આ વખતે ચારધામ યાત્રા જીવલેણ બની છે. એકલા મે મહિનામાં ચારધામ યાત્રા દરમિયાન 108 શ્રદ્ધાળુઓના મોત નોંધાયા છે. ચારધામ યાત્રા વખતે હિમાલયના પહાડો પર ખાસ્સી ઊંચાઈએ યાત્રા કરવી પડે છે. બધા પ્રવાસીઓને એ સફર માફક નથી આવતી. એટલે દર વર્ષે 6 મહિનાની ચારધામ યાત્રાની સિઝન દરમિયાન સરેરાશ 100 જેટલા મૃત્યુ નોંધાતા હોય છે, પરંતુ આ વખતે 108 મોત એક જ મહિનામાં નોંધાયા છે. મોતમાં અચાનક ઉછાળો શા માટે આવ્યો એ અંગે સરકાર પણ હજુ અંધારામાં છે. પ્રવાસીઓ ઉપરાંત સામાનની હેરાફેરી કરતાં ખચ્ચરના પણ મોટી સંખ્યામાં મોત થયા છે. કોઈએ પણ ચારધામ યાત્રાએ જવું હોય તો તેની કઠિનાઈ પહેલા સમજી લેવી જોઈએ અને સરકારના નિયમ મુજબ રજીસ્ટ્રેશન કરવું જોઈએ.
આ વખતે રજીસ્ટ્રેશન વગર ગયેલા પ્રવાસીઓ ત્યાં દિવસો સુધી ફસાયા હતા. રજિસ્ટ્રેશન ન થયું હોવાને કારણે ત્યાં ભીડ પણ વધી ગઇ છે. ચારધામ યાત્રા શરૂ થઈ એ પહેલા જ ઉત્તરાખંડ સરકારે વારંવાર લોકોને રજીસ્ટ્રેશન કરવા માટે અપીલ કરી હતી, પરંતુ ઘણા લોકો રજીસ્ટ્રેશન વગર જ પહોંચી ગયા હતા. ચારધામ માટે રોજના 55 હજારથી વધારે પ્રવાસીઓ આવી રહ્યા છે. બીજી તરફ અગાઉના વર્ષોમાં સરેરાશ 35-40 હજાર પ્રવાસીઓ આવતા હતા.
આ વખતે જે મોત થયા એ પૈકીના ઘણા ખરાનું નિધન કાર્ડિયાક એરેસ્ટથી થયું છે. આ મૃત્યુમાં કોઈક રીતે કોરોના સંકળાયેલો છે કે કેમ તેની પણ નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે.
ચારધામ યાત્રા ઊંચાઈ પર કરવાની હોવાથી ઓક્સિજનની કમી સૌથી પહેલા અનુભવાય છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ વગેરે સ્થળો સરેરાશ 10-12 હજાર ફૂટથી વધારે ઊંચાઈ પર આવેલા છે. મેદાની પ્રદેશમાં રહેતા લોકોનું શરીર આટલી ઊંચાઈ માટે ટેવાયેલું હોતું નથી. એટલે જો સાવધાની રાખવામાં ન આવે તો આ ઊંચાઈ શરીરને ભારે પડે છે.
કોરોનાને કારણે બે વર્ષ ચારધામ યાત્રા બંધ રહી હતી. આ વખતે શરૂ થઈ છે એટલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પરિણામે ચારધામ ઉપરાંત ત્યાં સુધી જવાના રસ્તા અને મહત્વના સ્થળોએ પણ ભીડ જોવા મળી રહી છે. ચારધામ યાત્રા સંચાલકો અને ઉત્તરાખંડ સરકારે પ્રવાસીઓને ખાસ સૂચના આપી છે કે શારીરિક તપાસ કરાવ્યા પછી જ આ યાત્રા માટે આવવું જોઈએ. જેથી યાત્રા દરમિયાન આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ ટાળી શકાય.