સામાન્ય રીતે ગુજરાતના યુવાનો સિવિલ સર્વિસિસમાં વધારે રસ નથી લેતા અને સારો દેખાવ નથી કરતા તેમ માનવામાં આવે છે, પરંતુ આ વાત હવે ધીમે ધીમે ખોટી સાબિત થતી જાય છે. યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને મંગળવારે યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુ હતું. યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં ગુજરાતમાંથી 16 ઉમેદવારોએ ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે. જેમાં ટોપ 500માં ગુજરાતમાંથી ચાર ઉમેદવારે સ્થાન મેળવ્યું છે. આ યુવાનોમાં એન્જિનિયર, ડોક્ટર છે આ સાથે ગુજરાતી સાહિત્ય ભણેલા યુવાનો પણ બાજી મારી છે.
મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર 2022માં યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસીઝની પરીક્ષા લેવાઈ હતી, જાન્યુઆરીથી મે મહિના દરમિયાન પર્સનાલિટી ટેસ્ટ યોજાયા હતા. જેમાં અમદાવાદ સ્પીપાના ચિંતન દુધેલા, નયન સોલંકી, ઉત્સવ જોગાણી, અતુલ ત્યાગી, કાર્તિકેય કુમાર, ચંદ્રેશ શંખલા આદિત્ય અમરાની, કેયુર પારઘી, મૌસમ મહેતા, ભાવનાબેન વઢેર, માનસી મીણા, મયુર પરમાર, દુષ્યંત ભેડા, પ્રણવ ગૈરોલા, વિષ્ણુ, કૌશીક માંગેરા સહિત 16 વિદ્યાર્થીઓ સફળ થયા છે. રાજ્યમાં પ્રથમ સ્થાને અતુલ ત્યાગીએ ઈંગ્લિશ લિટરેચર સાથે દેશમાં 145મો રેન્ક મેળવ્યો છે. ટોપ 500માં ગુજરાતમાંથી 4 ઉમેદવારે સ્થાન મેળવ્યું છે જેમાં દુષ્યંત ભેડા 262, વિષ્ણુ શશીકુમાર 394 અને ચંદ્રેશ સાખલાએ 414મો રેન્ક મેળવ્યો છે. જ્યારે સુરતના યુવક મયુર પરમારે દેશમાં 823 અને ગુજરાતમાં 9મો રેન્ક આવ્યો હતો.
મયૂરના પિતા રમેશભાઈ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ છે અને પીસીઆર વાનના ડ્રાઈવર છે. મયુર ગુજરાતી લિટરેચરમાં પાસ થયો છે. મયુર છેલ્લા ચાર વર્ષથી તૈયારી કરતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અતુલ ત્યાગી, વિષ્ણુ શશીકુમાર, ચંદ્રેશ સખાલા, ઉત્સવ જોગણી, કાર્તિકેય કુમાર, આદિત્ય અમરાણી, કેયુરકુમાર પાર્ગી અને ચિંતન દુધેલા એન્જિનિયરિંગ ક્ષેત્રના છે. માનસી મીણા જે આઈએએસ અધિકારી રમેશ મીણાના દીકરી છે તેણે કાયદાનો આભ્યાસ કર્યો છે. નયન સોલંકીએ એમબીબીએસ કર્યું છે.