૧૯૮૮ના માર્ગ અકસ્માતના કેસમાં નવજોત સિદ્ધુને એક વર્ષની આકરી કેદ

દેશ વિદેશ

નવી દિલ્હી: ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબ કૉંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની આકરી કેદની સજાનું ફરમાન સર્વોચ્ચ અદાલતે કર્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે ખોટી રીતે સહાનુભૂતિ દાખવીને ઓછી સજા કરવાથી ન્યાયતંત્ર-વ્યવસ્થાને વધુ નુકસાન થશે અને કાયદાની અસરકારકતા પર જનતાનો વિશ્ર્વાસ ડગમગી જશે. ચોક્કસ સંજોગોમાં ગુસ્સો ભભૂકી ઊઠ્યો હશે. જો એવું બન્યું હોય તો ગુસ્સાનાં પરિણામો પણ ભોગવવા પડી શકે.
સુપ્રીમ કોર્ટે સજાના પ્રમાણ બાબતે ફરિયાદીની રિવ્યૂ પિટિશન સ્વીકારતાં જણાવ્યું હતું કે જો નવજાત સિદ્ધુને ફક્ત દંડ ભરવાનો હુકમ કરવામાં આવે તો સજાના ફરમાન બાબતે સંબંધિત નક્કર વિગતો નિરર્થક બની જશે.
અગાઉ વર્ષ ૨૦૧૮ના મે મહિનામાં સર્વોચ્ચ અદાલતે ૬૫ વર્ષના માણસને ઇરાદાપૂર્વક ઇજા કરવા બદલ નવજોત સિંહ સિદ્ધુને દોષિત ઠેરવ્યા ત્યારે તેમને કેદના ફરમાનને બદલે ફક્ત ૧૦૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ એસ. કે. કૌલની બેન્ચે નોંધ્યું હતું કે કોઈ બૉક્સર, કુસ્તીબાજ, ક્રિકેટર કે શારીરિક રીતે મજબૂત વ્યક્તિ મુક્કો મારે તો હાથ પણ હથિયાર બની જાય છે. ફક્ત દંડ ભરવાનું ફરમાન કરીને સિદ્ધુને જેલવાસથી બચાવવાનો નિર્ણય લેવા સુધીનો અધિકારનો ભાવ દર્શાવવાની પણ જરૂર નહોતી. એવો નિર્ણય લેવાને કારણે ઉપરોક્ત પ્રમાણમાં રિવ્યૂ એપ્લિકેશન્સ કે પિટિશન્સની મોકળાશ ઊભી થઈ હતી. તેથી અમને પ્રતિવાદી નંબર-૧ (નવજોત સિંહ સિદ્ધુ)ને દંડ ભરવાના ફરમાન ઉપરાંત એક વર્ષની આકરી કેદની સજા કરવાનું પણ અમને વાજબી લાગે છે.
વર્ષ ૧૯૮૮માં સિદ્ધુએ તેના જેવી શારીરિક સ્થિતિની વ્યક્તિને મુક્કા માર્યા નહોતા, પરંતુ તેમની ઉંમરથી બમણી કરતાં વધારે એટલે કે ૬૫ વર્ષની ઉંમરના વ્યક્તિને મુક્કો માર્યો હતો. હવે સિદ્ધુ એમ ન કહી શકે કે મુક્કો મારવાની શી અસર થાય છે, તેની તેમને ખબર નથી. આવી બાબતમાં તેઓ અજાણતાંનો દાવો ન કરી શકે. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.