૧૮૫૭થી ૧૯૪૭: સ્વાતંત્ર્યસંગ્રામની અથથી ઈતિ

સ્પેશિયલ ફિચર્સ

ડૉ. હરિ દેસાઈ

સમગ્ર દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો હોય ત્યારે પ્રત્યેક નાગરિકને એનો હરખ હોવો સ્વાભાવિક છે. બ્રિટિશ ગુલામીની બે સદીના કટુ અનુભવો પછી આજે સ્વરાજનાં જે સુફળ ભોગવવા મળે છે એના પાયાના પથ્થરોનું સ્મરણ કરવાનો પણ આ ઓચ્છવ છે. બદ્ધેબદ્ધું રૂડુંરૂપાળું ન પણ હોય; પરંતુ ગઈ કાલોની ગુલામી સામે આજની લોકશાહી અનેક દર્જે સારી છે એ માનવું રહ્યું. ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એવા વિવાદોમાં અટવાતા રહેવાની જરૂર નથી. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આવેલી આઝાદી પછી સારાનરસાના જવાબદાર આપણે જ છીએ અને અંગ્રેજોને શિરે દોષનો ટોપલો સરકાવી શકીએ તેમ નથી, એ ડો. બાબાસાહેબ આંબેડકરની વાતને ગુંજે બાંધવાની જરૂર ખરી. ભારતને શ્રેષ્ઠ બનાવવાના ઉદ્યમમાં સૌના સહિયારા પ્રયાસોની આવશ્યકતા અનિવાર્ય બને છે.
આઝાદીની લડતમાં કોઈ એક સંસ્થા કે પક્ષ કે વિચારધારા જ યોગદાન કરી ચૂકી એવી એકલ વાત ઠીક નથી. હા, એ જરૂર છે કે ૧૮૮૫માં સ્થપાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વ અને આઝાદીના આંદોલનમાં સૌને જોડાવાના તથા અહિંસક માર્ગે આઝાદી હાંસલ કરવાના પ્રયાસોનું યોગદાન સવિશેષ હતું. એ સાથે જ ક્રાંતિકારીઓ અને અન્ય વિચારધારા સાથે આઝાદ થવાના કે અંગ્રેજો સામે લડત આપવાના ૧૮૫૭થી ૧૯૪૭ લગીના અન્ય પ્રયાસો કે આંદોલનોના યોગદાનને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આઝાદીના આંદોલનમાં યોગદાન આપનારા નામી-અનામી સૌને આજના પ્રસંગે સ્મરણ કરીને એમને અંજલિ અર્પીને એમાંના અમુક ઘટનાક્રમો અહીં પ્રસ્તુત છે. આઝાદીના જંગમાં સમાજના તમામ વર્ગોનું યોગદાન રહ્યું છે, ભલે પછી એનું દસ્તાવેજીકરણ ન થયું હોય. સમાજના કચડાયેલા, અનુસૂચિત જાતિના કે અનુસૂચિત જનજાતિના લોકોનું યોગદાન પણ ઓછું નથી. કેટલાક રાજવીઓ અંગ્રેજ સત્તા સાથે રહ્યા હશે, પરંતુ એવા પણ રાજવીઓ હતા જેમણે પોણા ભાગની દુનિયા પર રાજ કરનારા અને જેમનો સૂરજ ક્યારેય આથમતો નહોતો એવા અંગ્રેજ શાસકોના સૂરજને અસ્તાચળે લાવવામાં યોગદાન કર્યું છે એટલું જ નહીં, ખુવારી પણ વહોરી લીધી છે.
આજે અહીં પ્રસ્તુત આવી કેટલીક ગૌરવગાથાઓ આઝાદી લાવવામાં યોગદાન આપનારાઓની ઝલક જરૂર બક્ષે છે; ભલે એ સંપૂર્ણ કહાણી રજૂ કરતી ન હોય. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે એમનું સ્મરણ કરીને ‘મુંબઈ સમાચાર’ પોતાની જવાબદારી નિભાવે છે.
———–
૧૮૫૭ ભારતીય સૈનિકોની ક્રાંતિ
સામાન્ય રીતે લશ્કરી બળવો કે મ્યુટિની તરીકે ઓળખાવવામાં આવતા ૧૮૫૭ના અંગ્રેજો સામેના વિદ્રોહને સ્વાતંત્ર્યવીર સાવરકરે પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ કહેવાનું પસંદ કર્યું. એમણે એના વિશે એ જ શીર્ષક સાથેનો ગ્રંથ પણ લખ્યો અને એ માત્ર ઉત્તર ભારતમાં જ કંપની સરકાર (ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન) સામેનો વિદ્રોહ નહીં, પરંતુ દક્ષિણ ભારતમાં પણ પ્રભાવ પાથરનાર રહ્યાનું સ્પષ્ટ કર્યું હતું. જોકે ૧૮૪૬માં અંગ્રેજો સામે શીખ સામ્રાજ્યના જંગને આ પહેલાંના સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે સંસદમાં લેખાવવામાં આવ્યો, પણ પાછળથી અંગ્રેજોની કુટિલ નીતિએ શીખોને પોતાના પડખામાં લીધા હતા. ૧૮૫૭ની ક્રાંતિ કંપની સરકારના બંગાળ, મદ્રાસ અને મુંબઈ પ્રેસિડેન્સીમાં સૈનિકોએ મોઢાથી ખોલવાની કારતૂસ પર ગોમાંસ કે ડુક્કરનું માંસ લગાડાયા મુદ્દે લશ્કરી છાવણીમાં મંગલ પાંડે સહિતનાએ સમયથી વહેલા વિદ્રોહ જગાવીને ક્રાંતિની શરૂઆત ભલે ૧૦ મે, ૧૮૫૭ના રોજ કરી હોય; પણ એ સતત દોઢ વર્ષ લગી અખંડ અંગ્રેજોના દાંત ખાટા કરતી રહી. અંગ્રેજોએ ઉચાળા ભરવા પડે એવા એ પ્રથમ ક્રાંતિના સમયગાળામાં મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરના નેજા હેઠળ નાનાસાહેબ પેશ્ર્વા, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, બેગમ હઝરત મહલ સહિતના હિંદુ-મુસ્લિમ અગ્રણીઓએ જનસામાન્યના અંગ્રેજો સામેના રોષને પ્રજ્વલિત રાખ્યો. આ જંગમાં ૮,૦૦,૦૦૦ ભારતીયોએ લડત અને દુષ્કાળમાં જાન ગુમાવ્યા. સામે ૬,૦૦૦ અંગ્રેજોના જાન પણ ગયા હતા. આઝાદીના આ જંગને પ્રતાપે ભારતમાં કંપની સરકારને સ્થાને રાણી વિક્ટોરિયાનું સીધું શાસન સ્થપાયું. ક્રાંતિમાં સહભાગી અનેકોએ એમાં પોતાના જાન ન્યોછાવર કર્યા. સાથે જ અંગ્રેજો માટે પણ ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતાને ખંડિત કરીને જ શાસન કરી શકાય એવા વિભાજનકારી બીજનું વાવેતર થયું. ઓગસ્ટ, ૧૯૪૭માં મુસ્લિમો માટે અલગ પાકિસ્તાનની રચના એ અંગ્રેજોની કુટિલ નીતિનું જ પરિણામ હતું.
———-
૧૮૬૭ દાદાભાઈ નવરોજીના પુસ્તકમાં બ્રિટનની ચાલાકીનો પર્દાફાશ
નવસારીના પારસી પરિવારમાં જન્મેલા દાદાભાઈ નવરોજીએ ૧૮૯૨માં બ્રિટિશ સંસદમાં પ્રથમ ભારતીય તરીકે ચૂંટાઈને ભારતમાં બ્રિટિશ શાસનની સામે બૂંગિયો ફૂંકવાનું પસંદ કર્યું હતું. બ્રિટનમાં પ્રથમ ભારતીય કંપનીના સ્થાપક એવા દાદાભાઈએ બ્રિટિશ સંસદમાં શપથ લેતી વખતે બાઈબલ પર હાથ મૂકીને શપથ લેવાનું નાપસંદ કર્યું હતું. એમનું કહેવું હતું કે હું પારસી છું. એટલે પારસી પવિત્ર ગ્રંથ અવેસ્તા પર હાથ રાખીને જ શપથ લીધા હતા. કોટન કંપનીના માલિક ઉપરાંત દાદાભાઈ લંડનમાં પ્રાધ્યાપક પણ રહ્યા. બાળ ગંગાધર ટિળક, ગોપાલકૃષ્ણ ગોખલે અને મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા)ના ગુરુ લેખાતા દાદાભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસ્થાપકોમાં હતા. એ ૧૯૦૬માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને મોહમ્મદ અલી ઝીણા એમના સચિવ રહ્યા. આઝાદીના સંગ્રામમાં દાદાભાઈનું નામ આદરથી લેવામાં આવે અને ઉદ્યોગ ક્ષેત્રમાં પણ. અંગ્રેજોની છાતી પર મગ દળવામાં એમની ભૂમિકા અનન્ય હતી. એમણે ૧૯૦૧માં ખૂબ અભ્યાસપૂર્ણ ગ્રંથ ‘પોવર્ટી એન્ડ અન-બ્રિટિશ રૂલ ઇન ઈન્ડિયા’ લખીને ભારતમાંથી બ્રિટિશ ધનશોષણની વિપુલ માત્રા અંગે ‘ધ થિયરી ઓફ ડ્રેઇન’ રજૂ કરીને લોકોની આંખો ખોલી હતી.
———-
૧૮૭૫ દયાનંદ સરસ્વતી: આર્ય સમાજની સ્થાપના
મૂળ ગુજરાતના ટંકારામાં જન્મેલા, પરંતુ પંજાબ-હરિયાણા-રાજસ્થાનમાં પોતે મુંબઈમાં ૧૮૭૫માં સ્થાપેલા આર્ય સમાજના માધ્યમથી ખૂબ જ પ્રભાવ પાથરનારા સ્વામી દયાનંદ સરસ્વતીએ પ્રત્યક્ષ કે પરોક્ષપણે એવાં અનુયાયીઓ અને સંગઠનો માટે પ્રેરણા પૂરી પાડી કે ભારતની આઝાદીમાં એમનું યોગદાન અનન્ય રહ્યું છે. સ્વામીના ગ્રંથ ‘સત્યાર્થપ્રકાશ’ અને એમના પુણે સહિતના સ્થળે પ્રવચનો ક્રાંતિકારી હતાં. અન્ય ધર્મના અનુયાયીઓ માટે જ નહીં, પણ સનાતન ધર્મના ધર્મગુરુઓ માટે પણ એ ક્યારેક વિવાદાસ્પદ લેખાતા હતા. સ્વામીના શિક્ષણ અને સમાજસુધારા અંગેના યોગદાન સાથે જ અંગ્રેજો ભારત છોડે એ માટે પ્રેરક બનવાના યોગદાનનું સ્મરણ કરવું પડે. રેવાડીના મહારાજા સાથેના સ્વામીના અંતરંગ સંબંધ છતાં એમને સત્યબોધ કરવામાં સ્વામીની હત્યાનું કાવતરું હાથ ધરાયું ત્યારે એમાં સામેલ વ્યક્તિને માફ કરીને ભાગી છૂટવાની મોકળાશ કરી આપવા જેવા દરિયાવ દિલ સ્વામી હતા. આજે તો સ્વામી સ્થાપિત આર્ય સમાજ વૈશ્ર્વિક સંસ્થા છે. અત્યારે દેશમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિકાસમાં આર્ય સમાજ સાથે જોડાયેલા મહાનુભાવોનું ખૂબ યોગદાન રહ્યું છે.
———–
પુણેમાં ખેડૂત આંદોલન
દક્ષિણનાં રમખાણોના નામે પ્રચલિત બનેલા મે, ૧૮૭૫માં અત્યારના મહારાષ્ટ્રમાં ખેડૂતોએ કરેલું આંદોલન વાસ્તવમાં પહેલા કિસાન આંદોલન તરીકે જાણીતું છે. મુંબઈના ગવર્નર તરીકે એલ્ફિન્સ્ટન હતા ત્યારે મહેસૂલી અને વહીવટી સુધારા કરવામાં આવ્યા હતા. રોબર્ટ કિથ પ્રિન્ગલેએ રૈયતવારી પ્રથા દાખલ કરી. આને કારણે શાહુકારો પાસેથી કરજ લેનારા ખેડૂતોના શોષણને અંગ્રેજ સરકારનું સમર્થન પ્રાપ્ત થયું. ૧૮૪૦ના ગાળામાં કરજ પર શાહુકારો ૬૦% જેટલું વ્યાજ વસૂલતા હતા. રકમ ભરી ન શકે તેવા ખેડૂતોની જમીનનું લિલામ કરવાની અદાલતો મોકળાશ કરી આપતી હતી. શાહુકારો અને સરકાર એકમેક સાથે હોવાથી આવા હજારો ખટલા નોંધાયા. બ્રિટિશ સંસદમાં પણ આ મામલો ગાજ્યો. ૧૨ મે, ૧૮૭૫ના રોજ સુપે ખાતે ખેડૂત આંદોલન થયું અને એના ક્રાંતિકારીઓએ કેટલાક શાહુકારોને મોતને ઘાટ ઉતાર્યા. શિરુરના કરડે ગામે થયેલા કિસાન આંદોલનનો કિસ્સો તો રસપ્રદ અને કરુણ છે: બાળાસાહેબ દેશમુખ જેવા પ્રતિષ્ઠિત ખેડૂતે ૧૫૦ રૂપિયાનું કરજ કાળુરામ નામના શાહુકાર પાસેથી લીધું હતું. આ કરજ ભરપાઈ કરવામાં વિલંબ બદલ શાહુકારે દેશમુખની ખેતીવાડી, જર, જમીન જપ્તી આણી હતી. એક બાજુ, દુષ્કાળથી ત્રસ્ત ખેડૂતોનું જીવવું હરામ થઈ ગયું હતું અને બીજી બાજુ, શાહુકારો જપ્તી આણતા હતા. આંદોલન અહિંસક હતું, પણ ક્યાંક હિસક અથડામણો પણ સર્જાઈ. અંતે ધ ડેક્કન એગ્રિકલ્ચર રિલીફ એક્ટ, ૧૮૭૯ થતાં ખેડૂતોને રાહત આપવાની જોગવાઈ થઈ.
———–
ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના: સુરેન્દ્રનાથ બેનરજી
ભણેલાગણેલાઓની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ૧૮૮૫માં સ્થાપના પૂર્વે દેશભરમાં બંગાળ, મદ્રાસ અને મુંબઈ પ્રેસિડેન્સીમાં પ્રતિષ્ઠિત મહાનુભાવોએ વિવિધ એસોસિયેશનની સ્થાપના કરી હતી. કેટલાંક અલ્પજીવી નીવડ્યાં અને બીજાં ૧૮૮૫માં મુંબઈની તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે કોંગ્રેસની સ્થાપનામાં પરિણમ્યાં.
૧૮૫૧માં ઇન્ડિયન એસોસિયેેશન ઓફ બેંગાલની સ્થાપના ડો. રાજેન્દ્રલાલ મિત્ર, રામગોપાલ ઘોષ વગેરેએ કરી. એનું કામ કેટલાક સમય પછી બંધ પડ્યું. એને પુનર્જીવિત કરવા માટે ૧૮૭૬માં સુરેન્દ્રનાથ બેનરજી અને સાથીઓએ ઇન્ડિયન એસોસિયેશન ઓફ બેંગાલ પ્રેસિડેન્સીની સ્થાપના કરી. ૧૮૮૧માં મદ્રાસ મહાજનસભા સ્થપાઈ. ૨૬ ઓગસ્ટ, ૧૮૫૨ના રોજ જગન્નાથ શંકર શેઠ, ડો. ભાઉ દાજી વગેરેએ બોમ્બે એસોસિયેશનની સ્થાપના કરી, પણ એનું કામ પણ થોડા વખત પછી બંધ પડ્યું. એને ૩૧ જૂન, ૧૮૮૫ના રોજ બોમ્બે પ્રેસિડેન્સી એસોસિયેશન તરીકે પુનર્જીવિત કરી અને ડિસેમ્બર, ૧૮૮૫માં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે મહાસભા સ્થાપિત થઈ.
હિંદીઓના અધિકારો અંગેની જાગૃતિ લાવવા માટે સુરેન્દ્રનાથ બેનરજી સહિતના જે મહાનુભાવો કામે વળગ્યા એના પ્રતાપે જ ૧૯૪૭માં અંગ્રેજો વિદાય થયા. બેનરજી કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા.
———–
૧૮૭૮ વર્નાક્યુલર પ્રેસ એક્ટ
હિંદી પ્રજામાં ભારતીય ભાષાઓનાં અખબારો કે સામાયિકોનો પ્રભાવ બ્રિટિશ શાસનમાં વધુ રહ્યો અને આજે પણ એ જ સ્થિતિ છે. અંગ્રેજ હાકેમો ભલે અંગ્રેજી અખબારોને મહત્ત્વ આપીને કે અંગ્રેજ માલિકો દ્વારા પ્રકાશિત કરાવીને બ્રિટિશ પ્રજા સુધી પોતે કેવું સારું શાસન ભારતની પ્રજા પર કરતા હતા એના સંદેશ પહોંચાડવા પ્રયત્નશીલ રહેતા હતા, પરંતુ ભાષાયી એટલે કે વર્નાક્યુલર અખબારો એમના શાસન વિશે એમના દુરાચારી અને અત્યાચારી શાસનના અહેવાલો પ્રકશિત કરવામાં પાછળ નહોતાં. એ સંજોગોમાં ભાષાયી અખબારોના અવાજને રૂંધાવા માટે બ્રિટિશ શાસકો અલગ અલગ કાયદા કરતા રહ્યા. વાઈસરોય લોર્ડ લિટ્ટને ૧૮૭૮માં દેશી પ્રેસ અધિનિયમ (વર્નાક્યુલર પ્રેસ એક્ટ) મંજૂર કરાવીને ભાષાયી પ્રકાશનોનું ગળું ઘોંટવાનો પ્રયાસ કર્યો. ખાસ કરીને બ્રિટિશ રાજધાની કોલકાતાનાં બંગાલી અખબારોમાં શિશિર કુમાર ઘોષના ‘અમૃત બાઝાર પત્રિકા’ અને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદ મઠના ‘વંદે માતરમ’ સામે ઉશ્કેરાટ સર્જવાના પ્રયાસ થયા. મુસ્લિમોને ઉશ્કેરીને આનંદ મઠની હજારો નકલો બાળવામાં અંગ્રેજ સરકારે ઈંધણ પૂરું પાડ્યું. જોકે દેશભરમાં બ્રિટિશ હકૂમત હેઠળનાં ભાષાયી અખબારોને ટૂંપો દેવાના પ્રયાસરૂપ આ કાયદો બહુ જ બદનામ થયો. છેવટે ૧૮૮૧માં વાઈસરોય લોર્ડ રિપને એને રદ કર્યો અને ૧૮૬૭નો જૂનો કાયદો અમલમાં આણ્યો. કોઈ પણ સત્તાધીશ અખબારી આઝાદીને સહી શકતો નથી. શાસકોને સત્ય બહાર આવે એ અસહ્ય બની રહે છે. એટલે ૧૯૧૦માં પેલા વર્નાક્યુલર પ્રેસ એક્ટની જોગવાઈઓવાળો કાયદો અમલી બનાવાયો હતો.
———
૧૮૭૯ વાસુદેવ બળવંત ફડકે: સશસ્ત્ર બળવો
ક્યારેક ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં ક્લાર્કની નોકરી કરનારા વાસુદેવ બળવંત ફડકે ૧૮૬૩માં લશ્કરના હિસાબી ખાતામાં પ્રવેશતાંની સાથે જ આદ્ય ક્રાંતિકારક (ફાધર ઓફ ઇન્ડિયન આર્મ્ડ રેબેલિયન) બની સશસ્ત્ર બંડ પોકારવાનો સંકલ્પ કરવાના કૃતનિશ્ર્ચય બન્યા. ૨૧ ફેબ્રુઆરી, ૧૮૭૯ લગી એ નોકરીમાં રહ્યા પછી દેશપ્રેમની જ્યોત જગાવવાના સંકલ્પ સાથે હિંદુ અને મુસ્લિમ ક્રાંતિકારીઓના સંપર્કમાં આવીને નોખો માર્ગ અપનાવ્યો. એડનની જેલમાં એ ક્ષય રોગથી મૃત્યુ પામ્યાની જિંદગી ખૂબ જ રહસ્યમય રીતે ક્રાંતિકારી તરીકે જીવ્યાનું ગૌરવ આઝાદીના જંગમાં સર્વસ્વ હોમી દેનારાઓ અનુભવે છે. ઈસ્માઈલ ખાન જેવા રોહિલા ક્રાંતિકારી સહિત ૯૦૦ની સેના સાથે વાસુદેવ બળવંત ફડકેએ બ્રિટિશ સરકાર સામે જંગે ચડવાનો નિર્ધાર કર્યો હતો. કેટલાક શીખ સાથી પણ મળ્યા, પરંતુ આટલું સમર્થન પૂરતું નહોતું. મુંબઈ લશ્કરના નકશા, ગવર્નરની હત્યા અને અન્ય યુરોપિયનોની હત્યાના આરોપસર ૨૧ જુલાઈ, ૧૯૭૯ના રોજ પકડાતાં ન્યાયાધીશ ન્યુન્હેમે જન્મટીપ, કાલાપાનીની સજા ફરમાવી અને ૧૮૮૦ના જાન્યુઆરીમાં એડન જેલ મોકલવામાં આવ્યા પછી ત્યાં જ ૧૭ ફેબ્રુઆરી, ૧૮૮૩ના રોજ ૩૭ વર્ષની વયે મૃત્યુને ભેટીને અમર થયા. એ પહેલાં આત્મહત્યાના પણ પ્રયાસ કર્યા હતા, પણ ક્ષય રોગે જાન લીધો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.