રામનવમીના પવિત્ર તહેવારે દેશભરમાં ઘણી દુર્ઘટનાઓ-તોફાનો થયા. સૌથી હૃદયદ્રાવક દુર્ઘટના મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ઘટી હતી જ્યાં મંદિરમાં શ્રદ્ધાળુઓ ઊભા હતા તે છત તૂટી પડતા તમામ મંદિર પરિસરની વાવમાં ખાબક્યા હતા. અત્યાર સુધી 35 શ્રદ્ધાળુના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ શ્રદ્ધાળુઓમાં 11 કચ્છી ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. મૂળ નખત્રાણાના આ શ્રદ્ધાળુઓ વર્ષોથી ઈન્દોર રહેતા હતા અને ગુરુવારે આ અકસ્માતનો ભોગ બનતા તેમના ગામમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી.
શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં 50થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા, જેમાં મહિલા, પુરુષ અને બાળકો પણ સામેલ છે. ઇન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 11 કચ્છીઓના મોત નિપજ્યાં છે. આ તમામ હતભાગી તમામ નખત્રાણા તાલુકાના છે અને ઘણાં કચ્છ પાટીદાર સમાજના છે. મૂળ કચ્છના લોકો ધંધાર્થે ઇન્દોરમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે. એક સાથે 11 લોકોના મૃત્યુ થતા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોમાં લક્ષ્મીબેન રતિલાલ દીવાણી, ઉંમર 70 વર્ષ (ટોડીયા), દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી, ઉંમર 58 (નખત્રાણા), કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી, ઉમર 32 વર્ષ (નખત્રાણા), ગોમતીબેન ગંગદાસ પોકાર, ઉંમર 70 વર્ષ (રામપર સરવા), . પુષ્પાબેન દિનેશભાઈ પોકાર, ઉંમર 49 વર્ષ (હરીપર), કસ્તુરબેન મનોહરભાઈ રામાણી, ઉંમર 73 વર્ષ, (નખત્રાણા), પ્રિયંકાબેન પોકાર, ઉંમર 30 વર્ષ (હરીપર), વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી, ઉંમર 58 વર્ષ, (વિરાણી મોટી), શારદાબેન કેશવલાલ પોકાર, ઉંમર 55 વર્ષ, (રામપર, સરવા), રતનબેન નાનજીભાઈ રામાણી, ઉંમર 73 વર્ષ (નખત્રાણા), જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી, ઉંમર 72 વર્ષ (નખત્રાણા)નો સમાવેશ થાય છે.
ગુજરાતી પ્રજા વેપારધંધા અર્થે દેશ-વિદેશની ધરતીને પોતાનું ઘર બનાવી લે છે. કચ્છી સમાજ પણ ચોમેર ફેલાયેલો છે અને પોતાની હોશિયારી અને કુનેહથી કામધંધામાં આગળ વધે છે. ઈન્દોરમાં મોટા પ્રમાણમાં ગુજરાતી સમાજ વસે છે. રામનવમીના દિવસે દર્શનાર્થે ગયેલા આ હતભાગીઓ અક્સમાતનો ભોગ બન્યા છે. મંદિરના પ્રાંગણમાં જ આવેલી આ વાવ 60 ફૂટ ઊંડી હોવાનું અને તેમાં પુષ્કળ પાણી હોવાનું જાણવા મળ્યું છે. આમ તો સર્ચ ઓપરેશન ચાલુ છે, પરંતુ હવે વધારે લોકો અંદર ફસાયા ન હોવાની જાણકારી મળી છે. અહીં પડેલા શ્રદ્ધાળુમાંથી 16 જેટલા હજુ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 18ને ઉગારી લેવામાં આવ્યા છે. કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. ત્યારે રામના દ્વારમાં જ જેમને મોત મળ્યું છે તેમના સ્વજનો પાસે રામની ઈચ્છા સમજી આ દુઃખ સહન કરવા સિવાય કોઈ ચારો રહ્યો નથી.