૧૮૮૨ લોર્ડ રિપન: સ્થાનિક સ્વરાજ ખરડો

સ્પેશિયલ ફિચર્સ

 ડૉ. રાજેશ ચૌહાણ

બ્રિટિશ સરકારમાં લોર્ડ રિપને વિકેન્દ્રીકરણની દિશામાં આગળ વધી મ્યુનિસિપાલિટી અને જિલ્લા સમિતિઓનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યું. પ્રારંભનાં વર્ષોમાં સમિતિઓના મોટા ભાગના સભ્યોની નિમણૂક કરવામાં આવતી હતી. આ સમિતિઓના પ્રમુખ સ્થાને જિલ્લા ન્યાયાધીશો હતા. પોતાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારો માટેના ખર્ચની જોગવાઈ માટે મહેસૂલ વ્યવસ્થા કરવી પડતી હતી.
ડો. જનક ગઢવી પોતાના પુસ્તક ‘ભારતનો ઈતિહાસ’માં લખે છે કે ‘૧૮૮૨માં સ્થાનિક સ્વરાજની પરિસ્થિતિમાં સુધારો થયો. હવે સમગ્ર દેશમાં સ્થાનિક સંસ્થાઓનો વિકાસ હાથ ધરાયો. પહેલાં ફક્ત શહેરોમાં તેનો વિકાસ થતો હતો. આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને નિશ્ર્ચિત ફરજો સોંપવામાં આવી. આ માટે એમને ચોક્કસ રકમની આર્થિક સહાય પૂરી પાડવામાં આવતી હતી. હવે નિમાયેલા સભ્યોનું સ્થાન મહદંશે ચૂંટાયેલા સભ્યોએ લીધું. પરિણામે સરકારી સભ્યોની સંખ્યા માત્ર ત્રીજા ભાગની રહી. શહેરી સંસ્થાઓને સ્વતંત્રતા અપાઈ. બિનસરકારી સભ્યોને પણ સમિતિઓના અધ્યક્ષસ્થાને બેસવાની છૂટ અપાઈ, પરંતુ આ સંસ્થાઓ પર સરકારી નિયંત્રણ પૂરેપૂરું હતું. મત આપવાનો અધિકાર સીમિત હતો. બિનસરકારી સભ્યો બહુ ઓછી સત્તા ભોગવતા હતા.’ બિપિનચંદ્રે નોંધ્યું છે તે મુજબ ‘મુંબઈ, મદ્રાસ અને કલકત્તા જેવા શહેરોનાં મુખ્ય મથકોને છોડીને સ્થાનિક સંસ્થાઓ સરકારી ખાતાંઓની જેમ જ કાર્ય કરતી હતી, આથી આ સંસ્થાઓને સ્થાનિક સ્વાયત્તતાના સારા દૃષ્ટાંત તરીકે રજૂ કરી શકાય નહીં.
————-
૧૮૮૩ ઇલ્બર્ટ બિલ, ભારતીય મેજિસ્ટ્રેટને વિશેષ પરવાનગી
ર.લ. રાવલ ગુજરાતી વિશ્ર્વકોશમાં લખે છે કે ભારતના વાઇસરૉય લોર્ડ રિપને (૧૮૮૦-૧૮૮૪) શિક્ષિત હિંદીઓ પ્રત્યે ભેદભાવની નીતિને દૂર કરવા માટે તેની કારોબારીમાં કાયદા-સભ્ય ઇલ્બર્ટ દ્વારા ઇ.સ. ૧૮૮૨માં બિલ રજૂ કર્યું. આ બિલનો ઉદ્દેશ્ય પાલિકામાં ભારતીય અને યુરોપિયન પ્રશ્ર્નોના મધ્યમાં અંતર સમાપ્ત કરવાનો હતો. હિંદી સેશન્સ જજ કે મેજિસ્ટ્રેટ, પ્રેસિડેન્સી શહેરો સિવાયના વિસ્તારોમાં પણ યુરોપિયન પર ફોજદારી મુકદ્દમો ચલાવી શકે એવી જોગવાઈ આ બિલમાં સામેલ હતી. હિંદમાં વસતા યુરોપિયનોએ આ બિલનો સખત વિરોધ કર્યો. જાહેરસભાઓ દ્વારા તેમણે હિંદી ન્યાયાધીશોની અણછાજતી ટીકા કરી અને લોર્ડ રિપનનું પણ અપમાન કર્યું. રિપનને અંતે બિલમાં સુધારો કરવો પડ્યો, પરંતુ તેનું મહત્ત્વનું પરિણામ એ આવ્યું કે બ્રિટિશ શાસનતરફી વલણ ધરાવતા હિંદી શિક્ષિત વર્ગમાં પણ હવે સરકારની જાતિભેદની નીતિને લીધે રાષ્ટ્રીય ભાવનાનો સંચાર થયો. રાજકીય અધિકારો પ્રાપ્ત કરવા માટે જનમત દ્વારા આંદોલન ચલાવવાની નવી પદ્ધતિની અસરકારકતાનો ખ્યાલ પણ શિક્ષિત વર્ગમાં આવ્યો.
———–
૧૮૮૫ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનો જન્મ
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમ જ દેશમાં સૌથી વધારે વ્યાપ ધરાવતો અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલો, આજે વિપક્ષની ભૂમિકા ભજવતો ભારતનો રાજકીય પક્ષ એટલે કૉંગ્રેસ.
ભારતીય નેતાઓના વિચાર પછી સર ઍલન ઑક્ટેવિયન હ્યૂમ નામના એક નિવૃત્ત અંગ્રેજ અધિકારીને હિંદમાં એક રાષ્ટ્રીય સંસ્થા સ્થાપવાનો વિચાર આવ્યો. હિંદમાં બ્રિટિશ શાસન પ્રત્યે લોકોમાં અસંતોષ છે તેને વ્યવસ્થિત અને બંધારણીય માર્ગે વ્યક્ત થવાની તક મળે તો તેમાં બ્રિટિશ સામ્રાજ્યનું તથા રાષ્ટ્રનું હિત છે તેવી તેમની માન્યતા હતી. તેમની આ માન્યતાને ઘણા અંગ્રેજો તથા ખુદ તે સમયના વાઇસરૉય લૉર્ડ ડફરિનનો પણ ટેકો હતો. ટૂંકમાં કૉંગ્રેસ સેફટીવાલ્વનું કામ કરવા સ્થપાય. અનેક અધિવેશનો યોજાયાં ઇ.સ. ૧૯૦૭ સુરત અધિવેશન બાદ કૉંગ્રેસના ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. પહેલાં અને પછી કૉંગ્રેસની મહત્ત્વની ભૂમિકા રહી છે. ગાંધીજીએ તો આઝાદી આવી તે પહેલાં જ ૧૯૪૭ની ૩ ઑગસ્ટે ‘હરિજનબંધુ’માં એક દીર્ઘદ્રષ્ટાની નાતે કૉંગ્રેસના ભાવિ સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વિશે ઉંગલી નિર્દેશ કર્યો હતો કે કૉંગ્રેસે જો દેશમાં એક શક્તિશાળી અને અસરકારક બળ તરીકે જીવવું હોય તો તેણે રચનાત્મક કાર્યને વરેલા એક સંઘ તરીકે પરિવર્તિત થઈ જવું જોઈએ; પરંતુ તે સમયના દેશના સંજોગોએ આ બાબતને લગભગ અશક્ય બનાવી દીધી તેને માત્ર સંપૂર્ણપણે રાજકીય પક્ષ જ બનાવી દીધો.
————-
૧૮૯૭ ચાફેકર બંધુ દ્વારા પ્લેગ કમિશનર રેંડની હત્યા
ઇ.સ. ૧૮૯૭માં પૂના ખાતે મોટા પાયે પ્લેગનો રોગ ફેલાયો હતો. વ્યવસ્થા કરવા માટે રેંડ અને લેફ્ટનંટ અધિકારીઓની સરકારે નિમણૂક કરી હતી. આ ચેપ ફેલાય નહીં તેથી લોકોને ગામ બહાર વસાવવાના નામ હેઠળ અંગ્રેજ સૈનિકોએ ઘરે ઘરે અત્યાચાર કર્યા. તેથી દામોદર હરિ ચાફેકર અને તેમના ભાઈ બાળકૃષ્ણએ અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી. તેમને ફાંસીની સજા આપવામાં આવી.
ક્રાંતિકારીઓમાં ચાફેકર બંધુઓના નામ આગળ પડતા નોંધવામાં આવ્યા, પરંતુ દામોદર હરિ ચાફેકરે જે આત્મવૃત્ત લખ્યું છે’, તેની વધારે કાંઈ ચર્ચા થતી નથી. વાસ્તવિક રીતે આ આત્મકથા વિ.ગો. ખોબરેકરે સંપાદિત કરી છે અને મ.રા. સાહિત્ય સંસ્કૃતિ મંડળે વર્ષ ૧૯૭૪માં વિમોચન કરી છે. મરાઠીમાં આ આત્મકથા થોડી મોડેથી જ પ્રકાશિત થઈ. તે પહેલાં તેનો અંગ્રેજી અનુવાદ વર્ષ ૧૯૫૫માં ‘સ્વતંત્રતાસંગ્રામ ઇતિહાસનાં સાધનો: ભાગ ૨’માં પ્રકાશિત થયો હતો.
———-
૧૮૯૮ રાજદ્રોહના ખટલામાંથી તિલકની મુક્તિ અને લોકપ્રિયતા મળી
૧૮૬૦ના ભારતીય ફોજદારી ધારાની કલમ ૧૨૧થી ૧૩૦માં રાજ્ય વિરુદ્ધના ગુનાઓ આપ્યા છે. કલમ-૧૨૧ની જોગવાઇ ભારત સરકાર સામે યુદ્ધે ચઢવા અથવા યુદ્ધનો પ્રયાસ કરવા અથવા ઉશ્કેરણી કે મદદગારી કરવા અંગે છે. જેમાં ફાંસીની અથવા આજીવન કેદની સજાની જોગવાઇ છે. જ્યારે કલમ-૧૨૪ એ રાજદ્રોહની છે. ૧૮૭૦માં બ્રિટિશ સરકારે પાછળથી ઉમેરી હતી. બ્રિટિશ સરકારની શાસનપ્રણાલીનો વિરોધ કરનારાઓને જેલભેગા કરી શકાય તે હેતુથી આ કલમ ઉમેરવામાં આવી હતી.તે આજે પણ શરૂ છે.
બ્રિટિશ સરકારની નીતિઓનો વિરોધ કરનારા બાળ ગંગાધર તિલક સામે ૧૮૯૭માં કલમ ૧૨૪-એ મુજબ ગુનો દાખલ થયો હતો. તિલક પર તે આરોપ મૂકવામાં આવ્યો હતો કે શિવાજી દ્વારા અફઝલ ખાનની હત્યા વિશે તેમણે એક ભાષણ અને લેખ લખ્યા હતા. આ સમયગાળામાં તિલક પર ૩ ફોજદારી ખટલાઓ ચાલ્યા. તેમના પરનો બીજો ખટલો વર્ષ ૧૮૯૭માં પૂના ખાતે પ્લેગ ફેલાયો તે સમયે સરકારે લોકો પર કરેલા અત્યાચારોના વિરોધમાં કેસરીમાં કડક લેખ લખ્યા, તે માટે હતો. ત્યાર પછી તિલક પર રાજદ્રોહનો ખટલો ચલાવ્યો. વર્ષ ૧૯૦૮માં બંગાળ ખાતે બૉમ્બસ્ફોટ થવા લાગ્યા ત્યારે તિલક પર સરકારે (સરકાર) પર કડક ટીકા કરનારો લેખ લખવા માટે ત્રીજો ખટલો ચલાવ્યો. આ બન્ને ફોજદારી ખટલાઓને કારણે તેમને કુલ ૭ વર્ષ કારાવાસ ભોગવવો પડ્યો. આ ખટલાથી બ્રિટિશ સરકારે તિલક પર જે શસ્ત્ર ઉગામ્યું, તે વર્ષ ૧૯૧૬ સુધી નીચે મૂક્યું જ નહીં. વર્ષ ૧૯૧૫નો ખટલો કારાવાસ માટે નહોતો, જ્યારે રાજદ્રોહ ફરીને ન કરે તે માટે તારણ મેળવવાના સ્વરૂપનો હતો. તેમાં તિલકને અંતે યશ મળ્યું ને જીત્યા અને તમેની લોકપ્રિયતામાં વધારો થયો.
———
૧૯૦૪ વીર સાવરકર દ્વારા અભિનવ ભારત સમાજની સ્થાપના કરાઈ
૧૮૯૯માં સપ્ટેમ્બર માસમાં પ્લેગની મહામારીમાં પિતા દામોદર પંતનું અવસાન થયું. વિનાયકે ૧૯૦૦ની શરૂઆતનાં અરસામાં એક દેશભક્ત જૂથ રચ્યું અને નામ પાડ્યું, ‘મિત્રમેળા’ આ નાનકડા વિચારમાંથી આગળ જતાં વિનાયકના હાથે જ અભિનવ ભારત નામની પ્રસિદ્ધ સંસ્થાની રચના થઇ. જેનો એક ફાંટો વિદેશમાં જઈને ‘ગદરપાર્ટી’ તરીકે ઓળખાયો.
તિલક મહારાજ રમૂજમાં વિનાયકે બનાવેલ ‘અભિનવ ભારત’ને ‘સાવરકરની છાવણી’ કહેતા વિનાયકે પ્રજાની નાડ પારખીને ધાર્મિક ઉત્સવોને સામાજિક પરિવર્તન અને રાજકીય જાગૃતિનાં માધ્યમ્ બનાવ્યા.
———
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘આનંદમઠ’નું પ્રકાશન – વંદે માતરમ
ચંદ્રકાંત મહેતા ગુજરાતી વિશ્ર્વકોશમાં જણાવે છે કે બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાકાર બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૮૨માં અત્યંત લોકપ્રિય નવલકથા આનંદમઠ આપી. મુસ્લિમ શાસકો નિષ્ક્રિય, વિલાસી અને પ્રજાશોષક હોવાથી એમની સામે વિદ્રોહ કરવા સંતપ્ત સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી. એ સંપ્રદાયની પ્રવૃત્તિઓ ગુપ્ત હતી. એ સંપ્રદાય દેવીભક્ત હતો અને વિદ્રોહમાં સફળતા માટે દેવીની આરાધના કરતો. રાષ્ટ્રીય સંગ્રામમાં અને બંગભંગના વિરોધમાં પ્રજાપ્રેરક બનેલું ‘વંદે માતરમ્’ ગીત આનંદમઠના સંતપ્ત સંપ્રદાયીઓનું પ્રેરણાગીત છે. આનંદમઠમાં જ સ્વરાજ્યનો પ્રથમ શંખનાદ ફૂંકાયેલો. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ‘વંદે માતરમ્’ ગીતે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવેલો. સ્વાતંત્ર્ય પૂર્વે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ એને રાષ્ટ્રગીત તરીકે અપનાવેલું અને બંધારણસભાએ પણ તેને ‘જનગણમન’ની સાથે રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપી છે. આઝાદીનાં ૭૫ વર્ષે પણ તે આપણું રાષ્ટ્રગીત છે.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.