મુંબઈઃ મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, મુંબઈ પોલીસે આ ઘટનામાં છ આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના બાદ મુંબઈમાં છોકરીઓની સુરક્ષાનો મુદ્દો ફરી એક વખત એરણ પર આવ્યો છે.
23મી ડિસેમ્બરની આ ઘટના હોઈ પોલીસે ધરપકડ કરેલાં છ આરોપીમાંથી ત્રણ આરોપી સગીર છે. જેમને ખાનગી બાળ સુધારગૃહમાં રવાના કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ આરોપીને કોર્ટમાં હાજર કરતાં તેમને 30મી ડિસેમ્બર સુધીની કસ્ટડી ફટકારવામાં આવી છે.
ત્રણ અલ્પવયીન આરોપીમાંથી એક આરોપી પીડિતાનો મિત્ર છે અને તેણે જ પીડિતાને તેના એક મિત્રના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેના પર સામુહિક રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાએ ઘરે આવીને પોતાની સાથે બનેલી ઘટનાની માહિતી આપતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધીને છ આરોપીની ધરપકડ કરી હતી. ઘટના સાથે સંકળાયેલા અન્ય પુરાવાઓ એકઠા કરવાનું કામ ચાલી રહ્યું છે, એવું પોલીસે વધુમાં જણાવ્યું હતું.