હાઈ વોલ્ટેજ ડ્રામામાં ભાજપે બાજી મારી પવાર-ઉદ્ધવને ધોબીપછાડ, ફડણવીસ મહારાષ્ટ્રના કદાવર નેતા

આમચી મુંબઈ

ભાજપના ત્રણેય ઉમેદવારો વિજયી – શિવસેનાના સંજય પવારનો પરાજય

ઉજવણી: રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ બેઠક ભાજપ (ભારતીય જનતા પક્ષ)ને મળ્યા પછી મુંબઈસ્થિત ભાજપની કચેરીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની સાથે કાર્યકરોએ વિજયની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી, ત્યારે પક્ષના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રકાંત પાટીલ, પીયૂષ ગોયલ પરસ્પર એકબીજાને પેંડા ખવડાવતા જોવા મળ્યા હતા. (અમય ખરાડે)

મુંબઈ: શુક્રવારે મોડી રાતે સુધી ચાલેલી મતગણતરીના અંતે પરિણામ તો ભાજપના પલડામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના શિવસેના, એનસીપી અને કોંગ્રેસના શાસક ગઠબંધનને મોટા આંચકામાં ભાજપે રાજ્યસભાની છમાંથી ત્રણ બેઠકો જીતી લીધી હતી. જોકે સત્તાધારી ગઠબંધને મતગણતરીના વિલંબ પર પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો.
ભાજપના વિજેતાઓમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, પૂર્વ રાજ્ય પ્રધાન અનિલ બોર્ડે અને ધનંજય મહાડિકનો સમાવેશ થાય છે, જ્યારે શિવસેનાના સંજય રાઉત, એનસીપીના પ્રફુલ્લ પટેલ અને કોંગ્રેસના ઈમરાન પ્રતાપગઢીનો વિજય થયો હતો.
૨૮૪ માન્ય મતોમાંથી ગોયલને ૪૮, બોન્ડેને ૪૮, મહાડિકને ૪૧.૫૬, રાઉતને ૪૧, પ્રતાપગઢીને ૪૪ અને પટેલને ૪૩ મત મળ્યા હતા. ખરો જંગ તો છઠ્ઠી બેઠક માટે હતો. ભાજપે ભૂતપૂર્વ સાંસદ ધનંજય મહાડિકને મેદાનમાં ઉતાર્યા હતા અને શિવસેનાના ઉમેદવાર સંજય પવાર હતા, જેઓ હારી ગયા હતા. મહાડિક અને પવાર પશ્ર્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુરના વતની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ અને સત્તાધારી ગઠબંધન દ્વારા ક્રોસ વોટિંગ અને નિયમોના ભંગની ફરિયાદો વચ્ચે આઠ કલાકના વિલંબ બાદ મતગણતરી શરૂ થઇ હતી. ભાજપ અને શિવસેના બંનેએ ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને ક્રોસ વોટિંગનો આરોપ લગાવીને મતોને ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી.
મતદાન પેનલે મહારાષ્ટ્રના રાજ્યસભા ચૂંટણીના રિટર્નિંગ ઓફિસરને શિવસેનાના વિધાનસભ્ય સુહાસ કાંડે દ્વારા આવેલા મતને નકારી કાઢવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યાર બાદ મોડી રાતે એક વાગ્યા પછી મતગણતરી શરૂ થઇ હતી. જોકે પ્રથમ પરિણામ બે કલાક બાદ આવ્યું હતું.
અદભુત આંચકા પછી કોંગ્રેસના નેતાઓએ શાસક મહાવિકાસ આઘાડીમાં સંકલનમાં ખામીઓ સ્વીકારી હતી. મહારાષ્ટ્રના મહેસૂલપ્રધાન બાલાસાહેબ થોરાતે વિધાનભવનમાં પત્રકારોને કહ્યું હતું કે શું ખોટું થયું તે અભ્યાસનો વિષય છે.
ભાજપ મતગણતરી અટકાવવામાં અને એક મત અમાન્ય કરવામાં ચાલાક હતો. અમને વિશ્ર્વાસ હતો કે અમારા ચારેય ઉમેદવારો આરામથી જીતશે, એવું કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું. દરમિયાન સંજય રાઉતે ચોથા એમવીએ ઉમેદવારની હાર માટે પોલ પેનલને જવાબદાર ઠેરવી હતી. ચૂંટણી પંચે અમારો એક મત અમાન્ય બનાવ્યો. અમે બે મત સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તે માગ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
અમે ગેમપ્લાન કરવામાં નિષ્ફળ ગયા: નાના પટોલે
રાજ્યસભાની છઠ્ઠી બેઠક રસાકસીભરી હતી. આખરે રાજ્યસભાની છઠ્ઠી બેઠકનું ફાઈનલ પરિણામ આવી ગયું. એમવીએના ૩ અને ભાજપના ૩ ઉમેદવાર જીત્યા. આના પર નાના પટોલેએ દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન તાકતાં કહ્યું હતું કે ખરેખર ચારેય ઉમેદવાર ચૂંટાઈ આવે એ કામ કઠિન નહોતું. આ ચૂંટણી ગેમ પ્લેનની હતી, એવો આરોપ તેમણે ભાજપ કર્યો હતો. આ ચૂંટણી માટે પૈસાનો અને કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ એ ગેમ પ્લાનનો એક ભાગ હતો. આમાંથી અમને ઘણું શીખવા મળ્યું છે.
————-
ફડણવીસે ચમત્કાર કર્યો: શરદ પવાર
મહારાષ્ટ્રમાં ભગવા પાર્ટીએ ચૂંટણી લડેલી ત્રણેય રાજ્યસભા બેઠકો જીત્યા પછી એનસીપીના વડા શરદ પવારે જણાવ્યું હતું કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અપક્ષોને તેમની બાજુમાં લાવવામાં સફળ થયા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણીનાં પરિણામોમાં કંઇ ચોંકાવનારાં નથી, જેમાં શિવસેનાનો એક ઉમેદવાર હારી ગયો હતો. ખરો ચમત્કાર તો દેવેન્દ્ર ફડણવીસે કર્યો કે જેમણે અપક્ષ અને નાના પક્ષોના વિધાનસભ્યોને ગઠબંધનથી દૂર રાખવામાં સફળ થયા હતા. ———–
હોર્સટ્રેડિંગને કારણે ભાજપ જીત્યું: રાઉત
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ત્રણ બેઠક પરથી ભાજપની જીતને હોર્સટ્રેડિંગને કારણે થઇ હોવાનું શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું. શનિવારે તેમણે ચૂંટણી પંચ પર વિરોધ પક્ષને સાથ આપવાનો આરોપ પણ મૂક્યો હતો. અમારા ઉમેદવાર તેમના મતોની ખાતરી હોવા છતાં કેટલાક ઘોડાબજાર થયા હતા, જેને કારણે અમારે હારનો સામનો કરવો પડ્યો હતો. ઉ ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.