મુંબઈ મનપાનું ૧૫૦૦ કરોડનું ઍક્વેરિયમ! ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં ઍક્વેરિયમનો પ્રસ્તાવ પડતો મુકાયો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

સપના દેસાઈ

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ભાયખલાના પ્રાણીસંગ્રહાલયમાં ઍક્વેરિયમ બનાવવાની યોજના જાહેર કરી હતી, પરંતુ હવે આ ઍક્વેરિયમ ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં નહીં, પણ વરલીમાં બનશે એવું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે અને એની માટે મુંબઈ મનપા જંગી ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. મુંબઈ મનપાના કોસ્ટર રોડ પ્રોજેક્ટ બાદનો આ સૌથી મોટો પ્રોેજેક્ટ બની રહેશે એવું માનવામાં આવે છે.

ભાયખલામાં વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયમાં ઍક્વેરિયમ બનાવવાનું પાલિકાએ માંડી વાળ્યું છે. તેને બદલે હવે વરલી ડેરીમાં તેનાથી પણ મોટો ભવ્ય અને ૧૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે મરીન રિસર્ચ સેન્ટર અને ઍક્વેરિયમ બાંધવામાં આવવાનું છે, એવું મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.

રાણીબાગમાં પૅંગ્વિનકક્ષમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાનું ડોમ પદ્ધતિએ ઍક્વેરિયમ ઊભું કરવા માટે પાલિકાએ ટેન્ડર મગાવ્યાં હતાં. આ કામ માટે પાલિકાએ ૪૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની હતી. આગામી વર્ષમાં આ ઍક્વેરિયમનું કામ ચાલુ કરવામાં આવવાનું હતું. જોકે હવે આ ટેન્ડર રદ કરવામાં આવ્યા છે.

મુંબઈમાં પહેલાંથી જ ચર્ની રોડમાં તારાપોરવાલા ઍક્વેરિયમ છે. તેમ જ સરકારે વધુ એક આંતરરાષ્ટ્રીય દરજ્જાનું ઍક્વેરિયમ વરલી દૂધ ડેરીની જગ્યામાં ઊભું કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે આ બે ઍક્વેરિયમની પાર્શ્ર્વભૂમિ પર મુંબઈમાં વધુ એક ઍક્વેરિયમ બાંધવા સામે પહેલાંથી વિરોધ થઈ રહ્યો હતો. તેથી વધુ વિવાદ થાય તે પહેલાં જ પ્રશાસને નિર્ણય બદલી નાખ્યો હોવાનું કહેવાય છે.

જોકે રાજ્કીય સ્તરે એવું ચર્ચાઈ રહ્યું છે કે વરલીમાં પહેલાંથી રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ખર્ચે મરીન રિસર્ચ અને ઍક્વેરિયમ બાંધવાની જાહેરાત કરી છે, ત્યારે પાલિકા કમિશનરે ઉતાવળે રાણીબાગમાં ઍક્વેરિયમ બાંધવાની જાહેરાત કરતા ઠાકરે સરકાર તેમના પર ભારે નારાજ થઈ હતી. એટલું જ નહીં, પણ નવું મત્સ્યાલય બાંધવાને બદલે વરલી ડેરીનું કામ જ પાલિકાએ હાથમાં લઈ લેવાનું તેમના પર ઉપરથી દબાણ કરવામાં આવ્યું હોવાને કારણે કમિશનરે રાણીબાગમાં ઍક્વેરિયમ બાંધવાનો પ્રસ્તાવ રદ કરવો પડ્યો છે અને હવે રાજ્ય સરકારનો વરલી ડેરીમાં રિસર્ચ સેન્ટર અને ઍક્વેરિયમનો પ્રોજેક્ટ પાલિકા પૂરો કરશે.

અગાઉ રાણીબાગમાં દક્ષિણ આફ્રિકાથી પૅંગ્વિન લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચયા હતા, ત્યારે પાલિકાની ભારે ટીકા થઈ હતી. તેથી હવે પાલિકા વરલી ડેરીમાં મરીન રિસર્ચ અને ઍક્વેરિયમ ઊભું કરવાની છે અને તેની પાછળ લગભગ ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે ત્યારે ફરી વિરોધ થવાની શક્યતા છે. પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે આ બાબતે કહ્યું હતું કે આ પ્રોજેક્ટનો જે ખર્ચ થવાનો છે, તેમાં રાજ્ય સરકાર તરફથી પણ પાલિકાને ભંડોળ મળવાની શક્યતા છે. તેથી પાલિકા પર વધુ આર્થિક ભાર આવશે નહીં.

૧૫ એકર જગ્યા પર ઊભું થશે ઍક્વેરિયમ

દક્ષિણ મુંબઈમાં મોકાની કહેવાતી ૧૪.૫ એકરની વરલી ડેરીની જગ્યામાં રાજ્ય સરકારે બે વર્ષ અગાઉ મરીન રિસર્ચ સેન્ટર અને વૈશ્ર્વિક સ્તરનું ઍક્વેરિયમ અને ઍક્ઝિબિશન સેન્ટર બનાવવાની જાહેરાત કરી હતી. તે માટે વરલી ડેરીની જગ્યાના રિઝર્વેશનને બદલવાનો રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ખાતાને આદેશ પણ આપવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે વરલી ઍરિયા પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેની અસેમ્બરી વિસ્તાર છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.