કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદસભ્ય રદ થતાં કોંગ્રેસીઓ ઠેર ટેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના વિધાનસભ્યોએ હોબાળો મચાવતા તમામને 29 માર્ચ સુધી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરીકાળની શરૂઆતમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ કરવા બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની શરૂઆતમાં જ વિરોધ કર્યો હતો.ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઇને વેલમાં ઘૂસી ગયા હતા. જેથી વિધાનસભાની કલમ 51 હેઠળ અધ્યક્ષે નેમ કરીને હાજર તમામ ધારાસભ્યને વિધાનસભાની એક દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.જોકે, સંસદીય બાબતોના પ્રધાને પ્રસ્તાવ મૂકતા તમામને સત્ર પૂરું થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયા હતા.
વિધાનસભા અધ્યક્ષે કોંગી ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ કલમ 52 હેઠળ સંસદીય બાબતોનાપ્રધાન ઋષિકેશ પટેલે તમામને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી. જેને રાધવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો હતો. જેને અધ્યક્ષ માન્ય રાખીને તમામને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરાયા છે.
કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સર્કિંટ હાઉસ ખાતે પણ રાહુલ ગાંધી બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ભાજપના શાસનમાં લોકશાહી ખતમ અને તાનાશાહી થઇ રહી છે. રાહુલ ગાંધી બાબતે સુરત કોર્ટમાં 23 માર્ચે જજમેન્ટ આપવામાં આવે છે અને 24 માર્ચે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થઇ જાય છે, જે લોકશાહી વ્યવસ્થાને છાજે તેમ નથી.
સોમવારે ગૃહની કામગીરી શરૂ થાય તે પહેલા કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભાના મુખ્ય પ્રવેશ દ્વાર પર કાળા કપડાં પહેરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. હમ લડેં ગે ચોરો સે, મોદી અદાણી ભાઇ-ભાઇના નારા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લગાવામાં આવ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્યોનું કહેવું છે કે, રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા પાછળનું કારણ રાહુલ ગાંધીના તીખાં સવાલો છે જે તેમણે અદાણી સંદર્ભે પૂછ્યા છે. એ દેશની જનતા જાણવા માગે છે. અદાણી ફાઇનાન્સ સ્કેમમાં લાખો એલઆઇસી પોલિસીધારકો અને બેંક ખાતા ધારકોના પૈસા ડૂબવા જઇ રહ્યા છે તેની તપાસ માટે જેપીસીની માંગ કરવામાં આવી હતી. દેશની સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા, જેપીસીની માગ કરવામાં આવી ત્યારે તેમને બોલતા રોકવામાં આવ્યા. કાર્યવાહીમાંથી તેમના પ્રવચનો રદ કરવામાં આવ્યા.
કોંગ્રેસના માત્ર 17 ધારાસભ્ય છે. જોકે તેમણે કાળા કપડા પહેલી વિધાનસભામાં હોબાળો મચાવી દીધો હતો.