Homeટોપ ન્યૂઝનાશિકમાં બસ અને ટ્રક અથડાતાં ૧૦નાં મોત: મુખ્ય પ્રધાને તપાસનો આદેશ આપ્યો

નાશિકમાં બસ અને ટ્રક અથડાતાં ૧૦નાં મોત: મુખ્ય પ્રધાને તપાસનો આદેશ આપ્યો

જીવલેણ અકસ્માત:નાશિક જિલ્લાના પાથારે શિવાર નજીક શુક્રવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૦ વ્યક્તિનાં મોત થયાં હોવા ઉપરાંત બાવીસ જણ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. (એજન્સી)
——-
મુંબઈ: શુક્રવારે સવારે ૬.૩૦ વાગ્યે ઉત્તર મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં પૂરપાટ વેગે દોડતી બસ ટ્રકની જોડે ટકરાતાં ૧૦ જણ માર્યા ગયા હતા અને બાવીસ જણ ઇજા પામ્યા હતા. થાણે જિલ્લાના અંબરનાથથી ૪૫ મુસાફરો સાથે અહમદનગર જિલ્લાના શિરડી તરફ જતી પ્રાઇવેટ લક્ઝરી બસ નાશિકના સિન્નર તાલુકામાં પાથાર શિવાર નજીક હતી ત્યારે અકસ્માત થયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મૃતકોમાં સાત મહિલાઓ, બે બાળકો અને એક પુરુષનો સમાવેશ છે. કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી સત્તાવાળાઓએ મરણાંક વધવાની શક્યતા દર્શાવી હતી. ઇજાગ્રસ્તોને સિન્નરની યશવંત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાશિકમાં અકસ્માતમાં પ્રવાસીઓના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતાં દરેક મૃતકના નજીકનાં સગાંને સરકાર તરફથી પાંચ લાખ રૂપિયા આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. મુખ્ય પ્રધાને નાશિકના ડિવિઝનલ કમિશનર સાથે વાત કરીને ઘાયલોને સારવાર માટે નાશિક અને શિરડીની હૉસ્પિટલોમાં દાખલ કરવાની સૂચના આપી હતી. એકનાથ શિંદેએ અકસ્માતના કારણની તપાસ કરવાનો આદેશ પણ ડિવિઝનલ કમિશનરને આપ્યો હતો.
સિન્નરમાં માર્ગ અકસ્માતમાં ૧૦ જણના મૃત્યુ બાબતે દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારમાં નાશિક જિલ્લાના પાલક પ્રધાન દાદા ભૂસેએ સિન્નરની ખાનગી હૉસ્પિટલોમાં સારવાર લેતા ઘાયલોની મુલાકાત લઇને તેમનાં સગાં જોડે વાતચીત પણ કરી હતી. ત્યારપછી પત્રકારો સાથે વાતચીતમાં દાદા ભૂસેએ જણાવ્યું હતું કે અંબરનાથની એક પૅકેજિંગ કંપનીએ તેના કર્મચારીઓ માટે શિરડીના પર્યટનનું આયોજન કર્યું હતું. એ પ્રવાસ માટે ૧૫ બસોની વ્યવસ્થા કરી હતી. ઇજાગ્રસ્તોની સારવાર રાજ્ય સરકારના ખર્ચે કરવામાં આવશે. તાજેતરમાં નાશિક-ઔરંગાબાદ ધોરી માર્ગ પર અકસ્માતમાં ૧૩ જણના મૃત્યુ પછી સંબંધિત અધિકારીઓ નાશિક શહેર અને જિલ્લામાં અકસ્માતમાં સર્વેક્ષણ કરીને શક્યતા ધરાવતા ક્ષેત્રોની તારવણી કરી રહ્યા છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular