૧૦ દિવસમાં સીએસએમટીમાં પોડ હોટેલ ચાલુ કરાશે

આમચી મુંબઈ

બહારગામથી મુંબઈ આવનારા પ્રવાસીઓ માટે સુવિધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બહારગામથી મુંબઈ આવનારા પ્રવાસીઓની સુવિધા માટે મધ્ય રેલવેના મુખ્ય ટર્મિનસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે દસેક દિવસમાં સ્લિપિંગ પોડ હોટેલ ચાલુ કરવામાં આવશે, એવું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આર્થિક રાજધાની મુંબઈમાં રોજના લાખો લોકો ટ્રેન મારફત મુંબઈથી અવરજવર કરે છે, જ્યાં બહારના રાજ્યમાંથી સૌથી વધુ લોકો આવે છે. પશ્ર્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલના માફક મધ્ય રેલવેમાં સીએસએમટીમાં પોડ હોટેલ (રહેવાની વ્યવસ્થા) બનાવવાનું નક્કી કર્યું છે. મધ્ય રેલવેના સીએસએમટી સ્ટેશન ખાતેથી રોજના ૧૦૦ (અપ એન્ડ ડાઉન)થી વધુ મેલ-એક્સપ્રેસ ટ્રેન દોડાવાય છે, જ્યારે એક લાખથી વધુ લોકો ટ્રાવેલ કરે છે. બહારગામથી મુંબઈ અવરજવર કરનારા પ્રવાસીઓની સુવિધા માટે ખાસ કરીને પોડ હોટેલ ચાલુ કરવામાં આવશે. સીએસએમટીના પરિસરમાં ૧૩૧ ચોરસ ફૂટ વિસ્તારમાં પોડ હોટેલ બનાવાશે તથા તેના થકી રેલવે દરવર્ષે પંચાવન લાખ રૂપિયાની આવક પ્રાપ્ત કરી શકશે. આ જ મહિનામાં પોડ હોટેલ ચાલુ કરવાની યોજના છે.
લાંબા અંતરની ટ્રેનોના પ્રવાસીઓ માટે વેઈટિંગ રૂમના માફક મધ્ય રેલવેના સીએસએમટી ખાતે પણ ટૂંક સમયમાં પોડ હોટેલ ચાલુ કરવામાં આવશે. સીએસએમટીમાં સ્લિપિંગ પોડ (પોડ હોટેલ) ચાલુ કરવા માટે કોન્ટ્રાક્ટની ફાળવણી કરવામાં આવી છે, જ્યાં પ્રવાસીઓ નજીવા ભાવમાં રહી શકશે. વેઈટિંગ રૂમના માફક પ્રવાસીને અલાયદો રૂમ ફાળવવામાં આવશે, જ્ે ફુલ્લી એસી (એરકન્ડિશન્ડ) રૂમ હશે. આ ઉપરાંત, ફ્રી વાઈફાઈની સુવિધા પણ પ્રવાસી લઈ શકશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.