કેન્દ્ર સરકાર ED-CBI જેવી તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાનો આરોપ લગાવતા 14 વિપક્ષી પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટ 5 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાશે. વિરોધ પક્ષો વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, “અમે કોઈપણ પેન્ડિંગ કેસમાં દખલની માંગ નથી કરી રહ્યા, પરંતુ ધરપકડ અને જામીન અંગે માર્ગદર્શિકા કોર્ટ નક્કી કરે.” એડવોકેટ સિંઘવીએ એમ પણ કહ્યું કે વિપક્ષી નેતાઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
અરજી દાખલ કરનાર પક્ષોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP), ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT), ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, નેશનલ કોન્ફરન્સ, જનતા દળ (યુનાઈટેડ), ઝારખંડ મુક્તિ મોરચા, દ્રવિડ મુનેત્ર કઝગમ, રાષ્ટ્રીય જનતા દળ, ભારત રાષ્ટ્રીય સમિતિ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને સમાજવાદી પાર્ટી નો સમાવેશ થાય છે.
વિપક્ષી દળોએ સુપ્રીમને કહ્યું છે કે ભાજપમાં જોડાયા બાદ મોટાભાગના નેતાઓ સામેના કેસ બંધ થઈ જાય છે અથવા તો તપાસ આગળ વધતી નથી. બીજી તરફ ભાજપે આ આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે એજન્સીઓ સ્વતંત્ર રીતે કામ કરે છે. સિંઘવીએ સુપ્રીમ કોર્ટને કહ્યું, “95 ટકા કેસ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ છે. અમે ધરપકડ પૂર્વે અને ધરપકડ પછીની માર્ગદર્શિકાની માંગ કરી રહ્યા છીએ.”