(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના ૧,૦૮૯ પોલીસ સ્ટેશનમાંથી ૧,૦૮૨ પોલીસ સ્ટેશનોને સીસીટીવી યંત્રણા હેઠળ લઈ આવવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ ઠેકાણે નિયમિતરૂપે કેમેરા ચાલુ રહેશે અને રેકોર્ડિંગને સાચવી રાખવામાં આવશે અને તે બાબતનું ઑડિટ પણ કરવામાં આવશે એવી માહિતી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનપરિષદમાં પ્રશ્નોત્તર કાળ દરમિયાન આપી હતી.
ફડણવીસે કહ્યું હતું કે રાજ્યના બાકી રહેલાં સાત પોલીસ સ્ટેશનમાં સીસીટીવી બેસાડવાનું કામ નૂતનીકરણ અને સ્થળાંતરને કારણે અટવાઈ ગયું છે. તેમ જ હાલ બેસાડેલા કૅમેરામાં ઑડિયો રેકૉર્ડિંગની સુવિધા પણ નથી. તેથી આ ઠેકાણે સીસીટીવી બેસાડવાના કામમાં વિલંબ થઈ રહ્યો હોવાથી સંબંધિત સેવા પૂરી પાડનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવવાની છે.