૧૦ વર્ષમાં ૧૧ હિટ ફિલ્મ

મેટિની

છેલ્લાં દસ વર્ષમાં સફળ ફિલ્મ સાતત્યપણે આપનાર ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નો વરુણ ધવન એક્ટર ઓફ ધ ડિકેડ સાબિત થયો છે

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ને એક્ટર ઓફ ડિકેડ (દસકાનો અવ્વલ અભિનેતા)નું સર્ટિફિકેટ આપવું પડે એવી ઝળહળતી સફળતા વરુણ ધવને દસ વર્ષમાં મેળવી છે. ૨૦૧૨માં કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી જ સફળ શરૂઆત કરનાર એક્ટરની તાજેતરમાં રિલીઝ થયેલી ‘જુગ જુગ જિયો’ સાઉથની ફિલ્મોના બોક્સ ઓફિસ પરના સપાટાના વર્ષમાં ૧૦૦ કરોડનું કલેક્શન મેળવવામાં સફળ રહી એ બહુ મોટી વાત છે. સહુનો દસકો આવે એવી ઉક્તિ જાણીતી છે, પણ સુપરહિટ ડાયરેક્ટર ડેવિડ ધવનના પુત્રની કારકિર્દીનો પહેલો જ દસકો યશસ્વી સાબિત થયો છે. ૨૦૧૨થી ૨૦૨૨નાં ૧૦ વર્ષમાં વરુણની ૧૪ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ છે જેમાંથી ૧૧ ફિલ્મ ૧૦૦ કરોડથી વધુ વકરો કરવામાં સફળ રહી છે. અલબત્ત આ દસકાનાં પહેલાં પાંચ વર્ષ હરા ભરા કબાબ જેવાં હતાં, જ્યારે બીજાં પાંચ વર્ષ થોડી ખુશી જ્યાદા ગમ જેવાં સાબિત થયાં છે. થિયેટરમાં રિલીઝ થયેલી ‘કલંક’ (૨૦૧૯) અને ‘સ્ટ્રીટ ડાન્સર ૩ ડી’ (૨૦૨૦) ફ્લોપ સાબિત થઈ અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરેલી ‘કુલી નંબર વન’ (૨૦૨૦) છેલ્લો નંબર સાબિત થવાથી વરુણ સામે આંગળી ચીંધવામાં આવી રહી હતી. જોકે જૂનના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થયેલી ‘જુગ જુગ જિયો’ની સફળતાને પગલે એને જાણે કે જુગ જુગ જિયોના આશિષ ન મળી ગયા હોય એમ અભિનેતા ફરી ફોર્મમાં આવી ગયો છે. સાઉથની મોટી ભરતીમાં હિન્દીની જે ફિલ્મોએ કાઠું કાઢ્યું એમાં વરુણની ફિલ્મનો સમાવેશ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એનાલિસ્ટ વરુણ ધવનને ભરોસાપાત્ર અભિનેતા ગણે છે. મતલબ કે એને ફિલ્મમાં લેવાથી નુકસાન થવાની સંભાવના બહુ ઓછી હોય છે. જોવાની વાત એ છે કે વરુણની ૨૦૧૨ની પહેલી ફિલ્મની જેમ ૨૦૨૨માં રિલીઝ થયેલી એકમાત્ર ફિલ્મ સાથે પણ કરણ જોહરનું નામ જોડાયેલું છે. ‘જુગ જુગ જિયો’માં વરુણ સાથે કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ સિંહ પણ છે.
સૈફ અલીની કારકિર્દીનો પ્રારંભ ‘આશિક આવારા’ (૧૯૯૩)થી થયો હતો. પહેલાં સાત વર્ષમાં તેની ૨૫ ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં હિટ-ફ્લોપ બંનેનો સમાવેશ હતો. ૨૦૦૧માં આવી ફરહાન અખ્તરની ‘દિલ ચાહતા હૈ’. આમિર અને અક્ષય ખન્ના સાથે સૈફનું પણ આ ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર હતું. આ ફિલ્મ પછી સૈફ કુશળ અભિનેતા તરીકે ઓળખાવા લાગ્યો. પોતે સારો એક્ટર છે એ સાબિત કરવા ૭ વર્ષ લાગ્યાં. વરુણ ધવન વિશે કહેવાય છે કે શરૂઆતની ફિલ્મોની સફળતાએ તેને સ્ટાર બનાવી દીધો, પણ એની અભિનય પ્રતિભા કોઈ ફિલ્મમાં ઊભરી નહોતી આવી. ‘એબીસીડી ૨’માં એ સારો ડાન્સર છે એ સાબિત થયું તો ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં એ રોમેન્ટિક લાગ્યો. હા, ‘બદલાપુર’માં એ સશક્ત પાત્ર હોય તો સારી અદાકારીથી પ્રભાવ પાડી શકે છે એની ઝાંખી જોવા મળી ખરી, પણ એ કુશળ અભિનેતા સાબિત થયો ‘ઓક્ટોબર’ (૨૦૧૮) ફિલ્મથી. સુજીત સરકાર દિગ્દર્શિત આ ફિલ્મથી વરુણ ધવન કેવળ એન્ટરટેઈનર (જુડવા ૨) જ નથી, અચ્છો અદાકાર પણ છે એ સિદ્ધ થયું. પાંચ વર્ષમાં નવ ફિલ્મ રિલીઝ થયા પછી વરુણને આ સિદ્ધિ મળી હતી. ૨૦૧૮માં જ આદિત્ય ચોપડાની ‘સૂઈ ધાગા’ આવી અને વરુણ ધવન ઇઝ અ વેરી ગુડ એક્ટર એ સાબિત થઈ ગયું. ચેલેન્જિંગ રોલ મેળવવાની વરુણની ઝંખના ‘સૂઈ ધાગા’ જેવી ફિલ્મોથી સાફ દેખાઈ આવે છે. ત્યાર બાદ ‘કલંક’ અને ‘સ્ટ્રીટ ડાન્સર ૩ ડી’ની નિષ્ફળતાથી હતાશ થયા વિના એની અભિનય ક્ષમતાને ખીલવાની તક મળે એવા દિગ્દર્શક સાથે કામ કરવાનું તેણે ચાલુ રાખ્યું. ‘જુગ જુગ જિયો’ એ જ પ્રયાસનાં મીઠાં ફળ છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં વરુણે જણાવ્યું હતું કે ‘બિગ બજેટની કોમર્શિયલ ફિલ્મમાં કામ કરતી વખતે પ્રેશર વધારે હોય છે અને રોકાણ કરેલા મોટા પૈસા ડૂબી ન જાય એટલે ‘સલામતી’ને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. પરિણામે બાંધછોડ કરવી પડે, જોખમ પણ ઓછાં લેવાય, પણ એવી ફિલ્મો કરવાથી અભિનેતા તરીકે વિકાસ રૂંધાઈ જાય. ‘ઓક્ટોબર’ અને ‘બદલાપુર’માં મારી એક્ટિંગ કાબેલિયત દર્શકોને જોવા મળી. નાના બજેટની ફિલ્મમાં પ્રયોગ કરવાનો સ્કોપ વધારે હોય છે, કારણ કે જોખમ પણ ઓછું હોય છે. અલબત્ત મારી ફિલ્મમાં એન્ટરટેઇનમેન્ટની અપેક્ષા તો રહેવાની જ. એક્ટર તરીકે મારી ફરજ છે કે હું ત્રાજવું સમતોલ રાખું. આવી તક મળતી રહે છે એ મારું સદ્ભાગ્ય છે.’ બીજી તરફ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં જ એની સાથે શરૂઆત કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાની અત્યાર સુધીમાં ડઝનેક ફિલ્મ રિલીઝ થઈ છે, પણ અવ્વલ દરજ્જાના એક્ટર તરીકે એની ઓળખ નથી બની શકી. દસ વર્ષમાં એના નામ સામે હિટ કરતાં વધુ ફ્લોપ ફિલ્મો બોલે છે. આ વર્ષે એની બે ફિલ્મ ‘મિશન મંજુ’ અને ‘થેન્ક ગોડ’ રિલીઝ થવાની છે. વેઇટ એન્ડ વોચ. વરુણ ધવનની આગામી ફિલ્મો પણ એના આત્મવિશ્ર્વાસનું સમર્થન કરનારી લાગે છે. આ વર્ષે એની ‘ભેડિયા’ રિલીઝ થવાની છે જે કોમેડી હોરર ફિલ્મો બનાવતા દિનેશ વિજયનની ફિલ્મ છે જેમણે ‘સ્ત્રી’ અને ‘રુહી’ ફિલ્મોનું પણ નિર્માણ કર્યું છે. નિતેશ તિવારીની ‘બવાલ’ની પણ ઉત્કંઠાથી રાહ જોવાઈ રહી છે. બે દુલ્હનિયાના ડિરેક્ટર શશાંક ખૈતાનની ‘મિસ્ટર લેલે’ પણ તેણે સાઈન કરી છે. એકંદરે વરુણ ધવનની આગામી ફિલ્મો એની એક્ટિંગ ટેલન્ટને ખીલવાની પૂરી તક આપશે એવું લાગી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.