૧૯૦૮ લાલ-બાલ અને પાલની સહિયારી લડત

સ્પેશિયલ ફિચર્સ

અંક્તિ દેસાઈ

લાલ-બાલ-પાલ એટલે કે લાલા લજપતરાય, બાલ ગંગાધર તિળક અને વિપિનચંદ્ર પાલ ભારતની આઝાદીની લડતના એવા યોદ્ધાઓ હતા, જેમણે સૌથી પહેલાં સ્વદેશીની લડતની હાથ ધરી હતી. આ ત્રણેય યોદ્ધાઓ એ બાબતે બહુ સ્પષ્ટ હતા કે આઝાદી કંઈ યાચના કે આજીજીથી મળવાની નથી, આઝાદી મેળવવી હશે તો સંઘર્ષ કરવો પડશે અને એ માટે હિંસાનો માર્ગ અપનાવવો પડે તો એમાં કશું ખોટું નથી! તેમની આ માન્યતાને કારણે આ ત્રણેય નેતાઓએ સમયાંતરે ગોપાલ કૃષ્ણ ગોખલેથી લઈ ગાંધીજી સુધીના નેતાઓના નેતૃત્વ અંતર્ગત ચાલતી ઈન્ડિયન કૉંગ્રેસનો અને તેની નીતિઓનો વિરોધ પણ કર્યો હતો અને પોતાની આગવી વિચારધારા સાથે અંગ્રેજોનો પ્રતિકાર પણ કર્યો હતો. આ ત્રણેય નેતાઓએ સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હોય તો એ વર્ષ ૧૯૦૫નું બંગભંગ હતું, જ્યારે આ ત્રણેય નેતાઓએ બંગાળમાં વિવિધ સ્થળોએ દેખાવો, આંદોલનો અને સ્વદેશી અભિયાનો ચલાવીને બંગાળના લોકોને એકત્રિત કરવાના મરણિયા પ્રયત્નો કર્યા. વર્ષ ૧૯૦૭ સુધી કૉંગ્રેસ સાથે જોડાયેલા રહેલી આ ત્રિપુટી ગરમદળ તરીકે કૉંગ્રેસથી વિભાજિત થઈ, જ્યાં વર્ષ ૧૯૦૮માં ક્રાન્તિકારી ખુદીરામ બોઝ અને પ્રફૂલ ચાકી દ્વારા થયેલા બોમ્બ હુમલાનું સમર્થન કરવાને કારણે બાલ ગંગાધર ટિળકને મ્યાનમારની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્રિપુટી ખંડીત થઈ હતી. તો વર્ષ ૧૯૨૮માં પંજાબમાં સાયમન કમિશનના વિરોધમાં રેલી કાઢનારા લાલા લજપતરાય પર અંગ્રેજોએ કારમો લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ગંભીરરૂપે ઘાયલ થવાથી લાલા લજપતરાયનું અવસાન થયું હતું. જેને કારણે ઉગ્ર રાષ્ટ્ર્રવાદી આંદોલન કમજોર પડી ગયું હતું. પરંતુ જેટલો સમય આ ત્રિપુટી એકત્ર રહી એટલો સમય એ ત્રણેય નેતાઓએ અંગ્રેજોને અત્યંત હંફાવ્યા હતા.
————-
૧૯૦૯ મદનલાલ ધીંગરા કેસ
પંજાબમાં જન્મેલા મદનલાલ ધીંગરા ભારતના એવા ક્રાન્તિકારી હતા, જેમણે માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે શહીદી સ્વીકારી હતી. આશ્ર્ચર્યની વાત એ હતી કે મદનલાલનો પરિવાર અંગ્રેજોને અત્યંત વફાદાર રહેનારો અને અંગ્રેજી રીતભાતથી જીવનારો હતો, પરંતુ મદનલાલ સમજણા થયા ત્યારથી તેઓ અંગ્રેજોને ધિક્કારતા હતા. જેને કારણે તેમના પરિવારે તેમની સાથે નાતો તોડી દીધો હતો અને તેઓ અત્યંત નાની ઉંમરે ટાંગો ચલાવવા માટે કે મજૂરી કરવા માટે મજબૂર થયા હતા. જોકે પાછળથી વર્ષ ૧૯૦૬માં તેમના ભાઈની મદદથી તેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા, જ્યાં તેમને વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણવર્મા જેવા ક્રાન્તિકારીઓ સાથે ભેટો થયો અને તેમના જીવનમાં એક મહત્ત્વનો વળાંક આવ્યો.
એ સમયે ભારતમાં ખુદીરામ બોઝ જેવા અનેક ક્રાન્તિકારીઓને ફાંસીની સજા અપાઈ હતી, જેનાથી ઈંગ્લેન્ડમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ અત્યંત ઉશ્કેરાયા હતા. જેને પગલે એ વિદ્યાર્થીઓ શહીદોનો બદલો લેવાના વિવિધ આયોજનો કરી રહ્યા હતા. એવામાં વર્ષ ૧૯૦૯માં ‘ઈન્ડિયન નેશનલ એસોસિયેશન’ની લંડનમાં વાર્ષિક સભા ભરાવાની હતી, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પર જાસૂસી કરતો અંગ્રેજ અધિકારી વિલિયમ કર્ઝન વાઈલી પણ હાજર રહેવાનો હતો. ધીંગરા પણ અંગ્રેજોને પાઠ ભણાવવાના આશયથી જ ત્યાં પહોંચ્યા હતા. એટલે વિલિયમ કર્ઝન વાઈલીએ જેવો કાર્યક્રમમાં પ્રવેશ લીધો કે ધીંગરાએ ચાર ગોળીઓ તેની છાતીમાં ધરબી દીધી. વાઈલીના વધ બાદ ધીંગરા પોતાને પણ ગોળી મારવા જતા હતાં, પરંતુ એટલામાં તેમની ધરપકડ થઈ ગઈ. આખરમાં તેમના પર કેસ શરૂ કરવામાં આવ્યો અને વર્ષ ૧૯૦૯ની ૧૭મી ઓગસ્ટે ધીંગરાને ફાંસી આપી દેવામાં આવી. જેનો પડઘો છેક હિન્દુસ્તાન સુધી પડ્યો હતો.
—————-
ઈન્ડિયન કાઉન્સિલ એક્ટ
મિન્ટો જ્યારે બ્રિટિશ શાસિત ભારતનો વાઈસરોય હતો ત્યારે વર્ષ ૧૯૦૯માં ઈન્ડિયન કાઉન્સિલ ઍક્ટ પસાર કરવામાં આવ્યું હતું, જે એક્ટને માર્લે – મિન્ટો ઍક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઍક્ટમાં બ્રિટિશ ભારતમાં સ્વશાસિત પ્રણાલી લાગુ પાડવાની જોગવાઈઓ કરાઈ હતી. જ્યાં પ્રાંતીય વિધાન પરિષદોમાં, ચૂંટાયેલા ભારતીય સભ્યોને સામેલ કરવાની જોગવાઈ હતી, પરંતુ આ સ્વશાસિત પ્રણાલીમાં સીમિત મતાધિકાર તેમ જ ધર્મ આધારિત સભ્યોની સંખ્યા નક્કી થઈ હતી, જેનું અંતિમ લક્ષ્ય મૂળ ભારતીયોને સીમિત અધિકારો આપીને લાકડાની તલવાર સાથે વહીવટી મોરચો મોકલવા. તો સાથોસાથ બહુમતિ અને લધુમતી વચ્ચે વેર ઊભું થાય એ રીતે બેઠકોની જોગવાઈ કરવામાં આવી, જેથી એક વર્ગ હંમેશાં અસંતુષ્ટ રહે અને એ અસંતુષ્ટીથી અંગ્રેજોનું પ્રભુત્વ જળવાયેલું રહે. આ ઍક્ટમાં ભારતીય સભ્યોને અધિકારો એટલા બધા ઓછા અપાયા હતા કે કોઈ પણ વિધાન પરિષદ કે વહીવટી માળખામાં ભારતીય પ્રતિનિધિઓને કાબેલિયત દર્શાવવાની કોઈ તક જ મળી. બલ્કે એનાથી ભારતીય પ્રજાના મનમાં જ અસંતોષ વધુ ને વધુ વકરતો ગયો, જેને પગલે અંગ્રેજોએ એવું તારણ કાઢ્યું કે ભારતીયો સ્વશાસનને લાયક નથી! જેને કારણે કૉંગ્રેસ દર વર્ષે કોઈ ને કોઈ રીતે વહીવટી ઢાંચામાં ભારતીય પ્રતિનિધિઓની હિમાયત કરતી રહી, પરંતુ અંગ્રેજ સરકાર દ્વારા એ માગને પૂરી કરવામાં ન આવી.
——–
ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકીને ફાંસી
વર્ષ ૧૯૦૮ ભારતની ક્રાન્તિકારી વિચારધારા માટે એક માઈલસ્ટોન વર્ષ હતું, જે વર્ષે ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકીએ અંગ્રેજોના પગ નીચેની જમીન હલાવી દીધી હતી. વાત એમ હતી કે કલકત્તામાં ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ નામે કિંગ્સફોર્ડ ભારતના ક્રાન્તિકારીઓને અપમાનિત કરવા માટે અને તેમને આકરી સજા આપવા માટે કુખ્યાત થઈ ગયો હતો. આ અંગ્રેજ મેજિસ્ટ્રેટને ઠાર કરવા માટે ભારતના ક્રાન્તિકારીઓ એકમત થયા હતા, જે ઘટનાને અંજામ આપવાની જવાબદારી પ્રફુલ ચાકી અને ખુદીરામ બોઝને સોંપવામાં આવી હતી. જોકે ખંધા અંગ્રેજોને આ કૃત્ય વિશેની ગંધ આવી ગઈ હતી એટલે તેમણે કિંગ્સફોર્ડની મુઝફ્ફરપુર બદલી કરી દીધી હતી. તો બોઝ અને ચાકી મુઝફ્ફરપુર પણ પહોંચી ગયા હતા. પરંતુ ચૂક ત્યાં થઈ જ્યારે ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકીને એક બગીમાં કિંગ્સફોર્ડના બેઠા હોવાનો ભ્રમ ગયો અને તેમણે બગી પર બોમ્બ ફેંફ્યો, પણ બગીમાં કિંગ્સફોર્ડ નહોતો બેઠો અને બે યુરોપીયન મહિલાઓ બેઠી હતી, જે બંને બોમ્બ હુમલામાં મૃત્યુ પામી હતી.
જોકે પ્રફુલ ચાકી અને ખુદીરામ બોઝના મનમાં એમ જ હતું કે તેઓ તેમની યોજનામાં સફળ થયા છે, જેથી તેઓ મુઝફ્ફરપુરથી ફરાર થઈ ગયા. એ દરમિયાન પ્રફુલ ચાકી સમસ્તીપુરથી ટ્રેનમાં બેઠા હતા એ ટ્રેનમાં એક પોલીસ ઈન્સ્પેક્ટરે તેમને ઓળખી લીધા, જેમણે આગલા સ્ટેશન પર સૂચના મોકલાવી દીધી હતી, જેને કારણે બીજા સ્ટેશન પર પોલીસનો કાફલો પ્રફુલ ચાકીને ઘેરી વળ્યો હતો. પોલીસ જોઈને પ્રફુલ ચાકીએ ભાગવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ પોતાની જાતને ચારે તરફથી ઘેરાયેલી જોઈને તેમણે પોતાને ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી. બીજી તરફ ખુદીરામ બોઝને પણ પકડી લેવામાં આવ્યા હતા, જ્યાં બે વાર કોર્ટની તારીખ પડ્યા બાદ ૧૧ ઓગસ્ટ ૧૯૦૮ના રોજ ખુદીરામ બોઝને પણ ફાંસી આપવામાં આવી. પરંતુ ખુદીરામની ફાંસી બંગાળમાં અત્યંત મોટા પ્રમાણમાં લોકજુવાળ ઊભો કરી અને અનેક લોકો અંગ્રેજોની વિરુદ્ધમાં રસ્તાઓ પર ઊતરી પડ્યા હતા.
———-
૧૯૧૧બંગાળનું એકીકરણ
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અંતર્ગત અંગ્રેજોએ વર્ષ ૧૯૦૫માં બંગાળના ભાગલા તો કર્યા, પરંતુ બંગાળમાં વસતા હિન્દુ અને મુસલમાનોએ એ ભાગલાનો ન તો સ્વીકાર કર્યો કે નહીં ભાગલા પછી અંગ્રેજોને ઠરીને રહેવા દીધા. બંગભંગના વિરોધમાં બંગાળના અને દેશભરના અનેક નેતાઓએ તો મહત્ત્વની ભૂમિકા ભજવી જ, પરંતુ સાથોસાથ બંગાળી કવિઓ અને કળાકારોએ પણ બંગભંગનો મુખર સ્વરે વિરોધ કર્યો, જેને પગલે બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ‘વંદે માતરમ’ની રચના કરવામાં આવી અને બંગભંગ પછી વંદેમાતરમ્ એ કરોડો ભારતીયોનો પ્રિય નારો બની ગયો. તો બંગભંગના વિરોધમાં જ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા આમાર સોનાર બાંગ્લા ગીતની રચના થઈ, જે પાછળથી બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત બન્યું. તો બંગભંગ પછી બંગાળમાં રાજકીય રીતે પણ અશાંતિ પ્રસરી અને ઠેરઠેર ક્રાન્તિકારીઓ દ્વારા અંગ્રેજો પર હુમલા થયા કે ઊગ્ર દેખાવો થયા, જેને પગલે અંગ્રેજો પર અત્યંત દબાણ સર્જાયું અને વર્ષ ૧૯૧૧માં જ્યોર્જ પંચમ દ્વારા બંગભંગને સમાપ્ત કરીને એક ઘોષણાપત્ર જાહેર કરાયું, જેમાં બંગાળી ભાષી પૂર્વ અને પશ્ર્ચિમ બંગાળને ફરીથી એક કરવામાં આવ્યું. સાથોસાથ બંગભંગ બાદ થયેલા આંદોલનો બાદ બંગાળમાં અંગ્રેજો માટે વહીવટ કરવું અત્યંત કપરું થઈ પડ્યું હતું, જેને પગલે અંગ્રેજોએ ઠાવકાઈ કરીને તેમની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડી લીધી. જોકે બંગભંગનો પ્રસ્તાવ ભલે અંગ્રેજોએ તેમનો નિર્ણય પરત ખેંચ્યો હોય, પરંતુ બંગભંગના તેમનો ક્ધસેપ્ટ બંગાળના હિન્દુ અને મુસલમાનો વચ્ચે એક રેખા તો દોરી જ ગયો હતો.
———–
૧૯૧૩ ગદર પાર્ટીની સ્થાપના
ભારતની આઝાદી માટે વિદેશમાં વસતા ભારતીયોએ પણ અથાક પ્રયત્નો કર્યા હતા, જે અંતર્ગત યુરોપમાં યુકે અને ફ્રાંસ જેવા દેશોમાં અત્યંત મોટાપાયે ચળવળો ચાલી હતી, પરંતુ અમેરિકામાં વસતા ભારતીયો પણ આપણી આઝાદી માટે પ્રયત્નશીલ થયા હતા, જ્યાં વર્ષ ૧૯૧૩માં સરદાર સોહન સિંહ ભાકના દ્વારા ગદર પાર્ટીની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં ગદર શબ્દનો અર્થ ક્રાંતિ અથવા બદલાવ થાય છે. ગદર પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ અંગ્રેજી હુકૂમતનો વિરોધ હતો અને અંગ્રેજો વિરુદ્ધ હથિયાર ઉઠાવવા એ ગદ્દારી નહીં, પરંતુ દેશ માટેના મહાયુદ્ધની આહુતિ છે એવી જાહેરાત કરાઈ, જે અંતર્ગત ગદર પાર્ટીએ અસટેરિયાની આરા મિલોમાં પ્રસ્તાવ પસાર કર્યો કે ગદર પાર્ટીના સભ્યો અંગ્રેજો સામે હથિયારબંદ ક્રાન્તિ કરશે અને ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરશે.
ગદર પાર્ટીના મોટાભાગના સભ્યો અમેરિકા અને કૅનેડામાં વસતા શીખો હતા, જેઓ કામની શોધમાં ઈંગ્લેન્ડથી કે ભારતથી અમેરિકા અને કૅનેડા જઈને વસ્યા હતા.
છતાં શીખો ઉપરાંત અન્ય ભારતીયો પણ આ પાર્ટી સાથે જોડાયા હતા, જેને પગલે ગદર પાર્ટીએ લોકજાગૃતિ માટે હિંદી, પંજાબી અને ઉર્દૂ ભાષામાં તેમનાં અખબાર શરૂ કર્યા હતા. ગદર પાર્ટીએ ભગતસિંહ જેવા ક્રાન્તિકારીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા અને પહેલા વિશ્ર્વયુદ્ધ વખતે જ્યારે ભારતીયો અંગ્રેજોના સમર્થનમાં હતા ત્યારે ગદર પાર્ટીના કરતાર સિંહ સરાભા અને લાલા હરદયાલ જેવા નેતાઓએ પંજાબ અને ઉત્તર ભારતના રાજ્યોમાં અંગ્રેજોનો વિરોધ કર્યો હતો અને લોકોને પણ અંગ્રેજોની વિરુદ્ધમાં ગતિવિધિ કરવા પ્રેરિત કર્યા હતા.
————-
૧૯૧૪ સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીની સ્થાપના
ગોપાલ કૃષ્ણ ગોખલેનું ભારત પર અનન્ય ઋણ છે, જ્યાં તેમણે ગાંધીજીને સમગ્ર ભારત ફરવાની અને ભારતની ખરી સમસ્યાઓ જાણીને આંદોલનો કરવાની સલાહ તો આપી જ હતી, પરંતુ એ ઉપરાંત તેમણે પુણેમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરી હતી, જે પ્રવૃત્તિઓના માધ્યમથી તેમણે અનેક યુવાનો તૈયાર કર્યા હતા, જે યુવાનોએ બ્રિટિશર્સની વિરુદ્ધમાં અનેક આંદોલનો અને પ્રવૃત્તિઓ કરી હતી. ગોખલેનું એવું જ એક અનન્ય યોગદાન એટલે વર્ષ ૧૯૦૫માં ‘સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટી’ની સ્થાપના, જે સોસાયટીના માધ્યમથી ગોખલે તેમ જ તેમના સાથીઓએ ભારતની સામાજિક અસ્મિતા પ્રજ્વલિત કરવાનું કાર્ય આરંભ્યું હતું. ‘સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટી’ના માધ્યમથી ગોખલે તેમજ સુરેન્દ્રનાથ બેનરજી, ગોપાલ કૃષ્ણ દિયોધર કે નતેશ અપ્પાજી દ્રવીડ જેવા સાથીઓએ શિક્ષણ, સ્વચ્છતા, આરોગ્ય, દારુબંદી અને વર્ણવ્યસ્થા જેવા ક્ષેત્રોમાં મહત્ત્વનું કાર્ય કર્યું હતું અને આ માધ્યમથી તેમણે ભારતીય સમાજમાં રાષ્ટ્રવાદ તેમ જ નાસીપાસ થઈ ગયેલી પ્રજામાં ખુમારી પ્રકટ કરી હતી. ગોખલેની આ મુહિમ બાદ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના અનેક અગ્રહરોળના નેતાઓ પણ સોસાયટીની સાથે જોડાયા હતા અને તેમણે દેશના સામાજિક જીવનને ઉન્નત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે અંતર્ગત પુણે બાદ ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ આ સોસાયટીની સ્થાપના થઈ હતી અને આ માધ્યમથી અનેક નેતાઓ તૈયાર થયા હતા. આડવાત એ પણ છે કે ગોખલેએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને તત્કાલિન સ્વાતંત્ર્ય સેનાની ડૉ. રાજેન્દ્ર પ્રસાદને પણ આ સોસાયટીના સભ્ય બનવા આહ્વાન આપ્યું હતું, પરંતુ રાજેન્દ્રબાબુએ એ માટે ના પાડી દીધી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.