Homeઆમચી મુંબઈમુંબઈગરાને જોર કા ઝટકા!

મુંબઈગરાને જોર કા ઝટકા!

વીજળીના બિલમાં ૧૮ ટકા વધારાનો પ્રસ્તાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શિંદે-ફડણવીસની સરકારના રાજમાં મુંબઈગરાને આગામી દિવસોમાં ખિસ્સાને વધુ કાપ પડવાનો છે. દક્ષિણ મુંબઈના વીજગ્રાહકોને વીજળીના બિલમાં ૧૮ ટકાનો વધારો પ્રસ્તાવિત છે.
મોંધવારીની ચક્કીમાં પીસાઈ ગયેલા મુંબઈગરા માટે વધુ ઝટકો લાગવાનો છે. બેસ્ટ ઉપક્રમ દ્વારા ૧૮ ટકા વીજળીના દરમાં વધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તેથી એપ્રિલથી દક્ષિણ મુંબઈના રહેવાસીઓના બિલમાં વધારો થવાની શક્યતા છે. દક્ષિણ મુંબઈમાં બેસ્ટના લગભગ સાડા દસ લાખ ગ્રાહકો છે.
બેસ્ટ દ્વારા મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને વીજદર વધારાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. તેના પર બહુ જલદી નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. આ અગાઉ અદાણી ઈલેક્ટ્રિસિટી અને ટાટા પાવરે વીજ વધારાનો પ્રસ્તાવ મોકલ્યો હતો, તેમાં હવે બેસ્ટ ઉપક્રમ પણ જોડાઈ ગયું છે.
બેસ્ટ દ્વારા મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ દુકાનો, ઓફિસ અને અન્ય કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ જોકે રાહત મળવાની છે. આ વીજગ્રાહકો માટે બેસ્ટ દ્વારા છ ટકા વધારો કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
રેગ્યુલેટરી કમિશને જો આ પ્રસ્તાવ સ્વીકારી લીધો તો મુંબઈગરાને ખિસ્સાને મોટો ફટકો પડી શકે છે. મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહેલા સામાન્ય નાગરિકોને વીજદર વધારાનો ફટકો પડી શકે છે. તેથી હવે કમિશન સમક્ષ થનારી સુનાવણી તરફ બધાનું ધ્યાન છે.
આર્થિક વર્ષ ૨૦૨૩થી ૨૪ માટે બેસ્ટે રેગ્યુલેટરી કમિશનને વીજદર વધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં ૧૮ ટકા સુધીનો વીજ વધારાનો પ્રસ્તાવિત છે, જેમાં રહેઠાણો માટે ૧૦૦ યુનિટ સુધી ૧૮ ટકાનો દર વધારો પ્રસ્તાવિત છે. ૧૦૧થી ૩૦૦ યુનિટ સુધી છ ટકા સુધીનો દર વધારો પ્રસ્તાવિત છે. તો ૩૦૧થી ૫૦૦ યુનિટ અને તેનાથી આગળ બે ટકા સુધીનો વીજદર વધારો પ્રસ્તાવિત છે.
હાલ ૦થી ૧૦૦ યુનિટના બે રૂપિયા ૯૩ પૈસા, ૧૦૧થી ૩૦૦ યુનિટના હાલના દર પાંચ રૂપિયા ૧૮ પૈસા, ૩૦૧થી ૫૦૦ યુનિટના હાલના દર સાત રૂપિયા ૭૯ પૈસા, ૫૦૧થી ૧૦૦૦ યુનિટના હાલના દર નવ રૂપિયા બે પૈૈસાનો ચાર્જ લાગે છે.
મુંબઈ શહેરમાં બેસ્ટ ઉપક્રમ અને ટાટા પાવરના માધ્યમથી વીજપુરવઠો કરવામાં આવે છે. તો મુંબઈ ઉપનગરમાં અદાણી પાવર અને ટાટા પાવર તો અમુક વિસ્તારમાં મહાવિતરણ તરફથી વીજપુરવઠો કરવામાં આવે છે. મહાવિતરણ ભાંડુપ, મુલુંડ જેવા વિસ્તારમાં વીજપુરવઠો કરે છે. વીજદર વધારાનો હવે પ્રસ્તાવ રજૂ થયા બાદ રેગ્યુલેટરી કમિશન સમક્ષ સુનાવણી પાર પડશે. આ સુનાવણી બાદ કમિશન તરફથી અંતિમ દર વધારો જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular