મિજાજ મસ્તી -સંજય છેલ
હાથ ને સાથ તૂટે ત્યારે જ સમજાય! (છેલવાણી)
એક પૈસાવાળા માણસે ગાડી ચલાવતી વખતે એક માણસને સહેજ ગાડીની ટક્કર લગાડી. હવે જેવો ઍક્સિડન્ટ થયો હતો એણે ગાડીવાળા પર કરોડોનો દાવો કર્યો. મામલો કોર્ટમાં પહોંચ્યો. કોર્ટમાં કારચાલકના વકીલે પેલા દાવેદાર માણસને પૂછ્યું કે, ‘એક્સિડન્ટથી તમને શું તકલીફ થઈ છે?’
પેલાએ કહ્યું, ‘અકસ્માત પછી મારો જમણો હાથ ઉપર ઊઠતો જ નથી જેને કારણે હું કામ કરી શકતો નથી. ‘વકીલે પૂછ્યું કે, ‘એક્ઝેટલી કેટલો ઉપર ઉઠે છે?’ પેલા દાવેદારે એનો હાથ થોડો ઊંચો કરીને બતાવીને કહ્યું, ‘આનાથી વધારે ઊંચો થતો નથી.’ સ્માર્ટ વકીલે પૂછ્યું, ‘એક્સિડન્ટ પહેલા તારો હાથ કેટલો ઊંચો જતો હતો?’ પેલા માણસે જોશમાં આવીને તરત આખો હાથ આકાશ તરફ ઊંચો કરીને કહ્યું, ‘આટલો ઊંચો!’ અને એનું જૂઠાણું પકડાઇ ગયું.
ઈન શોર્ટ, હાથ તમારા કર્મોની કરમ કહાણી કહી દે છે! આપણે ત્યાં દિલના મેળાપ કરતાં હસ્તમેળાપનું માન વધારે છે! આપણે ત્યાં હસ્તરેખા જોઈને ભવિષ્ય ભાખનારા ઘણા છે, પણ ચહેરા પર ચિંતાની રેખાઓ વાંચનારા બહુ ઓછા છે! હાથ, પ્રાર્થના કરી શકે છે, રોટી બનાવી શકે છે, સોટી વીંઝી શકે છે, એક આંગળી વડે સરકાર બદલી શકે છે, રંગહીન જીવનમાં રંગબેરંગી ચિત્રોની ભરમાર ઊભી કરી શકે છે, પિયા કે પ્રિયા માટે પિયાનો બજાવી શકે છે, સત્તા સામે સલામ બજાવી શકે છે, કવિતા કે કલામ રચી શકે છે. કોઇ કવિએ કહ્યું છે કે- વરસાદની ફિંગરપ્રિંટ જોવી હોય તો આકાશ તરફ મીટ માંડીને હાથની છાજલી બનાવીને જોતા ખેડૂતની હથેળી જોઇ લેવી!
આ હાથની કથા એટલે માંડી છે કે હમણાં બે મહિના અગાઉ અમે લપસી ગયા ને અમારો જમણો હાથ ભાંગ્યો છે. ના, ના કોઇના પ્રેમની સ્માઇલ્સ પર નહીં પણ ઘરની ટાઇલ્સ પર અને જમણાં હાથના ખભાનું હાડકું તૂટ્યું. આ આર્ટિકલ પણ ધ્રૂજતા ડાબે હાથે લખી રહ્યા છીએ. ત્યારે હવે આજે હાથની ખરી કિંમત સમજાય છે.
વિશ્ર્વયુદ્ધમાં એક સૈનિકનો હાથ કપાઈ ગયો, પણ વર્ષો સુધી એને પેલા કપાયેલ હાથની જગ્યા પર બહુ ખંજવાળ આવતી હતી! એટલે કે જે હાથ હતો જ નહીં ત્યાં ખંજવાળ! સૈનિક, ઘણાં ડૉક્ટર-મનોવૈજ્ઞાનિકો પાસે ગયો પણ છેવટે એક ડૉક્ટરે કહ્યું, ‘તું શોધ કે તારો કપાયેલો હાથ ક્યાં દાટ્યો છે?’
સૈનિક, યુદ્ધવાળી એ જગ્યા પર ગયો જ્યાં મરી ગયેલા અનેક સૈનિકોની લાશ અને અનેક કપાયેલા અંગ-ઉપાંગો દાટવામાં
આવ્યા હતા. ત્યાં એને એના હાથનું હાડપિંજર મળ્યું. પછી એણે ડૉક્ટરના કહેવા પ્રમાણે એને આડું-અવળું કર્યું. આમ કરવાથી
અચાનક એની ખંજવાળ મટી ગઈ! છે ને હાથની અજબ સાયકોલોજિકલ કહાની! મેડિકલ ભાષામાં આને આને ‘ફેંટમ લિંમ્બ સિંડ્રોમ’ કહેવાય!
શેક્સપિયરની ‘મેકબેથ’ નામની વાર્તામાં એક ગુનેગાર પાત્ર પોતે કરેલા ખૂનના અપરાધને ભૂલી નથી શકતું અને વારેવારે જાણે હાથ પર લોહીના ધાબા હોય એમ અપરાધ ભાવથી ધારીને ધોયા કરે છે. હાથનું મનોવિજ્ઞાન અજીબ છે.
ઈન્ટરવલ:
હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે,
વક્ત કી શાખ સે લમ્હેં નહીં તોડા કરતે! (ગુલઝાર)
હાથનો સ્પર્શ તમારાં તનમનનું એંટીના બનીને કામ કરતો હોય છે. જેવો તમે કોઈનો હાથ, હાથમાં લ્યો કે તરત જ ખબર પડવા માંડે કે એ વ્યક્તિ કેવી છે. તમારા પ્રિય પાત્રની આંગળીઓ, તમારી આંગળીઓમાં કઈ રીતે ગૂંથાઈ જાય છે એનાં પરથી ખ્યાલ આવી જાય કે બેઉમાં કેમિસ્ટ્રી છે કે નહીં.
ઘણાં લોકો લોન આપતાં હોય એમ માત્ર ત્રણ જ આંગળીઓ
આગળ કરીને અચકાય, ઘણાં તો લોટ મસળતાં હોય એમ તમારાં પંજાને દબાવે. એક શેકહેન્ડથી માણસના કેરેક્ટરનો કાર્ડિયોગ્રામ
મળી જાય.
હિંદી ફિલ્મના મશહૂર ગીતકાર મજરૂહ સુલ્તાનપૂરીએ હાથ પર અનેક વાર કવિતાઓ કે ગીતો લખ્યા છે. એમની એક અમર ગઝલ છે, ‘તેરા હાથ હાથ મેં આ ગયા, કિ ચિરાગ રાહ મેં જલ ઊઠે.’ જે હવે કહેવત સમાન બની ગઈ છે. તો શાયર નિદા ફાજલીએ લખ્યું હતું કે, ‘દિલ મિલે ના મિલે, હાથ મિલાતે રહીએ.’ વળી આનંદ બક્ષીએ લખેલું કે, ‘હાથોં કી ચંદ લકીરોં કા, યે ખેલ હૈં બસ તકદીરોં કા!’ તો ગુજરાતીમાં ઓલ ટાઈમ ફેવરેટ કવિ રમેશ પારેખે તો હાથ પર આખેઆખું હસ્તાયણ લખેલું. જેમ કે-
હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાંને સ્પર્શવાથી મેલા છે.
ખભાથી આંગળી સુધીના સ્ટેજ પર આ હાથ
હાથ હોવાનો અભિનય કરી રહેલા છે.
એક એવું સંશોધન થયું છે કે હાથને વારંવાર સાફ કરવાથી માણસમાં આશા વધે છે. જર્મનીમાં કોલોની યુનિવર્સિટી ખાતે ડૉ. કાસ્પરે ત્રણ ગ્રૂપ બનાવીને સૌને અમુક અધરાં કામ આપ્યાં. એમાં જે ગ્રૂપનાં લોકોએ હાથ ધોઇને કામો કર્યાં એમનામાં કામ પૂરું કરવાની ઇચ્છા ડબલ થઇ ગઇ.
કદાચ ડૉ. કેસ્પરે પણ આવો વિચિત્ર સર્વે કરવાનું હાથ ધોઇ
વિના જ નક્કી કર્યું હશે, કારણ કે જો હાથ જ ધોવાથી નિરાશાવાદ
દૂર થતો હોત તો કપડાં ધોનારાં ને વાસણ માંજનારા ક્યાંનાં ક્યાં પહોંચી ગયાં હોત! મેં પણ ઘણીવાર હાથ ધોઇ જોયાં પણ મારામાં કોઇ આશા ના જન્મી પણ મોંઘો સાબુ વેડફાયો એની નિરાશા
જન્મી ખરી!
ચલો, આજે તો પહેલીવાર હાથ ભાંગ્યો છે, બાકી દિલ ભાંગવાની તો સિલ્વર જ્યુબિલી મનાવી છે.
એન્ડ ટાઈટલ્સ:
આદમ: મારા હાથમાં શું શોધે છે?
ઈવ: મારાં સિવાય કોનું કોનું નામ છે?