સોનામાં ₹ ૩૪૯નો અને ચાંદીમાં ₹ ૯૨૪નો ચમકારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે વૈશ્ર્વિક સોનામાં એક ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સોનામાં સુધારો આવ્યો હતો. જોકે, આજની યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ અને અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર રોકાણકારોની નજર રહેતાં સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૮થી ૩૪૯નો સુધારો આવ્યો હતો.
જોકે, આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૨૬ પૈસાનું બાઉન્સબૅક જોવા મળતાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૨૪નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૮ વધીને રૂ. ૫૦,૬૯૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૪૯ વધીને રૂ. ૫૦,૯૦૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહી હતી. વધુમાં આજે હાજરમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૨૪ ઉછળીને ફરી રૂ. ૫૪,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૫૪,૩૨૦ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર આજે કેટો ઈન્સ્ટિટ્યૂટ ખાતેની પરિષદમાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કેટલો વધારો કરે તેના પર સ્થિર હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો.
આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૭૨૨.૭૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૧૭૩૪.૫૦ ડૉલર તથા ચાંદીના ભાવ ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૧૮.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક વ્યાજદરમાં મોટી માત્રામાં વધારો કરશે અને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૨૦-૨૧ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં ૫૦ અથવા ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.