Homeધર્મતેજ‘હે માનવો તમે ભગવાનના નામ પર બહુ આળસાઈ કરી છે હવે તમારે...

‘હે માનવો તમે ભગવાનના નામ પર બહુ આળસાઈ કરી છે હવે તમારે પરિશ્રમ કરવાનો છે

શિવ રહસ્ય -ભરત પટેલ

માતા પાર્વતીના વરદાનથી શક્તિશાળી બનેલી દારૂકા ફતવો કાઢે છે કે, ‘મને આળસુ લોકોથી નફરત છે અને તેમાં પણ ભગવાનના નામ પર કંઈ નહીં કરી સમય વિતાવનારાઓને અહીં લઈ આવો, તેમની પાસે પરિશ્રમ કરાવીશ અને અહીં એક વિશાળ નગર બનાવવું છે. જાઓ પૃથ્વી પર જઈ ફક્ત ભગવાનનું નામ લેતા હોય તેવા માનવોને ઉંચકી લાવો. આ નગર આસુરી શક્તિનું કેન્દ્ર બનશે.’
દારૂકાના આદેશનું પાલન કરવા નીકળેલા સૈનિકો પૃથ્વી પર કાળો કેર વર્તાવે છે અને હજારો મનુષ્યોને બંદી બનાવી સમુદ્રની મધ્યમાં સ્થાપિત કરેલા દારૂકાવન લઈ આવી આ મનુષ્યોને દારૂકા સામે ઉપસ્થિત કરવામાં આવે છે.
દારૂકા: ‘હે માનવો તમે ભગવાનના નામ પર બહુ આળસાઈ કરી છે હવે તમારે અહીં પરિશ્રમ કરવાનો છે અને અસુરો માટે એક વિશાળ બનાવવાનું છે.’
એક મનુષ્ય: ‘હે માનવો કોઈપણ રીતે આપણે આ અસુરોના નગર વિકાસ માટે કામ કરવું જોઈએ નહીં.’
આટલું સાંભળતા જ દારૂકા એ મનુષ્યનું મસ્તક ધડથી અલગ કરી દે છે અને કહે છે, ‘મેં તમારી ઈચ્છાઓ જાણવા તમને નથી બોલાવ્યા, જાઓ તુરંત નગર વિકાસના કાર્યમાં જોડાઈ જાઓ અન્યથા તમારી પણ આ મનુષ્ય જેવી હાલત થશે અને એ પણ જાણી લો કે થોડા જ સમયમાં પૃથ્વી પરના દરેક માણસો તમારી જેમ મારા દાસ હશે અને થોડા થોડા દિવસે તમને નવા નવા મિત્રો પણ મળશે.’
પણ શિવભક્તો દારૂકાને પોતાની સ્વામિની ન સમજનારા દારૂકાના નગર વિકાસનાં કામો સહકાર આપતા નથી, તેઓ ફક્ત ઓમ નમ: શિવાયના પંચાક્ષરી મંત્રનો જ જાપ કરતા હોય છે, આ જોઈ દારૂકાના સૈનિકો ક્રોધિત થાય છે અને શિવભક્તો પર અત્યાચાર કરે છે.
દારૂકા: ‘તમે મારા આધિન છો, મહાદેવના જાપ બંધ કર, અહીં તમારે પરિશ્રમ કરવાનો છે અને જો જાપ કરવા હોય તો મારા જાપ કરો.’
શિવભક્ત: ‘સાચા શિવભક્ત કોઈ પણ પરિસ્થિતિમાં શિવભક્તિ છોડતા નથી અને અમારા ભક્તિ છોડાવવાનો અધિકાર કોઈને નથી. મહાદેવ ફક્ત મારા જ નહીં અમારા સૌના આરાધ્ય છે.’
દારૂકા: ‘મારી આજ્ઞાનું પાલન નહીં કરો તો મૃત્યુ દંડ મળશે.’
શિવભક્ત: ‘મને ભય મૃત્યુનો નથી પણ અમને ભય છે કે અમે અમારી ભક્તિથી વિમુખ ન થઈ જઈએ.’
દારૂકા: ‘તો જાઓ તમે તમારા આરાધ્યની ભક્તિ કરો હું તમને મુક્તિ આપું છું. જાઓ સૈનિકો આ બધાને અગ્નિમાં હોમી દો.’
આદેશ મળતાં જ દારૂકાના સૈનિકો શિવભક્તોની ચારોતરફ આગ લગાવે છે, શિવભક્તો ઓમ નમ: સિવાયના જાપ કરતાં રહે છે. આગ શિવભક્તોને ભસ્મ ન કરી શકતાં દારૂકા વિસ્મય પામે છે.
એજ સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે અને કહે છે:
ભગવાન શિવ: ‘દારૂકા, આ જ ક્ષણે આ શિવભક્તોને છોડી દો.’
દારૂકા: ‘મહાદેવ, તમને હું જણાવી દઉં કે મારા કાર્યમાં કોઈનો હસ્તક્ષેપ મને પસંદ નથી અને જે કંઈ થઈ રહ્યું છે એ તમારી પત્નીને કારણે થઈ રહ્યું છે.’
ભગવાન શિવ: ‘જે થઈ રહ્યું છે એ વરદાનના દુરુપયોગથી થઈ રહ્યું છે, તમે પ્રભુત્વ સ્થાપિત કરવા આ બધું કરી રહ્યા છો, શિવભક્તોને છોડી દો નહીંતો પરિણામ દુ:ખદ હશે.’
દારૂકા: ‘તમે મહાદેવ જરૂર છો, હું પણ પાર્વતીભક્ત છું, તમે મારું અહિત નહીં કરી શકો, હે માતે પાર્વતી રક્ષા કરો, તમારા આપેલા વરદાનમાં મહાદેવ વિક્ષેપ કરી રહ્યા છે. રક્ષા કરો માતા… રક્ષા કરો માતા…’ (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular