Homeલાડકી૧૭ વર્ષની રાણી ૧૭ વર્ષની વિધવા

૧૭ વર્ષની રાણી ૧૭ વર્ષની વિધવા

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૩)
નામ: મેરી સ્ટુઅર્ટ
સ્થળ: ટુટબેરી કેસલ(કિલ્લો)
સમય: ૧૫૬૯
ઉંમર: ૨૭ વર્ષ
ઇંગ્લેન્ડની રાજગાદી હંમેશાં વિવાદોમાં ઘેરાયેલી રહી. એલિઝાબેથ(પ્રથમ) રાણી બની ત્યાં સુધી હેનરી(એઈટ્થ) ઇંગ્લેન્ડની રાજગાદીને એક એવું પ્યાદું બનાવી દીધી હતી, જેના પર લગભગ દરેક દેશના રાજાની નજર હતી. સ્કોટલેન્ડ નાનું રાજ્ય હતું, તેમ છતાં સ્કોટલેન્ડ અને ફ્રાન્સના સંબંધોને કારણે યુરોપના ઇતિહાસમાં ક્યારેય તેનું મહત્ત્વ ઘટ્યું નહોતું. મારી મા ઇચ્છતી હતી કે મારા પિતાની ગાદીનો વારસો મને મળે અને એ માટે મારી છેલ્લા શ્ર્વાસ સુધી લડી લેવા તૈયાર હતી. આજે વિચારું છું ત્યારે સમજાય છે કે માણસ ગમે તેવું ઇચ્છે પણ અંતે તો ડેસ્ટિની અથવા નિયતિનો નિર્ણય જ સાચો પુરવાર થાય છે.
એ સમયે હેનરી(એઈટ્થ) અને કેથોલિક ચર્ચ સામસામે ઊભા હતા. હેનરી ધર્મસુધારના નામે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માગતો હતો. એ સમયે આખા યુરોપમાં ધર્મસુધાર ચાલી રહ્યો હતો, પરંતુ સમગ્ર યુરોપ અને ઇંગ્લેન્ડના ધર્મ સુધારમાં ફેર હતો. હેનરી સત્તાલોલુપ હતો, એને ધર્મ સુધારવા કરતાં વધુ પોપની સત્તાને નષ્ટ કરવામાં રસ હતો. સૌથી પહેલાં માત્ર લેટિનમાં જ વાંચી શકાય એવા નિયમનો વિરોધ કરીને હેનરી(એઈટ્થે) લેટિનમાં લખેલા બાઈબલને બદલે એણે બાઈબલને અંગ્રેજીમાં અનુવાદિત કરાવ્યું. અંગ્રેજી ભાષામાં બાઈબલના ૪૨ સિદ્ધાંતોને અનુવાદિત કરીને એક સામાજિક પ્રાર્થના પુસ્તક પ્રચલિત કર્યું. ઇંગ્લેન્ડમાં ચર્ચના કેટલાય સિદ્ધાંતોને બદલ્યા અને ઇંગ્લેન્ડના ચર્ચને એણે ‘એંગ્લીકન’ ચર્ચ નામ આપ્યું. અત્યાર સુધી વેટિકનના પોપ ચર્ચના અધ્યક્ષ માનવામાં આવતા હતા, પરંતુ હેનરીએ વાતને નકારી એટલું જ નહિ, હેનરી અને એના પછી રાણી બનેલી એલિઝાબેથ(પ્રથમ) ખટપટ કરીને અંતે પોપની જગ્યાએ ઇંગ્લેન્ડનો રાજા જ ચર્ચનો સંરક્ષક અને સર્વોચ્ચ અધિકારી કહેવાય એવા નિયમો લઇ આવ્યાં.
આ બધું ચાલતું હતું એ દરમિયાન સ્કોટલેન્ડમાં મારી મા, સ્ટુઅર્ટની સત્તા કાયમ રાખવાનો પ્રયાસ કરી રહી હતી. મારા પિતાનું હું એક માત્ર સંતાન – વારસ હતી, અને મારી સલાહ અનિવાર્ય હતી. હેનરી(એઈટ્થ) સ્કોટલેન્ડની સત્તા પર નજર રાખીને બેઠો હતો. એક તરફ એન બોલેઈનના પ્રેમમાં પડેલા હેનરી(એઈટ્થ)એ બહુ પ્રયાસ કર્યો, કે મારા લગ્ન એના પુત્ર એડવર્ડ છઠ્ઠા સાથે થઈ જાય. ૧૫૪૩માં જ્યારે હું છ મહિનાની હતી ત્યારે ગ્રીનવિચની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેમાં મારી માએ વચન આપ્યું કે ૧૦ વર્ષની થયા પછી હું એડવર્ડ સાથે લગ્ન કરીને ઇંગ્લેન્ડ પહોંચીશ, જ્યાં હેનરી(એઈટ્થ) મારું પાલન, પોષણ અને શિક્ષણ રાજપરિવાર અનુસાર કરશે. સંધિ પ્રમાણે બંને દેશ કાયદાકીય રીતે અલગ રહેશે અને હું સ્કોટલેન્ડની રાણી રહીશ. જો કે ડેવિડ બીટને સત્તા સંભાળ્યા પછી સ્કોટલેન્ડમાં ફ્રેન્ચ અને કેથોલિકનું સમર્થન વધ્યું હતું. પોતાના પ્રથમ લગ્નમાંથી(કેથરિન ઓફ એરેગોન) હેનરીએ કેથોલિક ચર્ચને નારાજ કર્યું હતું. એન બોલેઈન પાસે એક વિચિત્ર પ્રકારનું આકર્ષણ અને એના પિતા વિલ્ટશાયરના પ્રથમ અર્લ થોમસ બોલેઈન પોતાની રાજનૈતિક કારકિર્દીનું મહોરું બનાવીને આગળ વધવા માંગતા હતા. એમને ઇંગ્લેન્ડના રાજદરબારમાં જગ્યા મળી એમની પુત્રી એન બોલેઈનને કારણે, પછી એમણે ફ્રાન્સ, નેધરલેન્ડ અને ઇંગ્લેન્ડના અનેક રાજકીય રીતે મહત્ત્વનાં નામોને આકર્ષિત કર્યા.
બદનસીબે કે સદનસીબે પણ હેનરીનો દીકરો બહુ જીવ્યો નહિ. એની પુત્રઝંખનામાં એણે છ લગ્ન કર્યા અને મારી માએ સ્કોટલેન્ડની ગાદી પર મને નવ મહિનાની મેરી સ્ટુઅર્ટને રાણી બનાવીને હેનરીની સત્તા હડપવાની મુરાદ પર પાણી ફેરવી દીધું. ૩૫૦૦ સશસ્ત્ર સૈનિકોના સંરક્ષણમાં સ્ટર્લિંગના કિલ્લામાં આ રાજ્યાભિષેક થયો.
આ રાજ્યાભિષેકના સમાચાર મળતા જ હેનરીએ સ્કોટલેન્ડથી ફ્રાન્સ જઈ રહેલા વેપારીઓને ગિરફતાર કર્યા એટલું જ નહિ, એમનો સામાન જપ્ત કરી લીધો. એણે સ્કોટલેન્ડથી ઇંગ્લેન્ડ થઈને ફ્રાન્સ જતો રસ્તો બંધ કરી દીધો. અત્યાર સુધી સ્કોટલેન્ડ યુરોપના ધાર્મિક ઝઘડાથી દૂર હતું, પરંતુ હેનરી(એઈટ્થ)ના આ વર્તાવથી મારી મા(મેરી) અને મારા કેરટેકર અથવા ગાર્ડિયન એરન બ્રિટન સાથે મળીને સ્કોટલેન્ડે પોતાનો સપોર્ટ કેથલિકને જાહેર કર્યો. ગ્રીનવિચની સંધિને રદ્ જાહેર કરી અને ફ્રાન્સની સાથે જૂના ગઠબંધનને ફરીથી જીવંત કર્યું. હવે હેનરીને સમજાયું કે જો એના દીકરા સાથે(એડવર્ડ સિક્સ્થ-જે માત્ર પાંચ વર્ષનો જ હતો.) મારા લગ્ન નહિ થાય તો સ્કોટલેન્ડ એના હાથમાંથી નીકળી જશે, એટલું જ નહિ, પરંતુ હું ફ્રાન્સની રાણી બની જઈશ, તો સ્કોટલેન્ડ અને ફ્રાન્સ સાથે મળીને ઇંગ્લેન્ડની બંને તરફ દબાણ વધારી શકશે. હેનરીએ મારી શોધ ચલાવવા માટે એક સશસ્ત્ર સૈનિક અભિયાન ચલાવ્યું, જેમાં સ્કોટલેન્ડના દરેક કિલ્લામાં મારી શોધ કરવા માટે સૈનિકો મોકલવામાં આવ્યા, એના આ સશસ્ત્ર અભિયાનને યુરોપમાં ‘રફ વુઇંગ’ નામથી વગોવવામાં આવ્યું. આખા યુરોપમાં હેનરીના આ સશસ્ત્ર અભિયાનનો વિરોધ કરવામાં આવ્યો અને અંતે એણે એ અભિયાન પડતું મૂક્યું.
એ જ ગાળામાં હું પાંચ વર્ષની થઈ ત્યારે ફ્રાન્સમાં એ વખતે રાજ કરતા રાજા હેનરી(સેક્ધડ)ના દીકરા ફ્રાન્સિસ(સેક્ધડ) સાથે મારા લગ્ન નક્કી કરવામાં આવ્યાં. લગ્નની સંધિ થયા પછી મને પાંચ વર્ષની ઉંમરે આવનારા તેર વર્ષ વિતાવવા માટે ફ્રાન્સ મોકલવામાં આવી. હવે મારી ઉછેર ફ્રાન્સમાં થવાનો હતો… આજે પણ ફ્રાન્સના લુવ્ર મ્યુઝિયમમાં મારા પોટ્રેટ્સ છે. મારું માથું નાનકડું ઇંડા જેવું ઓબ્લોન્ગ હતું. લાંબા આકર્ષક ગરદન, સોનેરી વાળ, આછી કથ્થઈ આંખો, હું મારી ભ્રમર ચિતરીને બનાવતી. મારી ત્વચા સહેજ પીળી હતી અને મારા સ્મિતને કારણે આખું ફ્રાન્સ મને એમની ભાવિ રાણી તરીકે ચાહતું
થઇ ગયું.
મને ફ્રાન્સમાં સંગીત ગદ્યલેખન, કવિતા લેખન, ઘોડેસવારી, સિલાઈ અને ભરતકામ શિખવવામાં આવ્યું. રાજ દરબારમાં કઇ રીતે વર્તવું અને મહેમાનોને તેમના હોદ્દા અનુસાર કઇ રીતે મળવું, તેમનો આદર કે સત્કાર કઇ રીતે કરવું એ બધું જ મને ફ્રાન્સમાં શિખવવામાં આવ્યું. ફ્રાન્સની પ્રજા આમ પણ એમના કલા અને સાહિત્ય માટે વિશ્ર્વ વિખ્યાત છે. એ સમયે ફ્રાન્સમાં જર્મેઇન પિલોન, બાર્થેલેમી પ્રેયૂર જેવા શિલ્પકાર અને એટાઈને ડ્યુમોનસ્ટેઈર, એમ્બ્રોઈઝ ડ્યુબોઈસ, તુસાત ડ્યુબ્રેઈલ અને ફ્રેન્કોઈસ ક્વેન્સનેઇલ જેવા ચિત્રકારો હતા. ફ્રાન્સના દરબારમાં આખા યુરોપના કલાકારો, સંગીતકારોને સન્માન મળતું. મને ઇટાલિયન, લેટિન, સ્પેનિશ, યુનાની, અંગ્રેજી ભાષા શિખવવામાં આવી. સ્કોટિશ મારી પોતાની ભાષા હતી. એની સાથે સાથે મને રાજનીતિ અને રાણીનાં કેટલાંક એવાં કાર્યોની પણ સમજ આપવામાં આવી, જે મારે આવનાર ભવિષ્યમાં કરવાના હતા.
મારા પતિ, ફ્રાન્સીસ(સેક્ધડ) મારાથી ઊંચાઈમાં થોડા નીચા હતા, પરંતુ અમે એકબીજાના ખૂબ સારા મિત્રો હતા, કારણ કે અમે એક સાથે ભણતાં, રમતાં અને એકમેકને બાળપણથી જ સમજતા અને ઓળખતા એવા પતિ-પત્ની હતાં. ચોથી એપ્રિલ ૧૫૫૮ના દિવસે એક ગુપ્ત સંધિ કરવામાં આવી, જેમાં સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડ પર મારા ઉત્તરાધિકારનો દાવો ફ્રાન્સને સમર્પિત કરવાના મારા વીલ પર મેં સહી કરી. આ સંધિ એટલા માટે કરવામાં આવી, જેથી આવનારાં વર્ષોમાં જો મને અને ફ્રાન્સિસ(સેક્ધડ)ને બાળક ન થાય
તો ઇંગ્લેન્ડ એનો અધિકાર અમારાં રાજ્યો પર દાખલ ન કરી શકે. ૧૫૫૮માં ફ્રાન્સિસ(સેક્ધડ) ફ્રાન્સનો રાજા થયો અને હું એની રાણી… અમારી ઉંમર રાજા કે રાણી થવાની નહોતી, કારણ કે એ વખતે હું ૧૭ વર્ષની હતી અને ફ્રાન્સિસ(સેક્ધડ) ૧૫ વર્ષનો.
એ જ ગાળામાં નવેમ્બર ૧૫૫૮ ઇંગ્લેન્ડમાં હેનરી(એઈટ્થ)ની દીકરી એલિઝાબેથ ઇંગ્લેન્ડની ગાદી પર રાણી બની. ત્રીજો ઉત્તરાધિકારી કાયદો, જે ૧૫૪૩માં ઇંગ્લેન્ડની સંસદે બનાવ્યો હતો, એના અનુસાર એલિઝાબેથને રાણી બનાવવામાં આવી. સ્કોટલેન્ડને ધિક્કારતા હેનરી(એઈટ્થ)ની વસિયતમાં સ્પષ્ટ નિર્દેશ હતો કે,‘કોઈ પણ ‘સ્ટુઅર્ટ’ ઇંગ્લેન્ડની સત્તા પર ગોઠવાશે નહિ.’ જો કે, સમગ્ર કેથલિક સમાજ અને ચર્ચ એલિઝાબેથને હેનરી(એઈટ્થ)નું અનૌરસ સંતાન માનતા હતા. હેનરીની મોટી બહેનની વંશજ સ્કોટલેન્ડની મેરી (હું) ઇંગ્લેન્ડની રાણી બનવા માટે યોગ્ય ઉમેદવાર હતી, એવો ચુકાદો પોપ તરફથી આવ્યો, પરંતુ એ પહેલાં, પોપને ખસેડીને હેનરી(એઈટ્થ)એ પોતાની જાતને હેડ ઓફ ધ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ, તરીકે પ્રસ્થાપિત કરી દીધી હતી એટલે પોપના ચુકાદાને અમાન્ય રાખીને એલિઝાબેથ(પ્રથમ) ઇંગ્લેન્ડની રાણી બની. અત્યાર સુધી યુરોપમાં ફ્રાન્સ, સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને સ્પેઈનનાં રાજચિહ્નો એકમેકની સાથે શાહી બિલ્લામાં ગોઠવવામાં આવતા. પરંતુ એલિઝાબેથ ગાદીએ બેઠી ત્યારપછી ફ્રાન્સિસ (મારા પતિ) ઇંગ્લેન્ડને શાહી બિલ્લામાંથી ખસેડીને સાવ નાની નિશાની તરીકે મૂકી દીધું, જેનાથી એલિઝાબેથનો અહમ્ ઘવાયો હતો.
આ એવો સમય હતો જ્યારે સ્કોટલેન્ડમાં પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓનું મહત્ત્વ વધવા લાગ્યું હતું – જે મૂળ ઇંગ્લેન્ડના રાજા હેનરી(એઈટ્થ)ના સમર્થકો હતા. હવે હેનરી જીવિત નહોતો, પરંતુ સ્કોટલેન્ડ ઉપર પ્રોટેસ્ટન્ટ નેતાઓના વધતા પ્રભુત્વને કારણે ગૂઈઝની મેરી(મારી મા)એ ફ્રાન્સ પાસે સહાયતા માગી. એલિઝાબેથની નજર એના પિતાની જેમ જ સ્કોટલેન્ડ પર હતી, પરંતુ એડિનબર્ગની ગુપ્ત સંધિને કારણે ઇંગ્લેન્ડની સેના સ્કોટલેન્ડથી હટાવી લેવામાં આવી અને ફ્રાન્સે એલિઝાબેથ(પ્રથમ)ને ઇંગ્લેન્ડની રાણી માની લીધી, બસ ! એક હું હતી, જે આ વાત સ્વીકારવા તૈયાર નહોતી. મેં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ અને એ સમયના રાજનેતાઓને એકત્ર કરીને એવું સમજાવવાનો પ્રયાસ કર્યો કે હેનરી(એઈટ્થ)ની મોટી બહેનના સંતાન તરીકે મારી મા અને એક માત્ર સંતાન તરીકે ઇંગ્લેન્ડની ગાદી પર એલિઝાબેથ કરતાં મારો અધિકાર વધારે હતો. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડે આ વાત સ્વીકારી, પરંતુ કોઈ ખુલ્લી રીતે મારી સહાય કરવા તૈયાર નહોતું…
અહીંથી મારી અને એલિઝાબેથ(પ્રથમ) વચ્ચે એક એવી વૈમનસ્યની દીવાલ ઊભી થઈ, જે મારા મૃત્યુ પછી પણ તૂટી નહિ.
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular