પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો કેસ ઉકેલનાર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના 12 અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ અધિકારીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર લખબીર સિંહ લાંડાએ આપેલી ધમકી બાદ સ્પેશિયલ સેલના અધિકારીઓને સુરક્ષા આપવામાં આવી છે. તેમાં સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલ, ડીસીપી રાજીવ રંજન, મનીષી ચંદ્રા, એસીપી લલિત મોહન નેગી, હૃદય ભૂષણ, વેદ પ્રકાશ અને રાહુલ વિક્રમ, ઈન્સ્પેક્ટર વિક્રમ દહિયા, વિનોદ કુમાર, રવિન્દ્ર જોશી, નિશાંત દહિયા અને સુનીલ કુમાર રાજનનો સમાવેશ થાય છે. સ્પેશિયલ સીપી અને બંને ડીસીપીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે જ્યારે અન્ય અધિકારીઓ સાથે એક PSO (Personal Security Officer) 24 કલાક હાજર રહેશે.
પંજાબના ગેંગસ્ટર હરવિંદર રિંડાના સહયોગી લખબીર સિંહ લાંડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા અધિકારીઓને ધમકી આપી હતી. તેણે કહ્યું કે, હું એક વાત કહી દુ છું અમારી પાસે દરેકના ફોટો છે…જો અમારી ગલીઓમાં દેખાયા તો સારી વાત છે, જો ન દેખાય તો તમારી ગલીમાં ઘૂસીને મારીશું. હવે જોઈએ કોણ બચાવે છે’
એવી પણ ધમકી આપવામાં આવી હતી કે સ્પેશિયલ સેલનો કોઈ અધિકારી પંજાબમાં પ્રવેશવાનો પ્રયાસ નહીં કરે. આ ધમકી મળતા આશંકા છે કે ગેંગસ્ટર સ્પેશિયલ સેલના અધિકારીઓને નિશાન બનાવી શકે છે, જેના કારણે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.