જૈન સાધુની હિમાલય યાત્રા-આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
હિમાલય યાત્રાનો શ્રેષ્ઠ સમય: ચૈત્ર-વૈશાખ-જેઠ
* ચૈત્ર સુદ એકમના હરિદ્વારથી યાત્રા પ્રારંભ કરવી જેથી ચોમાસા સુધી લગબગ સાડા ત્રણ મહિના હિમાલય યાત્ર માટે મળે. તેમાં જેટલા વિલંબથી નીકળો એટલા આનંદના દિવસો ઓછા થતા જાય.
* ચાતુર્માસ કરવા યોગ્ય સૌથી શ્રેષ્ઠ ક્ષેત્ર દિલ્હી છે. જેણે એકાન્તમાં રહી સાધના કરવી હોય તેઓ માટે હસ્તિનાપુર અને હરિદ્વાર બન્ને ક્ષેત્રો સરસ છે.
* હિમાલયમાં યમનોત્રી-ગંગોત્રી-ગૌમુખ-કેદારનાથ-બદરીનાથ ક્ષેત્રોમાં વિહાર કરવા માટે ઓછામાં ઓછા ૧૫૦૦ કિ. મી. ચાલવાનું રહે.
* વિહાર માટે ૧૦૦ દિવસ હોય તો રોજ ૧૫ કિ.મી. ચાલવાનું રહે.
* યમનોત્રી જવા માટે
રૂટ હરિદ્વાર, ઋષિકેશ, દેહરાદુન, મનાલી, જાનકી ચટ્ટી, યમનોત્રી
જાનકી ચટ્ટી સુધી રોડ છે. વાહન-વ્હિલચેર જઇ શકે. પછી ૬ કિ.મી. ઉપર પગથિયા ચઢવાનાં છે. ઉપર ધર્મશાળામાં ઉતારાની વ્યવસ્થા થઇ શકે. ત્યાં અન્નક્ષેત્રથી ભોજન પ્રાપ્ત થાય.
સવારે ઉપર જઇને સાંજે પાછા આવવું હોય તો આવી શકાય. જાનકી ચટ્ટીમાં ઘણી ધર્મશાળાઓ છે. યમનોત્રીનો આનંદ લેવો હોય તો એક રાત ઉપર રોકાવું સારું.
હરિદ્વારથી ગંગોત્રી ધામ જવા
માટે રૂટ
હરિદ્વારથી ટીહરી-ઉત્તરકાશી-હર્ષિલ-લંકા થઇ ગંગોત્રી પહોંચાય.
* ગંગોત્રી સુધી પાકો રોડ છે.
* ગંગોત્રીમાં ઘણા બધા આશ્રમ અને ધર્મશાળાઓ છે. ગુજરાતી આશ્રમમાં જૈન સાધુને અનુકૂળ વ્યવસ્થા થઇ જાય.
* ગંગોત્રીથી ગૌમુખ ૧૮ કિ. મી. છે. જંગલ ખાતાની પરમિશન લઇને જવું. આશ્રમનાં માણસો જ પરમીશન લઇ આપે છે. તેનો કોઇ ચાર્જ આપવાનો નથી.
* ગંગોત્રીથી ગૌમુખ ક્ષેત્ર જતા માત્ર એક પગદંડી છે. રસ્તો ભુલાય તેવો નથી જેના પગમાં ચાલવાની તાકાત હોય તે જ જાય તે વધુ સારું.
હરિદ્વારથી કે કેદારનાથ જવા
માટે રૂટ
હરિદ્વારથી દેવપ્રયાગ રૂદ્રપ્રયાગ અગત્સ્યમુનિ
* સોનપ્રયાગ થઇ ગૌરીકુંડ પહોંચવું. ત્યાંથી ૧૬ કિ. મી. અતિ કઠોર ચઢાણ ચઢીને કેદારનાથ જવાય.
* સોનપ્રયાગ સુધી રોડ છે. કોઇ પણ ગાડી ત્યાં સુધી આવે, તે પછી ગૌરી કુંડ ૫ કિ.મી. ચાલીને જવાનું. ત્યાં કેટલીક ધર્મશાળાઓ અને આશ્રમ છે ત્યાં રાત્રી વિશ્રામ કરીને બીજા દિવસે કેદારનાથ ક્ષેત્ર માટે આગળ વધી શકાય.
* કેદારનાથ પહોંચતા આખો દિવસ જાય. ફરજીયાત એક રાત ઉપર રોકવું જ પડે. ત્યાં ઘણી ધર્મશાળાઓ અને આશ્રમ છે. પહેલેથી જ બુક કરીને જવાય તો સારું.
હરિદ્વારથી બદરીનાથ જવા
માટે રૂટ
હરિદ્વારથી ઋષીકેશ-દેવપ્રયાગ-ચમૌલી- જોશીમઠ- વિષ્ણુપ્રયાગ થઇ બદરીનાથ
* બદરીનાથ સુધી પાકો રોડ છે. ત્યાં જૈન ધર્મશાળા છે. યાત્રા પ્રારંભ સમયે જ સમાચાર આપી દેવા જોઇએ.
* બદરીધામમાં પ્રવેશતા જ સૌ પહેલી જૈન શ્ર્વેતામ્બર ધર્મશાળા આવે.
* અહીંથી માણા ૩ કિ. મી. છે.
નાભીરાજાના ચરણ પાદુકા ૨ કિ.મી. છે.
મરૂદેવામાતા મંદિર ૩ કિ. મી. છે. (માતા મંદિર)
સરસ્વતી નદી ૩ કિ. મી. છે.
એક સાથે ચારે ધામ જવું હોય તો પ્રથમ યમનોત્રી જવું. ત્યાંથી ગંગોત્રી-કેદારનાથ થઇ બદરીનાથ જવું જોઇએ.
* પણ જૈન સાધુએ આટલો પરિશ્રમ ન કરવો હોય તો ગંગોત્રી-ગૌમુખ અને બદરીનાથ ક્ષેત્ર જાય એ વધુ શ્રેષ્ઠ છે. હિમાલયની આહલાદકતા માણવાનાં, ક્ષેત્રની દિવ્યતાનો આભાસ કરવાના આ ત્રણ ક્ષેત્રો સૌથી સારા છે.
* હરિદ્વારથી ગંગોત્રી-ગૌમુખ-બદરીનાથ સુધી લગભગ ૧૨૦૦ કિ.મી.ની વિહાર યાત્રા થાય. જોકે આ જ સાર્થક છે.
હિમાલય અનુભવ
* હિમાલયની યાત્રા એટલે સ્વર્ગમાં મહાલવા જેવું. ‘શું સાચે જ આવું જ સ્વર્ગ હશે?’
* હિમખંડિત ધવલ શિખરોની શોભા શબ્દો વર્ણન કરી શકે તેમ નથી.
* હિમખચિત ગિરિશૃંગો જાણે આભમાં વિલીન થઈ જાય છે. ક્યારેક આકાશ અને શિખરનો ભેદ કરવો દુષ્કર થઈ પડે.
* ‘વિચ્છુઘાંસ’ એક વનસ્પતિ છે એને અડવાથી વીંછીએ દંશ માર્યો હોય તેવી વેદના થાય. ઓછામાં ઓછા ૩-૪ કલાક વધારેમાં વધારે ૨૪ કલાક.
* એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે કાચા રસ્તા ઘણા છે પણ કેટલીક પ્રતિકૂળતાઓ.
– ડુંગર પર સીધું ઊંચું ચઢાણ હોય.
– રસ્તામાં છૂટા પથ્થરો પર જ ચાલવાનું હોય.
– નીચે ઊતરતા પણ પથ્થરો પર પગ મૂકીને જ ઉતરાય. પથ્થર ગબડ્યો તો ‘ધબાય નમ:’
– ક્યારેક લીલોત્તરીની સંભાવના ખરી.
– હિમાલય જલ બહુલ ક્ષેત્ર છે એટલે કાચા રસ્તે કીચડની સંભાવના ખરી.
– ગમેે ત્યારે વરસાદ પડે. બરફ પડે.
– ‘જોંક’ નામનું એક જીવડું પગમાં ચોંટી જાય લોહી પીએ ખબર જ ન પડે કે ‘જીવડું લોહી પીએ છે.’ પગ પરથી જીવડું દૂર કર્યા પછી ખૂબ લોહી નીકળે.
– ‘જોંક’ પગમાં ન લાગે તે માટે એક કાચલી પાણીમાં બે ઠાંકણ ‘ડેટોલ’ મીક્ષ કરી ઢીંચણ સુધી રૂ દ્વારા લગાવવામાં આવે તો ‘જોંક’ ચોટે નહીં. ચોંટી હોય તો નીકળી જાય મરે નહીં. કેટલાક પગમાં મીઠું ઘસવાનું કહે છે પણ તેનાથી ‘જોંક’ મરી જાય છે. એવું કરવું નહીં.
– જંગલમાં જ રાત પડી જાય તો જંગલી જાનવરોનો ભય.
અમે એક રાત એક જંગલી ઝૂંપડીમાં રહ્યા હતા. આખી રાત સુવર-દીપડો-રીંછ અમારી ઝૂંપડીની ચારે બાજુ ફરતા રહ્યા. આખી રાત ઝૂંપડીનો દરવાજો ખોલ્યો નહીં.
– રોડ ઉપર ૧૦ કિ.મી. ચાલો અને કાચા રસ્તા માત્ર ૨ કિ.મી. ચાલો શક્તિ એક સરખી વપરાય.
– રસ્તાના કિનારા પર અને વૃક્ષો ઉપર નીલ ફૂલ હોય છે. કેટલીક જગ્યાઓ તો એવી છે જ્યાં ૨૪ કલાકમાં ક્યારેય સૂરજનો તડકો આવતો નથી. સતત અંધકાર અને ઠંડક હોય છે.
* એપ્રિલ-મે-જૂન-જુલાઈ અહીં આવવા માટે સૌથી સારો સમય છે.
* પારિષ્ઠાપનીકા માટે ઉચિત સ્થાનો છે. દોષ લગાડવાની બિલકુલ જરૂર નથી. પ્યાલાનો ઉપયોગ સર્વોત્તમ છે.
* અહીં ઊતરવાના સ્થાન તરીકે મંદિર – આશ્રમ મળશે. સ્કૂલોની સંભાવના નહીંવત્ છે.
* મંદિરમાં ઊતરવાનું થાય તો પૂજારી દાન – દક્ષિણાની અપેક્ષા રાખે જ.
* અહીં ક્યાંય ‘નોનવેજ’ વપરાતું નથી.
* કંદમૂળનો ઉપયોગ વધુ છે.
* મંદિરમાં ઊતરો તો લઘુ-વડિનીતિનો વિવેક ખૂબ રાખવો.
* રસ્તામાં ચાલતા-ચાલતા જ એક દિવસના ૧૫-૨૦ ઝરણા જોવા મળે.
* રોડ નદીઓના કિનારે-કિનારે જ ચાલે છે. ક્યારેક પણ મન થાય તો ધ્યાન-જાપ આદિ માટે નદી કિનારે બેસી શકાય. નદી કિનારે મોટી-મોટી શીલા હોય. ઉપર આસન જમાવી દેવું.
* ગંગા નદીનું પાણી સફેદ છે. યમુનાનું કાળું છે.
* યમુનોત્રીથી ઉપર ૧૦ કિ.મી. ડુંગર ચઢીને જતા સપ્તર્ષિકુંડ છે તેમાં શ્રાવણ મહિને ‘બ્રહ્મકમળ’ ઊગે છે. પણ રસ્તામાં બરફ હોય છે, પૂછીને જવું. ભોમિયોે તો સાથે જોઈશે જ.
(ક્રમશ:)