સોનામાં ₹ ૧૦૦૬નો અને ચાંદીમાં ₹ ૧૭૦૪નો કડાકો

વેપાર વાણિજ્ય

વૈશ્ર્વિક સોનું સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ બાર્ગેઈન હંટિંગ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા વચ્ચે આજે જાગતિક વિનિમય બજારમાં ડૉલરમાં રોકાણકારોની સલામતી માટેની આક્રમક લેવાલી રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને સાત મહિનાની નીચી સપાટી સુધી ગબડી ગયા બાદ આજે લંડન ખાતે ઘટ્યા મથાળેથી બાર્ગેઈન હંટિંગ નીકળતાં ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક સ્થાનિક ઝવેરી બજારમાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦૨થી ૧૦૦૬નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૦૪નો કડાકો બોલાઈ ગયો હતો. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવઘટાડાને ટેકો મળ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક બજારમાં ગઈકાલે ચાંદીના ભાવમાં કડાકો બોલાયાના નિર્દેશો સાથે સ્થાનિકમાં પણ .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૭૦૪ના ઘટાડા સાથે રૂ. ૫૬,૪૪૯ની સપાટીએ રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલીનું દબાણ ઉપરાંત ઘટતી બજારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦૨ ઘટીને રૂ. ૫૧,૦૯૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૦૦૬ ઘટીને રૂ. ૫૧,૨૯૮ની સપાટીએ રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા થનારા અપેક્ષિત વ્યાજદરમાં વધારાને કારણે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં રોકાણકારોની સલામતી માટેની લેવાલી ડૉલર તરફ વળી જવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે સોનાના ભાવ ઘટીને ગત ડિસેમ્બરના મધ્ય પછીની સૌથી નીચી ઔંસદીઠ ૧૭૬૨.૪૫ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ૧૭૬૬.૫૪ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ૧૭૬૪.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૨ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૮.૯૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સની મજબૂતીને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું રોઈટર્સના ટેક્નિકલ એનાલિસ્ટ વૉન્ગ તાઓએ જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૭૫૬ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે અને જો આ સપાટી તૂટે તો ભાવ વધુ ઘટીને ઔંસદીઠ ૧૭૫૮ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય. જોકે, આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની જાહેર થનારી ગત જૂન મહિનાની નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર રોકાણકારોની નજર છે. આ મિનિટ્સમાં વ્યાજદરમાં વધારા અંગેની માર્ગરેખ બજારની ચાલ નિર્ધારિત થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.