નવી દિલ્હી: દેશનાં ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ખનન ક્ષેત્રનો હિસ્સો વધારવા માટે સરકાર આ મહિને આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યની સોનાની ૧૩ ખાણ (બ્લોક)નું વેચાણ કરવાની યોજના ધરાવે છે.
આંધ્ર પ્રદેશનાં ૧૦ બ્લોક પૈકી પાંચ બ્લોકનું લિલામ ૨૬ ઑગસ્ટના રોજ કરવામાં આવશે, જ્યારે શેષ પાંચ બ્લોકનું લિલામ ૨૯ ઑગસ્ટના રોજ કરવામાં આવશે, એમ સરકારી આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. આંધ્ર પ્રદેશની સોનાની ખાણમાં રામગીરિ નોર્થ બ્લોક, બોક્સામપલ્લી નોર્થ બ્લોક, બોક્સામપલ્લી સાઉથ બ્લોક, જાવાકુલા-એ બ્લોક, જાવાકુલા-બી બ્લોક, જાવાકુલા-સી બ્લોક, જાવાકુલા-ડી બ્લોક, જાવાકુલા-ઈ બ્લોક અને જાવાકુલા-એફ બ્લોકનો સમાવેશ થાય છે. સોનાની આ ખાણનાં બિડ માર્ચમાં આમંત્રવામાં આવ્યા હતા.
વધુમાં ઉત્તર પ્રદેશની ત્રણ ખાણનું લિલામ પણ આ મહિનામાં જ થશે, પરંતુ હજુ તેની તારીખ જાહેર કરવામાં નથી આવી. આ ત્રણ ખાણ પૈકી બે ખાણ સોનભદ્રામાં આવેલ સોનાપહરી બલોક અને ધૂર્વ-બાઈદંડનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશની ખાણની ટેન્ડર નોટિસ ૨૧મી મેના રોજ બહાર પાડવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે વર્ષ ૨૦૧૫માં માઈનિંગ ઍક્ટમાં ફેરફાર કર્યા બાદ રાજ્યએ ૪ ઑગસ્ટના રોજ ખનીજના ૧૯૯ બ્લોકનું ઑક્શન કર્યું હતું. ગત નાણાકીય વર્ષમાં ૪૫ બ્લોક વેચાણમાં મૂકવામાં આવ્યા હતા.

Google search engine