(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડ જકાત નાકા પાસે પાણીની પાઈપલાઈનમાં આજે ભંગાણ પડતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. મુંબઈ મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે પાઈપલાઈનનું સમારકામ હાથ ધર્યું હતું, જે દિવસ ચાલવાનું છે. તેથી ૪૮ કલાક માટે પૂર્વ ઉપનગર અને દક્ષિણ મુંબઈમાં ૧૫ ટકા પાણીકાપ રહેશે.
પાલિકાના જણાવ્યા મુજબ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉપોરેશન દ્વારા બોક્સ કલ્વટરનું કામ કામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન મુલુંડ જકાત નાકા પાસે હરિઓમ નગર પાસે પાલિકાની ૨,૩૪૫ મિલીમીટર વ્યાસની ‘મુંબઈ-૨’ પાણીની પાઈપલાઈનને નુકસાન થયું હતું.
પિસે-પાંજરાપૂર કૉમ્પલેક્સમાંથી પાણી લઈ આવનારી આ પાઈપલાઈનમાં ગળતરનું સમારકામ તાત્કાલિક હાથ ધરવામાં આવ્યું હતું. આ સમારકામ સોમવાર , ૨૭ માર્ચના રાત ૧૦ વાગ્યાથી હાથ ધરવામાં આવ્યું હતું. જે બુધવાર રાતના ૨૯ માર્ચના રાતના ૧૦ વાગ્યા સુધી ચાલવાનું છે. તેથી આ સમય દરમિયાન મુંબઈમાં ૧૫ ટકા પાણીકાપ રહેશે.