મુંબઈઃ બેકારી અને નવી રોજગારી પ્રાપ્ત કરવાનું યુવાનો માટે કપરા ચઢાણ પુરવાર થઈ રહ્યું છે, જે અંતર્ગત મુંબઈમાં ફાયર બ્રિગેડ વિભાગ(ફાયરમેનની પોસ્ટ)માં ટેસ્ટ આપવા આવેલા ઉમેદવારોને જમખી થવાના ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. બુધવારે મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ફાયરમેનની પોસ્ટ પર પરીક્ષા આપવા આવેલા 147 જેટલા ઉમેદવારોને જખમી થવાની નોબત આવી હતી, તેમાંય વળી પાંચ જેટલા ઉમેદવારને ફ્રેકચર થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે બુધવારે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ટેસ્ટમાં મોટાભાગના ઉમેદવારના શારીરિક પરીક્ષણ વખતે 19 ફૂટ ઊંચા માંચડા પરથી કૂદકો મારતી વખતે ઉમેદવારો જખમી થયા હતા. ઉમેદવાર જખમી થયા પછી તેમને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી, જ્યારે ગંભીર રીતે જખમી થયેલા પાંચ ઉમેદવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાંચ ઉમેદવારના હાડકામાં ફ્રેકચર થયું હોવાનું જાણવા મળ્યું હતું તથા તેમની સારવાર ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ ટેસ્ટ દરમિયાન મંચ પરથી જમીન પર નહીં, પરંતુ ઉમદેવારને જમ્પિંગ શીટ (તાલીમબદ્ધ ફાયરબ્રિગેડના જવાન દ્વારા) કૂદવાનું હોય છે. જમ્પિંગ શીટ પર કૂદવાનું બહુ મુશ્કેલ હોય છે, તેથી સંતુલન ગુમાવતા લોકોને ઈજા પહોંચી હતી.
મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ફાયરમેનની 910 જગ્યા પર ભરતીનું અભિયાન હાથ ધર્યું છે, જેમાં મુંબઈમાંથી 7,532 ઉમેદવાર ટેસ્ટ આપવામાં આવ્યા હતા, જેમાં 147 જેટલા ઉમેદવાર ટેસ્ટ વખતે ઘવાયા હતા. જોકે, પાલિકા પ્રશાસન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ભરતી પ્રક્રિયા દરમિયાન સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.