120-Student-Got-Chance-To-Travel-For-Free-In-Vande-Bharat
મુંબઈઃ આજે આખું મુંબઈ મોદીમય બની ચૂક્યું છે અને આ બધા વચ્ચે ચર્ચા થઈ રહી છે 120 એ વિદ્યાર્થીઓની કે જેમને પહેલાં જ દિવસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ફ્રીમાં પ્રવાસ કરવાનો ચાન્સ મળ્યો છે. આ ટ્રેનમાં પહેલાં જ દિવસે 120 વિદ્યાર્થીઓને પ્રવાસ કરવાની તક મળી હતી અને આ બધા જ વિદ્યાર્થીઓ કેન્દ્ર, રાજ્ય સરકાર તેમ જ રેલવે દ્વારા ચલાવવામાં આવતી શાળામાં શિક્ષણ લઈ રહ્યા છે. વિવિધ સ્પર્ધામાં વિજયી થયેલા આ વિદ્યાર્થીઓને ઈનામમાં મુંબઈથી-કલ્યાણની જોય રાઈડ આપવામાં આવી હતી.
ફેસબુક, ટ્વીટર, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાની મદદથી સામાન્ય નાગરિકો સુધી પહોંચવા માટે 10,000 વીડિયો બનાવવાનું લક્ષ્ય મધ્ય રેલવે દ્વારા રાખવામાં આવ્યું હતું. વંદે ભારત એક્સપ્રેસ, બુલેટ ટ્રેન અને ભારતીય રેલવેનું આધુનિકીકરણ, રેલવેનું સ્વચ્છતા અભિયાન જેવા મુદ્દા પર નિબંધ, કવિતા, ડ્રોઈંગ અને ડિબેટ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલાબા ખાતેની કેન્દ્રીય વિદ્યાલય અને કલ્યાણ રેલવે સહિત કુલ 19 શાળામાં ઉપરોક્ત સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું અને સ્પર્ધામાં વિજેતા થયેલાં વિદ્યાર્થીઓને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ફ્રીમા પ્રવાસ કરવાની તક આપવામાં આવી હતી. સીએસએમટી-શિર્ડી અને સીએસએમટી-સોલાપુર એમ બે વંદે ભારત એક્સપ્રેસમાં 60-60 વિદ્યાર્થીઓએ પ્રવાસ કર્યો હતો.
આ સિવાય ત્રણથી ચાર લાખ ફોલોવર્સ ધરાવનારા યુટ્યુબર્સ અને ઈન્ફ્લ્યુએન્સર્સને પણ વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરવાની તક મળશે. આ પાછળ રેલવેનો હેતુ એવું છે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે જનજાગૃતિ લાવવા માટે વિભાગ દ્વારા આ યોજના બનાવવામાં આવી છે.