ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
બોલીવૂડની ફિલ્મોએ ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’નો પ્લોટ એટલી વાર વાપરી નાખ્યો કે નિયમિત રીતે હિન્દી મૂવીઝ જોનારા વિદેશીઓને આપણા માતા-પિતા પ્રત્યે ખોટો પૂર્વગ્રહ બંધાઈ જાય! આ લોકો ક્યારેય પોતાના છોકરાને સાચવી નથી શકતા! જોક્સ અપાર્ટ, હિન્દી ફિલ્મોના પહેલા સુપરસ્ટારનું બિરુદ રાજેશ ખન્નાને નહિ પણ લાડીલા દાદામુનિ, એટલે કે અશોક કુમારને આપવું પડે. ઠેઠ ૧૯૪૩માં એમની ફિલ્મ ‘કિસ્મત’ રિલીઝ થઇ અને એ જમાનામાં એણે બોક્સઓફિસ પર ટંકશાળ પાડી. એ રીતે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોમ્બે ટોકીઝની પ્રથમ સુપરહિટ ફિલ્મ હતી. નોંધવાપાત્ર બાબત એ છે કે ‘કિસ્મત’માં પણ લોસ્ટ એન્ડ ફાઉન્ડવાળો પ્લોટ મોજૂદ હતો, બોલો! (એમ તો ફિલ્મ ‘કિસ્મત’માં રસ પડે એવું બીજું ઘણું હતું, પણ એની વાતો ફરી ક્યારેક.)
સો ધ મોરલ ઇઝ, લોસ્ટ એન્ડ ફાઉન્ડ પ્લોટ ધરાવતી કથાઓ ભાવકને/દર્શકને આસાનીથી આકર્ષે છે, કેમકે એ પ્રકારના ઘટનાક્રમમાં ભારોભાર ડ્રામા હોવાનો. જો કે આજે જે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ની વાત કરવી છે, એ કંઈક જુદા જ પ્રકારનો ઘટનાક્રમ છે. એને સુખદ ગણવો કે દુ:ખદ, એ તમારે પોતે નક્કી કરવાનું છે. અને હા, આ ઘટનાક્રમ કોઈ કથાનો પ્લોટ નહિ, પણ સત્યઘટના છે. એક બાત ઔર સુન લો, આ સત્યઘટના ઉપરથી જુદા જુદા એન્ડ ધરાવતી અનેક ફિલ્મો કે વેબ સિરીઝ બની શકે, એટલો મસાલો ઠાંસી ઠાંસીને ભર્યો છે.
અમેરિકાના લ્યુસિઆના સ્ટેટના સ્વાઈઝી લેક નજીક એક વિસ્તારમાં ડનબાર પરિવાર રહેતો હતો. લેસી અને પર્સી ડનબારને ૧૯૦૮માં એક પુત્ર અવતર્યો, જેનું નામ રાખ્યું બોબી. બોબી ચાર વર્ષનો હતો ત્યારે ડનબાર પરિવાર નજીકના સ્વાઇઝી લેક પર ફિશિંગ માટે ગયું. પરિવાર અહીં જલક્રીડામાં મસ્ત હતું, ત્યારે અચાનક ચાર વર્ષનો બોબી ગુમ થઇ ગયો! લેસી અને પર્સીની નજર સામેથી બાળક કઈ રીતે ખોવાઈ ગયું, એ વિચાર માંગી લેતો પ્રશ્ર્ન છે! શું નાનકડો બોબી તળાવના પાણીમાં ગરકાવ થઇ ગયો હશે? કોઈક જાનવર એને ઉપાડી ગયું હશે? કે પછી કોઈક દુષ્ટ માનવીએ એનું અપહરણ કર્યું હશે? પ્રશ્ર્નો ઘણા હતા, અને પોલીસ એ તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવા માંડી.
એ દિવસ હતો ૨૩ ઓગસ્ટ, ૧૯૧૨. પોલીસ અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના તમામ પ્રયત્નો છતાં બોબી ડનબારની કોઈ ભાળ મળતી નહોતી. આ દરમિયાન કોઈ અપહરણકારનો મેસેજ કે બોબીને જોયો હોય એવો કોઈ સાક્ષી સામે આવતા નહોતા. એક વાત તો નક્કી થઇ ગઈ, કે ચાર વર્ષનું બાળક પાણીમાં ગયું હોય, તો આટલો લાંબો સમય જીવે નહિ! એ નક્કી સ્વાઇઝી લેકના તળિયે પહોંચીને રામશરણ થઇ ગયું હશે! હવે જો એવું બન્યું હોય, તો બોબીની ડેડબોડી પાણીની સપાટી પર તરી આવવી જોઈએને! પાણીનો નિયમ છે, કે મૃત વ્યક્તિની લાશ પાણીની સપાટી પર તરી આવતી હોય છે. તો શું બોબી તળાવમાં રહેતા મગર કે બીજા કોઈ જનાવર બોબીને ખાઈ ગયું હશે?
પોલીસે કેટલાક મગરના પેટ ચીરી જોયા. અરે, તળાવમાં ડાયનેમાઈટ પણ નાખવામાં આવ્યો, જેથી બોબીનું શરીર ક્યાંક દબાયેલું પડ્યું હોય તો ઉછળીને બહાર આવી જાય! પણ પરિણામ શૂન્ય જ રહ્યું. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ નાનકડો બોબી રહસ્યમયી રીતે ગુમ થયાના સમાચાર દેશના બીજા હિસ્સામાં ફેલાતા ગયા. સતત આઠ મહિના જેટલો લાંબો સમય તપાસ ચાલી. પણ કોઈને બોબીની જરાસરખી એંધાણી મળતી નહોતી. એવામાં એક ઘટના બની.
મિસિસિપીથી મળી આવેલ બાળક કોણ?
બોબી ગુમ થયો એના આઠ મહિના બાદ ઠેઠ મિસિસિપી રાજ્યમાંથી ખબર મળ્યા કે બોબી જેવો જ દેખાવ ધરાવતો ૪-૫ વર્ષની ઉંમરનો છોકરો અહીં દેખાયો છે! ઘરમાં નાનું મોટું રિપેરિંગ કામ કરી આપનાર શ્રમિક માટે અમેરિકામાં ‘હેન્ડીમેન’ જેવો શબ્દ વપરાય છે. મિસિસિપી પોલીસને ખબર પડી કે વિલિયમ કેન્ટવેલ વોલ્ટર્સ નામના એક હેન્ડીમેન સાથે જોવા મળતો બાળક લ્યુસિઆના સ્ટેટમાં ખોવાયેલા બોબી ડનબાર જેવો જ દેખાય છે! પોલીસે તાત્કાલિક દોડાદોડી કરીને પેલા વિલિયમ વોલ્ટર્સને અટકમાં લીધો. એના કબજામાંથી પેલા છોકરાને મુક્ત’ કરાવીને પોલીસે પોતાની સાથે લીધો. પણ વિલિયમ એક જ વાતનું રટણ કરતો હતો, કે આ બાળક એનો ખુદનો ભત્રીજો છે. એના ભાઈને છૂટક મજૂરી કામ કરીને પેટિયું રળતી જુલિયા એન્ડરસન નામની સ્ત્રી સાથે લફરું હતું. એ સંબંધના પ્રતાપે જુલિયાને પેટે એક અનૌરસ બાળક તરીકે બ્રુસ એન્ડરસનનો જન્મ થયો. જુલિયા વખાની મારી નોકરી શોધવા માટે ભટકતી હતી, એટલે બ્રુસને એના કાકા, એટલે કે વિલિયમ વોલ્ટર્સને સાચવવા આપેલો. ઇન શોર્ટ, વિલિયમ વોલ્ટર્સનાં કબજામાંથી પોલીસે જે બાળકને છોડાવ્યો, એ બોબી ડનબાર નહિ, પણ વિલિયમનો અનૌરસ ભત્રીજો બ્રુસ હતો! વિલિયમને ઓળખનારા કેટલાક લોકોએ પણ આ વાતને સાચી ગણાવી.
જો કે પોલીસને વિલિયમની આ વાર્તામાં બહુ રસ પડ્યો નહિ, એટલે વિલિયમની ધરપકડ કરવામાં આવી અને બાળકને એના માતા-પિતા, એટલે કે ડનબાર ફેમિલી પાસે મોકલી આપવામાં આવ્યો.
આ ‘ધી એન્ડ’ નહિ પણ શરૂઆત છે
અહીં સુધીની વાંચીને તમને લોસ્ટ એન્ડ ફાઉન્ડ સ્ટોરીના હેપ્પી એન્ડિંગ’વાળી ફીલીંગ આવી હોય, તો એ બહુ ઉતાવળી ગણાશે. કેમકે હજી તો કહાનીમેં મસમોટો ટ્વિસ્ટ આવવાનો બાકી છે! લગભગ આઠ મહિના પછી ખોવાયેલો બોબી એના માતા-પિતાને મળ્યો, ત્યારે એ મુલાકાત કેવી હશે? કોઈ પાસે પાકી માહિતી નથી, પણ બે પ્રકારની લોકવાયકાઓ છે. કેટલાક માને છે કે લેસી અને પર્સીએ પોતાના જીગરના ટુકડાને છાતીસરસો ચાંપીને આઠ-આઠ મહિનાનું વહાલ એકસાથે વરસાવી દીધું. જ્યારે અન્ય કેટલાકનું કહેવું હતું કે
પોતાના બાળકને પાછું ફરેલું જોઈને ડનબાર પરિવારમાં જોઈએ એવો આનંદ-રાજીપો દેખાયા નહિ! હવે આ તો બહુ વિચિત્ર વાત ગણાય! આઠ મહિનાના વિયોગ પછી ચારેક વર્ષનું બાળક પાછું મળે, તો માતા-પિતા માટે એથી વિશેષ આનંદ કયો હોય?! શું ડનબાર ફેમિલીને આ બાળક પોતાનું જ ફરજંદ હોવા વિષે કોઈ શંકા હતી?
ખેર, પછી તો બાળકના શરીર પર પડેલા નિશાનો અને બાળકની વાતો પરથી ડનબાર પરિવારને ખાતરી થઇ
ગઈ કે પોલીસે જે બાળક ડનબાર પરિવારને સોંપ્યો, એ એમનો ખોવાયેલો પુત્ર બોબી જ છે. અહીં વળી એક ઔર ટ્વિસ્ટ આવ્યો! પેલા હેન્ડીમેન વિલિયમ વોલ્ટર્સે જે સ્ત્રીની વાત કરેલી, એ જુલિયા એન્ડરસન પોતાના દીકરાને શોધતી ડનબાર ફેમિલી પાસે આવી ચડી. વિલિયમ પાસેથી જાણેલી વાત મુજબ જુલિયાને ખબર હતી કે એના દીકરા બ્રુસને પોલીસ પોતાની સાથે લઇ ગઈ છે, અને કોઈક ડનબાર ફેમિલીને સોંપી દીધો છે!
આખો મામલો ફરી એક વાર પોલીસ અને કોર્ટ પાસે પહોંચ્યો. કોર્ટે ઊલટતપાસ કરી. કમનસીબે વખાની મારી કામ શોધવા માટે ભટકતી જુલિયાએ કેટલાક મહિનાઓથી પોતાના દીકરા બ્રુસને જોયો નહોતો. સ્વાભાવિક છે કે ચાર વર્ષના બાળકનો દેખાવ દર થોડા મહિને બદલાતો રહેતો હોય. એટલે કોર્ટે જ્યારે તપાસ કરી ત્યારે જુલિયા મહિનાઓ પછી જોવા મળેલા પોતાના જ બાળકને ઓળખવામાં નિષ્ફળ ગઈ! બીજી તરફ, કેસ અને એના ઘટનાક્રમ સાથે જોડાયેલા ઘણા લોકોને હવે લાગવા માંડ્યું હતું કે જુલિયા અને વિલિયમ વોલ્ટર્સ સાચું બોલી રહ્યા છે. જો અદાલતમાં કેસ લાંબો ચાલ્યો હોત, તો જુલિયા કેસ જીતી જાત અને પોલીસ જેને બોબી ડનબાર સમજીને ઊંચકી લાવેલી, એ બાળક બ્રુસ એન્ડરસન છે એવું સાબિત થઇ જાત! પણ હાય રે ગરીબી! જુલિયા પાસે કેસ લડવાના પૈસા નહોતા, એટલે એ રડતી-કકળતી મિસિસિપી પાછી ફરી ગઈ! પેલા વિલિયમ વોલ્ટર્સને પણ આજીવન કેદમાં સબડવું પડ્યું. બિચારાનું મૃત્યુ પણ કેદમાં જ થયું!
ધ ફાઈનલ ટ્વિસ્ટ!
પ્રશ્ર્ન એ છે કે જો બાળક બ્રુસ એન્ડરસન હતો, તો ડનબાર ફેમિલીએ એને શા માટે સ્વીકારી લીધો? બોબી તરીકે ઉછરી રહેલો બાળક આખું જીવન બોબી ડનબાર તરીકે જ જીવ્યો. પણ લોકો દાયકાઓ સુધી એના બોબી હોવા અંગે શંકાઓ કરતા રહ્યા. લોકોની શંકા ખોટી ય નહોતી. આ આખા ઘટનાક્રમના દાયકાઓ બાદ, ઠેઠ ૨૦૦૪માં બોબી ડનબારના વારસોનું ડીએનએ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. આશ્ર્ચર્યજનક રીતે બોબીના વારસદારોનું ડીએનએ ડનબાર ફેમિલીના બીજા સંતાનોના વારસદારો સાથે જરાય મેળ ખાતું નહોતું!! બીજી તરફ, એન્ડરસન ફેમિલીના વારસદારો સાથે બોબી ડનબારનું ડીએનએ મેચ થઇ ગયું! એનો સીધો અર્થ એમ થાય કે વિલિયમ વોલ્ટર્સ અને જુલિયા એન્ડરસન તદ્દન સાચું બોલતા હતા.
તો શું લેસી અને પર્સીએ જાણી જોઈને બ્રુસને પોતાના બાળક તરીકે ઓળખાવ્યો હશે? ક્યાંક ડનબાર દંપતીએ જ કોઈક કારણોસર પોતાના દીકરાની હત્યા કરી હોય, અને એના પર ઢાંકપિછોડો કરવા બ્રુસને બોબી તરીકે અપનાવી લીધો હોય એવું તો નથી ને? અને સૌથી મુખ્ય પ્રશ્ર્ન, કે ઓરિજીનલ બોબી ડનબાર આખરે ગયો ક્યાં?! આમાંના એક્કેય પ્રશ્ર્નનો જવાબ આજદિન સુધી નથી મળ્યો!