૧૯૧૪ હોમરૂલ લીગની સ્થાપના

સ્પેશિયલ ફિચર્સ

જ્વલંત નાયક

બ્રિટિશ તાબા હેઠળ રહેલા ભારતીયોને પણ પોતાના દેશ વિષે નિર્ણયો લેવાની સત્તા હોવી જોઈએ, એવી માગ બળવત્તર થતી ગઈ, તેથી ૧૯૦૯માં બ્રિટિશ ગવર્નમેન્ટે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ પસાર કર્યો, જે ભારતીયોને નીતિવિષયક નિર્ણય લેવા અંગેની મર્યાદિત સત્તા આપતો હતો. પણ આ કાયદો ભારતીયોની માગને સંતોષવામાં નિષ્ફળ ગયો. એટલે ભારતીય નેતાઓનો વિરોધ વધુ બોલકો બન્યો. ૧૯૧૪માં પ્રથમ વિશ્ર્વયુદ્ધની શરૂઆત થઇ, એ સમયે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને લાગ્યું કે યુદ્ધમાં બ્રિટિશર્સનો સાથ આપવાથી અંગ્રેજ સરકાર ભારતીયો પ્રત્યે કૂણું વલણ અપનાવશે અને વિશ્ર્વયુદ્ધ પૂરું થયે ભારતને સ્વતંત્રતા આપવામાં આવશે. જો કે એ આશા ઠગારી નીવડી. કૉંગ્રેસના તત્કાલીન નેતાઓને સમજાયું કે ભારતે સ્વતંત્રતા મેળવવી હશે તો પ્રજાને જાગૃત કર્યા સિવાય ચાલવાનું નથી. જાગૃતિ આણવાની શરૂઆત અંગ્રેજી વાંચી શકનારા ભારતીયોથી કરવી પડે. એ સમયે કૉંગ્રેસમાં શ્રીમતી એની બેસન્ટ નામના આઈરીશ સન્નારી પણ હતા, જેઓ ભારતીયતાના રંગે રંગાઈને ભારતની આઝાદી માટે પ્રયત્નશીલ હતા. એની બેસન્ટ આઈરીશ હોવાને કારણે આયર્લેન્ડના સ્વતંત્રતા સંગ્રામથી વાકેફ હતાં અને ઇસ ૧૮૭૦માં શરૂ થયેલી આઈરીશ ‘હોમરૂલ ચળવળ’થી પણ વાકેફ હતાં. આયર્લેન્ડ પાસેથી પ્રેરણા લઈને ભારતમાં બાલ ગંગાધર ટિળકે (પૂણે ખાતે) અને એની બેસન્ટે (મદ્રાસ ખાતે) હોમરુલ લીગની સ્થાપના કરી. એની બેસન્ટ ઇચ્છતા હતાં કે બીજાં બ્રિટિશ સંસ્થાનોની જેમ ભારતને પણ ડોમિનિયન સ્ટેટનો દરજ્જો મળે.
————-
૧૯૧૫ ગાંધીજી દ. આફ્રિકાથી ભારત પાછા ફર્યા
આ દરમિયાન ૯ જાન્યુઆરી, ૧૯૧૫માં બીજી એક ઐતિહાસિક ઘટના ઘટે છે. એ દિવસે બોમ્બેના એપોલો બંદર ઉપર એક જહાજ આવી લાંગર્યું, જેમાંથી ૪૫ વર્ષના એક વકીલ પોતાના પત્ની સાથે ઉતરે છે. ભારતની ધરતી પર એમના પગ પડતાની સાથે જ હજારો લોકો એમને ઘેરી વળ્યા. આ દંપતી એટલે બીજું કોઈ નહિ પણ મોહનદાસ કરમચંદ ગાંધી અને એમના પત્ની કસ્તૂરબા. એ સમયે દેશના લોકોમાં અસમંજસમાં હતા. કૉંગ્રેસ પક્ષની સ્થાપનાને ૩૦ વર્ષ થઇ ગયાં હોવા છતાં અંગ્રેજ સરકાર સામે પાર્ટીને કોઈ નોંધપાત્ર સફળતા મળી નહોતી. અંગ્રેજો સામે લડવા અંગે કોઈ એકસૂત્રતા નહોતી સાધી શકાઈ. બીજી તરફ પોરબંદરથી મોહનદાસ તરીકે દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીએ ત્યાંની ગોરી સરકાર સામે જોરદાર લડત આપીને એક નોખી માટીના નેતા તરીકેની ભાત ઉપસાવી હતી. દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજ સરકાર સામેના સંઘર્ષોમાં ગાંધીએ મેળવેલી સફળતા બાદ ભારતના લોકો પણ આ મહાત્મા તરફ આશાની મીટ માંડીને બેઠા હતા. ગાંધી ભારત આવ્યા, એ સાથે જ લોકોએ એમને નેતા તરીકે સ્વીકારી લીધા. ૧૯૨૦માં ગાંધીને હોમરૂલ લીગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એના એક વર્ષમાં જ હોમરૂલ લીગનો ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં વિલય કરી દેવાયો.
————-
૧૯૧૫ ગદર આંદોલન
૧૯મી સદીના અંત તથા ૨૦મી સદીના આરંભમાં પંજાબી ખેડૂતો મોટી સંખ્યામાં ખેતરોમાં મજૂરી કરવા યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા ગયા હતા. ૧૯૧૦ સુધીમાં સાન ફ્રાંસિસ્કો અને વાનકુંવર વચ્ચે આશરે ૩૦,૦૦૦ ભારતીય કામદારો વસતા હતા. આ કામદારો સાથે અમેરિક્ધસનો વ્યવહાર ભારે અપમાનજનક રહેતો. આથી આ કામદારોને સ્વતંત્રતા અને લોકશાહીનું મૂલ્ય સમજાયું. એમાં વળી તેઓ શ્યામજી કૃષ્ણવર્માનું સામયિક ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ અને મેડમ કામાનું ‘વંદે માતરમ’ વાંચીને ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિથી માહિતગાર થયા. ૧ નવેમ્બર ૧૯૧૩ના રોજ સાન ફ્રાંસિસ્કોમાં ભારતીયોના પ્રતિનિધિઓની એક સભા મળી. તેમાં ‘હિંદી ઍસોસિયેશન ઑવા અમેરિકા’ સ્થાપીને આશરે ૧૫,૦૦૦ ડૉલર ભેગા કરવામાં આવ્યા. સમય જતાં આ ઍસોસિયેશન ‘ગદર (બળવો) પક્ષ’ નામથી ઓળખાવા લાગ્યું. ગદર પક્ષ દ્વારા પ્રથમ વિશ્ર્વયુદ્ધ દરમિયાન, ૧૯૧૫માં બ્રિટિશ સૈન્યમાં રહેલા ભારતીયો દ્વારા વિદ્રોહ કરવાની યોજના બનાવવામાં આવી. આ યોજના ગદર વિદ્રોહ તરીકે પ્રખ્યાત થઇ. જો કે અંગ્રેજોને માહિતી મળી જતા ગદર આંદોલનને ક્રૂરતાપૂર્વક કચડી નાખવામાં આવ્યું. અનેક ભારતીયોને દેશનિકાલથી માંડીને મૃત્યુદંડ સુધીની સજાઓ ફટકારવામાં આવી. ગદર આંદોલન ભલે નિષ્ફળ ગયું, પણ અંગ્રેજ સરકાર આ આંદોલનથી અંદરખાને ફફડી ગઈ હતી. આથી યુદ્ધના અંત બાદ, ફરી કોઈ ગદર આંદોલન આકાર ન લે, એ માટે થઈને અંગ્રેજ સરકાર રોલેટ એક્ટ અમલમાં મૂક્યો. ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના રોજ રોલેટ એક્ટના વિરોધમાં પંજાબના અમૃતસર ખાતે આવેલા જલિયાંવાલા બાગ ખાતે પ્રદર્શનકારીઓ એકઠા થયા. જનરલ ડાયરે આ અહિંસક પ્રદર્શનકારીઓ પર ગોળી વરસાવી, જેમાં સ્ત્રીઓ, બાળકો સહિત સેંકડો લોકો મૃત્યુ પામ્યાં. આ ઘટના ઇતિહાસમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ તરીકે દર્જ થઇ.
————
૧૯૧૬ લખનૌ કરાર
ડિસેમ્બર, ૧૯૧૬માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ વચ્ચે થયેલ ‘લખનૌ કરાર’માં કૉંગ્રેસ અને મુસ્લિમ લીગે બ્રિટિશ સરકાર સમક્ષ કેટલીક માગણીઓ કરી હતી. જેમાં જવાબદાર રાજ્યતંત્ર ઉપરાંત પ્રાંતિક સ્વરાજ્ય તથા સ્થાનિક સ્વરાજ્ય સહિત શાહી યુદ્ધોનું ખર્ચ ભારતની તિજોરીને બદલે બ્રિટિશ તિજોરીમાંથી લેવું, સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાં સમાનતા એટલે કે રંગભેદ અને જાતિભેદનો વિરોધ અને લશ્કરમાં ભારતીયોને કમિશન આપવાનો સમાવેશ થતો હતો.
જો કે હિંદુ-મુસ્લિમ સંબંધો ઉપર આ કરારની ઘેરી અસર પડી. લખનૌ કરાર ઇતિહાસના ચોપડે નોંધાયેલી એક એવી ઘટના છે, જેનું ભૂત આજે ય ધૂણતું રહે છે. એ સમયે સ્વાતંત્ર્ય ચળવળમાં હિન્દુઓ અને મુસલમાનોના ફાંટા અલગ પડી રહ્યા હતા. કૉંગ્રેસના તત્કાલીન નેતાઓને લાગ્યું કે મુસ્લિમો તરફ જો નમતું જોખવામાં આવે, તો કૉંગ્રેસ હિંદુતરફી પક્ષ હોવાની છાપ દૂર થશે અને મુસ્લિમો પણ મોટી સંખ્યામાં સ્વાતંત્ર્ય સંગ્રામની મુખ્ય ધારામાં ભળી શકશે. આથી ૧૯૦૯ના મોર્લે-મિન્ટો સુધારામાં મુસલમાનોને જેટલી બેઠકો આપવામાં આવી હતી, તેના કરતાં પણ વધારે બેઠકો પંજાબ તથા બંગાળમાં તેમને આપવાનું કૉંગ્રેસે સ્વીકાર્યું. ઉપરાંત મુસ્લિમ લીગ કૉંગ્રેસ પ્રેરિત અસહકારની ચળવળને સમર્થન આપે, એની સામે આગળ જતા કૉંગ્રેસે તુર્કીના ખલીફા શાસનના સમર્થનમાં ચાલેલી ભારતીય મુસ્લિમોની ખિલાફત ચળવળને સમર્થન જાહેર કર્યું.આ કરાર કરવા પાછળ કૉંગ્રેસની જે મંશા હતી, એ ફળીભૂત થઇ નહિ, ઊલટાનું અંગ્રેજોએ આ કરારને અનુલક્ષીને કોમવાદના દાવાનળને વધુ ભડકાવ્યો.
આજની તારીખેય કૉંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ મામલે રાજકીય કળણમાં ફસાયેલી દેખાય છે, એના મૂળ ક્યાંકને ક્યાંક આ કરારમાં રહેલા છે.
——–
૧૯૧૭ચંપારણ સત્યાગ્રહ
ગળીની ખેતીમાં ખેડૂતોને વળતર ઓછું મળતું હતું. વળી એમાં પાણીની ખપત વધારે રહેતી. પરંતુ વિશ્ર્વયુદ્ધના કારણે જર્મનીથી આવતા રંગ બંધ થતા ફરી એક વાર ગળીની માંગ નીકળી હતી. આથી અંગ્રેજ સરકારે ખેડૂતોને ધાન્યને બદલે ફરજિયાત ગળીનું ઉત્પાદન કરવાની ફરજ પાડી. બિહારમાં ઉત્તર-પશ્ર્ચિમે આવેલા ચંપારણના ખેડૂતોને જમીનના પ્રત્યેક વીંઘાના ત્રણ ભાગ ઉપર ગળીની ખેતી કરવા માટે ફરજ પાડવામા આવી. આ સામે રાજકુમાર શુક્લા નામના એક સમૃદ્ધ ખેડૂતે જોરશોરથી વિરોધ નોંધાવ્યો. રાજકુમાર શુક્લાએ ગાંધીજીને પણ આ મામલે રસ લેવા વિનવણી કરી. શરૂઆતમાં તો ગાંધીજીએ બહુ દાદ ન દીધી, પણ શુક્લાએ સતત પ્રયત્નો ચાલુ રાખતા આખરે ૧૦ એપ્રિલ, ૧૯૧૭ના દિવસે ગાંધીજી પોતાના સાથી વકીલો (રાજેન્દ્ર પ્રસાદ, જે. બી. કૃપલાણી વગેરે) સાથે ચંપારણ પહોંચ્યા. અહીં આવીને સૌથી પહેલા એમણે લોકજાગૃતિ અને શિક્ષણ માટેનું અભિયાન ઉપાડ્યું. આ દરમિયાન ગ્રામલોકોનો વિશ્ર્વાસ સંપાદન કરીને સફાઈ કામગીરી, આરોગ્ય કેન્દ્રો, શાળા વગેરે શરૂ કર્યા. સાથે જ દારૂ અને અસ્પૃશ્યતા જેવી બદીઓ સામે લોકજાગૃતિ લાવવા માંડી. ગાંધીજીના આ અભિયાનથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી, અને ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. જેલ, પોલીસ સ્ટેશન અને ન્યાયાલયની બહાર ઉમટી પડેલી હજારો લોકોની મેદનીએ ગાંધીજીને છોડી મૂકવા માટે માગ કરી. આખરે અદાલતે પ્રચંડ લોકલાગણી સામે નમતું જોખીને ગાંધીજીને છોડી મૂકવા પડ્યા.એ પછી ગાંધીજીના નેતૃત્ત્વમાં જમીનદારો વિરુદ્ધ સુનિયોજિત વિરોધ પ્રદર્શન અને હડતાલનું આયોજન કરવામાં આવ્યું. પરિણામે અંગ્રેજ સરકારના નિર્દેશનમાં એક કરાર થયો. જેમાં ખેડૂતોને વધારે વળતર અને પાકની પસંદગી કરવાની છૂટ આપવામાં આવી, કરમાં કરાયેલો વધારો નાબૂદ થયો અને ભૂખમરાની વિપદા ટળે ત્યાં સુધી કરવધારો મોકૂફ રખાયો. આ ચળવળ દરમિયાન પહેલીવાર ગાંધીજીને લોકોએ પ્રેમથી “બાપુ અને “મહાત્મા તરીકે સંબોધવાનું શરૂ કર્યું. ચંપારણ સત્યાગ્રહે દેશમાં એક નવી ચેતના અને સ્વતંત્રતા અંગેની જાગૃતિ પ્રકટાવી.
———
અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના
ભારત આવ્યા બાદ દેશની સ્વાધીનતા ચળવળમાં ઓતપ્રોત થયેલા ગાંધીજીને લાગ્યું કે પોતે ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધુ સારી સેવા કરી શકશે. આથી એમણે અમદાવાદમાં આશ્રમ સ્થાપીને વસવાટ કરવાનું નક્કી કર્યું. વળી અમદાવાદ એ સમયે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ સારી રીતે થઇ શકશે, એવી પણ માન્યતા હતી. ઉપરાંત, અમદાવાદ એ સમયે ગુજરાતનું પાટનગર હતું. આથી શહેરમાં સારી એવી સંખ્યામાં ધનાઢ્ય લોકો વસતા હતા. જરૂર પડ્યે આ લોકો આર્થિક રીતે મદદરૂપ થઇ શકે, એવી ગણતરી પણ ખરી. પરિણામે ૧૧ ડિસેમ્બર, ૧૯૧૬ના રોજ સાબરમતી આશ્રમની જમીનના બાનાખત માટેનો સ્ટેમ્પ ખરીદાયો, અને એ સાથે જ આશ્રમ સ્થાપનાની પ્રવૃત્તિની શરૂઆત થઇ. ગાંધી મૂલ્યો અને સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસને જાળવીને બેઠેલો સાબરમતી આશ્રમ આજેય નવા કલેવર ધારણ કરીને અડીખમ ઊભો છે, અને નવી પેઢીઓને ઇતિહાસનો પરિચય આપી રહ્યો છે.
——-
કુમાઉ પરિષદની સ્થાપના
૧૯૧૨માં જ કૉંગ્રેસ પક્ષની એક શાખા કુમાઉમાં ખૂલી ચૂકી હતી. પરંતુ સ્થાનિક લોકોએ એનો સ્વીકાર કર્યો નહોતો. આથી ૩૦ સપ્ટેમ્બર, ૧૯૧૬ને દિને ’કુમાઉ પરિષદની સ્થાપના કરવામાં આવી. કુમાઉ પરિષદમાં સ્થાનિક પ્રશ્નો-ખાસ કરીને વનને લગતી સમસ્યાઓને વાચા આપવા માટે સ્થાનિક લોકોને જોડવામાં આવ્યા. જી. બી. પંતને કુમાઉ પરિષદના મહાસચિવ બનાવવામાં આવ્યા. ઇતિહાસકારોના મતે ૧૯૧૬ થી ૧૯૨૬ વચ્ચેનો કુમાઉ પરિષદનો ઇતિહાસ, એ જ ખરા અર્થમાં ઉત્તરાખંડના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ છે. ૧૯૨૬માં કુમાઉ પરિષદનો કૉંગ્રેસ પક્ષમાં વિલય કરી દેવાયો.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.