હાર્દિક માટે ભાજપમાં પણ કપરાં ચઢાણ જ છે

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અંતે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયો. કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે ભાજપનાં વખાણ કરવા માંડેલાં તેથી એ ભાજપમાં જોડાશે એ નક્કી જ હતું પણ દિલ્હીથી ભાજપ હાઈકમાન્ડની લીલી ઝંડી મળે તેની રાહ જોવાતી હતી. બે દિવસ પહેલાં લીલી ઝંડી મળ્યા પછી પણ ભાજપે સત્તાવાર રીતે હાર્દિક ભાજપમાં જોડાશે એવી જાહેરાત નહોતી કરી પણ ભાજપના નેતાઓએ પેપર ફોડી નાંખેલું.
ભાજપે તો બુધવારે સાંજે મોકલેલી પ્રેસ નોટમાં પણ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે એવું લખ્યું નહોતું. તેના બદલે બે ટોચના નેતા ભાજપમાં જોડાશે એવું લખેલું. અલબત્ત આ બે નેતામાંથી એક હાર્દિક છે એવી બધાંને ખબર હતી તેથી તેની જોરશોરથી ચર્ચા ચાલુ જ થઈ ગયેલી. હાર્દિકને આવકારવા કોણ કોણ હાજર રહેશે ત્યાંથી માંડીને હાર્દિકને ભાજપમાં શું અપાશે ત્યાં સુધીની ચોવટ જોરશોરથી ચાલુ થઈ ગયેલી.
હાર્દિક પટેલને ભાજપના મુખ્યાલય કમલમ ખાતે લીલા તોરણે પોંખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે એવી વાતો પણ વહેતી થયેલી. હાર્દિકની ભાજપમાં એન્ટ્રી વખતે જોરદાર શક્તિપ્રદર્શન કરાશે એવું પણ ચર્ચાતું હતું પણ એવું કશુ ના થયું. હાર્દિક પટેલે વિજય મુહૂર્તમાં કેસરિયો ખેસ ધારણ કર્યો ત્યારે તેમને પોંખવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને તેમના અડુકિયા-દડુકિયાઓ જેવા પાંચ-સાત નેતા સિવાય કોઈ હાજર નહોતું.
હાર્દિકના પ્રવેશ સામે ભાજપમાં અણગમો નથી એવું બતાવવા વખારમાંથી કાઢીને નીતિન પટેલને હાજર રખાયા પણ એ સિવાય ભાજપમાંથી બીજું કોઈ મોટું માથું હાજર નહોતું. નીતિન પટેલે હાર્દિકને ખેસ પહેરાવ્યો ને પાટીલે ટોપી પહેરાવીને હાર્દિકનો વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરાવ્યો પછી ચાલતી પકડી. હાર્દિકે એ પછી કરેલી પત્રકાર પરિષદમાં પણ ભાજપના કોઈ નેતા હાજર ના રહ્યા. ભાજપના પ્રવક્તાઓએ હાર્દિકની સાથે બેસવાની ઔપચારિકતા નિભાવી પણ પ્રદેશ પ્રમુખ પાટીલે પોતે હાર્દિક સાથે હાજરી આપવાનું ટાળ્યું.
મજાની વાત એ છે કે, હાર્દિકના ભાજપ પ્રવેશના કલાક પહેલાં જ અમદાવાદમાં યુવા નેતા શ્ર્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાયેલાં. શ્ર્વેતા બ્રહ્મભટ્ટ પણ પહેલાં કૉંગ્રેસમાં જ હતાં ને હાર્દિક કૉંગ્રેસમાં ગયાં એ પહેલાં કૉંગ્રેસ પ્રવેશ કરેલો. હાર્દિક તો ૨૦૧૯માં કૉંગ્રેસમાં આવ્યો જ્યારે શ્ર્વેતા તો ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પર અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલાં. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જે બેઠક પરથી ચૂંટાતા એ બેઠક પરથી શ્ર્વેતા લડેલાં ને એ વખતે મોદીએ મણિનગરનો વિકાસ કરવા કંઈ ના કર્યું એવા આક્ષેપો કરતાં હતાં.
આ શ્ર્વેતા બ્રહ્મભટ્ટને આવકારવા સી.આર. પાટીલ પોતે તો હાજર હતા જ પણ સંગઠનના બીજા કેટલાક નેતા પણ હાજર હતા. મહત્ત્વની વાત એ છે કે, શ્ર્વેતાને ભાજપમાં પ્રવેશ પછી ભાજપના કાર્યકરોને સંબોધવાની તક અપાઈ. એ વખતે પણ પાટીલ હાજર હતા જ્યારે હાર્દિક પટેલને તો ભાજપના કાર્યકરોને સંબોધવાની તક પણ ના અપાઈ. શ્ર્વેતાએ મીડિયાને સંબોધન કર્યું ત્યારે પણ પાટીલ હાજર હતા જ્યારે હાર્દિકની પત્રકાર પરિષદથી પાટીલ સાવ અળગા રહ્યા. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે હાર્દિકને ભાજપમાં પ્રવેશ અપાવવાની ઔપચારિકતા નિભાવવાની હોય એટલે એ આવ્યા ખરા પણ મનથી નહીં, કમને કામ પતાવીને નિકળી ગયા.
શ્ર્વેતા બ્રહ્મભટ્ટની સરખામણીમાં હાર્દિક બહુ મોટો નેતા કહેવાય. રાજકીય સમીકરણોને ધ્યાનમાં લો તો હાર્દિકનો ભાજપમાં પ્રવેશ ભાજપ માટે પણ શ્ર્વેતાના ભાજપ પ્રવેશ કરતાં વધારે ફાયદાકારક સાબિત થવાનો જ છે છતાં ભાજપે શ્ર્વેતાના પક્ષમાં પ્રવેશમાં ભારે હરખ બતાવ્યો જ્યારે હાર્દિક પટેલને કમને આવકારતા હોય એવો દેખાવ કર્યો તેના પરથી સ્પષ્ટ છે કે, હાર્દિકને લેવા મુદ્દે ભાજપમાં તડાં છે જ. ભાજપનો એક મોટો વર્ગ હાર્દિકને લેવાના મતનો નથી ને ભાજપની ટોચની નેતાગીરી પણ હાર્દિકને બહુ મહત્ત્વ આપવા નથી માંગતી એ સ્પષ્ટ થઈ ગયું. હાર્દિક સામેથી ભાજપમાં આવી રહ્યો છે તો તેને લઈ લો, બાકી તેને માથે ચડાવીને બહુ ચગાવવાનો નથી એવી સ્પષ્ટ સૂચના ઉપરથી આવી હોય એ રીતે ભાજપ વર્ત્યો છે.
ભાજપના આ વર્તનનું કારણ ભાજપની જૂથબંધી મનાય છે. ગુજરાત ભાજપમાં આનંદીબેન પટેલ અને અમિત શાહ વચ્ચે વર્ચસ્વ માટે વરસોથી લડાઈ ચાલે છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી આ જંગ ચાલે છે. મોદી વડા પ્રધાન બન્યા પછી આ જંગ ઉગ્ર બન્યો છે કેમ કે હવે જે પણ ફાવે તેના હાથમાં સીધી સત્તા આવે છે. મોદીના સ્થાને આનંદીબેનને મુખ્યમંત્રી બનાવાયાં તેથી પહેલા રાઉન્ડમાં આનંદીબેન જીતેલાં પણ પાટીદાર અનામત આંદોલનના કારણે આનંદીબેને રાજીનામું ધરવું પડ્યું પછી વિજય રૂપાણીને ગાદી પર બેસાડીને શાહે બદલો લીધેલો.
રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને બેસાડીને આનંદીબેને ત્રીજો રાઉન્ડ જીતેલો. હવે પાંચ મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીથી માંડીને પ્રચાર સુધીની બાબતોમાં પોતાનો હાથ ઉપર રહે એ માટે ફરી જંગ શરૂ થઈ ગયો છે. તેના ભાગરૂપે અમિત શાહ હાર્દિક પટેલને લઈ આવ્યા હોવાનું કહેવાય છે. આનંદીબેનનો તેની સામે વિરોધ હતો પણ હાર્દિકના કારણે પાટીદારોના મત મળે તેમ હોવાથી હાર્દિકનો ભાજપ પ્રવેશ સરળ બન્યો. હાર્દિકની એન્ટ્રીને મંજૂરી આપીને શાહને સાચવી લેવાયા પણ બહુ તામઝામ નહીં કરીને આનંદીબેનની નારાજગી થોડીક ઓછી કરી દેવાઈ.
ભાજપના વર્તન પરથી સ્પષ્ટ છે કે, હાર્દિક માટે ભાજપમાં કપરાં ચઢાણ છે ને તેણે ભાજપમાં પણ સામે વહેણે તરવાનું જ છે. સામે ભાજપમાં જવાનો નિર્ણય લઈને હાર્દિકે પણ બહુ મોટો જુગાર ખેલ્યો છે. હાર્દિકે પાટીદાર અનામત આંદોલન વખતે ભાજપ સામે બાખડી બાંધીને પોતે છાતીવાળો છે એ સાબિત કરેલું. નવ મહિના જેલમાં રહીને પણ તેણે શરણાગતિ નહોતી સ્વીકારી. એ પછી કૉંગ્રેસમાં જઈને તેણે સામા વહેણે તરવાની હિંમત દાખવી હતી. હવે ભાજપમાં આટલા ઉગ્ર વિરોધ છતાં જોડાવાની હિંમત કરીને હાર્દિકે ફરી એ જ વાત સાબિત કરી છે.
હાર્દિક ભાજપમાં ટકશે કે કેમ એ જોવાનું છે. આ નિર્ણય હાર્દિકનું રાજકીય ભાવિ નક્કી કરશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.