મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધારો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ તરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં નિકાસકારોની ડૉલરમાં વેચવાલી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૮૨.૫૧ કરોડની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસાના સુધારા સાથે ૮૨.૭૦ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૨.૮૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૮૪ અને ઉપરમાં ૮૨.૬૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૧૫ પૈસા વધીને ૮૨.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૮ ટકા વધીને ૧૦૩.૬૭ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૮૧ ટકા વધીને બેરલદીઠ ૭૮.૨૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૨૦૮.૦૧ પૉઈન્ટ અને ૬૨.૬૦ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.