સિમલા/ કુલુ: સોમવારે સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના જાંગલા ગામ પાસે આકરા વળાંક પર મુસાફર બસ ખીણમાં પડતાં કેટલાક વિદ્યાર્થીઓ સહિત ૧૨ પ્રવાસીઓ મૃત્યુ પામ્યાં હતાં અને ૩ જણ ઘાયલ થયા હતા. કુલુથી શાઇન્શેર તરફ જતી બસ ખીણમાં ગબડી પડ્યા પછી બચાવકાર્યમાં સરકારી તંત્રની બેદરકારીનો આરોપ કેટલાક પ્રવાસીઓના સગાંએ મૂક્યો હતો.
હિમાચલ પ્રદેશના બસ અકસ્માતમાં ૧૨ જણનાં મૃત્યુ બાબતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાને કેન્દ્ર સરકાર તરફથી ઉક્ત બસ અકસ્માતના પ્રત્યેક મૃતકના કુટુંબને બે લાખ રૂપિયા અને પ્રત્યેક ઇજાગ્રસ્તને પચાસ હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે કુલુ જિલ્લા પ્રશાસન અને મેજિસ્ટ્રેટ દ્વારા દુર્ઘટનાના વિવિધ પાસાંની તપાસની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને રાજ્ય સરકાર તરફથી દુર્ઘટનાના પ્રત્યેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૧૫,૦૦૦ રૂપિયાની તાત્કાલિક રાહતની જાહેરાત કરી હતી. (એજન્સી)
