હાલ-બેહાલ કાળઝાળ ગરમી અને પ્લૅટફૉર્મ છાપરા વગરના

આમચી મુંબઈ

દાદર સેન્ટ્રલ રેલવે પ્લેટફોર્મ નંબર ૫ -દાદર સેન્ટ્રલ રેલવે પ્લેટફોર્મ નંબર ૪ -કુર્લા રેલવે સ્ટેશન ૧, ૨, ૩, ૪ -માનસરોવર -દાદર વેર્સ્ટન રેલવે પ્લેટફોર્મ નંબર ૨ -વિક્રોલી પ્લેટફોર્મ નંબર ૪ -સાયન -મુંબઈ સેન્ટ્રલ રેલવે પ્લેટફોર્મ નંબર ૩, ૪

હાલાકી અપાર:કોરોના સંબંધિત નિયંત્રણો હટાવવામાં આવ્યા પછી મુંબઈ સહિત પરાંના વિસ્તારોમાં ગરમીએ માઝા મૂકી છે. ગરમીની હજુ વિદાય થઈ નથી, ત્યાં ચોમાસાના દિવસોની ઘડીઓ ગણાઈ રહી છે. વિવિધ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર શેડ્સ-છાપરા નાખવા મુદ્દે હવે રેલવે પ્રશાસન આંખ આડા કાન કરશે તો પ્રવાસીઓની કેટલી હાલાકી વધશે તે વિવિધ સ્ટેશન પરના પ્લેટફૉર્મ પરથી જોઈ શકાય છે. (અમય ખરાડે)

મુંબઈના પ્રવાસીઓની હાલાકી પ્રત્યે રેલવેની ઘોર ઉપેક્ષા -ચોમાસાને પખવાડિયું રહ્યું છે, ક્યારે જાગશે રેલવે પ્રશાસન?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોરોનામાંથી મુક્તિ મળ્યા પછી મુંબઈ સહિત મેટ્રોપોલિટન રિજનના નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી નથી. જાહેર પરિવહન ક્ષેત્રે બેસ્ટ સહિત લોકલ ટ્રેનોમાં નાગરિકોને અવરજવર કરવાની મંજૂરી મળ્યા પછી પણ રેલવેમાં એક બાજુ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયા કરે છે, જેમાં લોકલ ટ્રેનોમાં પણ પ્રવાસીઓની ભીડ વધતા પ્રવાસીઓની હાલાકી વધી છે. બીજી બાજુ આ કાળઝાળ ગરમીમાં અનેક રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર છાપરા નહીં હોવાથી હજુ ગરમીનો આકરો અનુભવ કરવો પડે છે. મુંબઈના અનેક રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર છાપરા-કવર લગાવવા અંગે વારંવાર પ્રશાસનને ભલામણ કરવામાં આવ્યા પછી પણ આ મુદ્દે પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યા હોવાનો દાવો પ્રવાસી સંગઠને કર્યો હતો.
અત્યારે રેલવે સ્ટેશનના પરિસરમાં પ્રવાસીઓની અવરજવરની સંખ્યા ૭૫ લાખને પાર કરી છે, જેમાં સ્ટેશન પરિસરના વિવિધ એન્ટ્રી-એક્ઝિટ ડોર ખોલવાની સાથે લિફ્ટ-એસ્કેલેટર ચાલુ કર્યા પછી છાશવારે ખોટકાય છે, પરિણામે સિનિયર સિટિઝનને ટ્રાવેલ કરવામાં હાલાકી પડે છે. હજુ અમુક સ્ટેશનમાં નવા ફૂટઓવર બ્રિજ (એફઓબી), સ્ટેશનના શેડનું રિપેરિંગ કામકાજ ચાલુ છે. જોકે, નિયંત્રણો નાબૂદ કર્યા પછી રેલવે સ્ટેશનના પરિસરમાં નવા બ્રિજ બનાવવાથી લઈને મરમ્મત કામકાજ તથા પ્લૅટફૉર્મ પરના શેડ નાખવા મુદ્દે ઘોર ઉદાસીનતા સેવી રહ્યા છે. વિક્રોલી હોય કે દાદર કે પછી કુર્લા રેલવે સ્ટેશન (સીએસએમટી અને કલ્યાણ સાઈડ) વગેરે જગ્યાએ કામ નહીં થયું હોવાથી હજુ પણ પ્રવાસીઓને ગરમીમાં ટ્રેન પકડવામાં હાલાકી પડે છે. ચોમાસા પૂર્વે જો કામ પાર પાડવામાં આવશે નહીં તો પ્રવાસીઓની હાલાકી વધશે, તેથી વહેલી તકે શેડસ મૂકવાનો અનુરોધ કર્યો છે, એમ મુંબઈ રેલવે પ્રવાસી સંગઠનના પ્રમુખ સુભાષ ગુપ્તાએ જણાવ્યું હતું.
મધ્ય રેલવેમાં દાદર, કુર્લા, વિક્રોલી, ભાંડુપ સહિત હાર્બર લાઈનમાં માનસરોવર વગેરે સ્ટેશનના પ્લૅટફૉર્મને પૂરા શેડથી કવર કરવામાં આવ્યા નથી. આમ છતાં અમુક સ્ટેશનના પ્લૅટફૉર્મને સંપૂર્ણ કવર કરવાનું મુશ્કેલ છે, પરંતુ મહત્ત્વના સ્ટેશન પર કામકાજ ચાલી રહ્યું છે. ચોમાસા પૂર્વે એનું કામકાજ પૂરું પાડવામાં આવશે. હાલના તબક્કે ચોમાસા સંબંધિત કામકાજ ૮૦થી ૯૦ ટકા પાર પાડવામાં આવ્યું છે. અમુક સ્ટેશન પરના પ્લૅટફૉર્મના શેડ્સ જ નહીં, પરંતુ નાળા, ગટર તથા રેલવે ટ્રેક પરથી કચરાને હટાવવાની કામગીરી ચાલુ છે, જે આગામી દસેક દિવસમાં પૂરું કરવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.
પશ્ર્ચિમ રેલવેમાં દાદર, સાંતાક્રુઝ, બાંદ્રા સ્ટેશન, અંધેરી, જોગેશ્ર્વરી તથા વસઈ વગેરે સ્ટેશનના પ્લૅટફૉર્મને શેડથી સંપૂર્ણ કવર કરવામાં આવ્યા નથી. દાદર સ્ટેશનની વાત કરવામાં આવે તો વર્ષોથી પાંચ નંબરના પ્લૅટફૉર્મ (ચર્ચગેટ દિશા)ને કવર મળ્યું નથી. આ મુદ્દે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ડાયરેક્ટ કવર કરવામાં આવે નહીં તો તેને એટલિસ્ટ હંગામી ધોરણે કવર લગાવવામાં આવે. જો આ મુદ્દે કોન્ટ્રાક્ટર કામ કરવામાં વિલંબ કરે તો તેને દંડ કરવાની પણ ડિવિઝનલ રેલવે મૅનેજરને રજૂઆત કરી છે. ચોમાસાને હવે પંદરેક દિવસ બાકી છે ત્યારે વહેલામાં વહેલી તકે બાકી સ્ટેશનના પ્લૅટફૉર્મ પરના શેડ લગાવવાની ભલામણ કરીએ છીએ, એમ રેલવે બોર્ડની પેસેન્જર એમ્નિટીઝ કમિટીના મેમ્બર કૈલાશ વર્માએ જણાવ્યું હતું.
ચર્ચગેટથી વિરાર કોરિડોરમાં ચોમસા સંબંધિત વિવિધ સ્ટેશન પર નવા બ્રિજ બનાવવાથી લઈને સ્ટેશન પરના શેડ નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જે કામકાજ ચોમાસા પૂર્વે પાર પાડવામાં આવશે, એમ પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરેએ જણાવ્યું હતું. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.