(તસવીર: હરેશ સોની)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડધમ શાંત થઈ ગયા છે. હવે ૧લી ડિસેમ્બરે એટલે કે ગુરૂવારે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર મતદાન થશે. જેમાં ઘણી વીઆઈપી બેઠકોનો સમાવેશ થાય છે, પરંતુ ૧૦ બેઠકો ખૂબ જ ખાસ છે. તેમાં કુતિયાણા, ભાવનગર પશ્ર્ચિમ, પોરબંદર, વરાછા રોડ, ગોંડલ, કતારગામ, રાજકોટ પૂર્વ, ખંભાળિયા, મોરબી અને જામનગર બેઠકને અતિ મહત્ત્વની માનવામાં આવી રહી છે. આ તમામ બેઠકો પર ત્રિપાંખિયો જંગ જામશે.
પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાં જે ખાસ બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં પોરબંદરની કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા સતત બે ટર્મથી જીતતા આવ્યા છે. બે વાર તેઓ એનસીપીની ટિકિટ પર જીત મેળવી ચુક્યા છે, પરંતુ આ વખતે તેઓ સમાજવાદી પાર્ટીના ચિહ્ન સાઇકલ પર ચૂંટણી લડી રહ્યા છે. કાંધલ જાડેજાનો આ વિસ્તારમાં સારો દબદબો છે, જોકે તેમની સામે અનેક ગુનાહિત કેસ પણ નોંધાયેલા છે. ભાજપે અહીંથી ઢેલીબેનને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપને આશા છે કે મહિલા ઉમેદવાર હોવાનો તેને લાભ મળશે અને અહીં કમળ ખીલશે.
ભાવનગર જિલ્લાની આ સીટ પરથી ગુજરાત સરકારના વર્તમાન શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી ચૂંટણી લડી રહ્યા છે, તેઓ ૨૦૧૨થી સતત અહીંથી જીતતા આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણીને ઘેરવા માટે અહીંથી સામાજિક કાર્યકર રાજુ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્યને મુદ્દો બનાવી જીતુ વાઘાણીને હરાવી શકશે છે. કૉંગ્રેસે કિશોરસિંહ ગોહિલ (કે.કે ગોહિલ)ને મેદાનમાં ઉતારતા આ વખતે અહીં લડાઈ ત્રિકોણીય છે. પોરબંદર જિલ્લાની આ બેઠક ભારે ચર્ચામાં રહે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના બાબુભાઈ બોખીરિયા એ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાને હરાવ્યા હતા. મોઢવાડિયાનો સતત બીજી વખત પરાજય થયો હતો. આ વખતે ફરી બંને નેતાઓ ચૂંટણી જંગમાં આમને-સામને છે. આ વખતે અર્જુન મોઢવાડિયા પરિણામ બદલી શકશે કે કેમ તેના પર સૌની નજર છે.
પાટીદારોનો ગઢ ગણાતી વરાછા રોડ બેઠક પર આપએ પાટીદાર આંદોલનના અગ્રણી ચહેરા અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપના પૂર્વ પ્રધાન અને વર્તમાન ધારાસભ્ય કિશોર કાનાણી મેદાનમાં છે. બંને વચ્ચે આમને-સામનેની ટક્કર માનવામાં આવી રહી છે. અલ્પેશ કથીરિયા સૌરાષ્ટ્રના છે. ઑક્ટોબર ૨૦૨૨માં આમ આદમી પાર્ટીમાં જોડાનાર અલ્પેશ કથીરિયા પાટીદાર આંદોલનમાં હાર્દિક બાદ નંબર-૨ હતા. રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક પરથી ભાજપે ફરી એકવાર વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યાં છે. તેઓ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની છે તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા)ને ટિકિટ ન મળતા નારાજ છે અને તેઓએ કૉંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
સુરતની કતાર ગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ચૂંટણી લડી રહ્યા છે. પાટીદાર મતદારોની સારી સંખ્યા ધરાવતી આ બેઠક પર તેમનો મુકાબલો વિનુ મોરાડિયા સામે છે. ભાજપના નેતા વિનુ મોરાડિયાનો અહીં સારો દબદબો છે. કૉંગ્રેસે આ બેઠક પરથી કલ્પેશ વારિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.