બકુલ ટેલર

ઘણાને થાય છે કે બંગાળ સાથે શું કામ ‘પશ્ર્ચિમ’ લાગે છે, પણ તે ૧૯૦૫ના બંગાળ વિભાજનનું સૂચક છે. ૧૯૪૭માં આપણા દેશના ભાગલા પડયા ને ભારત-પાકિસ્તાન થયા તે પહેલાં પૂર્વ-પશ્ર્ચિમ બંગાળ સૂચવતા ભાગલા થયા હતા. બ્રિટિશ વાઈસરોય લોર્ડ કર્ઝને જ્યારે આ વિભાજન જાહેર કર્યું ત્યારે અનેક રાષ્ટ્રવાદીઓને તેનો વિરોધ કરેલો પણ એ થઈને જ રહ્યો. આજે તે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે ને બંગાળના રાજકારણમાં બાંગ્લાદેશીઓની આવનજાવન આજે પણ પ્રશ્ર્નો ખડા કરે છે.
લોર્ડ કર્ઝન એવું કહેતા હતા કે બંગાળ કે જેમાં બિહાર, ઓરિસ્સા પણ ત્યારે તો શામિલ હતા. એ બહુ મોટું છે એટલે તેનું શાસન એક લેફટનન્ટ ગવર્નર સુચારુ રીતે ન સંભાળી શકે. હજુ હિન્દુ-મુસ્લિમ સંઘર્ષ નહોતા પણ જેને પૂર્વ બંગાળ તરીકે ઓળખી કઢાયું ત્યાં મુસ્લિમોની સંખ્યા વધારે હતી એટલે હિન્દુ-મુસ્લિમ આધારિત પહેલા ભાગલા તરીકે પણ ૧૯૦૫ના બંગાળ વિભાજનને ઓળખાવી શકો. એ સમયે બંગાળની કુલ વસતિ ૭ કરોડ ૮૫ લાખ હતી. એટલે બંગાળ પ્રેસીડેન્સી ત્યારે સૌથી મોટી ગણાતી. દિલ્હી પહેલાં કોલકાતા રાજધાની હતી તે પણ આ જ કારણે. ભાગલા પછી ૧૯૧૧માં કોલકાતા રાજધાની ન રહ્યું ને દિલ્હી થઈ.
લોર્ડ કર્ઝન ભલે શાષકીય સમસ્યાની વાત કરી હોય પણ આ ભાગલાનું કારણ રાજકીય હતું. ૧૮૫૭ના બળવા પછી ભારતની રાજનૈતિક ચેતનાનું બંગાળ કેન્દ્ર હતું. જો એ ન તોડે તો અંગ્રેજોને મુશ્કેલી પડે તેમ હતી. ‘ભાગલા પાડો ને રાજ કરો’ કહેવત ત્યારથી વધુ પ્રચલિત થઈ, પણ ૧૯૦૩માં જ્યારે વિભાજનનો પ્રસ્તાવ આવ્યો ત્યારે ઢાકા, મેમનસિંહ, ચટગાંવમાં અનેક બેઠકો થયેલી. સુરેન્દ્રનાથ બેનર્જી, કૃષ્ણકુમાર મિશ્ર, પૃથ્વીશચન્દ રાય અખંડ બંગાળની વાત કરતા હતા, પણ લોર્ડ કર્ઝને ૧૯૦૫ની ૧૯મી જુલાઈએ બંગાળ વિભાજન જાહેર કરી જ દીધું. આના પ્રતિકારમાં ૭ ઑગસ્ટે સ્વદેશી આંદોલન જાહેર થયેલું. પૂર્વ બંગાળમાં ૧ કરોડ ૮૦ લાખ મુસ્લિમ અને ૧ કરોડ ૨૦ લાખ હિન્દુ તો પશ્ર્ચિમ બંગાળ કે જેમાં બિહાર, ઓરિસ્સા પણ શામિલ હતા તેમાં ૪ કરોડ ૫૦ લાખ હિન્દુ, ૯૦ લાખ મુસ્લિમ રહી ગયા.
એ સમયે ભારતના સ્વતંત્રતા આંદોલનમાં હજુ ગાંધી પ્રવેશ થવો બાકી હતો, પણ જેમ સુરેન્દ્રનાથ બેનર્જી તેમ ગોખલેએ પણ કહેલું કે આ એક નિર્મમ ભૂલ છે. આ વિભાજનના વિરોધમાં સ્વદેશી ઉપરાંત બહિષ્કાર આંદોલન શરૂ થયેલું અને આખા દેશમાં આ આંદોલન ફેલાયેલું. એ વખતે જ ‘આમાર સોનાર બાંગલા’ નામનું ગીત રવીન્દ્રનાથ ટાગોરે લખેલું જે ૧૯૭૧માં બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત બન્યું. એ વિભાજન પછી કૉંગ્રેસને સ્વતંત્રતા આંદોલનનું બળ મળ્યું અને ૧૯૦૬માં કોલકાતામાં જ કૉંગ્રેસનું અધિવેશન મળેલું જેમાંં દાદાભાઈ નવરોજીએ પ્રથમવાર સ્વરાજ્યની માંગણી કરેલી ને ટિળકે પણ પોકાર કરેલો સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે.એ વિભાજન ખોટું હતું તે આજે પણ બંગાળમાં અનુભવાય છે. ભારત-પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ છે તેવો ભલે નથી પણ બાંગ્લાદેશીઓ હજુ પણ પશ્ર્ચિમ બંગાળ સાથે જોડાયેલા રહેવા માગે છે. ભારતમાં તેમને આર્થિક સંપન્નતા પણ પ્રાપ્ત થાય છે. ગોરા શાસકો ભારતીય પ્રજાના સામાજિક, સાંસ્કૃતિક તાણાવાણા સમજયા વિના ભૌગોલિક રીતે ભાગલા કરે તેના પરિણામ હજુ પણ ભોગવવા પડે છે.
————
૧૯૦૫ ‘સંધ્યા’ અને ‘યુગાંતર’ અખબારોનું પ્રકાશન
બ્રિટિશ રાજ વખતે કોલકાતામાંથી જ સૌથી વધુ અખબારો સામયિકો પ્રગટ થવા શરૂ થયેલા કારણકે ત્યાં જ વધુ રાજકીય જાગૃતિ હતી. ૧૭૮૦માં ‘બંગાળ ગેઝેટ’ ૧૮૨૧, ૨૨માં રાજા રામમોહન રાય કુલ ત્રણ સાપ્તાહિક શરૂ કરેલા ‘સંવાદ કૌમુદી’ ત્યાં ફારસી વાંચનારા બહું સંખ્ય હતા એટલે ‘મિરાત-ઉલ-અકબર’ અને પછી અંગ્રેજી, બંગાળી, ફારસી, હિન્દમાં ‘બંગાદૂત’ ત્યાર પછી પણ ૧૮૫૩માં ગિરીશચંદ્ર ઘોષનું ‘હિન્દુ પેટ્રિયર’ દ્વારકાનાથ વિદ્યાભૂષણનું ‘ઓમપ્રકાશ’ (૧૯૫૮) દેવેન્દ્રનાથ ટાગોરનું ‘ભારતીય આઇના’ (૧૯૬૨) ગિરીશચંદ્ર ઘોષે વળી ‘અમૃત બજાર પત્રિકા’ દેવેન્દ્રનાથ ટાગોરનું ‘રાષ્ટ્રીય પેપર’ સહિત અન્ય સાપ્તાહિકો કોલકાતાથી જ પ્રગટ થયા છે. ૧૯૦૬માં બ્રહ્મબાંધવ ઉપાધ્યાયે ‘સંધ્યા’ અને બારીન્દ્રનાથ ઘોષ અને ભૂપેન્દ્ર દત્તા એ ‘યુગાંતર’ શરૂ કર્યા એ આખો સમય રાજકીય, સામાજિક જાગૃતિનો હતો.
બારીન્દ્રનાથ ઘોષ ક્રાંતિકારી હતા અને તેમણે ‘યુંગાતર’ નામના પક્ષની સ્થાપના કરેલી. આ બારીન્દ્રનાથ અરવિંદ ઘોષ (પછી મહર્ષિ)ના ભાઇ હતા. ‘યુગાંતર’ એક એવું સંગઠન હતું. જે ભારતની સ્વતંત્રતા માટે સશસ્ત્ર આંદોલન કરવા માંગતુ હતું. અરવિંદ ઘોષ, બારીન ઘોષ, ઉલ્લાસકર દત્ત વગેરે તેના મુખ્ય નેતા હતા. હજુ બીજા નામો છે. બારીન્દ્રકુમાર ઘોષ તો સ્વતંત્રતા સેનાની ઉપરાંત પત્રકાર પણ હતાં. તેઓ ‘ખૂન કે બદલે મેં ખૂન’માં માનતા હતા. તેમણે સ્વતંત્રતા આંદોલનનો વિચાર અનેક લોકો સુધી ફેલાય એટલે જ ૧૯૦૬માં ‘યુગાંતર’ સાપ્તાહિકની શરૂઆત કરેલી અને આ સાપ્તાહિકે ક્રાંતિની આગ ફેલાવી હતી. તેમણે તો બૉમ્બ પણ બનાવેલા અને અંગ્રેજ શાષકોની હત્યાના ય પ્રયત્ન કરેલા. ‘યુગાંતર’નું કહેવું હતું કે ભારતની આઝાદી માટે સૈન્ય શિક્ષણ અને યુદ્ધ જરૂરી છે. ૩૦ એપ્રિલ ૧૯૦૮માં ખુદીરામ બોઝને પ્રફુલ્લ ચાકીએ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયત્ન કરેલો અને પછી પોલીસે અનેક ક્રાંતિકારીઓને પકડેલા બારીન ઘોષ પણ ૧૯૦૮માં પકડાયા તે ૧૯૨૦માં પ્રથમ વિશ્ર્વયુદ્ધ પછી છોડાયેલા.
બારીન ઘોષ નાનાભાઇ અરવિંદે પસંદ કરેલા અધ્યાત્મના માર્ગે ગયેલા પણ મૂળભૂત પત્રકાર જ હતા એટલે ૧૯૩૩માં ‘ધ ડોન ઑફ ઇન્ડિયા’ સાપ્તાહિક શરૂ કરેલું પણ ‘યુગાંતર’નો ઉલ્લેખ આજે પણ બંગાળમાં રાજકીય ક્રાંતિ જગાડનારા સાપ્તાહિક તરીકે થાય છે. ગાંધીજીએ અહિંસાને કેન્દ્રમાં રાખી પણ ‘યુગાંતર’ની ઓળખ હિંસાવાદના પ્રચારક સાપ્તાહિકની છે. પણ ‘સંધ્યા’ સાપ્તાહિક તો ‘યુગાંતર’ની તુલનામાં વધારે ક્રાંતિકારી હતું અને તેમણે બ્રિટિશ વિરોધી લાગણીને એવી આગ લગાડેલી કે ‘યુગાંતર’ની લોકપ્રિયતા મંદ પડી ગયેલી. ‘સંધ્યા’ના સ્થાપક બ્રહ્મબાંધવ ઉપાધ્યાય સ્વય હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ફારસીના પ્રચંડ વિદ્વાન હતા. રવીન્દ્રનાથ ટાગોરને ‘શાંતિ નિકેતન’ની સ્થાપનામાં પણ તેમણ મદદ કરેલી. સ્વામી વિવેકાનંદના મૃત્યુ પછી ૧૯૦૨માં ઇંગ્લેન્ડ જઇ ઓક્સફર્ડમાં હિન્દુધર્મ વિશે વિવિધ ભૂમિકાથી ત્રણ વ્યાખ્યાન આપનાર આ વિદ્વાન ૧૯૦૫ની ૭મી ઑગસ્ટે ‘સંધ્યા’નો આરંભ કરેલો. બંગભંગ આંદોલનવેળા બ્રિટિશ વિરોધી લાગણી જગાડવા માટે જેમ ‘યુગાંતર’, ‘વંદે માતરમ’ તેમ ‘સંધ્યા’ સાપ્તાહિકના પ્રકાશિત કરનાર પર રાજદ્રોહનો કેસ ચાલેલો અને બ્રહ્મબાંધવ ઉપાધ્યાયે તો છેલ્લો શ્ર્વાસ એક કેદીના રૂપે હૉસ્પિટલમાં લેવો પડેલો. સ્વતંત્રતા અને દેશની અખંડિતતા માટે પ્રથમ બલિદાન આપનાર સંપાદક તરીકે તેઓને યાદ કરવામાં આવે છે. ગાંધી આગમન પૂર્વેના સ્વતંત્રતા આંદોલનમાં ‘યુગાંતર’ અને ‘સંધ્યા’ની ભૂમિકા મોટી છે. સ્વતંત્રતાનો વિચાર આખા દેશમાં ફેલાવવામાં પણ તેમણે મોટું કામ કરેલું.
———-
૧૯૦૬ સ્વદેશી ચળવળ
આજે ફરીથી સ્વદેશી આંદોલન ચલાવવું પડે એવી દશા છે, પણ ૧૯૦૫માં પ્રથમવાર આ ‘સ્વદેશી આંદોલન’ને સદ્ગુરુ રામસિંહ કુકાએ કોલકાતાથી પ્રચલિત કરેલું. બ્રિટિશ સરકાર સામે આ આંદોલન ચલાવાયું તેના કારણે બંગાળનું વિભાજન કરાયું તે હતું. દેશવાસીઓને આહ્વાન કરાયેલું કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો. એ વખતે ભારતમાં જો કે બહુ ઓછી વસ્તુઓ બનતી હતી પણ તેની જરૂરિયાત લોકોને હતી પણ નહીં. પશ્ર્ચિમના દેશ માટે ભારત બજાર બની જાય તે કેમ ચાલે? એટલે નામધારી સંપ્રદાયના દાર્શનિક અને સામાજિક સુધારક સદ્ગુરુ રામસિંહ કુકાએ આંદોલન છેડી દીધું. તેમણે સૌને કહ્યું કે ભારતમાં બનેલા કપડાં પહેરો. બ્રિટિશરોની શાળા કૉલેજમાં પણ ન જાવ. તેમની નોકરી પણ ન કરો.
આ આંદોલન દિલ્હી પહોંચ્યું અને સૈયદ હૈદર રઝાએ તેનું નેતૃત્વ કર્યું. આ ચળવળ દાદાભાઈ નવરોજી, રવીન્દ્રનાથ ટાગોર, લાલા લજપતરાય, લોકમાન્ય ટિળક, અરવિંદ ઘોષ વડે વ્યાપક બની. મહાત્મા ગાંધીએ આ ચળવળને સ્વરાજ પ્રાપ્તિમાં ખૂબ મહત્ત્વની ગણાવેલી. સ્વદેશી આંદોલનનો આરંભ ૭ ઑગસ્ટ ૧૯૦૫માં કોલકાતાના ટાઉનહોલથી થયેલો. બંગાળના વિભાજન વિરુદ્ધ પણ તેમણે દેખાવો યોજેલા. જો કે વિભાજન તો થઈને રહ્યું પણ તેનાથી લોકોમાં એકતાની ભાવના જાગી. સ્વદેશી આંદોલન એ રીતે ખૂબ જ મહત્ત્વનું પુરવાર થયેલું. આ આંદોલનની અસર એટલી હતી કે ધોબીઓએ વિદેશી કપડાં ધોવાના; બંધ કરેલા. સ્ત્રીઓએ વિદેશી બંગડી, ચુડીઓ પહેરવી ત્યજી દીધેલી.
આ સ્વદેશી આંદોલનને કારણે જ ભારતમાં પ્રથમવાર લઘુ અને કુટિર ઉદ્યોગ સામુહિકપણે સ્થપાયા અને સ્વદેશી મીલ, બૅન્ક, વીમા કંપનીઓની સ્થાપના થઈ. ભારતને આત્મનિર્ભર બનાવવા માટેનું આ પ્રથમ આંદોલન હતું. એ વેળા અનેક રાષ્ટ્રીય શાળાઓ સ્થપાઈ અને ૧૯૦૬માં રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની પણ સ્થાપના થઈ. મહારાષ્ટ્રમાં લોકમાન્ય ટિળકે ગણપતિ ઉત્સવ શરૂ કરાવ્યા તે પણ આ આંદોલનનાં ભાગ રૂપે જ હતા અને પાર્લે બિસ્કિટ બનાવનારી કંપની ૧૯૨૯માં સ્થપાઈ તે પણ આ ચળવળનું જ પરિણામ છે.
ગાંધીજીએ આ વિચારને વધારે વ્યાપક બનાવ્યો અને અમદાવાદમાં કાપડ મીલો શરૂ થઈ તે પણ તેનું પરિણામ છે. દેશને આઝાદ કરવાનો ખ્યાલ મોટા આંદોલનમાં પરિવર્તન થયો પછી બ્રિટિશરોને ભારતીયોની શક્તિનો ખ્યાલ આવેલો.
————
૧૯૦૭ કૉન્ગ્રેસનું સુરત અધિવેશન, જહાલ-મવાળ જૂથમાં સંઘર્ષ
આઝાદી પૂર્વે કૉન્ગ્રેસ પક્ષમાં આંતરિક રીતે કેવા ઘટનાક્રમ બનેલા તેનું મહત્ત્વ આજે ખાસ નથી, પણ તેનું એક ઐતિહાસિક મહત્ત્વ છે. ૧૯૦૭માં સુરતમાં જે અધિવેશન મળેલું તે આજે પણ જહાલ-મવાળ જૂથ વચ્ચે સંઘર્ષ રૂપે યાદ કરવામાં આવે છે. આ મુદ્દે કૉન્ગગ્રેસમાં બે ભાગ પડી ગયેલા અને ૧૯૧૬માં લખનઉમાં અધિવેશન મળ્યું ત્યાં સુધી સંઘર્ષ રહેલો. ૨૬ ડિસેમ્બરે મળેલા એ અધિવેશનમાં આઝાદી આંદોલન અને પ્રમુખપદ મામલે જહાલ-મવાળ દળો સામસામાં થઈ ગયેલાં. જહાલ હતા તે સુરત કૉન્ગ્રેસના અધ્યક્ષ તરીકે પહેલાં લોકમાન્ય ટિળક અને પછી લાલા લજપતરાય બને એવું ઈચ્છતા હતા, જ્યારે મવાળવાદી રાસબિહારી બોઝ જ અધ્યક્ષ બને તેના આગ્રહી હતા. અધિવેશન પહેલાં બંને દળો વચ્ચે મોટો સંગ્રામ છેડાયો. ઍની બેસંટે કહેવું પડેલું કે ‘સુરતની ઘટના કૉન્ગ્રેસના ઈતિહાસમાં સહુથી દુ:ખદ છે.’ સુરત વિભાજન પછી જહાલોનું નેતૃત્વ ટિળક, લાલા લજપતરાય ને વિપિનચન્દ્ર પાલ (લાલ, બાલ, પાલ)એ કરેલું ને મવાળનું નેતૃત્વ ગોખલેએ.જોકે સુરત નજીક હરિપુરામાં ૧૯૩૮માં જે અધિવેશન મળેલું તે પણ એ રીતે જ ઐતિહાસિક બનેલું કે સુભાષચંદ્ર બોઝ તેના પ્રમુખ બનેલા. ગાંધીજીને સુભાષબાબુની કાર્યપદ્ધતિ પસંદ નહોતી અને ૧૯૩૯માં ગાંધીએ તેમને હટાવી પટ્ટાભી સીતારામૈયાને પ્રમુખ બનાવેલા. ખેર! આ તો સુરત અને હરિપુરા અધિવેશન કૉન્ગ્રેસમાં કેવા સ્થાને છે તેની વાત છે, પણ ૧૯૦૭ના સુરત અધિવેશનમાં જે બન્યું તે બ્રિટિશ સરકારની રણનીતિના પરિણામરૂપે હતું અને આ સુરત વિભાજનની ભૂમિકા તો બંગ-ભંગ આંદોલનથી જ બનવા માંડી હતી. જહાલોનું જૂથ તો આ અધિવેશન નાગપુર જ થાય તેમ ઈચ્છતું હતું અને સ્વદેશી, બહિષ્કાર આંદોલન અને રાષ્ટ્રીય શિક્ષણના સમર્થનમાં પ્રસ્તાવ મંજૂર કરાવવા માગતા હતા, જ્યારે મવાળો આ પ્રસ્તાવને પાછો લેવાની જોરદાર માગણી કરી રહ્યા હતા. બ્રિટિશ શાસકો આ પ્રકારનો જંગ જ ઈચ્છતા હતા. સમય જતાં એ શાસકોએ ઉદારવાદીઓની ઘોર ઉપેક્ષા કરેલી. કૉન્ગ્રેસમાં ભાગલા પડાવવામાં બ્રિટિશ શાસકો સફળ રહેલા એ કારણે આ સુરત અધિવેશન યાદ રહી ગયું છે.
———–
સ્વદેશી સ્ટીમ નેવિગેશન કંપનીની સ્થાપના
ભારતમાં સ્વતંત્રતા માત્ર ખ્યાલ રૂપે પ્રર્વતે તેનો તો લાભ ન જ હોય શકે. તે વખતે ઘણી બધી રીતે સ્વતંત્ર બનવાના પ્રયત્ન થયા. દક્ષિતામાં વલ્લિયપ્પન ઉગલનાથ ચિદ્મ્બર પિલ્લૈ હતા જે ટિળકના શિષ્ય અને સ્વતંત્રતા સેનાની હતા. તેમણે વહાણવટા ઉદ્યોગને સન્માનજનક સ્થાન અપાવવા ભારતીય જહાજ કંપની શરૂ કરેલી. અંગ્રેજ સરકાર તેનાથી ખૂબ ભડકી ગયેલી અને લાંબા સમય સુધી તેમને જેલમાં બંધ કરી દીધેલા. પિલ્લે એક પ્રખર વકીલ હતા અને કાંઇ ચૂકે એવા ન હતા.
એ સમય એવો હતો કે બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપનીએ એકાધિકાર વ્યાપાર જમાવ્યો હતો. આ વ્યાપારને તોડવો જરૂરી હતો. આપણા સમુદ્ર વ્યાપાર પર તેમનો જ પ્રભાવ હોય તો ભારતનું અર્થતંત્ર ઊભું ન થઇ શકે. ૧૯૦૬ના ઑકટોબરમાં સ્વદેશી સ્ટીમ નેવિગેશન કંપની રજિસ્ટર્ડ કરાવવામાં આવી ત્યારે કંપની પાસે ૧૦ લાખ રૂપિયા હતા અને શેર્સની સંખ્યા ૪૦,૦૦૦ હતી. તેના શેર એશિયાનો કોઇપણ નિવાસી ખરીદી શકતો. કંપનીના અધ્યક્ષ શ્રી પાંડી તુરૈ તેવર હતા. જનાબ હાજી મહોમ્મદ બડીર શેઠે ૮,૦૦૦ શેર ખરીદીને કંપનીને બે લાખની મદદ કરી.
કંપની પાસે તે વખતે પોતાના વહાણ નહોતા. શાલયન કંપની પાસેથી ભાડેથી લઇ વ્યાપાર કરતી. પણ બ્રિટિશ કંપનીને શાલિયનનો પટ્રો રદ કરી દીધો. ચિદ્મ્બરમે શ્રીલંકા પાસે મોટું વહાણ ખરીદ્યું. તેઓ સમજી ગયા હતા કે આ બ્રિટિશ કંપની આપણને કનડવાની જ છે. તેમણે કંપનીને જમાવવા આખા ભારતનો પ્રવાસ કર્યો. તેમણે સોગંદ લીધા કે હું વહાણ સાથે જ પાછો ફરીશ. નહીં તો સમુદ્રમાં ડૂબી મરીશ. પણ તેમની કંપની એસ.એસ. ગાલિયા નામના વહાણને ખરીદવા જેટલા રૂપિયા ભેગી કરી શકી. પછી તો ફ્રાન્સથી પણ વહાણ મેળવ્યું. તેઓ હવે સ્પર્ધામાં આવી ચુકયા હતા. એટલે ભાડુ પણ ઓછું કર્યું. બ્રિટિશ કંપનીએ તેની સામે પ્રવાસીઓને મફત સેવા પણ આપી પણ લોકોમાં રાષ્ટ્ર માટેની ભાવના એવી પ્રબળ હતી કે મફત સેવા ન જ લીધી. બ્રિટિશ કંપનીએ આ સ્વદેશી કંપનીને ખરીદવા માટે ય પ્રયત્ન કર્યો પણ ચિદ્મ્બરમને એ સોદો મંજૂર નહોતો.૧૯૦૮મા ચિદ્મ્બરમને ગોરી સરકારે ગિરફતાર કર્યો ત્યારે ત્યાંની દુકાનો, સ્કૂલો બંધ રહેલી ને તોફાનો ભડકેલા, હડતાળો પડેલી પણ તેમને બે જન્મો સુધીની એટલે કે ૪૦ વર્ષની જેલ થઇ. જેલમાં કઠોર કામ કરાવાયા. બળદની જગ્યાએ ઘૂસરીએ જોડયા. પણ તૂતીકોરીન (ભારત) અને કોલંબો (શ્રીલંકા) વચ્ચે તેમની શિપિંગ સેવાનો ઝંડો લહેરાયો તે લહેરાયો અને ૧૯૧૧ સુધી તેનો વટ રહેલો.
————-
મુસ્લિમ લીગની સ્થાપના
લોકો જેને મુસ્લિમ લીગ તરીકે ઓળખે છે તેનું મૂળ નામ ‘અખિલ ભારતીય મુસ્લિમ લીગ’ હતું. દેશ આઝાદ થવામાં હતો ત્યારે આ લીગે મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરી અને પાકિસ્તાનની સ્થાપના થાય એવા પરિણામ સુધીનું આંદોલન ચલાવ્યું. મુસ્લમ લીગ અને મોહમ્મદ અલી ઝીણા એકબીજાની ઓળખ બની ગયાં. જોકે મુસ્લિમ લીગના સંસ્થાપક અને અધ્યક્ષ તો સલીમુલ્લા ખાન હતા જે ઢાકાના નવાબ હતા. આ લીગનો પ્રાથમિક ઉદ્દેશ તો ભારતીય મુસ્લિમોમાં બ્રિટિશ સરકાર માટે ભક્તિ પેદા કરવાનો અને ભારતીય મુસ્લિમોને રાજનૈતિક તેમ જ અન્ય અધિકારો મળે એ હતો. તેઓ પ્રાંતીય, કેન્દ્રીય અને સ્થાનિક ચૂંટણીમાં મુસ્લિમો માટે અલગ સાંપ્રદાયિક ચૂંટણીવ્યવસ્થા અને દરજ્જો ઈચ્છતા હતા. વાઈસરૉય લૉર્ડ મિન્ટોએ તેમની આ માગણીને સમર્થન આપ્યું અને ત્યારથી જ જાણે કે દેશના ભાગલાની સ્થિતિ ઊભી થઈ ગઈ. ૧૯૦૬ની ૧ ઑક્ટોબરે આગા ખાનના નેતૃત્વમાં લૉર્ડ મિન્ટોને મુસ્લિમોનું પ્રતિનિધિમંડળ મળ્યું અને સમય જતાં દેશવિભાજક આંદોલન શરૂ થયું. ૧૯૦૬ની ૩૦મી ડિસેમ્બરે ઢાકા (આજના બાંગલાદેશમાં) મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને આજે જુઓ તો ભારતમાંથી મુસ્લિમ મુદ્દે રચાયેલા બે દેશ છે – બાંગલાદેશ, પાકિસ્તાન. પેલા લૉર્ડ મિન્ટોએ મુસ્લિમોએ પોતાના રાજનૈતિક અધિકારોને લીગના અમૃતસર અધિવેશન દરમ્યાન માગણીમાં ફેરવ્યા અને ૧૯૦૯માં માર્લે-મિન્ટો સુધારા તરીકે તેને સ્વીકૃતિ મળી.
મોહમ્મદ અલી ઝીણા માટે આ લીગ અત્યંત કારગત નીવડી અને ૧૯૪૭માં પાકિસ્તાન રચાતાંની સાથે જ ભારતમાં જે સ્થાન કૉન્ગ્રેસનું હતું તેવું પાકિસ્તાનમાં મુસ્લિમ લીગનું બની ગયું. હા, તેમણે તેને ‘ઑલ પાકિસ્તાન મુસ્લિમ લીગ’ નામ આપી દીધું. જોકે એક શાસક પક્ષ બનવામાં તે નિષ્ફળ રહ્યું.
મુસ્લિમ લીગના આરંભે જ સર સૈયદે મુસ્લિમોને રાજનીતિથી દૂર રહેવાનું કહેલું. તેઓ મુસ્લિમો વધુ શિક્ષિત બને અને વૈજ્ઞાનિક અભિગમ કેળવે તેવું ઈચ્છતા હતા, પરંતુ તે વખતના રાજકીય સંજોગો એવા હતા કે સાંપ્રદાયિક બનવું વધુ અસરદાર હતું. દેશમાં બંધારણ સભાની પ્રથમ બેઠક થયેલી ત્યારેય તેમણે બહિષ્કાર કરેલો ને કહેલું કે પાકિસ્તાન માટે અલગ બંધારણ સભા હોવી જોઈએ, પણ પાકિસ્તાન રચવાના ક્રમમાં ૨૩ માર્ચ, ૧૯૪૦નો દિવસ મહત્ત્વનો છે, જ્યારે લાહોરમાં મુસ્લિમ લીગે પ્રસ્તાવ મૂકેલો જે પાકિસ્તાન પ્રસ્તાવ નામે આળખાયો. ગાંધીજીએ ૧૯૩૮ના ફેબ્રુઆરીમાં ઝીણા સાથે બેઠક કરી સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરેલો પણ જુલાઈમાં આ વાર્તાલાપ નિષ્ફળ પુરવાર થયેલો. ૧૯૪૪ના સપ્ટેમ્બરમાં ગાંધી-ઝીણાએ પાકિસ્તાનની માગણી વિશે કરેલી વાતચીત ઊંડા મતભેદને સ્પષ્ટ કરનારી બની. લીગ તો ઈચ્છતી હતી કે આઝાદી પહેલાં જ પાકિસ્તાન સ્થપાઈ જવું જોઈએ. ૧૯૪૬માં કેબિનેટ મિશનની યોજનાથી મુસ્લિમ લીગ અલગ રહેલું ને આંદોલન શરૂ કર્યું, જેનાથી દેશમાં ઠેર ઠેર રમખાણો ફાટી નીકળેલાં. ખેર! ૧૪ ઑગસ્ટે પાકિસ્તાન નામનો દેશ બન્યો ને ૧૫મી ઑગસ્ટે ભારત દેશ. જેમ કૉન્ગ્રેસ સાથે સ્વતંત્રતા આંદોલનના અનેક ઘટનાક્રમ જોડાયેલા છે તેમ મુસ્લિમ લીગ સાથે
દેશનું વિભાજન અને પાકિસ્તાન રચનાના અનેક ઘટનાક્રમ જોડાયેલા છે.
————-
અનુશીલન સમિતિની સ્થાપના
અનુશીલન સમિતિ વિશે આજે કહો તો કોઈને બહુ યાદ ન આવે, પણ સ્વતંત્રતાસંગ્રામ વેળા બંગાળમાં અંગ્રેજો વિરોધી, સશસ્ત્ર, ગુપ્ત અને ક્રાંતિકારી સંસ્થા બનેલી તે આ અનુશીલન સમિતિ ‘વંદે માતરમ્’ના પ્રણેતા અને બંગાળી નવલકથાકાર બંકિમચન્દ્ર ચેટરજીના માર્ગનું અનુશીલન કરવા માગતી હતી. આ સમિતિના સ્થાપક બારિન્દ્ર ઘોષ અને ભૂપેન્દ્રનાથ દત્ત હતા. ૧૯૦૭માં તેની કોલકાતામાં સ્થાપના થયેલી. આ સમિતિની ઢાકામાં શાખા હતી, જેનું નામ ઢાકા અનુશીલન સમિતિ હતું, પણ આ સમિતિમાં મતભેદના કારણે યુગાંતરનો જન્મ થયેલો.અનુશીલન સમિતિ અનેક જગ્યાએ પોતાની શાખાઓ વડે નવયુવાનોને સંગઠિત કરી અંગ્રેજો સામે લડવા શારીરિક અને માનસિક રૂપે તૈયાર કરતી. અંગ્રેજો તેનાથી બહુ ભડકેલા (ગુજરાતમાં આઝાદીકાળે શારીરિક સૌષ્ઠવ માટે અખાડાઓ થયેલા તે પણ અનુશીલન સમિતિના પ્રભાવે). અનુશીલન સમિતિના સભ્યો એટલા ઉગ્ર હતા કે અંગ્રેજોના પિઠ્ઠુ બનેલા ભારતીય અધિકારીઓની હત્યા કરી નાખતા અને એવાને હિંદુસ્તાનના ગદ્દાર સમજતા હતા. આ સમિતિ દેશનું વિભાજન ન થાય તેમ ઈચ્છતી હતી, પણ તે વખતે પૂર્વ-પશ્ર્ચિમ બંગાળ તેમના મનમાં હતું.
બંગાળમાં ક્રાંતિકારીઓ હંમેશ ચર્ચામાં રહ્યા છે. આ અનુશીલન સમિતિ હિન્દુશક્તિને વિવિધ રીતે પ્રગટ કરતી હતી. આજે જે હિન્દુવાદ વળી રાજકીય રીતે પ્રબળ થયો છે તેના જૂના સંદર્ભમાં આ સમિતિનું હિન્દુદર્શન સામે રાખી શકો. ૧૯૧૨માં ભારતના વાઈસરૉયની હત્યાનો પ્રયાસ અને પ્રથમ વિશ્ર્વયુદ્ધ વખતે રાજદ્રોહની સાજિશ તેમણે રચેલી જેનું નેતૃત્વ રાસબિહારી બોઝ અને જતીન્દ્રનાથ મુખરજીએ કરેલું. ગાંધીજી હિંસાના વિરોધી હતા ને આ સમિતિ હિંસાને જરૂરી માનતી હતી. સુભાષચંદ્ર બોઝની માન્યતા પણ ગાંધીજીથી જુદી પડતી હતી ને આખી ફોજ ઊભી કરેલી તેના મૂળમાં પણ આ સમિતિ કહી શકો. અનુશીલન સમિતિની પ્રવૃત્તિને કારણે કલકત્તા પોલીસની વિશેષ શાખા સ્થાપવી પડેલી અને સર રૉબર્ટ નાથન, સર હેરોલ્ડ સ્ટુઅર્ટ, સર ચાર્લ્સ સ્ટીવન્સન-મૂર અને સર ચાર્લ્સ ટેગાર્ટે સમિતિની ગુપ્ત પ્રવૃત્તિ સામે મોટું અભિયાન આદરેલું.સમય જતાં અનુશીલન સમિતિ ગાંધીવાદી આંદોલનમાં ફેરવાઈ ગયેલી અને તેમના કેટલાક સભ્યો સુભાષચંદ્ર બોઝના નેતૃત્વવાળી ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસમાં ચાલી ગયેલા, જ્યારે અમુક સામ્યવાદી બની ગયેલા. ભારતના સ્વતંત્રતા આંદોલનના પ્રથમ દાયકાઓને સમજવા માટે કલકત્તા અને આ અનુશીલન સમિતિને સમજવી જ પડે.

 

 

Google search engine