બિહારના રોહતાસ જિલ્લાના સાસારામ શહેરમાં તાજી હિંસા ફાટી નીકળ્યા બાદ થયેલા વિસ્ફોટમાં ટીનએજરનું મૃત્યુ થયું હતું અને છ લોકો ઘાયલ થયા હતા. શેરગંજ વિસ્તારમાં શનિવારે સાંજે વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. “સાસારામમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. ઘાયલ લોકોને BHU હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એવી પોલીસે માહિતી આપી હતી.
શુક્રવારે સાસારામમાં રામ નવમીની શોભાયાત્રા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ત્યાર બાદ આ વિસ્તારમાં પથ્થરમારો પણ થયો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે, સત્તાવાળાઓએ સાસારામ શહેરમાં CrPC ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદ્યા હતા. પોલીસ ટીમ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પેરા મિલિટ્રી ફોર્સે શનિવારે સાસારામમાં ફ્લેગ માર્ચ પણ કરી હતી.
અગાઉ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેઓ સાસારામ શહેરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા, તેમણે શુક્રવાર અને શનિવારે સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને શહેરની તેમની મુલાકાત રદ કરી હતી. બિહાર પોલીસના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં રામ નવમીની ઉજવણી બાદ જૂથો વચ્ચે થયેલી અથડામણના સંબંધમાં અત્યાર સુધીમાં કુલ 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સાસારામમાં થયેલી અથડામણના સંબંધમાં 18નો સમાવેશ થાય છે. અધિકારીઓએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે હાલમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે.