧ પોલીસવાળા મૃત્યુ પામ્યા હતા.
જોકે આના જૂના ભાગમાં આજે પણ ૧૦૦ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા પોલીસકર્મીઓની દફનવિધિ છે. તે ૧૯૨૪માં જ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યું હતું. ચૌરી ચૌરા ઘટનાનાં ૬૦ વર્ષ બાદ ૧૯૮૨માં ઈન્દિરા ગાંધીએ શહીદો માટે નવું સ્મારક બનાવ્યું હતું. આ સ્મારક પર તમામ શહીદોનાં નામ પણ લખવામાં આવ્યાં હતાં.ચૌરી ચૌરા શહીદ સ્મારક સ્થળના પરિસરમાં એક શહીદ સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. ત્યાં આ ઘટનાના શહીદોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. અહીં આ કેસની એફઆઈઆર, સંપૂર્ણ ચાર્જશીટ અને કોર્ટના નિર્ણયની નકલ આજે પણ જોઈ શકાય છે. નજીકમાં પર્યટન વિભાગે શહીદોના નામે એક ઓડિટોરિયમ પણ બનાવ્યું છે. દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ અહીં શહીદોની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ચૌરી ચૌરા સ્મારકનું ઉદ્ઘાટન જાન્યુઆરી, ૨૦૨૧માં થયું હતું.
———–
અસહકાર ચળવળનો પ્રારંભ
જલિયાંવાલા બાગમાં થયેલા નિર્મમ હત્યાકાંડ બાદ ૪ સપ્ટેમ્બર, ૧૯૨૦ના રોજ અસહકારના આંદોલનને નાગપુરના અધિવેશનમાં બહાલી મળી. કૉન્ગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વરાજને બદલે ‘સ્વરાજ્ય’ જ જોઈએ એવી બુલંદ માગણી કરી હતી, જેનાં બે પાસાં હતાં- એક, રચનાત્મક પાસું અને બીજું, ખંડનાત્મક પાસું.આંદોલનના રચનાત્મક પાસામાં હિન્દુ-મુસ્લિમ એકતા દૃઢ બનાવવી, ‘સ્વદેશી’ ચીજવસ્તુઓનો આગ્રહ કરવો, ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા, ટિળક સ્વફંડમાં એક કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો.બીજી તરફ ખંડનાત્મક પાસામાં સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા, કોલેજોનો ત્યાગ કરવો, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામાં આપવાં, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર, સરકારી સમારંભો, ઇલકાબો વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો.
આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાના ‘કેસર હિંદ’ અને રવીન્દ્રનાથ ઠાકુરે ‘નાઇટહૂડ’ સન્માન વગેરેનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો હતો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટી. ડ્યુક ઓફ કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેટ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આવા પગલાએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય શાળા-કોલેજની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા-મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થાપાઈ હતી.
સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતાં ઇન્ગ્લેન્ડથી આયાત થતાં કાપડ, મોજશોખની ચીજવસ્તુઓમાં ભારે ઘટાડો થતાં તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. ઇન્ગ્લેન્ડને ભારે આર્થિક નુકસાન થતાં સરકાર ચોંકી ઊઠી હતી.ટિળક ફંડમાં એક કરોડથી વધુ નાણાં એકઠાં થયાં તેમ જ આંદોલનો દરમિયાન હિન્દુ-મુસ્લિમ એકતા અનેક પ્રસંગોએ પ્રગટ થઈ હતી.
હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોયલા બળવા ટીકાપાત્ર કહી શકાય અને તે બ્રિટિશ સરકારે સખતાઇ સાથે દબાવી દીધા. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા. હિન્દુ-મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.અસહકારના આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ધારી સફળતા મળી નહોતી; પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને અધિકારો પ્રત્યે સભાન કર્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની હતી. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રસેવામાં આગળ વધ્યાં અને કૉન્ગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આયાતી શાળા શરૂ થઈ અને અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું હતું.જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો-નગરો તેમ જ બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું હતું, પરંતુ ચોરી ચૌરાના હિંસક બનાવના સમાચાર જાણ્યા બાદ ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવી મોટી ભૂલ કરી છે. એમ કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું લેવાની જાહેરાત કરી હતી.
———
ઓરિસ્સાના દુષ્કાળમાં ઠક્કરબાપાનું સક્રિય યોગદાન
ગાંધીજીના અનુયાયી અને તેમનાં કાર્યોને જીવનમાં ઉતારનારા અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કરબાપાનું યોગદાન તો કઈ રીતે ભૂલી શકાય. ૨૦૧૯માં ગાંધીજીનું ૧૫૦મું જન્મ શતાબ્દીનું વર્ષ હતું. એ જ વર્ષે ઠક્કરબાપાનું પણ જન્મ શતાબ્દીનું વર્ષ હતું. સ્વાભાવિક છે કે રાષ્ટ્રપિતાના શતાબ્દી વર્ષ જેટલી ચર્ચા કેે પ્રસિદ્ધિ તેમને ન મળે, પણ તેનાથી તેમનાં કાર્યોનું મહત્ત્વ તસુભાર પણ ઓછું આંકી શકાય તેમ નથી. એ જમાનામાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં થોડા દિવસ ગાળવાના થાય તે પણ સજારૂપ લેખાતા ત્યારે ઠક્કરબાપાએ ત્યાં કાયમી પડાવ નાખીને સેવાનો અલખ જગાવેલો. હાલ યુવાનોમાં ભણીને વિદેશ સ્થાયી થવાની ઈચ્છા ઉછાળા મારી રહી છે ત્યારે એ કાળે એન્જિનિયરિંગની યશસ્વી કારકિર્દી છોડી આદિવાસીઓ માટે જીવન ખર્ચી નાખનાર એ ઓલિયાને યાદ કરવા રહ્યા.
વર્ષ ૧૯૨૧ની વાત છે. ઓરિસ્સામાં સતત ત્રીજા વર્ષે દુકાળે બિહામણું સ્વરૂપ ધારણ કરવા માંડ્યું હતું. ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો. અનાજ અને ઘાસચારાની તંગી પેદા થઈ. આશરે વીસ લાખ ઢોર મરણ પામ્યાં. અનાજના અભાવે ગરીબ લોકો ઝાડનાં પાંદડાં અને થોરનાં ડીંડલાં ખાઈને ગુજારો કરતા. આવા સમયે ઠક્કરબાપાએ મૂક સેવક બનીને આદિવાસીઓની સેવા શરૂ કરી. ઓરિસ્સામાં અંધશ્રદ્ધા નિર્મૂલનનું કાર્ય પણ તેમણે કર્યું હતું.એ ઉપરાંત કેરળના હરિજનો, તામિલનાડુના અસ્પૃશ્યો, હિમાલયની તળેટીના પછાત ગરીબો, મહારાષ્ટ્રની મહાર જાતિ, બિહારની ચમાર કોમ, બંગાળના સંથાલ, મધ્ય પ્રદેશના ભીલ, આસામ અને નાગાલેન્ડના આદિવાસી, થરપારકરના હરિજન આ બધા વિસ્તારમાં ફરીને લોકોના પ્રશ્ર્નો સમજીને તેનો ઉકેલ કરતા રહ્યા. હરિજન અને આદિવાસીઓના વિકાસ અને કલ્યાણના તેઓ સાચા બાપા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.